March 31, 2022 at 10:40 AM by વિવેક · Filed under ગીત, વિનોદ જોશી
પ્રિયતમ, સેજ સજાવું…
સંગ સલૂણો ધરી ચિત્તમાં સહજ સ્પંદ સહેલાવું…
રંગભવન રતિરાગ રસીલું,
અંગ ઉમંગ સુગંધિત ઝીલું;
કમળપત્રથી કોમળ મંજુલ હૃદયકુંજ છલકાવું…
પ્રિયતમ, સેજ સજાવું…
મન વિહ્વળ, તન તૃષિત સુહાગી,
પુષ્પિત નિબિડ નિશા વરણાગી;
તંગ અંગથી સરી જતો ઉન્માદ અનંત બિછાવું…
પ્રિયતમ, સેજ સજાવું…
– વિનોદ જોશી
ભરત મુનિએ નાટ્યશાસ્ત્રમાં અવસ્થાભેદે નાયિકાના નીચેના આઠ પ્રકાર પાડ્યા છે:
• વાસકસજ્જા : પ્રિયતમનું આગમન થવાનું છે એવી આશાથી હર્ષોલ્લાસ પામી સાજશણગાર કરેલી નાયિકા.
• વિરહોત્કણ્ઠિતા : નાયકના આગમનમાં વિલંબ થતાં ઉત્સુકતાથી તેની પ્રતીક્ષા કરનારી.
• સ્વાધીનભર્તૃકા : પતિ પોતાના વશમાં છે તેવી પ્રતીતિ સાથે સદા તેની પાસે જ રહેતી નાયિકા.
• કલહાન્તરિતા : નાયકના પ્રેમાપરાધને લીધે ઈર્ષ્યા અને ક્રોધથી તેની સાથે કલહ કરી તેને તરછોડી દેનારી અને પછી પશ્ચાત્તાપ કરનારી.
• ખંડિતા : પ્રિયના અન્ય સ્ત્રી સાથેના અનુરાગથી વ્યથિત અને રોષમગ્ના.
• વિપ્રલબ્ધા : સમયપાલન કે વચનપાલન ન કરનાર પતિ કે પ્રિયતમના એવા વ્યવહારથી છેતરાઈ હોવાનો ભાવ અનુભવતી નાયિકા.
• પ્રોષિતપ્રિયા (અથવા પ્રોષિતભર્તૃકા) – જેનો પતિ વિદેશ ગયો છે તેવી વિરહિણી.
• અભિસારિકા : મધુર મિલન કાજે સ્વયં પ્રિયતમને મળવા જતી નાયિકા. શુક્લ અને કૃષ્ણપક્ષના ભેદે આ નાયિકાના પુન: બે પ્રકાર થાય છે.
કવિશ્રી વિનોદ જોશીએ આ આઠેય પ્રકારો વિશે આઠ ગીતોનું મજાનું શૃંગારગુચ્છ રચ્યું છે. લયસ્તરોના ભાવકમિત્રો માટે એમાંથી વારાફરતી ત્રણેકનું આચમન કરીએ… આજે વાસકસજ્જાનો વારો..
પિયુના આગમનની આશામાં ખુશીની મારી સજીધજીને તૈયાર થયેલી નાયિકા –વાસકસજ્જા-ની ઉક્તિ કેવી રોચક થઈ છે! પ્રણયોર્મિની પરાકાષ્ઠા એટલે બે તૃષાતુર શરીરનું સાયુજ્ય. એકેય શબ્દ ચોર્યા વિના, એકેય અંતરંગ ભાવ છૂપાવવાનો ડોળ કર્યા વિના નાયિકા પ્રિયતમ માટે પોતે સેજ સજાવી રાખી હોવાની વાતથી જ પ્રારંભ કરે છે. હૈયામાં પણ ધબકારે ધબકારે સલૂણા રંગના ઉછાળા અનુભવાય છે. રંગભવન તો રસીલા રતિરાગથી છલકાઈ રહ્યું જ છે, નાયિકાના અંગાંગ પણ સુગંધિત ઉમંગોને ઝીલી રહ્યાં છે. કમળપત્રથીય અધિક કોમળ હૈયું છલકાઈ રહ્યું છે. મન વિહ્વળ છે અને તન તરસ્યું. ઉપવનમાં ખીલેલાં પુષ્પોથી મઘમઘ થતી ગાઢ રાત્રિ પિયુ પધારશે નહીં ત્યાં લગી વરણાગી જ લાગવાની. અનંગાવેશમાં અંગ તંગ બન્યાં અનુભવાય છે. જેનો કદી અંત જ આવનાર નથી એવા તીવ્ર પ્રેમોન્માદને બિછાવીને નાયિકા નાયકના આગમનની પ્રતીક્ષાની પળોને ઉજવે છે..
Permalink
March 30, 2022 at 2:01 PM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
ક્યાં ગયો ?
આંસુનાં ઝુમ્મરોનો એ શણગાર ક્યાં ગયો ?
ભરતો હતો હું ઊર્મિનો દરબાર; ક્યાં ગયો ?
આકાર ક્યાં ગયો ને નિરાકાર ક્યાં ગયો ?
માણસને નામે ઈશ્વરી અવતાર ક્યાં ગયો ?
મારા મરણની નોંધ તો એમાં નથી લખી ?
પડછાયો મારો આંચકી અખબાર ક્યાં ગયો ?
ધુમ્મસના રાજહંસનો કલરવ મેં સાંભળ્યો;
પૂછો નહીં કે છોડી હું ઘરબાર ક્યાં ગયો ?
બોલાશ છે, પરંતુ ઉછીનો છે; શું કરું ?
મારો હતો જે પોતીકો સૂનકા૨; ક્યાં ગયો ?
કરતો હતો એ વાત ધુમાડા વિશે સતત;
માણસ હતો એ પોતે ધુંઆધાર; ક્યાં ગયો ?
આ શૂન્યતાનો શાપ સહન શી રીતે કરું ?
તારાં સ્મરણનો જે હતો આધાર ક્યાં ગયો ?
– ભગવતીકુમાર શર્મા
Permalink
March 26, 2022 at 12:24 PM by વિવેક · Filed under રમણ વકીલ, સોનેટ, હસ્તપ્રત
*
વહ્યાં વેગે વર્ષો જીવનજલ સાથે વહી ગયાં:
કદી મેલાંઘેલાં, કદીક નીતરાં, શાંત, ઊજળાં;
ધસ્યાં સ્રોતાકારે ગિરિ ઉપરથી ઘોર ખીણમાં,
વહ્યાં તો કો’ કાળે વિપુલ નદ શાં સૌમ્ય, ગભીરાં.
વહ્યાં વર્ષો તેમાં વિવિધ દશાઓ અનુભવી,
રસીલી ઊર્મિઓ, વિષમ ઘટનાઓ ઉર ભરી;
મહેચ્છા, આશા કૈં વિફલિત બની ને કંઈ ફળી,
વિષાદે, આનન્દે જીવન-ઝરણી સતત ભમી
પહાડો, મેદાનો, વન, રણપ્રદેશો ફરી વળી.
વસ્યાં’તાં હૈયે જે સ્વજન-સૃહદો-તે પ્રિય ગયાં;
ચિતામાં પોઢાડ્યાં કઠણ હૃદયે ને સ્વનયને
નિહાળ્યા જ્વાળામાં ભસમ બનતા દેહ, દૃગથી
વહેતાં વારિથી ભસમ ઢગ ઠારી વીણી લીધાં
ઉરે આજે સંચ્યાં સ્મરણકુસુમો એ જતનથી.
– રમણ વકીલ
ગતિ જળનો સ્વ-ભાવ છે. અહીં વાત જીવનજળની છે. જીવનજળ પણ કદી થંભતાં નથી. વેગપૂર્વક સતત વહેતાં રહે છે. ક્યાંક એમાં મલિનતા ઉમેરાય છે, તો ક્યારેલ એ શાંત અને નીતરાં સ્વચ્છ થઈ જાય છે. ક્યારેક જીવનજળ વેગ સાથે ઊંચેથી નીચે પછડાય છે તો ક્યારેક વિશાળ પટ સાંપડતાં સૌમ્ય ગંભીર થઈ વહે છે. જળની જેમ જીવનમાં પણ કોઈ દશા સ્થાયી નથી હોતી. સુખ-દુઃખની આવનજાવન ચાલુ રહે છે. આશાઓ અને મહેચ્છાઓ ક્યારેક ફળે છે, ક્યારેક નથી પણ ફળતી.
પ્રિયજનોની વિદાયના સાક્ષી બનવાની પીડા પણ જીવનનો જ એક ભાગ છે. હૃદય કઠણ કરીને ચિતાઓ સળગતી જોવી પડે છે. પ્રિયજનના અસ્થિ-ભસ્મ નદી-સમુદ્રમાં વહાવી પણ શકાય છે, પણ યાદોનું વિસર્જન કરી શકાતું નથી. એનાથી મુક્તિ મળતી નથી. હૈયું આ સ્મરણકુસુમોને આંસુઓથી સીંચી-સીંચીને જતનપૂર્વક ઉછેર્યે રાખે છે…
જળ અને જીવનજળ વચ્ચે જો કે એક બહુ મોટો તફાવત પણ છે. જળ વહી જાય ત્યાં ફરી પરત ફરી શકતાં નથી પણ જીવનજળ જે સ્મરણપુષ્પો ખીલવતાં વહી જાય છે, એ સ્મરણ વહી ગયેલી ક્ષણોમાં અવારનવાર પ્રવેશ કરવા માટેનો વિકલ્પ જીવંત રાખે છે…
Permalink
March 25, 2022 at 10:59 AM by વિવેક · Filed under મુકુન્દરાય પારાશર્ય, મુક્તક, શ્લોક
ઝૂંટી કૃષ્ણની મોરલી હઠ કરી રાધા કદંબે ચડી,
આનંદે અધરે ધરી સ્વરસુધા વ્હેતી કરી ના કરી :
ત્યાં તો એ સ્વર કૃષ્ણવાદિત ગણી ધ્યાનસ્થ જાતે થઈ
એ જોતાં ગળતા ગયા પ્રણયની સંતૃપ્તિમાં શ્રીહરિ.
– મુકુન્દરાય પારાશર્ય
શાર્દૂલવિક્રીડિત છંદમાં કેવળ ચાર પંક્તિનો શ્લોક. પણ કેવો અદભુત! રાધા-કૃષ્ણ કે ગોપી-કૃષ્ણની વાતો તો સેંકડો કવિઓએ હજારો કવિતાઓમાં ગાયે રાખી છે, પણ સાચો કવિ જ એ જે તમામ ઉપલબ્ધ અભિવ્યક્તિઓથી આગળ વધીને કંઈક નવી વાત કરે…
કૃષ્ણ પાસેથી એની મોરલી ઝૂંટવી લઈને હઠીલી રાધા કૃષ્ણ જે ઝાડ પર ચડીને સૂરાવલિ રેલાવી સૃષ્ટિ આખીને મંત્રમુગ્ધ કરતા, એ જ કદંબ વૃક્ષ પર ચડી ગઈ. આટલું અપૂરતું હોય એમ કૃષ્ણની જ અદામાં આનંદિત હૈયે મોરલીમાંથી સ્વરસુધા પણ એ વહેતી કરે છે… કૃષ્ણની મોરલીમાંથી રેલાતા સંગીતનો પ્રભાવ તો જુઓ! રાધા પોતે વેણુ વગાડી રહી હોવા છતાં વાંસળીમાંથી વહેતા સૂર કૃષ્ણવાદિત જ હોવાનું અનુભવે છે અને ધ્યાનસ્થ થઈ જાય છે. પ્રેમભક્તિની આ કેવી પરાકાષ્ઠા! સમર્પણનો આ કેવો જાદુ! શ્વાસ સમ સહજતાથી સ્વ ઓગળી જાય એ જ સાચી ભક્તિ! એ જ સાચો પ્રેમ! અને સ્વાર્પણની ચોટીએ બિરાજમાન રાધાને જોઈને શ્રીકૃષ્ણ પોતે પ્રણયની સંતૃપ્તિની અનુભૂતિમાં ઓગળી જવા લાગ્યા.
છેલ્લી બે પંક્તિઓને એક જ વાક્ય હોવાનું ગણી લઈએ તો એમ પણ અર્થ કરી શકાય કે ભક્તે ભગવાનનું રૂપ ધારી લીધું તો ભગવાનને ભક્તનું રૂપ લેવાની ફરજ પડી. પોતાની વાંસળી સાંભળીને જે રીતે ગોપ-ગોપિકા સાનભાન ભૂલી જતાં હતાં, અદ્દલોદ્દલ એ જ રીતે કૃષ્ણ પોતે રાધાના મુખેથી પોતાની વાંસળીના સૂર સાંભળી કૃષ્ણ હોવાનું વિસરી જઈ ધ્યાનસ્થ થઈ ગયા અને પ્રણયની સંતૃપ્તિમાં ઓગળવા લાગ્યા…
કેવી અદભુત કવિતા! કેવું વિશિષ્ટ કવિકર્મ!
Permalink
March 24, 2022 at 11:22 AM by વિવેક · Filed under અછાંદસ, ગદ્ય કાવ્ય, વર્ન રુત્સલા, વિશ્વ-કવિતા, સુરેશ દલાલ
એક માણસ છે. હું એને આછો અમથો ઓળખું છું. એ મારી ખુરસીમાં બેસે છે, પહેરે છે મારો ચહેરો અને વસ્ત્રો, ખરેખર તો મારી આબેહૂબ આકૃતિ. એને કહેવાય છે નાગરિક. વાસ્તવમાં તો એ છે કઠપૂતળી, જેને હું નિયંત્રું છું. જ્યારે એ બોલે છે ત્યારે કોઈને દેખાતું નથી, પણ હોઠ તો મારા હલે છે.
– વર્ન રુત્સલા
(અનુ.: સુરેશ દલાલ)
નાનું અમથું ગદ્યકાવ્ય. ફકરો જ જોઈ લ્યો ને! કવિના સંગ્રહનું નામ જ ‘પેરેગ્રાફ્સ’ છે. વયષ્ટિને સંબોધીને લખાયેલ આ કાવ્ય હકીકતે તો સમષ્ટિને સ્પર્શે છે. આમેય સ્વથી સર્વ સુધી જાય એ જ કવિતા. દ્વય એટલે જોડી. પણ આ જોડી આપણા સહુની આપણા નકલી જીવન સાથેની છે. આપણે આપણને ખુદને પણ પૂરું નહીં, કેવળ આછું ને અમથું જ ઓળખી શકીએ છીએ એ આપણા જીવનની મોટી વિડંબના છે. વિશેષમાં નાગરિક શબ્દનું લેબલ આપણી બચીકુચી આદિમતાને પણ ખતમ કરી દે છે. આપણે સહુ સિસ્ટમની દોરીએ બંધાઈને બીજાની ઇચ્છા મુજબ નર્તંતી કઠપૂતળીઓથી વિશેષ કશું નથી.
Permalink
March 22, 2022 at 1:56 PM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
હે સખી ! તારા વિનાની જિંદગી હું શું કરું ?
ધૂળમાં હું શું ઉમેરીને ફરી કંકુ કરું.
આસમાની ઓસરીમાં વાદળો રહેતાં નથી,
માછલી વિશે પૂછ્યું તો જળ કશું કહેતાં નથી.
સૂર્યની સાથે સંબંધોમાં બહુ ઝાંખપ પડી,
ને, હવા ભૂલી ગઈ ખુશબૂ તણી બારાખડી.
સૂર્યની સામે જ ઝાકળ શી રીતે ભેગું કરું?
જોઈ લે ઓઢું ઉદાસીનો દુપટ્ટો આજ પણ,
આંખના ઘ૨થી અલગ રહેવા ગઈ છે સાંજ પણ.
સાચવેલા તારલા ટપટપ ખરે છે એટલા,
હું અને આકાશ બંને સાવ મૂંગાં એકલાં,
એક ખોબા આભને હું કંઈ તરફ વ્હેતું કરું.
– મુકેશ જોષી
પ્રથમ બે પંક્તિ……..અદભૂત……આખું ગીત જ અતિસુંદર…..
Permalink
March 19, 2022 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, વિશ્વ-કવિતા
શું થયું હતું એ બાવરી બાવરી હવામાં
આપણા પરિવારનું, બાપુ!
આખું ગામ કેવું ડરી ગયું હતું,
નદી પણ ભાગી ગઈ હતી
રામભરોસે છોડીને ચિનારનાં ઝાડને.
શેરીઓમાં હજારો કાગડાઓનું બુમરાણ મચ્યું હતું
ને આપણે હતાં
છાપરા વગરના ઘરમાં.
કોઈ વેલી પર બચેલા
લીલી દ્રાક્ષના આખરી ઝૂમખા જેવાં.
રોતી’તી મા,
રોતી’તી દાદી,
નાનકો પણ રોતો ‘તો,
રોતી’તી કાકી,
ને તમે હાથ જોડીને બધાંને ચૂપ રહેવા કહેતા’તા.
દીવા બધા ઓલવી નખાયા હતા,
ચુપકીદી છવાઈ ગઈ હતી,
ગલીઓમાં જાણે કોઈ ખૂબ બધા ફટાકડા ફોડતું હોય
એવા અવાજો આવતા હતા, ત્યારે.
બાપુ, ગઈ કાલે ‘દૂરદર્શન’ પર બતાડતા હતા
કાશ્મીરને !
બરફભર્યા પહાડો, સરોવરો, ઝરણાં, લીલાંછમ મેદાનો…
ત્યારે, મને થયું, કે આપણે,
પીળાં પાંદડાં છીએ, ઝાડુના એક ઝાટકે
ઉસેટાઈ ગયેલાં,
ઠલવાયેલાં આ કૅમ્પોમાં.
બાપુ, અહીંથી પણ આપણને
ઉડાવી લઈ જશે હવા ?
-અગ્નિશેખર
(હિંદીમાંથી અનુ.: સિતાંશુ યશશ્ચંદ્ર)
અત્યારે ‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ જોરમાં છે. કાશ્મીરમાં પંડિતોની કત્લેઆમ અને ફરજીયાત હકાલપટ્ટી કરવામાં આવી હતી ત્યારે સરકાર ચુપચાપ તમાશો જોવામાં રત હતી. મૂળથી ઉત્થાપિત થવાની વેદના તો રામબાણ વાગ્યા હોય એ જ જાણે ને! એક બાળક આખી ઘટનાને કઈ રીતે જુએ છે એ આ કવિતાના માધ્યમથી અનુભવીએ. બહુ સરળ ભાષામાં બાળક હત્યાકાંડ અને એનાથી બચી જવા માટેની કવાયત તથા વિસ્થાપિત થયા બાદ કેમ્પમાં પોતાની હાલત અને આવતીકાલની સ્થિરતા બાબતની અનિશ્ચિતતા વર્ણવે છે. એકીસાથે લોહી થીજી પણ જાય અને ઉકળી પણ ઉઠે એવી સક્ષમ રચના.
Permalink
March 18, 2022 at 10:42 AM by વિવેક · Filed under ગીત, જાવેદ અખ્તર
મોરે કાન્હા જો આયે પલટ કે,
અબ કે હોરી મૈં ખેલૂંગી ડટ કે.
અપને તન પે ગુલાલ લગા કે,
ઉન કે પીછે મૈં ચૂપકે સે જા કે,
રંગ દૂગી ઉન્હે મૈં લિપટ કે..
અબ કે હોરી મૈં ખેલૂંગી ડટ કે.
કી જો ઉન્હોંને અગર જોરાજોરી,
છિની પિચકારી બૈંયા મરોડી,
ગાલિયાં મૈને રખ્ખી હે રટ કે,
અબ કે હોરી મૈં ખેલુંગી ડટ કે.
– જાવેદ અખ્તર
(ફિલ્મ : સરદારી બેગમ)
રંગપર્વ નિમિત્તે લયસ્તરોના ભાવકમિત્રો માટે એક રંગારંગ ઠુમરી.
Permalink
March 16, 2022 at 12:31 PM by તીર્થેશ · Filed under ગઝલ, નીતિન વડગામા
સત્ય ટૂંપાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
ચિત્ર ભુંસાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
અહીં ખુદ ભોમિયાને પણ નથી કંઈ ભાન મારગનું,
દિશા ફંટાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
સુગંધોનેય કરવા કેદ આ ટોળું થયું ભેગું,
ફૂલો મૂરઝાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
નથી કંઈ સૂરની સમજણ છતાંયે સાજ શણગાર્યાં !
બસૂરું ગાય એ પહેલાં પહેલાં બધાંએ બોલવું પડશે.
નર્યો ઉપજાઉ વાતો ને નિરંતર જૂઠનો રેલો,
વધુ લંબાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
જતન એનું કર્યું છે પૂર્વજોએ પ્રાણ પૂરીને,
મતા લુંટાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
સતત થાક્યા વિના બોલ્યા કરે છે એ ફકીરોનું –
ગળું રૂંધાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
હજી તો ઝળહળે છે આ સનાતન ધર્મનો દીવો,
તિમિર ઘેરાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
– નીતિન વડગામા
” કશ્મીર ફાઇલ્સ ” મૂવીના સંદર્ભે એક મિત્રએ આ ગઝલ મને મોકલી. વાત સુસંગત છે. દુ:ખ એ વાતનું તો છે જ કે HINDU GENOCIDE થયો હતો, કારમો આઘાત તો એ વાતનો છે કે દેશની ધૂરા ઝાલનારાઓ આવો કોઈ નરસંહાર થયો પણ છે એ વાત માનવા સુદ્ધા તૈયાર નહોતા !!!!! “બિનસાંપ્રદાયિકતા” શબ્દ મુસ્લિમ તુષ્ટિકરણ અને હિન્દૂ-ધિક્કાર – આ બે અર્થઘટનમાં કેદ થઈને રહી ગયો છે……
Permalink
March 12, 2022 at 9:03 AM by વિવેક · Filed under ગઝલ, જાતુષ જોશી
સપાટી ચાર ભીંતોની ભલે રંગીન લાગે છે,
સકળ અવકાશ વચ્ચેનો ઘણો ગમગીન લાગે છે.
સમયની ભોંયનું તળ ખોદવાથીયે નથી મળતું,
સમય કરતાંય ઊંડું મન ઘણું પ્રાચીન લાગે છે.
ઘણું સૂતાં પછી જાગી ગયો છે આખરે એ જણ,
હવે એને જગત આખુંય નિદ્રાધીન લાગે છે.
ઘડીભર ઢીલ દે, ખેંચે ઘડીમાં શ્વાસની દોરી,
કે જીવ ઉડાવવાનો એ અજબ શોખીન લાગે છે.
બધાંની હાજરીના ખ્યાલથી એ બ્હાર ના આવ્યું,
મને એ આંખનું આંસુંય તે શાલીન લાગે છે.
– જાતુષ જોશી
આજે ચારે તરફ જેનું ત્સુનામી ફરી વળ્યું છે એ ગઝલોના ટોળામાંથી સાવ અલગ અને અડીખમ ઊભી રહી શકે એવી કાવ્યબાની અહીં સાંભળવા મળે છે. રંગીન દીવાલોની વચ્ચેના ખાલી કમરાની ગમગીની જોઈ શકનાર કવિ આમેય અન્યોથી અલગ જ હોવાનો. સંસારમાં એવું કશું નથી જે સમયના ગર્ભમાં દટાયું પડ્યું ન હોય. પણ સાચો કવિ જ એ જે એ જોઈ શકે, જે અન્યોની નજરથી ઓઝલ હોય. સમયને ગમે એટલો ખોડો, ગમે એટલા ઊંડે જાવ પણ મન સમયથી પણ વધુ ઊંડું છે, મનનો તાગ મેળવવો સંભવ જ નથી. અને બીજાની હાજરીનો ખ્યાલ કરી જે આંસુ આંખનો ઉંબરો ઓળંગીને બહાર આવવું ટાળે છે એ આંસુને શાલીનકરાર આપતો શેર તો ભાઈ વાહ ! સરવાળે અદભુત ગઝલ…
Permalink
March 11, 2022 at 11:54 AM by વિવેક · Filed under ગીત, મનહર તળપદા
વ્હાલમ, અમને એકલતાના આભ નીચે
. ટળવળતી કોઈ સાંજ થવાનું મંન,
વ્હાલમ, અમને બળબળતા વનવગડે કોઈ
. એકલદોકલ સાથ વિનાની પાંખ થવાનું મંન.
અમને એકદંડિયા મ્હેલે વાસો રાત એકનો આપો
અમને સ્પર્શ-વિહોણા દેશે થોડી નજરકેદમાં રાખો;
વ્હાલમ, અમને વલવલતી કો’ ચાંદ વિનાની,
. રાત બનીને ઉજાગરાનું ફૂલ થવાનું મંન.
ચોરીના ફેરાની પળથી ગીત મિલનનાં સતત અમે તો ગાયાં,
રેશમિયાં સપનોમાં કોઈ અલકમલકનાં રૂપ બની હરખાયાં;
વ્હાલમ, અમને ક્ષણ એકાદી આપો જેમાં
. ટીટોડીની ચીખ બની તમ રોમરોમનો કંપ થવાનું મંન…
– મનહર તળપદા
ગાઢ અંધકારનો અનુભવ થયો જ ન હોય એ પ્રકાશનું સાચું મૂલ્ય કઈ રીતે સમજી શકે? વિરહનું વખ ચાખ્યું જ ન હોય એ મિલનના અમીની કિંમત કેમ કરી શકે? કાવ્યનાયિકાના નસીબમાં જુદાઈની પળો કદી આવી જ નથી. ચોરીના ફેરા ફર્યા એ પળથી એના નસીબે સતત મિલનનાં ગીત ગાવાનું જ આવ્યું છે. એના સપનાંઓને આજદિન લગી કેવળ રેશમિયો સ્પર્શ જ થયો છે. પણ નાયિકા જાણે છે કે જેણે દુઃખ જ જોયું નથી એ સુખનું મહત્ત્વ કદી સમજી શકનાર નથી. વિયોગના સંસ્પર્શ વિનાનું મિલન કેવળ સપાટી પરનું જ મિલન છે. એમાં પ્રેમની તીવ્રતા કદી લાંબો સમય ટકતી નથી. વિરહની પીડા વિનાનું સાયુજ્ય ક્રમશઃ મોળું જ પડતું જવાનું. એટલે જ નાયિકા પ્રિયતમ પાસે એકલતાના આભ નીચે ટળવળતી કોઈ સાંજ થવાની ઇચ્છા વ્યક્ત કરે છે. બળબળતા નિર્જન વનવગડે કોઈનો સાથ ન હોય એવી પાંખ થવાના કોડ એને જાગ્યા છે. પાંખો નહીં, પાંખ… એક જ પાંખ! એકલતાની તીવ્રતા અનુભવવા માટે કેવું સચોટ કલ્પન! એકદંડિયા મહેલમાં કેદ રાજકુમારીની વાર્તા આપણે સહુએ બાળપણમાં વાંચી છે. નાયિકા વધુ નહીં ત્યો એક રાત પૂરતોય વાસો ત્યાં ઝંખે છે. પિયુનો સ્પર્શ પણ નસીબ ન થાય એવા પ્રદેશમાં એ નજરકેદ રહેવા ઇચ્છે છે. ચાંદ વિનાની વલવલતી રાત બનીને એ ઉજાગરાનું ફૂલ થવા માંગે છે… એકલતાના ઓરતાના એક પછી એક રજૂ થતા રૂપક નાયિકાની મનોકામનાને સતત ધાર પ્રદાન કરે છે… આવી એકાકી ક્ષણોનો રઝળપાટ વેઠ્યા બાદ એ પ્રિયતમને રોમેરોમ કંપન જન્માવે એવી ટીટોડીની ચીખ બનવા ચહે છે. વિરહ પછીના કાયમી મિલન માટેની સુમધુર ઘેલછાનું કેવું મનહર ગીત!
Permalink
March 10, 2022 at 10:53 AM by વિવેક · Filed under ગઝલ, જવાહર બક્ષી
તું મળશે મને, એવો ભ્રમ તો નથી,
નહીં મળવું એ પણ નિયમ તો નથી.
વિરહની વ્યથામાં મિલનની મજા,
વિરહ ક્યાંક પોતે સનમ તો નથી.
ન ડરશો કે આયુષ્ય લાંબું મળ્યું,
જીવન જીવવું એકદમ તો નથી.
ગઝલ લખવા જાઉં ને શંકા પડે,
હું પોતે કોઈની કલમ તો નથી.
હવે કેમ એકેય ઇચ્છા નથી,
‘ફના’ ક્યાંક છેલ્લો જનમ તો નથી.
– જવાહર બક્ષી
આમ તો આખી ગઝલ સરસ છે, પણ બીજો, ચોથો અને છેલ્લો શેર સ-વિશેષ ધ્યાનાર્હ થયા છે. પહેલીવાર વાંચતાવેંત ગમી જાય એવા, પણ બીજી-ત્રીજી વાર વાંચો તો કવિને સલામ ભરવાનું મન થાય એવા…
Permalink
March 9, 2022 at 8:02 PM by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
અહીં ખંડિત થવાનો અર્થ માણસ એટલે માટી
ચહેરો તૂટવાનો અર્થ માણસ એટલે માટી
હજારો સાલ પહેલાંના મળે અવશેષ ભીતરથી
જીવનને ખોદવાનો અર્થ માણસ એટલે માટી
મલય–લ્હેરે સૂકી ઘટનાની કચારી હલબલી ઊઠી
કે ઇચ્છા મ્હોરવાનો અર્થ માણસ એટલે માટી
સતત ફરતા રહે છે ચાકનાં પૈડાંની ઝડપે સહુ
અહીંયા ઘૂમવાનો અર્થ માણસ એટલે માટી
ખૂલી વરસો પછી મુઠ્ઠી તો ચપટી ધૂળ નીકળી’તી
રહસ્યો ખોલવાનો અર્થ માણસ એટલે માટી
ઘણા વખતે અમે ઝીલ્યા છે વ્હેલી વારના છાંટા
ત્વચા મ્હેકી જવાનો અર્થ માણસ એટલે માટી
અમે તો માટીનાં પૂતળાં કે રમતાં રમતાં તૂટવાના
નથી સમજાવવાનો અર્થ માણસ એટલે માટી
– મનોજ ખંડેરિયા
ટૂંકમાં કેટલું બધું કહી દીધું !!!
Permalink
March 9, 2022 at 12:38 PM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
હું ‘હું’ ક્યાં છું ? પડછાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં ;
હું જન્મોજન્મ પરાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.
તું રાત બની અંજાઈ જજે આ ગામનાં ભીનાં લોચનમાં ;
હું ઘેનભર્યું શમણાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.
આ માઢ,મેડી ને હિંડોળો ફોરે છે તારા ઉચ્છવાસ્ ;
હું હિના વગરનો ફાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.
કંકુ ખરખર, તોરણ સૂકાં, દીવાની ધોળી રાખ ઊડે;
હું અવસર એકલવાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં
સાન્નિધ્યનો તુલસીક્યારો થૈ તું આંગણમાં કૉળી ઊઠે;
હું પાંદ-પાંદ વીખરાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.
શ્વાસોના પાંખાળા અશ્વો કંઈ વાંસવનો વીંધી ઊડ્યાં ;
હું જડ થઈને જકડાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.
ગઈકાલના ઘૂઘરાઓ ઘમક્યા, સ્મરણોનાં ઠલવાયાં ગાડાં;
હું શીંગડીએ વીંધાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.
– ભગવતીકુમાર શર્મા
સમગ્ર કવિકર્મ મજબૂત ! કવિના સ્વમુખે આ ગઝલનો પાઠ સાંભળવાનો લ્હાવો મળ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે આ ગઝલનો મત્લો મનમાં સ્ફૂર્યો એના ચાર-પાંચ વર્ષે તેઓએ આ ગઝલ પૂરી કરેલી ! તેઓને મત્લો એટલો ગમી ગયેલો કે તેઓ ઇચ્છતા હતા કે સમગ્ર ગઝલ બળૂકી બને…
સુરતના ખૂબ જ મજબૂત અને રંગભૂમિને સમર્પિત નાટ્યકાર શ્રી કપિલદેવ શુક્લ મત્લાથી એટલા પ્રભાવિત થયા હતા કે તેઓ એ જાતે આ જ નામથી એક કરુણરસનું એકાંકી લખ્યું હતું જે ઘણું સફળ થયું હતું…
Permalink
March 5, 2022 at 11:23 AM by વિવેક · Filed under અછાંદસ, જયંત ડાંગોદરા
દંતાળને પાંચ દાંતા હોય છે
દાંતાને છેડે અણીદાર ફળાં
ને આ ફળાં જ
પાણીથી ભીંજાઈને
મૃદુ બનેલી જમીનમાં
ખૂંચતાં રહે છે ખચ્ચ ખચ્ચ.
ધૂંસરીએ જોડેલો ધુરીણ
અવિરત ખેંચ્યા કરે એ દંતાળ
એની પાછળ દોરાતો ખેડૂત
ઓર્યા કરે ઓરણીમાં દાણા
ને થોડા દિવસમાં ઊગી નીકળે
ચાસને ચીરીને ખેતરમાં વાવેલાં બીજ.
શિશુ જેટલા જ લાડકોડથી
ઉછેરવાં પડે છે એને.
રક્ષણ કરવું પડે ડુક્કરથી
પછી નીંદણથી
ઇયળ, કીટક, મોલોમસી
ને છેલ્લે તીડનાં ટોળાંથી.
દાણાં ભરાય ત્યારે ન્હોર જેવી
હરાયાં પંખીની ચાંચોથી.
એક વખત વવાઈ ગયા પછી
બચવું મુશ્કેલ હોય છે.
અને જીવી જવું તો એથીય જીવલેણ.
– જયંત ડાંગોદરા
કવિતા પૂરી થવા આવે છેક ત્યાં સુધી કવિ આપણને ખેતરની જિંદગીની મુસાફરીએ લઈ જવા માંગતા હોય એમ જ લાગે. ખેતર ખેડવા માટેના અણીદાર ફળાંવાળાં પાંચ દાંતાવાળું દંતાળ ખભે લઈને બળદ ખેતર ખેડતો જાય અને ખેડૂત બી ઓરતો જાય એ દૃશ્ય કવિએ આબાદ ચિતર્યું છે. પાક ઊગે પછી કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે એનું પણ કવિએ રસાળ વર્ણન કર્યું છે. પણ અંતભાગ સુધી ગદ્યનિબંધ જણાતી રચના આખરી ત્રણ પંક્તિમાં અદભુત કાવ્યમાં પરિવર્તિત થઈ જાય છે. દંતાળના પાંચ દાંતા પાંચ ઇન્દ્રિય હોવાનું અનુભવાય છે અને ખ્યાલ આવે છે કે આખી વાત સંબંધની છે. એકવાર સંબંધ બંધાઈ જાય પછી એને ટકાવી રાખવું કેટલું મુશ્કેલ છે એ કવિએ ખેતીની પરિભાષામાં આબેહૂબ ચાક્ષુષ કર્યું છે…
Permalink
March 4, 2022 at 11:16 AM by વિવેક · Filed under ગઝલ, નીરવ વ્યાસ
કોણ ક્યારે ખફા થઈ જશે?
આપણાં, પારકાં થઈ જશે.
જો વધારે ઘસાશે હજુ,
પથ્થરો આયના થઈ જશે.
રક્ત થીજી જશે તે પછી,
ઘા રુઝાઈ મતા થઈ જશે.
પાથરો છો ભલે ખાર પણ,
કૂંપળો તે છતાં થઈ જશે.
સ્હેજ નીરવ’ પડો-આથડો,
દોસ્તોને મજા થઈ જશે.
– નીરવ વ્યાસ
ટૂંકી બહરમાં સરળ અને મજાની ગઝલ…
Permalink
March 3, 2022 at 10:48 AM by વિવેક · Filed under ગીત, પ્રદ્યુમ્ન તન્ના
જાવ જાવ જાદવજી જૂઠા!
અમને અબુધને શું આજ લગી આવડાં અવળાં ભણાવ્યાં તમીં ઊઠાં?!
કે જાવ જાવ હાં રે તમીં જાદવજી જૂઠા…
વાહેં તમારી હાય લાજ્ય મરજાદ
ને સરવે વિસાર્યા સાનભાન,
ભક્તિ-મુક્તિની ભલી વાત્યુંમાં ભોળવઈ
કેવળ દીધાં ના વા’લાં દાણ,
રે મૈડાની હાર્યોહાર્ય હૈડાના હીરનીયે કરવા દીધી’તી લૂટલૂટાં!
જાવ જાવ હાં રે તમીં જાદવજી જૂઠા…
અમથું અમથું તે એક કૌતુક થૈ’
આવ્યું ને કોરે કાળજડે કરી કોઠા,
પે’લવે’લી વાર બેઠાં ગણવા કે જોઈ ક્યાંક
આપલેનાં આંક નહીં ખોટા!
રે આવડિયો એવો અમીં માંડ્યો હિસાબ તો ઉત્તર કંઈ લાધ્યા અનૂઠા!
જાવ જાવ હાં રે તમીં જાદવજી જૂઠા…
આજ લગી ચૂકવ્યાં તે અરધાં માધવ
રહ્યાં અરધાં તે નથ્થ હવે દેવા,
ભવે ભવે આવજો વૈકુંઠથી આંહીં વ્રજે
લેણાં બાકીનાં બધાં લેવા!
રે નિજની માયામાં રાજ રે’જો અટવાયા હવે તમીં બંધાયા અમીં છૂટાં!
કે જાવ જાવ હાં રે તમીં જાદવજી જૂઠા…
– પ્રદ્યુમ્ન તન્ના
પ્રેમ હોય ત્યાં મીઠો કલહ તો હોવાનો જ. અને કૃષ્ણ સાથે ગોપીઓનો ઝઘડો તો યુગો-યુગોથી ચાલતો આવ્યો છે. ‘જાવ જાવ જાદવજી જૂઠા’- ‘જ’ અને ‘વ’ની અદભુત વર્ણસગાઈ સાથે ઉપાડ લેતું આ ગીત પણ આ જ ઝઘડાની પાર્શ્વભૂ પર ઊભું છે. પોતાના અબુધપણાનો સ્વીકાર કરીને ગોપી જાદવજી પર સીધું જ પોતાને આજીવન ઊંઠા ભણાવ્યા હોવાનું આળ લગાવી એમને જૂઠાકરાર આપે છે. લાજ-શરમ તો ઠીક, સાન-ભાન પણ નેવે મૂકીને ગોપીઓએ કેવળ દાણ જ નથી દીધાં, મહિડાંની સાથે હૈડાંનીય લૂંટાલૂંટ કરવા દીધી છે. પણ આ સમર્પણની અવસ્થામાં એકવાર ગોપીને અમસ્તું થોડું કૌતુક થાય છે અને કોરા કાળજાંની નોટબુક પર કોઠા કરીને એ ગણતરી કરવા બેસે છે. જાદવજી સાથેની પોતાની આપલેનો હિસાબ ક્યાંક ખોટો તો નથી મંડાઈ ગયો ને! અબુધ ગોપી આવડે એવો હિસાબ માંડે છે તો અનૂઠા ઉત્તર સાંપડે છે. હકીકત તો એ છે કે ગોપીઓએ તો સર્વસ્વ લૂંટાવ્યું છે અને કાનુડો બધું લઈને એમને ત્યાગી ગયો હતો. પણ ભક્તિનો તો હિસાબ જ અલગ. ગોપી હિસાબ એવો માંડે છે કે મૂળ લેણિયાત કૃષ્ણ છે અને પોતે આજ લગી એને જે આપ્યું એ દેવાની ચૂકવણીનો જ એક ભાગ હતું. આજ સુધીમાં અડધું દેવું ચૂકવાઈ ગયું હોવાનું કહીને બાકીનું અડધું ચૂકવવાનો એ નનૈયો પરખાવે છે. પાર્ટી ઊઠી ગઈ જ સમજી લ્યો, જાદવરાય!!! હવે કૃષ્ણને જો એનું બાકીનું લેણું વસૂલવું હોય તો આવે વૈકુંઠ્થી વ્રજનો ધરમધક્કો ખાવા. લેણદારને ઉધારી વસૂલવાની જવાબદારીમાં બાંધી દઈ ગોપી પોતાને મુક્ત જાહેર કરી દઈને કૃષ્ણ સાથેની મુલાકાત કેવી ચતુરાઈપૂર્વક પાક્કી કરી દે છે… અને આવી બાહોશ દેણદાર વળી પોતાને તો અબુધ કહેવડાવે છે…
આખા ગીતમાં ઠેકઠેકાણે વર્ણસગાઈનું સંગીત તળપદી ભાષામાં એવી રીતે ગૂંથાયું છે કે ગીત વાંચતા જ વહાલું લાગે…
Permalink
March 1, 2022 at 11:03 AM by તીર્થેશ · Filed under ગીત, રમેશ પારેખ
આ હથેળીઓમાં છૂટીછવાઈ રેખા છે તે
તૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે?
કદી ન આવે યાદ એટલું દૂર નીકળી ગયા પછી પણ
કોનો પદસંચાર ધબકતો છાતીના પોલાણે
કોઈ અધૂરા પ્રેમપત્ર-શી વેરણછેરણ ઋતુઓ
ઊડતી આમ મૂકીને કોણ ગયું તે આંગળીઓ શું જાણે
આંગળીઓ શું જાણે આ તો લોહિયાળ પાતાળો વીંધી
પાંપણ ઉ૫૨ ઝળુંબતાં આંસુનાં ટીપાં સાવ આપણાં છે
આ હથેળીઓમાં છૂટીછવાઈ રેખા છે તે
તૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે?
ઠેસે ઠેસે ફૂટી ગયું છે, દૃશ્યોમાંથી આરપાર દેખાતા
ભમ્મર વિસ્તારોમાં ભાગી છૂટતું છૂટતું ‘ જોવું ’
સુક્કાસુક્કા ટગરવૃક્ષ ૫૨ ફૂલ થઈને બેસી રહેતો
રહ્યો-સહ્યો વિશ્વાસ ચૂંટીને કયા તાંતણે પ્રોવું?
આમ આપણું વસવું એ કૈં કપાસિયાનો છોડ નથી કે
ખૂલશે ત્યારે લચી આવશે પોલ એટલે બંધ બારણાં છે
આ હથેળીઓમાં છૂટીછવાઈ રેખા છે તે
તૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે?
– રમેશ પારેખ
સ્તબ્ધ કરી દેતી કવિતા….
સંબંધોને તૂટતાં જોયા છે, જાતે અનુભવ્યા છે, hindsight માં હમેશા એવું જ લાગ્યું કે એ સંબંધોના પાયા જ કાચા હતા…. Worshipping false Gods જેવી કોઈ મૂર્ખતા નથી….પણ આ વાત પારાવાર વેદનામાંથી પસાર થયા વગર સમજાતી નથી.
Permalink