હવે પચાસ વટી આપ વનમાં આવ્યા છો,
હવે ત્યજી દો આ આંબાઓ ગણવું આમ્રવને.
- વિવેક મનહર ટેલર

હિસાબ – પ્રદ્યુમ્ન તન્ના

જાવ જાવ જાદવજી જૂઠા!
અમને અબુધને શું આજ લગી આવડાં અવળાં ભણાવ્યાં તમીં ઊઠાં?!
કે જાવ જાવ હાં રે તમીં જાદવજી જૂઠા…

વાહેં તમારી હાય લાજ્ય મરજાદ
ને સરવે વિસાર્યા સાનભાન,
ભક્તિ-મુક્તિની ભલી વાત્યુંમાં ભોળવઈ
કેવળ દીધાં ના વા’લાં દાણ,
રે મૈડાની હાર્યોહાર્ય હૈડાના હીરનીયે કરવા દીધી’તી લૂટલૂટાં!
જાવ જાવ હાં રે તમીં જાદવજી જૂઠા…

અમથું અમથું તે એક કૌતુક થૈ’
આવ્યું ને કોરે કાળજડે કરી કોઠા,
પે’લવે’લી વાર બેઠાં ગણવા કે જોઈ ક્યાંક
આપલેનાં આંક નહીં ખોટા!
રે આવડિયો એવો અમીં માંડ્યો હિસાબ તો ઉત્તર કંઈ લાધ્યા અનૂઠા!
જાવ જાવ હાં રે તમીં જાદવજી જૂઠા…

આજ લગી ચૂકવ્યાં તે અરધાં માધવ
રહ્યાં અરધાં તે નથ્થ હવે દેવા,
ભવે ભવે આવજો વૈકુંઠથી આંહીં વ્રજે
લેણાં બાકીનાં બધાં લેવા!
રે નિજની માયામાં રાજ રે’જો અટવાયા હવે તમીં બંધાયા અમીં છૂટાં!
કે જાવ જાવ હાં રે તમીં જાદવજી જૂઠા…

– પ્રદ્યુમ્ન તન્ના

પ્રેમ હોય ત્યાં મીઠો કલહ તો હોવાનો જ. અને કૃષ્ણ સાથે ગોપીઓનો ઝઘડો તો યુગો-યુગોથી ચાલતો આવ્યો છે. ‘જાવ જાવ જાદવજી જૂઠા’- ‘જ’ અને ‘વ’ની અદભુત વર્ણસગાઈ સાથે ઉપાડ લેતું આ ગીત પણ આ જ ઝઘડાની પાર્શ્વભૂ પર ઊભું છે. પોતાના અબુધપણાનો સ્વીકાર કરીને ગોપી જાદવજી પર સીધું જ પોતાને આજીવન ઊંઠા ભણાવ્યા હોવાનું આળ લગાવી એમને જૂઠાકરાર આપે છે. લાજ-શરમ તો ઠીક, સાન-ભાન પણ નેવે મૂકીને ગોપીઓએ કેવળ દાણ જ નથી દીધાં, મહિડાંની સાથે હૈડાંનીય લૂંટાલૂંટ કરવા દીધી છે. પણ આ સમર્પણની અવસ્થામાં એકવાર ગોપીને અમસ્તું થોડું કૌતુક થાય છે અને કોરા કાળજાંની નોટબુક પર કોઠા કરીને એ ગણતરી કરવા બેસે છે. જાદવજી સાથેની પોતાની આપલેનો હિસાબ ક્યાંક ખોટો તો નથી મંડાઈ ગયો ને! અબુધ ગોપી આવડે એવો હિસાબ માંડે છે તો અનૂઠા ઉત્તર સાંપડે છે. હકીકત તો એ છે કે ગોપીઓએ તો સર્વસ્વ લૂંટાવ્યું છે અને કાનુડો બધું લઈને એમને ત્યાગી ગયો હતો. પણ ભક્તિનો તો હિસાબ જ અલગ. ગોપી હિસાબ એવો માંડે છે કે મૂળ લેણિયાત કૃષ્ણ છે અને પોતે આજ લગી એને જે આપ્યું એ દેવાની ચૂકવણીનો જ એક ભાગ હતું. આજ સુધીમાં અડધું દેવું ચૂકવાઈ ગયું હોવાનું કહીને બાકીનું અડધું ચૂકવવાનો એ નનૈયો પરખાવે છે. પાર્ટી ઊઠી ગઈ જ સમજી લ્યો, જાદવરાય!!! હવે કૃષ્ણને જો એનું બાકીનું લેણું વસૂલવું હોય તો આવે વૈકુંઠ્થી વ્રજનો ધરમધક્કો ખાવા. લેણદારને ઉધારી વસૂલવાની જવાબદારીમાં બાંધી દઈ ગોપી પોતાને મુક્ત જાહેર કરી દઈને કૃષ્ણ સાથેની મુલાકાત કેવી ચતુરાઈપૂર્વક પાક્કી કરી દે છે… અને આવી બાહોશ દેણદાર વળી પોતાને તો અબુધ કહેવડાવે છે…

આખા ગીતમાં ઠેકઠેકાણે વર્ણસગાઈનું સંગીત તળપદી ભાષામાં એવી રીતે ગૂંથાયું છે કે ગીત વાંચતા જ વહાલું લાગે…

6 Comments »

  1. Varij Luhar said,

    March 3, 2022 @ 11:16 AM

    ઉત્તર કંઈ લાધ્યા અનૂઠા..
    ખૂબ સરસ રચના અને આસ્વાદ

  2. Mansi shah said,

    March 3, 2022 @ 12:08 PM

    Parmeshwar ne premi jani ne hak jatavati gopio ..!!kharekhar adbhut..

  3. કિશોર બારોટ said,

    March 3, 2022 @ 1:57 PM

    તળપદી ભાષાની મદમીઠી સોડમસભર સુંદર રચના. 👌

  4. કેતનકુમાર કાંતિલાલ બગથરિયા "રાહી" said,

    March 3, 2022 @ 6:35 PM

    જય શિવ
    અજર અમર અવિનાશી,
    સદાશિવ શંકર પાવનકારી,
    સોમનાથ સર્વદા કલ્યાણી,
    બૈજનાથ હરે રોગ ભયંકારી,
    મહાકાલ પ્રભુ પ્રલંયકારી,
    વિશ્વનાથ, બદ્રીનાથ સર્વ મંગલકારી,

    તું હી સૃષ્ટિ તું હી કર્તા,
    તું હી પાલક પ્રલંયકારી,
    તું હી નર તું હી નારી,
    અર્ધનારીશ્વર જગત ધર્તા,
    તું હી ચંદ્ર મૌલી,
    તું હી ગંગાધર પાવનકારી,

    મૃત્યુંજય, ત્રિપુરારી સર્વ ભયહારી,
    પશુપતિ મૃત્યુ કર્મબંધન હારી,
    ભૂતનાથ, સ્મશાનવાસી સર્વ પીડા હારી,
    ઉમાપતિ પાર્વતીપતિ સંસાર ફળદાયી,
    હર હર શંભુ ભવસાગર તારી,
    ૐ નમઃ શિવાય સર્વ મંગલદાયી.
    કેતનકુમાર કાંતિલાલ બગથરિયા “રાહી”

  5. જયેન્દ્ર ઠાકર said,

    March 3, 2022 @ 11:46 PM

    લેણદેણની આ અલૌકીક વાત આજ સ્રુષ્ટીના સર્જન કાળથી ચાલી આવેલ છે. વહાલભર્યા આ વિવાદમાં મુદ્દો માલનો નથી પણ મેળાપનો છે! ભક્તિના ભાવમાં પડેલ ભાવિક ગોપીઓ તો હરીને પણ હરી જાય છે!તમેજ કહો કે જાદવજી કેમ ના વૈકુંઠ્થી વ્રજનો વિહાર કરે?

  6. પ્રજ્ઞા વશી said,

    March 4, 2022 @ 1:06 AM

    ખૂબ સરસ
    મધ મીઠું ગીત .
    ફરિયાદમાં પણ પ્રેમાળ ચાલાકી .
    વાહ , કવિને અભિનંદન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment