કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
મારા બાલુડા હો બાળ, તારા પિતા ગયા પાતાળ,
તારી કોણ લેશે સંભાળ, કરવો કૌરવકુળ સંહાર.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
માતા પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે?
પહેલે કોઠે ગુરૂ દ્રોણ, એને જગમાં જીતે કોણ?
કાઢી કાળવજ્ર્રનું બાણ, લેજો પલમાં એના પ્રાણ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
માતા બીજે કોઠે કોણ આવી ઊભા હશે રે?
બીજે કોઠે કૃપાચાર્ય, સામા સજ્જ કરી હથિયાર;
મારા કોમળઅંગ કુમાર, તેને ત્યાં જઈ દેજો ઠાર.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
માતા ત્રીજે કોઠે કોણ આવી ઊભા હશે રે?
ત્રીજે કોઠે અશ્વત્થામા, તેને મોત ભમે છે સામા;
એને થાજો કુંવર સામા, એના ત્યાં ઉતારજો જામા.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
માતા ચોથે કોઠે કોણ આવી ઊભા હશે રે?
ચોથે કોઠે કાકો કરણ, એને દેખી ધ્રૂજે ધરણ;
એને આવ્યું માથે મરણ, એના ભાંગજે તું તો ચરણ
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
માતા પાંચમે કોઠે કોણ આવી ઊભા હશે રે?
પાંચમે કોઠે દુર્યોધન પાપી, એને રીસ ઘણેરી વ્યાપી;
એને શિક્ષા સારી આપી, એનું મસ્તક લેજો કાપી.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
માતા છઠ્ઠે કોઠે કોણ આવી ઊભા હશે રે?
છઠ્ઠે કોઠે મામા શલ, એ તો જનમનો છે મલ્લ;
એને ટકવા ન દૈશ પલ, એનું અતિ ઘણું છે બલ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
માતા સાતમે કોઠે કોણ આવી ઊભા હશે રે?
સાતમે કોઠે જય જયદ્રથ, એ તો લડવૈયો સમરથ;
એનો ભાંગી નાખજે રથ, એને આવજે બથ્થમબથ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
રક્ષાબંધનના દિવસે આજે લયસ્તરો તરફથી તમામ ભાઈ-બહેનોને અઢળક સ્નેહકામના….
જે તે સમાજમાં લોકગીતો જે તે સમાજના અરીસા જેવા હોય છે. કુંતાએ અભિમન્યુને અમ્મર રાખડી બાંધી એ સમયે અભિમન્યુ દાદીને કોઠાયુદ્ધ વિશે પૂછતો હોય અને દાદી એને એક પછી એક સાતેય કોઠાની માહિતી આપતા હોય એ પ્રકારની વાત આ બહુ જાણીતા લોકગીતમાં વણી લેવામાં આવી છે. પૌત્રના સવાલ અને દાદીના જવાબ વચ્ચે લય જે રીતે હિંડોળાતો રહે છે એ ગીતના સંગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે.
કથા તો જ જાણીતી જ છે. ગર્ભવતી સુભદ્રાને શાંતિ પમાડવા માટે ભાઈ શ્રીકૃષ્ણ એને સાત કોઠાના યુદ્ધની વાત સંભળાવે છે. એ જમાનામાં માન્યતા હતી કે ગર્ભમાં રહેલ જીવ બધું સાંભળી શકે છે, અને આજે વિજ્ઞાન પણ ગર્ભસંસ્કારની વાતો સાથે કંઈક અંશે સહમત છે. શ્રીકૃષ્ણ છ કોઠા ભેદવા અને જીતવાની રીત શીખવવા સુધી પહોંચ્યા એવામાં બહેન સુભદ્રાને ઊંઘ આવી ગઈ. સુભદ્રાનો હકાર આવતો બંધ થયો એટલે કૃષ્ણે પૂછ્યું કે ‘બહેન! ઊંઘ આવે છે?’ ત્યારે અંદર રહેલે જીવે કહ્યું, મામા! હું જાગું છું, તમે સંભળાવો. પણ કૃષ્ણ ત્યાં અટકી ગયા એટલે સાતમા કોઠાની વિદ્યા અભિમન્યુને શીખવા મળી નહીં.
રણક્ષેત્રે જવા તૈયાર થયેલ અભિમન્યુને દાદીમા કુંતાએ અમરત્વના આશિષ આપતાં રાખડી બાંધી. રાખડીના પ્રતાપે અને ગર્ભસંસ્કારમાં ચક્રવ્યૂહ ભેદવા-જીતવા અંગે પ્રાપ્ત કરેલ જ્ઞાનને લઈને અભિમન્યુ અજેય યોદ્ધાની જેમ સમરાંગણમાં એક પછી એક મહારથીને માત આપતો એક પછી એક કોઠા ભેદતો આગળ વધતો હતો તેવામાં કૃષ્ણે અભિમન્યુને કહ્યું, ‘બેટા ! ક્ષત્રિય થઈને આપણે આવા દોરા-ધાગાના સહારે લડીએ એ શોભે નહીં. અભિમન્યુ દાદીએ બાંધી આપી હોવાથી પોતે રાખડી તોડી શકે એમ નથી એમ જણાવ્યું ત્યારે શ્રીકૃષ્ણે એને રાખડી કાંડેથી કાઢીને તલવારની સાથે બાંધી દેવા કહ્યું. અભિમન્યુએ રાખડીને તલવાર ઉપર બાંધી દીધી ત્યારે શ્રીકૃષ્ણે ઉંદરનું રૂપ લઈને એ રાખડીની દોરી કાપી નાંખી. અભિમન્યુને પોતાનો આયુષ્યનો તાર કપાઈ ગયેલો અનુભવાયો અને થયું પણ એમ જ. સાતમા કોઠાને ભેદવા જતાં અભિમન્યુ હણાઈ ગયો.