મળ્યો એક રોકડો ડૂમો ને પરચૂરણ કંઈ ડૂસકાં,
અહીં બીજું તો શું પામે નયન દેસાઈ એસ.એસ.સી.?
નયન દેસાઈ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for April, 2023

તુંયે જવાબદાર છે! – રતિલાલ ‘અનિલ’

આ પાપ, પુણ્યના વિશે કેવા અજબ વિચાર છે!
મૃત્યુ એ સ્વર્ગ-નર્કનું જાણે પ્રવેશદ્વાર છે !

મૃત્યુ પછીના સુખ તણો શો કલ્પનાવિહાર છે!
જન્નત ને હૂર છે ખરાં, પણ તે જગત-બહાર છે !

શ્રદ્ધા ભલે અપાર છે, શંકાય બેસુમાર છે;
ઇશ્વર! હજી તો વિશ્વમાં તર્કો અને વિચાર છે.

થાકી ગયેલ બુદ્ધિએ ઈશ્વરની કલ્પના કરી,
એને ગમ્યું તે સાર છે, બાકી બધું અસાર છે.

મારામાં તું વસી રહ્યો એ વાત સત્ય હોય તો,
મારા પતનને કાજ હા, તુંયે જવાબદાર છે!

– રતિલાલ ‘અનિલ’

ઈશ્વરને કેન્દ્રમાં રાખીને મૃત્યુ-પાપ-પુણ્ય-સ્વર્ગ-નર્કની હકીકતની ખરાખરી કરતી ઉમદા ગઝલ. ઈશ્વર બીજું કશું નથી પણ દુનિયાના અને પોતાના અસ્તિત્વ વિશે વિચારી-વિચારીને થાકી ગયેલ મગજે સમાજવ્યવસ્થા ઊભી કરવા અને જાળવવા માટે સર્જેલી એક વિભાવના માત્ર છે. ઈશ્વરમાં આપણને એક તરફ અપાર શ્રદ્ધા પણ છે અને બીજી તરફ એના હોવા-ન હોવા બાબતે બેસુમાર શંકા પણ છે. તર્કો અને વિચારની વચ્ચે ક્યાંક ઈશ્વર છે અથવા નથી. અને જો ઈશ્વરને પસંદ હોય એ સારપ હોય અને બાકીનું અસાર હોય અને જો ઈશ્વર આપણા સહુમાં વસી રહ્યો હોય તો આપણા પતનને માટે શું એ પણ જવાબદાર નહીં? આસ્તિકતાના મૂળિયાંમાં વજ્રાઘાત કરતી આ ગઝલ વાસ્તવિક્તાની કેટલી નજીક ઊભી છે!

Comments (4)

મૃત્યુ – ફેહમીદા પાચા

ઢાંકી દો એનાં ખૂબસૂરત ચહેરાને ઢાંકી દો
કેટલો શાંત અને સુંદર ચહેરો છે
શુભ્ર સફેદ ચાદર ઓઢાડી દો
નહિ તો એને આપણી નજર લાગશે

જિંદગીમાં એણે ભરપૂર પ્રેમ કર્યો હતો
લખલૂંટ પ્રેમ લોકોએ આપ્યો હતો
એટલે જ મૃત્યુમાં આટલી સુંદર લાગે છે
વેદનાની એકે રેખા ચહેરા પર નથી

લાગે છે મૃત્યુનો દેવ એના પ્રેમમાં હતો
ચૂપચાપ આવી એનું અપહરણ કરી ગયો
અને એ પણ કશું બોલ્યા વિના ચાલી ગઈ
કોઈને ખબર ન પડી અને એ વિદાય થઈ

કે પછી ઈશ્વર એના વિના રહી ના શક્યો
સર્જનહારે એના સર્જનને કંકોતરી મોકલી
દેવોના ભર્યા દરબારમાં અપ્સરાની કમી હતી
કુમકુમ પત્રિકા આવી અને ચાલી નીકળી

– ફેહમીદા પાચા (મે ૧૯૯૩)

(જીવનકાળ : ૦૫/૦૫/૧૯૩૩ – ૦૧/૦૯/૨૦૦૬) કપડવંજમાં જન્મેલા સર્જકનું જીવન મુંબઈમાં વીત્યું. સાંઠ વર્ષની વયે એમણે પહેલીવાર કલમ ઉપાડી અને કાવ્યો રચ્યાં, જે એમનાં મૃત્યુપર્યંત ‘સો કવિતાનું સરવૈયું’ સંગ્રહ તરીકે પ્રગટ થયાં. કવિતાની એરણ પર મૂલવવા બેસીએ તો કદાચ એમનાં કાવ્યો ઉમદાની કક્ષામાં નહીં આવે, પણ એમની કવિતાઓમાં પાસા પાડ્યા વિનાના કાચા પણ સાચા હીરાની ચમક ઠેરઠેર વિખરાયેલ નજરે પડે છે.

પ્રસ્તુત રચના જુઓ. કેવી સબળ અભિવ્યક્તિ! સાવ સાદી વાત છે, પણ રજૂઆત કેવી મજાની! પ્રેમ એકમાત્ર પરિબળ છે જે સૃષ્ટિ સમગ્રને સુંદર બનાવે છે. મૃતકે જિંદગીમાં ભરપૂર પ્રેમ કર્યો હતો, પરિણામે લોકોએ પણ એને લખલૂંટ પ્રેમ આપ્યો હતો. પ્રેમ સંતુષ્ટિ બક્ષે છે. પરિણામે મૃતકના ચહેરા પર વેદનાની રેખા સુદ્ધાં દેખાતી નથી અને એ મૃત્યુ બાદ પણ આટલી સુંદર લાગે છે. મૃત્યુનો દેવ શું કે શું સાક્ષાત્ ઈશ્વર – બધા જ એના પ્રેમમાં હતા. જિંદગીને ચાહનારી મૃત્યુને પણ ચાહ્યા વિના ન રહી શકી. મરણ આપ્યું તો પ્રતિકારનો એક શબ્દ સુદ્ધાં ઉચ્ચાર્યા વિના એ કોઈનેય ખબર પડવા દીધા વિના ચાલી નીકળી. આખરી ચાર પંક્તિ કવિતાને વધુ પડતી મુખર બનાવે છે, એ ન હોત તો કવિતા કદાચ વધુ આસ્વાદ્ય બની હોત.

એમની અન્ય એક રચનાની ચાર પંક્તિઓ પણ જુઓ:

મનના કોઈ અગોચર અને અવાવરુ ખૂણામાં
જઈ એક દીવડો પેટાવ
અને પછી જો સૂર્યના અહંકારને ઓગાળી નાંખે
એવો ઉજ્જવળ ઉજાસ પથરાઈ જશે.

Comments (8)

(શ્વાસની માળા) – જૈમિન ઠક્કર ‘પથિક’

શ્વાસની માળામાં અવસર પ્રોઈએ;
જાતને થોડીક માણી જોઈએ.

આંખ સામે તક ઊભી હો ને બને-
આપણે હાથે કરીને ખોઈએ.

પાંખ હો તો પાંખ ફફડાવી શકો;
આભ મેળવવા અનુભવ જોઈએ.

ડાઘ લાગ્યો છે નગરના ચોક પર;
માત્ર સમજણનાં નયનથી ધોઈએ.

કોઈ અણગમતા સમયની યાદમાં;
આપણે શું કામ કાયમ રોઈએ?

હું, ‘પથિક’ સાચી દિશા પામ્યો છું પણ,
માર્ગ ચીંધ્યો’તો મને પણ કોઈએ.

– જૈમિન ઠક્કર ‘પથિક’

લયસ્તરો પર કવિના ગઝલસંગ્રહ ‘હવાનો પર્યાય’નું સહૃદય સ્વાગત.

सुब्ह होती है शाम होती है, उम्र यूँही तमाम होती है। (मुंशी अमीरुल्लाह तस्लीम) આપણામાંથી મોટાભાગના લોકો ઘાણીના બળદ જેવી જિંદગી જ જીવતાં હોય છે. શ્વાસની આ એકવિધ માળામાં અવસરના મોતી પરોવીને જાતને માણતા શીખવા કવિ આહ્વાન આપે છે. બધા જ શેર મનનીય થયા છે. સીધી સરળ ભાષામાં કવિએ જીવનના તારતમ્યો આબાદ રજૂ કર્યા છે.

Comments (15)

ઢળતા મધ્યાહ્નોમાં ઝૂકીને – પાબ્લો નેરુદા ( અનુ – હરીન્દ્ર દવે )

ઢળતા મધ્યાહ્નોમાં ઝૂકીને હું મારી ઉદાસ જાળને
તારાં સાગરનેત્રોની દિશામાં પાથરું છું.

ત્યાં સર્વોચ્ચ ઉજાસમાં મારું એકાંત લંબાઈને પ્રજ્વળી ઊઠે છે,
ડૂબતા માણસની જેમ તેના હાથ તરફડે છે.

સાગર કે દીવાદાંડી પાસેના કિનારા જેવી ગંધવાળી
તારી અવિદ્યમાન આંખોની આરપાર હું
પાઠવું છું રક્તિમ સંકેતો.

તું રાખે છે માત્ર ગહન અંધકાર, ઓ મારી અતીતની સંગિની,
તારા આદરમાંથી કવિચત્ છલકે છે ત્રસ્ત કિનારો.

ઢળતા મધ્યાહ્નોમાં ઝૂકીને, હું તારાં સાગરનેત્રોમાંથી છલકતા દરિયામાં ફેંકું છું મારી ઉદાસ જાળોને.

હું તને પ્રેમ કરતો હોઉં એ ક્ષણના અમારા અંતરાત્મા
માફક ચમકતા પ્રથમ તારાઓને
રાત્રિનાં પંખીઓ ચાંચથી ટોચે છે.

રાત્રિ તેની છાયાઘોડલી ૫૨ સવા૨ થઈ
રેવાલ ગતિએ ચાલે છે.
ભૂરી પર્ણ-ઝૂલોને ખેરતી.

– પાબ્લો નેરુદા ( અનુ – હરીન્દ્ર દવે )

પાબ્લો નેરુદના પ્રણયકાવ્યો સમગ્ર વિશ્વમાં સુખ્યાત ! અંગત રીતે મને ગમતો કવિ, પણ તેઓની રાજકીય વિચારધારા જરાપણ ન સમજાય… હશે…આપણી નિસ્બત કવિતા સાથે છે…

વિદેશી ભાષાની કવિતાઓનો સમજાવી થોડી મુશ્કેલ હોય છે-તેનું ક્લેવર આપણી કવિતા કરતાં ખાસું નોખું હોય છે. સામાન્ય રીતે તેઓ કોઈ સ્પષ્ટ સંદેશ આપવા અથવા તો કોઈ કેન્દ્રીય વિચાર ને વ્યક્ત કરવા માંગતા હોય તેવું નથી હોતું, પણ તેઓ એક ભાવવિશ્વ સર્જે છે અને તેમાં ભાવક પોતાની રીતે તરબોળ થઈ શકે. અહીં ઢળતી સાંજે સાગરતટે બેઠેલો એક કલાન્ત નિરાશ પ્રેમી બહાર જે જુએ છે અને અનુભવે છે તેને પોતાના આંતરિક જગતના પરિપ્રેક્ષ્યમાં કવિતામાં કહે છે….તર્કસંગતતા ન પણ હોય, અમુક ઉદ્ગાર મને નથી સમજાતાં, પણ કવિ સાથે એક ભાવનાત્મક ઐક્ય હું અનુભવી શકું છું……

Comments (3)

અને હું….. – મનોજ ખંડેરિયા

નગર મીણનું : ધોમ તડકા અને હું
પીગળતા રહ્યા મારી છાયા અને હું

આ ચોપાટનાં ખાલી ખાનાં અને હું
સ્મરણના જૂના પંગુ પાસા અને હું

હતું ચિત્ર આ ટ્રેન ગઈ એ પછીનુંઃ
ક્ષિતિજો સુધી જાતા પાટા અને હું

સમયના બધા બંધ દરવાજા જોઉં
લટકતાં નજર સામે તાળાં અને હું

અહીં તો સૂવાનું રહ્યું ભીષ્મ માફક
નીચે શબ્દનાં તીક્ષ્ણ ભાલાં અને હું

એ ઘટનાને કોઈ કહી દેશે મૃત્યુ
અલગ થઈ જતી મારી કાયા અને હું

– મનોજ ખંડેરિયા

“હતું ચિત્ર આ ટ્રેન ગઈ એ પછીનું……..” – જબરદસ્ત !!!

તમામ શેર બળકટ 👍🏻

Comments (2)

(ઓચિંતો ત્રાટક્યો અષાઢ) – દાન વાઘેલા

મને  ચડી ગઈ રોમ-રોમ ટાઢ!
ગાજ નહીં, વીજ નહીં, પૂનમ કે બીજ નહિ-
.                                                ઓચિંતો ત્રાટક્યો આષાઢ!         મને ચડી ગઈ…

ઘરમાંથી ઉંબરાની મર્માળી ઠેસ,
છતાં ચાલી હું મીણ જેમ પીગળી!
માજમની રાતે આ મન એવું મૂંઝાણું:
જાણે કે વીંટળાતી વીજળી!

કોને ખબર છે કે ગામ આખું કોરું –
.                                                પણ ડૂબ્યાં આ મેડી ને માઢ!         મને ચડી ગઈ…

દરિયાનાં મોજાં તો માપી શકાય,
અરે! ફળિયાની ફાળ કેમ માપવી?
સોળ-સોળ ચોમાસાં સંઘરેલી છતરીને
શેરીમાં કોને જઈ આપવી?

રુદિયામાં ફુવારા ફૂટે છે જાણે કે –
.                                                પીલાતો શેરડીનો વાઢ!         મને ચડી ગઈ…

– દાન વાઘેલા

આજે તો વરસાદ મનફાવે ત્યારે અને મનફાવે એટલો ખાબકી પડે છે, પણ એક જમાનો હતો જ્યારે ચોમાસું અષાઢ-શ્રાવણ સુધી સીમીત રહેતું, પ્રેમ પણ વરસાદ જેવો છે. એ કંઈ પૂનમ-બીજ એમ તિથિવાર જોઈને નથી થતો. પ્રેમના વરસવા માટે ગાજવીજનીય જરૂર નથી. ચાર આંખ વચ્ચે તારામિત્રક રચાય અને કોઈપણ જાતની પૂર્વજાણકારી વિના અષાઢ ત્રાટકી પડે એમ પ્રેમ રોમરોમને ભીંજવી ટાઢો અહેસાસ કરાવી શકે છે.

પરિવારે મર્યાદાના ઉંબરા ન વળોટવાનું શીખવ્યું હોવા છતાં પ્રેમની ઉષ્મા જ એવી છે કે ભલભલા મનસૂબા અને મર્યાદાઓ મીણની જેમ પીગળી જાય છે. ચાલીનો શ્લેષ પણ મર્માળો છે. બીજી તરફ કાજળકાળી રાતે દેમાર વીજળીઓ ડરાવતી હોય એમ રહીરહીને યાદ આવતી સામાજિક મર્યાદાઓની વાત મનને મૂંઝવણમાં પણ મૂકે છે. આ અષાઢી વરસાદ ભીતરી વરસાદ છે એટલે ગામ-શેરી તો ક્યાંથી ભીંજાવાના? પણ અહીં તો માઢ-મેડી ગરકાવ થઈ જાય એ હદે હૈયું જળબંબાકાર થઈ ગયું છે.

દરિયાંનાં મોજાંઓને તો માપી-ઓળંગી શકાય પણ ફળિયું કેમ કરીને ઓળંગવું? અહીં પણ માપી-માપવીમાં રહેલ હળવો શ્લેષ આસ્વાદ્ય બન્યો છે. શેરડીનો વાઢ પીલાય ત્યારે જેમ રસના ફુવારાઓ વછૂટે એમ અંતરમાં પ્રેમરસના ફુવારાઓ ફૂટે છે. સોળ વરસથી અકબંધ સાચવેલું કૌમાર્ય શેરામાં વસતા સાજનને આપી તો દેવું છે પણ ષોડશી પૂર્ણતયા વિડંબનામુક્ત થઈ શકતી નથી. પહેલા પ્રેમની અવઢવની આ જ તો મજા છે અને કવિએ એને તંતોતંત વાચા પણ આપી છે.

Comments (13)

કોની કરૂં હું રાવ – બરકત વિરાણી ‘બેફામ’

કોની કરૂં હું રાવ, એ કંઈ પારકા નથી;
જેણે કર્યા છે ઘાવ, એ કંઈ પારકા નથી.

દરિયો તો ખેર કોઈનો થાતો નથી મગર,
જેણે ડુબાવી નાવ, એ કંઈ પારકા નથી.

હારી ગયાનું એટલે તો દુઃખ નથી મને,
જીતી ગયા જે દાવ, એ કંઈ પારકા નથી.

મારી કતલનો દોષ, અને એમના ઉપર?
કરવા દે દિલ! બચાવ, એ કંઈ પારકા નથી.

એ શકય છે કે થોડાં ઘણાં પારકાં હશે,
બેફ઼ામ કિન્તુ સાવ એ કઈ પારકાં નથી.

– બરકત વિરાણી ‘બેફામ’

બરકતની બળકટ ગઝલ.

Comments (4)

(ખરા છો!) – કાજલ કાંજિયા

પધારો પધારો કરો છો, ખરા છો!
અને પાછા જગથી ડરો છો, ખરા છો!

શરાબી થવાની મને ના કહીને,
તમે પાછા પ્યાલી ભરો છો, ખરા છો!

નથી કોઈ સંબંધ એવું કહીને;
તમે મારી પાછળ મરો છો, ખરા છો!

ભલાઈ નથી રહી આ જગમાં કહીને,
તમે આખી દુનિયા ફરો છો, ખરા છો!

હું પૂછું જો કારણ મને છોડવાનું,
નવું રોજ બહાનું ધરો છો, ખરા છો!

– કાજલ કાંજિયા

લયસ્તરો પર કવયિત્રીના પ્રથમ ગઝલસંગ્રહ ‘લ્યો, વાંચો મને’નું સહૃદય સ્વાગત છે..

પ્રિયજનને મળવાની ઉમેદ હોય, મળવા માટે બોલાવ-બોલાવ પણ કરતાં હોઈએ પણ વળી દુનિયાનો ડર પણ મનમાંથી કાઢી ન શકાતો હોય તો પ્રિયજન ખરા છો કહીને ટોણો ન મારે તો જ નવાઈ. સરળ ભાષામાં સહજ-સાધ્ય રચના.

Comments (7)

યાદ નથી – હરીન્દ્ર દવે

આજે તો તમારી યાદ નથી, કોઈની કશી ફરિયાદ નથી,
એ રાત નથી, એ ચાંદ નથી, એ આપસનો વિખવાદ નથી.

ભુલાઈ ગઈ છે એ દુનિયા, ના સ્વપ્ન મહીં આવે સ્મરણે,
એ રૂપને દેખી જાગેલો ઉ૨સાગરમાં ઉન્માદ નથી.

કોઈની કહાની સાંભળતાં કોઈનાં નયન ચાલ્યાં નીતરી,
ને કોઈને બે પળ બાદ પૂછ્યું: કીધું કે ‘કહાની યાદ નથી.’

દુનિયાની સહે ઝૂઝે તેને હું એ જ કહું છું આખરમાં
કે પાંખ પછાડી પિંજરમાં પંખી થાતું આઝાદ નથી.

ભાવિની મુલાયમ ઘડીઓ પર મારી ન કદી મંડાય નજર,
એને શી તમા એ મૃગજળની જેને મંઝિલનો નાદ નથી?

– હરીન્દ્ર દવે

હું તો મત્લા પર જ જાણે અટકી ગયો !!! – કેવી ઘેરી વેદના…..

ગાલિબનો અમર શેર યાદ આવી ગયો –

जब तवक़्क़ो ही उठ गई ‘ग़ालिब’
क्यूँ किसी का गिला करे कोई

( तवक्को – અપેક્ષા,આશા )

Comments (1)

કાફી નથી – કિશોર બારોટ

ઘોર અંધારું ટળ્યું છે, એટલું કાફી નથી?
આભ ઉજમાળું થયું છે, એટલું કાફી નથી?

કંઠમાં રૂંધાઈને ડૂમા થીજેલા છે છતાં
ગીત ગાતાં આવડ્યું છે, એટલું કાફી નથી?

ભાર જીરવાશે નહીં, નક્કી હૃદય ફાટી જશે,
એ ક્ષણે આંસુ સર્યું છે, એટલું કાફી નથી?

તન અને મન સાવ ચકનાચૂર થાતાં થાકથી,
ઊંઘનું ઝોકું ફળ્યું છે, એટલું કાફી નથી?

દુઃખ આવ્યું થઈ ત્સુનામી ને ડૂબાડ્યાં સ્વપ્ન સૌ
આશનું તરણું મળ્યું છે, એટલું કાફી નથી?

– કિશોર બારોટ

એટલું કાફી નથીના સવાલ સાથે જીવનની વિધાયકતા રજૂ કરતી સ-રસ ગઝલ.

Comments (9)

(તમે બેવફા નથી) – મરીઝ

દાવો અમારા પ્રેમનો બદલા વિના નથી,
આ એવી ‘હા’ છે, જેમાં તમારીય ‘ના’ નથી.

સંજોગથી વિવશ છો એ સુંદર દલીલ છે,
ચાલો મને કબૂલ તમે બેવફા નથી.

માંગુ છું એવું કંઈ કે કરે એ વિચારણા,
જલદી કબૂલ થાય એ મારી દુઆ નથી.

લાખો વિલાસ મારા છતાં કેવી વાત છે?
લાગે છે કોઈવાર કશામાં મજા નથી.

બેઠો છું તારી રાહમાં એવી નિરાંતથી,
જાણે કોઈ કહે મને તારી તમા નથી.

સારું છે તારું રૂપ છવાયું છે ચોતરફ,
મારી નજરને ક્યાંય કશી સ્થિરતા નથી.

એમાં કશી ફરજ ન સમજની જરૂર છે,
જ્યાં ઓ ‘મરીઝ’ દર્દ નથી, એકતા નથી.

– મરીઝ

મરીઝની ગઝલો એટલે લપસણી સરળતા. હળવાશથી લેવા જતાં શેરનો મર્મ જ હાથથી છટકી જાય એવું બને. પ્રસ્તુત ગઝલનો મત્લા જરા ચકાસો. પ્રેમનો દાવો કરીએ તો બનવાજોગ છે કે પ્રિયતમા ના કહીને પ્રસ્તાવ ઠુકરાવે. પ્રેમના પ્રસ્તાવનો જવાબ ક્યાં તો ‘હા’માં મળે અથવા ‘ના’માં મળે. પણ મરીઝનો તો મુદ્દો જ અલગ છે. પ્રેમનો દાવો કરીએ તો ‘ના’ સાંભળવાનું જોખમ રહે ને? એ કહે છે કે હું પ્રેમનો દાવો કરું તો એનો કંઈને કંઈ બદલો તો મળવાનો જ છે. પ્રેમિકા પ્રેમના દાવાને તો નકારી શકે પણ પ્રેમીના દાવાના બદલામાં પોતે કંઈક તો કહેશે જ એવી પ્રેમીની દલીલમાં તો એણે પણ હામી જ ભરવી પડે છે… છે ને મજાની વાત!

Comments (6)

ફુલ્લકુસુમિત – ટોઇ ડેરહકોટ (અનુ.: વિવેક મનહર ટેલર)

મારા શ્વાસમાં
ફુલ્લકુસુમિત વસંતનો શ્વાસ
ભેળવવા
હું વાંકી વળી.

ત્યાં ફોટોગ્રાફર્સ પણ હતા:
મમ્મીઓ તેમના બાળકોને
ગાંઠદાર જરઠ ઝાડોને ટેકે
બેસાડી રહી છે;
એક યુગલ, આલિંગનબદ્ધ,
પાસેથી પસાર થતા એક રાહદારીને
આ જ મુદ્રામાં
પોતાનો ફોટો લેવા કહે છે,
જેથી કરીને એમનો પ્રેમ
હરહંમેશ માટે જકડાયેલ રહે
બે દોસ્તી વચ્ચે:
આપણી અને
ચેરીના વૃક્ષો વચ્ચેની દોસ્તી.

ઓ ચેરી,
મારાં કાવ્યો શા માટે
આટલાં સુંદર ન હોઈ શકે?

રૂંછાદાર કોટમાં સજ્જ એક નવયૌવના
સજાવે છે પત્તા રમવાનું ટેબલ,
ચાદર બિછાવે છે, ઉપર મૂકે છે મીણબત્તી,
પિકનિક માટેની છાબડી અને વાઇન.
એક પિતા
છોકરાની વ્હીલચેર પાછળ તરફ નમાવે છે
જેથી એ નિહાળી શકે
ડાળીઓમાં ખીલેલા
સ્વર્ગને.
.           અમારી ચોતરફ
પુષ્પો
સપાટાભેર ખરતાં ખરતાં
ગુસપુસ કરી રહ્યાં છે,

.            ધીરજ ધર
તારી પાસે એક પુરાતન સૌંદર્ય છે.

.                                             ધીરજ ધર,
              તારી પાસે એક પુરાતન સૌંદર્ય છે.

– ટોઇ ડેરહકોટ
(અનુ.: વિવેક મનહર ટેલર)

*
82 વર્ષનાં અમેરિકન કવયિત્રી ટોઇ ડેરહકોટની આ કવિતા વસંતોત્સવ અને જીવનોત્સવની કવિતા છે. પોતાના શ્વાસમાં ફુલ્લકુસુમિત વસંતનો શ્વાસ ભેળવવા કવયિત્રી વાંકી વળે છે. ચેરી બ્લૉસમ્સનો એક અલગ જ જાદુ હોય છે. આખાને આખા વૃક્ષો પર પાંદડાંઓના સ્થાને કેવળ ફૂલોના જ ગુચ્છેગુચ્છા નજરે ચડે એ દૃશ્ય નીરસમાં નીરસ વ્યક્તિને પણ બે ઘડી થોભી જવા મજબૂર કરી દે એવું સશક્ત હોય છે. કવયિત્રી કેવળ પોતાના શ્વાસમાં ચેરી બ્લૉસમ્સની સુગંધ ભેળવવા માંગતાં હોત તો વાત સામાન્ય બનીને રહી જાત, પણ કવયિત્રી પોતાના શ્વાસમાં વસંતનો શ્વાસ ભેળવવા માંગે છે ત્યાં કવિતા સર્જાય છે. વૃત્તિ પ્રકૃતિનો આસ્વાદ મણવાની નહીં, પ્રકૃતિ સાથે એકાકાર થઈ જવાની, પ્રકૃતિમાં ઓગળી જવાની છે.

સર્જકનો કેમેરા એક પછી એક દૃશ્યો ઝીલે છે. આવા સ્થળો સહેજે પિકનિક-સ્પૉટ્સ બની જતાં હોય છે એટલે ત્યાં ફોટોગ્રાફર્સ પણ હતા. માતાઓ બાળકોને જૂના ગાંઠદાર ઝાડોને ટેકે બેસાડે છે. આલિંગનબદ્ધ થયેલ એક યુગલ એ જ સ્થિતિમાં પોતાનો ફોટો પાડી આપવા એક રાહદારીને થોભાવે છે. હેતુ એ કે પ્રેમની આ ક્ષણ ફોટોગ્રાફમાં કેદ થઈને ચિરંજીવી બની રહે. ચેરી બ્લૉસમ પણ કાયમે એનથી અને આલિંગન પણ હંગામી જ હોવાનું. પ્રેમ પણ સમય સાથે બદલાશે. પણ શાશ્વતીની કામના, ક્ષણને જીવી લેવાની અને જીવતી રાખવાની કામના મનુષ્યને ચાલકબળ પૂરું પાડે છે. રૂંછાદાર કોટમાં સજ્જ એક નવયૌવના પિકનિક માટે ટેબલ સજાવે છે અને પોતાનો અપંગ પુત્ર આ સ્વર્ગીય નજારો માણવાથી વંચિત ન રહી જાય એ આશયથી એના પિતા વ્હીલચેરને પાછળ તરફ નમાવે છે.

સર્જક વૃક્ષને સવાલ કરે છે કે પોતાનાં કાવ્યો આટલા સુંદર કેમ નથી? વાત પણ સાચી જ છે ને! કુદરતની કવિતાથી ચડિયાતું તો બીજું શું હોઈ શકે? પણ કુદરત કદી લઈને બેસી રહેતી નથી. સપાટાભેર ખરી રહેલ પુષ્પોને લઈને જે હળવી મર્મર જન્મે છે. આ મર્મર મારફતે પ્રસંશાના પુષ્પથી નવાજાઈ રહેલ પ્રકૃતિ જાણે કહી રહી છે, ધીરજ ધર. તું પણ પુરાતન સૌંદર્યની સ્વામિની છે. સૌંદર્ય માટે પુરાતન વિશેષણ કદાચ એટલા માટે પ્રયોજાયું છે કે જૂની વસ્તુઓ આપણને હંમેશા વધુ આકર્ષે છે. પ્રાચીન કિલ્લાઓના ખંડેર પણ આપણે પૈસા ખર્ચીને જોવા જઈએ છીએ. અને આ અંતિમ બે પંક્તિઓની પુનરોક્તિ સૌંદર્ય જોનારની દૃષ્ટિ પોતે એક ઉત્તમ કવિતા હોવાની વાતને દૃઢીભૂત કરે છે.

અછાંદસ કાવ્યસ્વરૂપ અને કાવ્યાંતે હાલડોલ થતી જણાતી પંક્તિઓની રચના ઉભય વૃક્ષથી ખરતાં પુષ્પોની આભા સર્જવામાં નદદરૂપ થાય છે. ઇટાલિક્સનો પ્રયોગ પણ સાયાસ કરવામાં આવ્યો છે એય સમજાયા વિના રહેતું નથી.

*

Cherry blossoms

I went down to
mingle my breath
with the breath
of the cherry blossoms.

There were photographers:
Mothers arranging their
children against
gnarled old trees;
a couple, hugging,
asks a passerby
to snap them
like that,
so that their love
will always be caught
between two friendships:
ours & the friendship
of the cherry trees.

Oh Cherry,
why can’t my poems
be as beautiful?

A young woman in a fur-trimmed
coat sets a card table
with linens, candles,
a picnic basket & wine.
A father tips
a boy’s wheelchair back
so he can gaze
up at a branched
heaven.
.                  All around us
the blossoms
flurry down
whispering,

.        Be patient
you have an ancient beauty.

.                                          Be patient,
.                                  you have an ancient beauty.

– Toi Derricotte (pronounced DARE-ah-cot)

Comments (7)

શેર – સાહિર લુધિયાનવી

चंद कलियाँ नशात की चुन कर मुद्दतों महव-ए-यास रहता हूँ
तेरा मिलना ख़ुशी की बात सही तुझ से मिल कर उदास रहता हूँ

– साहिर लुधियानवी

 

હસી-ખુશીની ચંદ ક્ષણો મેળવીને કંઈ કેટલોય વખત ગમમાં ડૂબ્યો રહું છું. તારું મળવું ભલે ખુશીની વાત હોય – અક્સર તને મળીને ઉદાસ રહું છું…

બહુ ઊંડી વાત છે. ખરેખર વ્યક્તિને શું જોઈએ છે ? માશૂકા ? કે પછી માશૂકાને મેળવવાની જિદ્દ પૂરી કરવાથી સંતોષાતા અહંકારની ફીલિંગ ? માશૂકા મળી જાય પછી જે ઉદાસી ઘેરી વળે છે તેનું કારણ શું ? ઉપાય શું ? કે પછી ઉદાસી જ એ કવિને મનભાવન સ્થાયીભાવ છે ?? ભગવાન બુદ્ધે કહ્યું હતું કે આપણે સૌથી વધુ આપણી જાતને પ્રેમ કરીએ છીએ એ અનુભૂતિ નિર્વાણમાર્ગ પર આવતી એક બહુ મહત્વની અવસ્થા છે. ત્યાર પછી જ ખરી વિતરાગ અવસ્થા શક્ય છે. આ વાતનો અહીં સંદર્ભ એટલો કે કવિની ઉદાસી માશૂકાની હાજરી-ગેરહાજરી પર નિર્ભર નથી,પોતાની જાતની અંત:સ્થિતિ પર આધારિત છે…..

Comments (1)

રળિયામણું… રળિયામણું – સંજુ વાળા

કહેવું હતું જે કૈં તે કહેવાઈ ગયું, ઉપરાંત કહેવાશે ઘણું,
કારણ: ગઝલના પિંડમાં રસછોળ થઈ છલકાય છે મબલખપણું.

બોલે-લખે નહિ કોઈ કે પ્રતિભાવ પણ આપે નહીં, ઉત્તમ ગણું,
કિન્તુ હવે નહિ કોઈ અધકચરું કે ઉચ્ચારે જરાપણ વામણું.

એવું થયું કે એક દિ’ આવ્યું નદીને સ્વપ્ન એક્ સોહામણું,
બસ ત્યારથી નિરખ્યાં કરે છે આભને રળિયામણું, રળિયામણું.

તું હંસ હો તો તારી આંખો પર ભરોસો પણ તને હોવો ઘટે!
ઓ રે મહાપંડિત! તું કોને પૂછશે: ‘હું શું ચણું શું ના ચણું?’

હું જાત, જગ કે જીવને તતકાળ તરછોડીને છૂટી જાઉં પણ-
કરવું શું એનું જે સતત સાથે રહે થઈને નર્યું સંભારણું.

વાણીનું સમ્યક ઋણ ના ફેડી શકે, એ થાય હર જન્મે કવિ!
તો હે કવિતા! લાવ આ જન્મે જ સઘળું ચૂકવી દઉં માગણું!

– સંજુ વાળા

મત્લામાં કવિ વાત ગઝલના અક્ષયપાત્રની માંડે છે, પણ હકીકતે એ વાત કવિતાસમગ્રને સ્પર્શે છે. જે જે વાત કવિતામાં કરી શકાય, કરવી જોઈએ એ તમામ વાત કહેવાઈ ગઈ હોવા છતાં હજી એનો અંત આવ્યો નથી કે આવનાર પણ નથી, એનું કારણ આપતાં કવિ કહે છે કે ગઝલના પિંડમાં રસની છોળ થઈને મબલખપણું છલકાઈ રહ્યું છે. કવિ અંતિમવાદી છે. ક્યાં ગઝલને પૂરી પ્રમાણો અથવા બિલકુલ મૌન રહો. ગઝલ બાબતે કોઈ અધકચરી કે ઉતરતી વાત કરે એના કરતાં ગઝલ વિશે કોઈ કશું બોલે-લખે નહીં કે પ્રતિભાવ પણ નહીં આપે એને કવિ ઉત્તમ ગણે છે. છેલ્લો શેર પણ કવિતા સંબંધી જ છે. સૃષ્ટિના તમામ જીવોમાં કેવળ મનુષ્યને જ વાણીનો આશીર્વાદ મળ્યો છે. વાણીનું સમ્યક ઋણ ફેડી ન શકે એ માણસ જન્મજનમ કવિ થાય છે એવી અંગત માન્યતા ધરાવતા કવિ આ જન્મમાં જ પોતાનું સમગ્ર કવિતાના ચરણમાં સમર્પી દઈ, પોતાની કારયિત્રી પ્રતિભાનો અંશેઅંશ નિચોવી દઈ, સઘળું ઋણ ચૂકવી દઈ ભવાટવિના ફેરામાંથી આઝાદ થવાની, મોક્ષપ્રાપ્તિની અભ્યર્થના સાથે વિરમે છે.

Comments (12)

ગમે શિયાળુ તડકો! – ચંદ્રકાન્ત શેઠ

ગમે શિયાળુ તડકો,
લાડુ સાથે ગરમ દાળનો જેવો હોય સબડકો!

કૈલાસેથી શિવના તપની ઉષ્મા સ્પર્શે જાણે!
માતાની છાતીની હૂંફ શું તનમન બંને માણે!
સૂરજ શિયાળે અચ્છો લડકો! રમીએ અડકોદડકો!

ચંદન જેમ ઉનાળે, તડકો ગમતો એમ શિયાળે!
ઠંડીને વળગીને તડકો મલકે વ્હાલે વ્હાલે!
શરારતી થઈ તડકો કેવો મને ભેટવા અડક્યો!

શિયાળાની ડોકે સગડી તડકો લાગે એવો!
ફૂલ ખીલવી શૈશવ-ગાલે તડકો મલકે કેવો!
શેડકડું દૂધ પીવા અહીં શું આવ્યો છે ફક્કડ કો!

– ચંદ્રકાન્ત શેઠ

આમ તો શિયાળો સમય પહેલાં ઓસરી ગયો છે અને ઉનાળો આવે એ પહેલાં ચોમાસુ અવારનવાર ડોકિયાં કરી રહ્યું છે. પણ કવિતાની ખરી મજા એ છે કે સમય એને સ્પર્શી શકતો નથી. કવિતા ભરશિયાળે ગરમાટો આપી શકે અને ભરઉનાળે ટાઢકથી નવડાવી શકે. શિયાળુ તડકાની વાત કરતા આ ગીતની ખરી મજા કૈલાસ અને શિવના એક રૂપકને બાદ કરતાં રોજિંદી જિંદગીની ઘટમાળમાંથી શોધી કઢાયેલ રૂપકોમાં છે. એક જ દાખલો લઈએ- લાડુ સાથે ગરમ દાળના સબડકા જેવું અદભુત રૂપક ગુજરાતી કવિતાએ કેટલીવાર ચાખ્યું હશે, કહો તો!

Comments (6)

(ઉન્નત ધવલ પયોનિધિ છલકત) – રાહુલ તુરી

ઉન્નત ધવલ પયોનિધિ છલકત, મલકત બાળ નિહાર.
માતવદન મૃદુ હેત કરીને પીરસત પયરસ ધાર.

ઉત્સંગ મહી પોઢયું પેટ સ્વયંનું
નીરખીને હરખાય.
રમત કરત બહુ બાલમુકુંદમ્
હસત હસત વલખાય.
મમતભરી આંગળીયો હેતે ઘટ્ટ અલક પસવાર.

કાળજયી કાલાતીત દૃશ્યમ્
નૈન ભરત ઉર માહી.
ભાવ અલૌકિક અદ્દભુત
આહ્લાદક અવર કશે આ નાહી.
એકમેવમાં સકલ સચરાચર પામત સુક્ષમ સાર.

– રાહુલ તુરી

આજની ગુજરાતી કવિતા દકિયાનૂસી રહી નથી અને આજના કવિઓની કલમ ચાર-પાંચ રેઢિયાળ વિષયોના કુંડાળામાં ફયા કરવાના બદલે સર્વગ્રાહી બની છે અને ગુજરાતી કવિતામાં જવલ્લે જ જોવા મળ્યા હોય એવા વિષયોમાં પણ ધનમૂલક ખેડાણ કરે છે એની પ્રતીતિ આ રચના કરાવે છે. બાળકને સ્તનપાન કરાવતી માતાનું આવું દૃશ્યચિત્ર આપણી કવિતામાં કદાચ જ જોવા મળે. એમાંય કવિએ તુલસીદાસના ‘ठुमक चलत रामचंद्र, बाजत पैंजनियां’ની યાદ અપાવે એવી અવધી ભાષાને ગુજરાતી સાથે સંમિલિત કરીને અલગ જ ‘ફ્લેવર’ સર્જી છે. શુભ્ર સ્તનયુગ્મમાંથી સાગર છલકાતો જોઈ બાળક મલકી રહ્યું છે. માતા પ્રેમપૂર્વક એને દૂધપાન કરાવી રહી છે. ખોળામાં પોતાના જ પેટને હસતું-રમતું-વલખાતું જોઈને એની સંગ માતા પણ હરખી રહી છે. બાળકની ઘટ્ટ લટોને એ મમતાભરી આંગળીઓથી પસવારે છે. સમગ્ર સંસારમાં વાત્સલ્યને વ્યાખ્યાયિત કરતાં આ દૃશ્યને કવિ યથાર્થ રીતે જ કાળજયી અને કાલાતીત લેખાવે છે. આવો અલૌકિક, અદભુત અને આહ્લાદક ભાવ સંસારમાં બીજે ક્યાંય જડી શકે નહીં. સ્નેહસરવાણીની આ એક માત્ર પરિભાષા સકળ સચરાચર માટે પ્રેમનો સૂક્ષ્મ સંદેશ પૂરી પાડે છે.

Comments (19)

કોઈ તારું નથી….. – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

સાવ જુઠું જગત કોઈ તારું નથી,
મૂક સઘળી મમત કોઈ તારું નથી.

કોણ કોનું? અને એય પણ ક્યાં લગી?
છે બધું મનઘડત કોઈ તારું નથી.

જે પળે જાણશે સોંસરો સળગશે,
આ બધી છે રમત કોઈ તારું નથી.

કોઈ ઉંબર સુધી કોઈ પાદર સુધી,
છેક સુધી સતત, કોઈ તારું નથી.

કઈ રીતે હું મનાવું તને બોલ મન,
બોલ, લાગી શરત કોઈ તારું નથી.

કોઈ એકાદ જણ, એય બેચાર પળ,
કે અહીં હરવખત કોઈ તારું નથી.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

મજબૂત ગઝલ ! સ્પષ્ટ વાત ! એક એક મુદ્દે સંમત 🙏🏻 ! વિડંબના એ છે કે આ સત્ય જ્યારે જ્ઞાન-જન્ય સમ્યક્ભાવે સમજાય ત્યારે બેડો પાર થાય – આ સત્ય કડવાશે બોલાય તો વ્યગ્રતા જ વધે…..

યાદ આવે – “ કસમેં વાદે પ્યાર વફા સબ બાતેં હૈં બાતોં કા ક્યા….. કોઈ કિસીકા નહીં યે ઝૂઠે નાતેં હૈં નાતોં કા ક્યા….”

 

Comments (2)

ચિત્રલેખા : ‘૫૧ ગૌરવવંતા ગુજરાતી’

ગમતાંનો ગુલાલ… …કારણ કે આ સફર આપ સહુના સ્નેહ વિના સંભવ જ નહોતી…

‘ચિત્રલેખા’ના ૭૨મા વાર્ષિક અંકની વિશેષ પૂર્તિમાં ‘૫૧ ગૌરવવંતા ગુજરાતી’માં સ્થાન પામવા બદલ સમસ્ત ચિત્રલેખા પરિવારનો હૃદયપૂર્વક આભાર.

Comments (3)