બે-ચાર શ્વાસની આ મને નાવડી મળી,
સાગર મળ્યો અફાટ ને બસ, બે ઘડી મળી.
વિવેક મનહર ટેલર

સાંજ થવાનું મન – મનહર તળપદા

વ્હાલમ, અમને એકલતાના આભ નીચે
.                                    ટળવળતી કોઈ સાંજ થવાનું મંન,
વ્હાલમ, અમને બળબળતા વનવગડે કોઈ
.                                    એકલદોકલ સાથ વિનાની પાંખ થવાનું મંન.

અમને એકદંડિયા મ્હેલે વાસો રાત એકનો આપો
અમને સ્પર્શ-વિહોણા દેશે થોડી નજરકેદમાં રાખો;

વ્હાલમ, અમને વલવલતી કો’ ચાંદ વિનાની,
.                                    રાત બનીને ઉજાગરાનું ફૂલ થવાનું મંન.

ચોરીના ફેરાની પળથી ગીત મિલનનાં સતત અમે તો ગાયાં,
રેશમિયાં સપનોમાં કોઈ અલકમલકનાં રૂપ બની હરખાયાં;

વ્હાલમ, અમને ક્ષણ એકાદી આપો જેમાં
.                                    ટીટોડીની ચીખ બની તમ રોમરોમનો કંપ થવાનું મંન…

– મનહર તળપદા

ગાઢ અંધકારનો અનુભવ થયો જ ન હોય એ પ્રકાશનું સાચું મૂલ્ય કઈ રીતે સમજી શકે? વિરહનું વખ ચાખ્યું જ ન હોય એ મિલનના અમીની કિંમત કેમ કરી શકે? કાવ્યનાયિકાના નસીબમાં જુદાઈની પળો કદી આવી જ નથી. ચોરીના ફેરા ફર્યા એ પળથી એના નસીબે સતત મિલનનાં ગીત ગાવાનું જ આવ્યું છે. એના સપનાંઓને આજદિન લગી કેવળ રેશમિયો સ્પર્શ જ થયો છે. પણ નાયિકા જાણે છે કે જેણે દુઃખ જ જોયું નથી એ સુખનું મહત્ત્વ કદી સમજી શકનાર નથી. વિયોગના સંસ્પર્શ વિનાનું મિલન કેવળ સપાટી પરનું જ મિલન છે. એમાં પ્રેમની તીવ્રતા કદી લાંબો સમય ટકતી નથી. વિરહની પીડા વિનાનું સાયુજ્ય ક્રમશઃ મોળું જ પડતું જવાનું. એટલે જ નાયિકા પ્રિયતમ પાસે એકલતાના આભ નીચે ટળવળતી કોઈ સાંજ થવાની ઇચ્છા વ્યક્ત કરે છે. બળબળતા નિર્જન વનવગડે કોઈનો સાથ ન હોય એવી પાંખ થવાના કોડ એને જાગ્યા છે. પાંખો નહીં, પાંખ… એક જ પાંખ! એકલતાની તીવ્રતા અનુભવવા માટે કેવું સચોટ કલ્પન! એકદંડિયા મહેલમાં કેદ રાજકુમારીની વાર્તા આપણે સહુએ બાળપણમાં વાંચી છે. નાયિકા વધુ નહીં ત્યો એક રાત પૂરતોય વાસો ત્યાં ઝંખે છે. પિયુનો સ્પર્શ પણ નસીબ ન થાય એવા પ્રદેશમાં એ નજરકેદ રહેવા ઇચ્છે છે. ચાંદ વિનાની વલવલતી રાત બનીને એ ઉજાગરાનું ફૂલ થવા માંગે છે… એકલતાના ઓરતાના એક પછી એક રજૂ થતા રૂપક નાયિકાની મનોકામનાને સતત ધાર પ્રદાન કરે છે… આવી એકાકી ક્ષણોનો રઝળપાટ વેઠ્યા બાદ એ પ્રિયતમને રોમેરોમ કંપન જન્માવે એવી ટીટોડીની ચીખ બનવા ચહે છે. વિરહ પછીના કાયમી મિલન માટેની સુમધુર ઘેલછાનું કેવું મનહર ગીત!

8 Comments »

  1. Varij Luhar said,

    March 11, 2022 @ 2:43 PM

    ખૂબ સરસ ગીત અને આસ્વાદ

  2. હરીશ દાસાણી.મુંબઈ said,

    March 11, 2022 @ 5:51 PM

    સુંદર અભિવ્યકિત

  3. Parbatkumar Nayi said,

    March 11, 2022 @ 6:57 PM

    વાહ મજાનું ગીત

    ખૂબ સરસ આસ્વાદ

  4. પ્રજ્ઞા વશી said,

    March 11, 2022 @ 7:48 PM

    વિરહનું દુઃખ શું છે એ જાણે તે જ મિલનનું સુખ સંવેદી શકે
    વાહ આ ભાવજગતને કવિએ ખૂબ સરસ રીતે કવિતામાં ઘૂંટયો
    છે. કવિને ખૂબ ખૂબ અભિનંદન.

  5. preetam lakhlani said,

    March 11, 2022 @ 8:03 PM

    વાહ મજાનું ગીત/ખૂબ સરસ આસ્વાદ

  6. Indu Shah said,

    March 12, 2022 @ 7:17 AM

    સુંદર ગીત ,સરસ આસ્વાદ
    કવિને ખોબલો ભરીને અભિનંદન

  7. Poonam said,

    March 12, 2022 @ 1:08 PM

    વ્હાલમ, અમને બળબળતા વનવગડે કોઈ.
    એકલદોકલ સાથ વિનાની પાંખ થવાનું મંન.
    Aahaa !

    – મનહર તળપદા
    Bhavanuvad sa ras sir ji…

  8. Harihar Shukla said,

    March 12, 2022 @ 6:00 PM

    બહુ સરસ ગીત👌

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment