હું માયામાં ઘણો જકડાયેલો છું, પણ વખત આવ્યે,
બધા તંતુઓ છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
-ભગવતીકુમાર શર્મા

ફટ્ રે ભૂંડા! – જતીન્દ્ર આચાર્ય

ફટ્ રે ભૂંડા!
સહજ સાથે તરવા આવી ત્યાં તો ખેંચી જળમાં ઊંડા!
.                                                     ફટ્ રે.

જળ અજાણ્યાં, વ્હેણમાં વમળ, વસમી એની ઝીંક,
પૂર હિંદોલે હીંચકા લેતાં હૈયે આવે હીંક,
તોય તારો આ મારગ મૂકી જાતાં લાગે બીક,
કીધાં કેવાં કામણ કૂડાં !
.                                                     ફટ્ રે.

વાહ! ગોરાં દે!
સાત જનમનો સહરા હું તો શાનાં જળની વાતો!
નેહના સાગર નેણાં નીરખ્યા એની ભરતી આ તો;
પરવશ અંગેઅંગ કરીને કીધ મને તણાતો.
નીકળશો શું સાવ કોરાં દે?
વાહ ગોરાં દે!

– જતીન્દ્ર આચાર્ય

પ્રથમ પ્રેમની સહિયારી અનુભૂતિનું યુગલગાન. કવિએ કઈ ઊક્તિ કોની છે એવો કશોય ફોડ પાડ્યો ન હોવા છતાં ઉભય વચ્ચેનો સંવાદ તરત સમજાઈ જાય એવો સહજસાધ્ય થયો છે. નાયિકાની મીઠી ફરિયાદથી ગીતનો ઉપાડ થાય છે. થોડો સહેવાસ માણવા સંગાથ કર્યો એટલામાં નાયક મગર શિકારને જળમાં ઊંડે તાણી જાય એમ નાયકે નાયિકાને પ્રેમમાં સાવ ગરકાવ જ કરી દીધી. પ્રેમની અનુભૂતિ સાવ પહેલવારુકી જ હોવાથી નાયિકા એનાથી સાવ અજાણ છે, અને માર્ગમાં કઈ-કઈ તકલીફોનો સામનો કરવાનો થશે એ વાતથીય તદ્દન અનભિજ્ઞ છે. પ્રેમના હીંચકે પૂરજોશથી હિંચકતાં ડર તો લાગે છે, પણ હીંચકા પરથી ઊતરી જવામાંય બીક લાગે છે. પ્રેમનાં તો કામણ જ એવાં કૂડાં… ખાંડણિયામાં માથું ને દે રામ, બસ!

નાયક વળતા જવાબમાં ફરિયાદને રદિયો આપતાં કહે છે કે વાહ જી વાહ! આપ તો ઊલટા ચોર કોટવાલ કો ડાંટે જેવી વાત કરો છો. હું તો સાત-સાત જનમથી રણ જેવો સુક્કોભઠ્ઠ માણસ… પ્રેમથી સદૈવ વંચિત રહેલ. આ પ્રેમજળ અને એમાં ડૂબાડવાની આખી વાત જ ખોટી છે. આપની પ્રેમસાગર જેવા આંખોને લઈને જ આ ભરતી, આ આવેગ જન્મ્યાં છે. હું આપને શું ડૂબાડું, આપે જ મને અંગેઅંગ પરવશ કરી આ પ્રેમસાગરમાં તણાતો કરી દીધો છે. મને પ્રેમમાં ડૂબાડી દઈને આપ શું સાવ કોરાં નીકળશો? વાહ ગોરાં દે! વાહ!

કેવું મજાનું ગીત!

9 Comments »

  1. Pravin Shah said,

    August 25, 2022 @ 2:07 AM

    ખૂબ સરસ !

  2. pragnajuvyas said,

    August 25, 2022 @ 4:26 AM

    કવિશ્રી જતીન્દ્ર આચાર્યનુ મધુરું ગીત અને ડૉ વિવેકનો મધુરો મધુરો આસ્વાદ
    મનોચિકિત્સક વિરોધી વળાંકને સ્વીકારે છે અને તે હકીકત સાથે સંબંધિત હોવાનું જણાય છે કે વ્યક્તિનું વ્યક્તિત્વ તેના જીવનની વાર્તાનું અર્થઘટન કેવી રીતે કરે છે તેના પર આધાર રાખે છે.
    ફટ્ રે ભૂંડા!
    મનોવૈજ્ઞાનિક પેથોલોજી ખરેખર પેથોલોજી નથી, પરંતુ માત્ર તે કેવી રીતે તેની જીવન વાર્તાનું અર્થઘટન કરે છે.
    વાહ! ગોરાં દે!
    આ પ્રેમની અનુભૂતિનું ગીત અનુભવવાનું છે…
    લેખનથી પુર્ણ ન્યાય શક્ય નથી

  3. Kajal said,

    August 25, 2022 @ 12:39 PM

    વાહ

  4. યોગેશ પંડ્યા said,

    August 25, 2022 @ 12:52 PM

    ઘણાં સમય પછી કૈંક અલગ ગીત માણવા મળ્યું.પરંપરામય છતાં ગીત લેખનમાં નવો ઉઘાડ ! કાવ્ય નાયિકા ના ‘ ફટ રે ભૂંડા..!’ના ઉદબોધન બાદ નાયિકાની અભિવ્યક્તિ ગીતના પ્રથમ બંધ માં જોવા મળે છે, એમાં કૈંક છણકો,થોડી રીંસ અને અંદર ગમતું હોવા છતાં પણ અજાણ્યા જળ..કહીને પ્રિયતમ ક્યાં ખેંચી લાવ્યો ની ફરિયાદ છે તેના જવાબ માં પેલો પુરુષ બહુ સરસ જવાબ વાળે છે.એ ખૂબ મધુર છે. એક સ્ત્રી પુરુષના સંબંધ ની મધુરપ તેને સમજાવે છે. અને છેલ્લે જે કહે છે કે, ‘નિકળશો શુ સાવ કોરાં દે?!..’માં વ્યંજનાસભર છે. ગીતકારે નાજુકાઈ થી લખ્યું છે.ગીતની કેડય ઉપર કેટલો બહાર મુકવો..એ સમજાય તો કૃતિ સરસ બને.અભિનંદન

  5. preetam lakhlani said,

    August 25, 2022 @ 1:23 PM

    સરસ મજાની કવિતા,મોજે મોજ

  6. રિયાઝ લાંગડા (મહુવા). said,

    August 25, 2022 @ 1:36 PM

    ખૂબ સરસ…👌

  7. Shah Raxa said,

    August 25, 2022 @ 7:40 PM

    વાહ..વાહ..વાહ..કવિતા અને આસ્વાદ…. 👌👌

  8. ઉદય મારુ said,

    August 27, 2022 @ 12:55 PM

    વાહ
    સરસ ગીત
    સરસ આસ્વાદ

  9. Parbatkumar Nayi said,

    August 27, 2022 @ 11:13 PM

    વાહ વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment