તફાવત – દિલીપ જોશી
મારા ને દરિયામાં આટલો જ ફેર છે
દરિયો સુક્કાય તો એ રણ બની જાય
અને મારા સુક્કાવામાં શ્હેર છે!
મોજાં ને મારા વિરહની સમાનતામાં —
— માથાં પછાડવાની ઘટના
આંસુનું ટીપું પણ મોતી થઈ જાય એવા —
— સેવવાં સહસહુને સપનાં
સપનાં ખંખેરું તો દડી પડે દરિયો
ને હોડી હલેસાંઓ ઘેર છે…
પંડ્યથી વધીને કશું ખાનગી નથી
નથી અંગત કશીય મારી લાગણી
મોજાં જોઈને ચાંદ બાવરો બને
હું તો ફૂલોને જોઈ થયો ફાગણી
દરિયાએ પૂરવમાં પ્રગટાવ્યો ખાખરો
ને મારામાં ફાગણની લહેર છે.
– દિલીપ જોશી
સરખામણી કરવા બેસે તો કવિતા કોઈ સરહદને ન ગાંઠે. મારા અને દરિયામાં આટલો જ ફેર છે એમ કહીને કવિ હકીકતે તો પોતાનામાં અને દરિયામાં એક બાબતને બાદ કરતાં કોઈ કરતાં કોઈ ફરક નથી એમ જ કહેવા માંગે છે. દરિયો સૂકાય તો રણ બની જાય અને કવિ સૂકાય તો શહેર બની જાય એ અતિશયોક્તિ અલંકારમાય ખરું પૂછો તો કવિને સરખામણી કરવા કરતાં શહેરની લાગણીશૂન્યતા ઉપર કુઠારાઘાત કરવાની જ નેમ જણાય છે.
દરેકને પોતાનો વિરહ અમૂલ્ય જણાય છે. વિરહમાં વહેતાં આંસુઓ વિરહીજનને મોતી જેવાં કિંમતી જ લાગે. પણ સપનાં આખર સપનાં છે. કોઈ ઈચ્છા ફળીભૂત થવાની શરતે જન્મતી નથી હોતી. વિરહ મિલનમાં પલોટાવાનું સપનું છેવટે તો ખંખેરી નાંખવાનું જ રહે છે. અને વિરહના સાગરમાં તરવા માટે આપણી પાસે કોઈ હોડી- હલેસાં પણ ક્યાં હોય જ છે? એમાં તો ડૂબ્યે જ છૂટકો.
આખરી બંધમાં જો કે કવિનો કેમેરા દરિયો છોડીને ઋતુ અને ફૂલો તરફ વળે છે એ બહુ ઉચિત ન લાગ્યું. વિરહાસિક્ત કવિ પાસે જાત સિવાય એવું કશું નથી જે ખાનગી હોય. કવિની લાગણીઓ પણ સૌ સરાજાહેર છે. સાગર અને શશી વચ્ચેના ગાંડપણનો સેતુ તો સદીઓથી જાણીતો છે. કવિ પણ ફૂલોને જોઈને ફાગણી થઈ જાય છે. પૂર્વમાં સૂર્યોદય થાય એ દિવસના ઉગવાની અને આશાની નિશાની છે. પૂર્વમાંથી ઊંચે ઉઠતો લાલ સૂર્ય કેસૂડાંથી ભર્યાભાદર્યા ખાખરા જેવો છે જેને જોઈને કવિ પણ ફાગણની લહેરખી અનુભવે છે.
સરવાળે મને લાગે છે કે ગીતનો લય અને આંતરિક ભાવ કૈક એવા પ્રબળ થયા છે કે અર્થ અને અર્થઘટનની માયાજાળ પડતી મેલીને એની જ મજા લેવી જોઈએ કારણ કે અર્થ અને અર્થકારણ થી આગળ અહીં કશુંક છે જેના કારણે ગીત વાંચતાવેંત ગમી જાય છે…
pragnajuvyas said,
August 18, 2022 @ 1:41 AM
કવિશ્રી દિલીપ જોશીનુ ગણગણાવવું ગમે તેવુ મજાનુ ગીત,
મારા ને દરિયામાં આટલો જ ફેર છે
દરિયો સુક્કાય તો એ રણ બની જાય
અને મારા સુક્કાવામાં શ્હેર છે!
વાહ
યાદ આવે
યુરોપની એક સુકાઈ ગયેલી નદીમાંથી મળી આવેલા પથ્થરો ઉપર ભવિષ્યવાણી કંડારવામાં આવી છે. એક પથ્થર ઉપર ૧૬૧૬ની સાલ કોતરેલી છે તેની ઉપર જર્મન (ડયુશ) ભાષામાં ચેતવણી આપવામાં આવી છે. કે ‘જો તમે મને જોશો તો રડી પડશો”યુરોપિયન હોટ ઓબ્ઝર્વેટરીના જણાવ્યા પ્રમાણે યુરોપનો ૪૭ ટકા વિસ્તાર દુષ્કાળની ઝપટમાં આવી ગયો છે. ૧૭ ટકા એલર્ટ ઉપર છે તેનો અર્થ તે થયો કે માટીમા ભેજનું પ્રમાણ ઘટી ગયું છે આથી પાક તેમજ વૃક્ષો અને છોડવાઓ ઉપર ઘણી ખરાબ અસર થશે.
ડૉ વિવેકનો ખૂબ સ રસ આસ્વાદ
preetam lakhlani said,
August 18, 2022 @ 3:32 AM
દિલિપ જોશી એટ્લે ગીતનો દરિયો, મોસમનો છ્લકાતો મહેકનો મહા સાગર
preetam lakhlani said,
August 21, 2022 @ 8:06 AM
દિલિપ જોષી, એટલે ઉત્તમ ગીત કવિ, તેમના ગીત રમેશ પારેખ અને અનિલ જોશીની સાથે ઊભા રહી શકે!, મારો એક ગમતો કવિ, એટલે દિલિપ જોષી અને મનહર ત્રિવેદી