કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી.

મનોજ ખંડેરિયા

બાળક યાદ કરે છે – અગ્નિશેખર (અનુ . સિતાંશુ યશશ્ચન્દ્ર)

શું થયું હતું એ બાવરી બાવરી હવામાં
આપણા પરિવારનું, બાપુ!
આખું ગામ કેવું ડરી ગયું હતું,
નદી પણ ભાગી ગઈ હતી
રામભરોસે છોડીને ચિનારનાં ઝાડને.

શેરીઓમાં હજારો કાગડાઓનું બુમરાણ મચ્યું હતું
ને આપણે હતાં
છાપરા વગરના ઘરમાં.
કોઈ વેલી પર બચેલા
લીલી દ્રાક્ષના આખરી ઝૂમખા જેવાં.

રોતી’તી મા,
રોતી’તી દાદી,
નાનકો પણ રોતો ‘તો,
રોતી’તી કાકી,
ને તમે હાથ જોડીને બધાંને ચૂપ રહેવા કહેતા’તા.

દીવા બધા ઓલવી નખાયા હતા,
ચુપકીદી છવાઈ ગઈ હતી,
ગલીઓમાં જાણે કોઈ ખૂબ બધા ફટાકડા ફોડતું હોય
એવા અવાજો આવતા હતા, ત્યારે.

બાપુ, ગઈ કાલે ‘દૂરદર્શન’ પર બતાડતા હતા
કાશ્મીરને !
બરફભર્યા પહાડો, સરોવરો, ઝરણાં, લીલાંછમ મેદાનો…

ત્યારે, મને થયું, કે આપણે,
પીળાં પાંદડાં છીએ, ઝાડુના એક ઝાટકે
ઉસેટાઈ ગયેલાં,
ઠલવાયેલાં આ કૅમ્પોમાં.

બાપુ, અહીંથી પણ આપણને
ઉડાવી લઈ જશે હવા ?

-અગ્નિશેખર
(હિંદીમાંથી અનુ.: સિતાંશુ યશશ્ચંદ્ર)

અત્યારે ‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ જોરમાં છે. કાશ્મીરમાં પંડિતોની કત્લેઆમ અને ફરજીયાત હકાલપટ્ટી કરવામાં આવી હતી ત્યારે સરકાર ચુપચાપ તમાશો જોવામાં રત હતી. મૂળથી ઉત્થાપિત થવાની વેદના તો રામબાણ વાગ્યા હોય એ જ જાણે ને! એક બાળક આખી ઘટનાને કઈ રીતે જુએ છે એ આ કવિતાના માધ્યમથી અનુભવીએ. બહુ સરળ ભાષામાં બાળક હત્યાકાંડ અને એનાથી બચી જવા માટેની કવાયત તથા વિસ્થાપિત થયા બાદ કેમ્પમાં પોતાની હાલત અને આવતીકાલની સ્થિરતા બાબતની અનિશ્ચિતતા વર્ણવે છે. એકીસાથે લોહી થીજી પણ જાય અને ઉકળી પણ ઉઠે એવી સક્ષમ રચના.

10 Comments »

  1. preetam lakhlani said,

    March 19, 2022 @ 2:59 AM

    એકીસાથે લોહી થીજી પણ જાય અને ઉકળી પણ ઉઠે એવી સક્ષમ રચના.કવિ/ડો. તમે બહુ જ અદભૂત કવિતા લઈને આવ્યા, દોસ્ત તમારી નજર સુંદર સંપાદન માટે ઈશ્વરે ઘડી છે, કવિતાની વાત કરુ કે તમારા સંપાદનની! અમે તમારા ઋણી છીએ!

  2. Varij Luhar said,

    March 19, 2022 @ 11:12 AM

    ખૂબ જ દારૂણ દ્રશ્ય ખડું કરતું કાવ્ય.. સુંદર આસ્વાદ

  3. Chetan Framewala said,

    March 19, 2022 @ 11:50 AM

    Wah….

  4. Hiren Premchand Vaidya said,

    March 19, 2022 @ 12:37 PM

    Sad

  5. હરીશ દાસાણી. said,

    March 19, 2022 @ 12:38 PM

    કવિતાને આત્માની કલા કહી છે. આ પ્રકારની ઘનીભૂત વેદનાની કવિતાઓ આપણને કથક,પાત્ર,કવિ,કાળ અને પરિસ્થિતિ સાથે એટલી હદ સુધી જોડી દે છે કે આત્મૌપમ્ય નિર્માણ થાય છે. સમસંવેદન-no sympathy-it is empathy.

  6. Shah Raxa said,

    March 19, 2022 @ 1:33 PM

    વાહ…વાહ…ખૂબ હૃદયસ્પર્શી..

  7. રિયાઝ લાંગડા(મહુવા). said,

    March 19, 2022 @ 4:31 PM

    ખૂબ હૃદયસ્પર્શી…🙏💐

  8. ડૉ . રાજુ પ્રજાપતિ said,

    March 19, 2022 @ 4:34 PM

    ઓછા શબ્દોમાં છતાં ઘણું બધું કહી દેતી ચિત્રાર્થ કવિતા … આભાર.. આવી હૃદયની વાત શબ્દમાં સ્પર્શતી કવિતાને અહી લોકો સમક્ષ પસંદ કરી રજુ કરવા માટે ..

  9. artisoni said,

    March 21, 2022 @ 3:53 AM

    ખૂબ સરસ રચના.. હૃદય સ્પર્શી રજૂઆત છે.. મૂવી આવ્યા પહેલા લખી હોય તો કવિની કલમને સલામ..

  10. Dr Sejal Desai said,

    March 25, 2022 @ 6:23 PM

    અત્યંત સંવેદનશીલ ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment