આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.
રાજેન્દ્ર શુક્લ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for May, 2021

રહ્યો હુંયે ઊભો…. – રમણીક સોમેશ્વર

(શિખરિણી)

અજાણ્યું લાગે છે નભ સકળ, નીચે અજનબી
જણાતી આ કેવી નવલ-નવલી સાવ ધરણી!
જુઓ, આ ડોકાયાં ઝમઝમ થતાં શાંત ઝરણાં
રુંવાટાં શાં ફૂટયાં લહલહ થતાં ભોંય તરણાં
ઝરે માથે ઝીણાં ક્ષણ ઝબકતાં ઓસ ટપકાં
હજારો સૂર્યોની ચિર છવિ લઈ મંદ મલકે
મથું એને મારા દૃગ ઉભય મધ્યે પકડવા
અને હું રેલાતો અરવ અણજાણી પળ વિશે

કશું ધીમેધીમે વિકસિત થતું ને વિલસતું
વહે અંગાંગે કૈ, અકળ, સમજાતું નવ મને
નિહાળું હું સામે પળ પળ નવાં રૂપ ધરતી
નવી સૃષ્ટિ જાણે મુજ હૃદય માંહે ઊઘડતી
બધાયે આલાપો સમય-સ્થળના સાવ વિસરી
રહ્યો હુંયે ઊભો પવન-ઝૂલતા વૃક્ષ સરિખો.

– રમણીક સોમેશ્વર

પ્રકૃતિ પળેપળ નિતનવાં રૂપ ધારે છે, બસ, જોવા માટે આંખ હોવી જોઈએ. પહેલી નજરે જોઈએ તો આ સૉનેટ એક દૃશ્ય-ચિત્રથી વિશેષ કંઈ નથી પણ ધ્યાન આપતાં સમજાય કે કવિએ કેવી મજાની રંગપૂરણી આ ચિત્ર માંહે કરી છે! અચાનક આકાશ અને ધરતી અજાણ્યાં, મતલબ બિલકુલ નવાં લાગવા માંડ્યાં છે. શાંત ઝરણાં નજરે ચડે છે અને રુંવાં ફૂટે એમ ધરતીમાંથી ઘાસ ઊગી રહ્યું છે. ઘાસની ઉપર ઝાકળબુંદો એક સૂર્યની હજારો છબી પ્રતિબિંબતાં શોભી રહ્યાં છે. અને આ દૃશ્યનું પાન કરવાની મથામણ કવિને કોઈ પ્રશાંત અજાણી ક્ષણની અનુભૂતિમાં તાણી જાય છે. ધરતીના પળ-પળ બદલાતા રૂપને આત્મસાત્ કરવાની ક્ષણે પોતાની અંદર કંઈક સાવ અકળ વસ્તુ વિકસતી અને વિલસતી કવિ અનુભવે છે. પવનમાં વૃક્ષ મંદ-મંદ ડોલતું હોય એમ કવિ આ નૂતન અગમ્ય અનુભૂતિના પવનના ઝોકે સમય-સ્થળ બધું જ ભૂલી જઈને સમાધિસ્થ થઈ ઊભા છે… કુદરત સાથે તાદત્મ્ય અનુભવવાની પળે માણસ પોતાની અંદર જે અકળ સુખ પામે છે એની અનુભૂતિનું આ ગાન છે…

Comments (19)

(એ ક્ષણ પછી) – અર્પણ ક્રિસ્ટી

મેં સહજ મૂક્યો ભરોસો પણ પછી,
પીઠ પાછળ જઈ ઊભો એ જણ પછી.

લોક મોટાભાગના મૃગજળ સમા,
એટલે હું થઈ ગયો’તો રણ પછી.

ઊડતાં તારા સ્મરણ તારા પછી,
જેમ ઊડતી ધૂળ, ગુજરે ધણ પછી.

છે શરત, પ્હેલાં સ્વીકારો પિંજરું,
આપવા તૈયાર છે એ ચણ પછી!

આંગળીઓ સાચવી મૂકી દીધી,
મેં તને સ્પર્શી હતી એ ક્ષણ પછી.

– અર્પણ ક્રિસ્ટી

કેવી સ-રસ ગઝલ! પાંચેય શેર મનનીય…

Comments (6)

(ખટપટ વગર) – સુનીલ શાહ

‘નથી ફાવતું’ની કશી રટ વગર
હું જીવ્યા કરું કોઈ ખટપટ વગર

કશે હદ જરૂરી છે વ્યવહારમાં
નદીનીય કિંમત નથી તટ વગર

હૃદયથી હૃદય એમ જોડાય છે
સહજતાથી સ્પર્શો જો તરકટ વગર

જીવનમાં પ્રવેશે છે દુઃખ એ રીતે
કીડી જેમ આવે છે આહટ વગર

બધાની પ્રશંસા તમે પામશો
જીવી જો શકો ખોખલા વટ વગર

અછત,ભૂખનું મૂલ્ય જાણે શું એ?
જે જીવી રહ્યા છે કશી ઘટ વગર

મને એમ દર્શન થયા ચાંદના
એ આવ્યા,મળ્યા આજ ઘૂંઘટ વગર

– સુનીલ શાહ

સામાન્યરીતે કળાને જીવનના ગાઢા રંગ સાથે વધુ ઘરોબો હોય છે. એમાંય કવિતાને તો વેદના જાણે નાળસંબંધ છે. પણ સુનીલ શાહ આ બાબતમાં જરા નોખા તરી આવે છે. શિક્ષણ અને રેશનાલિઝમના સિદ્ધાંતોના રક્તકણો જેમની રગોમાં વહી રહ્યા છે, એવા આ કવિની રચનાઓ મોટાભાગે જીવનના ઉજળા રંગને તાદૃશ કરતી નજરે ચડે છે. ધનમૂલક રચનાઓ એમનો વિશેષ કાકુ છે. પ્રસ્તુત રચના એનો એક દાખલો છે.

Comments (21)

કોણ માનશે? – રતિલાલ ‘અનિલ’

કંટકની સાથ પ્યાર હતો – કોણ માનશે?
એમાંય કાંઈ સાર હતો – કોણ માનશે?

કે એક વાર બાગમાં આવી હતી બહાર,
દેનાર યાદ ખાર હતો – કોણ માનશે?

આવી હતી બહાર કદી ઘરને આંગણે,
ને હું જ ઘરબહાર હતો – કોણ માનશે?

જન્નતની વાત મેંય પ્રથમ સાંભળી હતી,
હું પણ તહીં જનાર હતો – કોણ માનશે?

હારી ગયેલ જિંદગીથી, બોધ દઈ ગયા,
એ સાર ખુદ અસાર હતો – કોણ માનશે?

ખખડી રહ્યાં સુકાયેલાં પાનો પવન થકી,
હસવાનો એક પ્રકાર હતો – કોણ માનશે?

હસવું પડ્યું જે કોઈને સારું લગાડવા,
એ શોકનો પ્રકાર હતો – કોણ માનશે?

જેથી હું અંધકારને ભાળી શક્યો નહીં,
જ્યોતિનો અંધકાર હતો – કોણ માનશે?

મહેફિલમાં જેણે મારી ઉપેક્ષા કરી ‘અનિલ’,
હૈયામાં એનો પ્યાર હતો – કોણ માનશે?

-રતિલાલ ‘અનિલ’

Comments (3)

હું મહેફિલમાં નથી આવ્યો, ટકી રહેવાના નિશ્ચયથી – હરીન્દ્ર દવે

હવે થાકી ગયો, સાકી, પુરાણા એ સુરાલયથી,
નશો ચડતો નથી મુજને તમારા મ્હેકતા મયથી.

ગગનમાં શું રહે છે, કોક મારા જેવો દુર્ભાગી,
કોઈ બોલાવતું લાગે છે મુજને એ મહાલયથી.

બધાં દશ્યો અલગ દેખાય છે, એ ભેદ સાદો છે,
હું દેખું છું વિમાસણમાં, તમે દેખો છો સંશયથી.

મને એ ભેદ લાગે છે દિલાસો આપનારાઓ,
તમે મુજ દુર્દશા દેખી રહ્યા છો ખૂબ વિસ્મયથી.

હું જાણી જોઈને મારાં કદમ એ જાળમાં મૂકું,
નથી હોતો કદી અજ્ઞાત તારા કોઈ આશયથી.

તમે અદૃશ્ય રહી બાજી ૨મો ગાફેલ રાખીને,
મહત્તા કોઈની ઘટતી નથી એવા પરાજયથી.

ન મારી આ દશાને ભૂલથી પણ દુર્દશા કહેતા,
ખરીદી પાનખર મોંઘી વસંતો કેરા વિક્રયથી.

જવું છે એક દી તો આજ ચાલ્યો જાઉં છું, મિત્રો,
હું મહેફિલમાં નથી આવ્યો, ટકી રહેવાના નિશ્ચયથી.

– હરીન્દ્ર દવે

ફરિયાદ છે, ચીખ છે, આંસુ છે – પણ ખુમારી છે !!!!

Comments (1)

અકિલીઝનો વિજય – લૂઈસ ગ્લિક (અનુ. વિવેક મનહર ટેલર)

પેટ્રોક્લસની વાર્તામાં
કોઈ નથી બચતું, અકિલીઝ પણ નહીં
જે લગભગ દેવતા જ હતો.
પેટ્રોક્લસ એના જેવો જ લાગતો હતો; તેઓએ
બખ્તર પણ એક જ પહેર્યું હતું.

હંમેશા આ મૈત્રીસંબંધોમાં
મિત્રો એકબીજાની સેવા કરે છે, એક જો કે બીજા કરતાં જરા ઓછી:
પદાનુક્રમ
હંમેશા દેખીતો હોય છે, જો કે દંતકથાઓનો
ભરોસો કરી શકાય નહીં-
એમનો સ્રોત ઉત્તરજીવી, જેને
ત્યાગી દેવાયો હોય, એ હોય છે.

ભડકે બળતાં ગ્રીક જહાજો તો શું હતાં
આ નુકશાનની તુલનામાં?

પોતાના તંબુમાં, અકિલીઝે
પોતાના સમગ્ર અસ્તિત્વપૂર્વક શોક મનાવ્યો
અને દેવતાઓએ જોયું

એ પહેલેથી જ એક મરી ચૂકેલો માણસ હતો, શિકાર
એ હિસ્સાનો જે પ્રેમ કરતો હતો,
એ હિસ્સો જે નશ્વર હતો.

– લૂઈસ ગ્લિક
(અનુ. વિવેક મનહર ટેલર)

૨૦૨૦માં નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર લૂઈસ ગ્લિકની આ રચના અકિલીઝ અને ટ્રોયના યુદ્ધની સમજૂતિ વિના માણવી અઘરી છે. ટ્રોયના યુદ્ધને હૉમરના બે મહાકાવ્યો -ઇલિયાડ અને ઓડિસીએ એને અજરામર બનાવ્યું છે. અકિલીઝ (/ə’kɪliːz/ ə-KIL-eez) न भूतो, न भविष्यति કહી શકાય એવો બહાદુર, સાહસી અને દેખાવડો યોદ્ધા હતો. હૉમરના કાવ્ય મુજબ એનો ઉછેર ‘શરીર બે-આત્મા એક’ જેવા સાથીદાર પેટ્રોક્લસ સાથે કરાયો. ટ્રોયનો રાજકુમાર પેરિસ સ્પાર્ટાના રાજા મેનોલેઅસની પત્ની વિશ્વસુંદરી હેલનને ઉપાડી ગયો. હેલનને પરત મેળવવાનું કામ મેનોલેઅસે આ ભાઈ એગમેમ્નોનને સોંપ્યું. અકિલીઝ અને ઓડિસિયસ જેવા મહાયોદ્ધાઓને સાથે લઈને એગમેમ્નોન હજારેક જહાજો સાથે હેલનને પરત મેળવવાનું બીડું ઝડપી નીકળ્યો. દરિયાના મોજાંની જેમ યુદ્ધમાં સેંકડો ઉતાર-ચડાવ હતા. એક તબક્કે હેક્ટર ગ્રીક જહાજોને પીછેહઠ કરાવીને ભડકે સળગાવે પણ છે. એગમેમ્નોન દ્વારા અકિલીઝે યુદ્ધમાં જબ્બે કરેલી સુંદરી બ્રિસેઇસનો કબ્જો લઈ લેવાતાં અકિલીઝે યુદ્ધમાં ભાગ લેવાની ના પાડી. એનો જિગરી પેટ્રોક્લસ એનું જ બખ્તર પહેરીને અકિલીઝના સ્વાંગમાં યુદ્ધે ચડ્યો. અકિલીઝના બખ્તરનો પ્રભાવ પણ એના જેવો જ સિદ્ધ થયો. પણ અંતે હેક્ટરના હાથે એનો વધ થયો. અકિલીઝ માટે તો આખી દુનિયા છીનવાઈ ગઈ. ટ્રોયજનોએ દરિયાની મધ્યમાં ગ્રીક જહાજો પર હુમલો કરીને જહાજોને જે આગ લગાડી દીધી હતી, એ પારાવાર નુકશાનની પણ અકિલીઝના આ અંગત નુકશાનની આગળ શી વિસાત? દુઃખ અને ગુસ્સાથી છલકાતા અકિલીઝે મિત્રનો બદલો લેવા નવા બખ્તર સાથે પુનઃ યુદ્ધમાં ઝંપલાવ્યું, હેક્ટરનો વધ કર્યો.

જે ક્ષણે પેટ્રોક્લસની લાશ અને બખ્તર પરત મેળવવાનો નિર્ધાર અકિલીઝે કર્યો એ જ ક્ષણે એ દેવતા મટીને પૂર્ણ મનુષ્ય બની ગયો હતો, ભલે ને અમરત્વ હાથમાંથી સરી કેમ ન ગયું હોય! મિત્રતાના ગૌરવની પુનઃપ્રાપ્તિનો નિર્ણય અકિલીઝના પ્રાણ જવાની સુનિશ્ચિતતા ભલેને હોય, એ પળ એના ‘ખરા’ વિજયની પળ હતી. ગ્લિકના મતે અકિલીઝના હેક્ટર પરનો વિજય નહીં, પણ પેટ્રોક્લસને ગુમાવવાથી અર્ધદેવતામાંથી પૂર્ણમનુષ્યત્વની પ્રાપ્તિ ખરો વિજય છે. મિત્રતાના પ્રતીક અને સન્માન ખાતર પોતાનો જાન કુરબાન કરવાની તૈયારી જ સાચો વિજય છે.

આ કવિતાનો વિશદ આસ્વાદ માણવા માટે ક્લિક કરો: https://tahuko.com/?p=20313

The Triumph Of Achilles

In the story of Patroclus
no one survives, not even Achilles
who was nearly a god.
Patroclus resembled him; they wore
the same armor.

Always in these friendships
one serves the other, one is less than the other:
the hierarchy
is always apparant, though the legends
cannot be trusted–
their source is the survivor,
the one who has been abandoned.

What were the Greek ships on fire
compared to this loss?

In his tent, Achilles
grieved with his whole being
and the gods saw

he was a man already dead, a victim
of the part that loved,
the part that was mortal.

– Louise Glück

 

Comments (2)

(આખર જિંદગી છે ને!) – સંદીપ પૂજારા

ભલે રાખી હશે બહુ સાચવી, સંભાળીને એને
છતાં પરણી જશે મૃત્યુને, આખર જિંદગી છે ને!

પીડા મળશે ભલે, સાથે નવો આકાર મળશે ને!
સમયને જો હથોડા મારવા છે, મારવા દે ને!

છે પ્રામાણિક બંને, એમની રીતે જ આવે જાય
તેં સુખદુઃખનેય રિશ્વત આપવા ચાહી હશે, હેં ને?

જો એવું હોય નહિ તો કોઈ આજે જીવતું ના હોત
સહનશક્તિ પ્રભુ આપે જ છે, દુઃખ આપે છે જેને

નિભાવું સાવ નોખી રીતથી હું દોસ્તી, ઓ દોસ્ત!
વિકલ્પ એમાંય બે આપું, તું જો સિક્કો ઉછાળે ને!

જરાપણ રંજ ક્યાં છે, જો હજી એને નથી પામ્યો
અતિશય પ્રિય છે, તો પામવામાં વાર લાગે ને!

– સંદીપ પૂજારા

સાદ્યંત સુંદર રચના. બધા જ શેર પાણીદાર. સહજ, સરળ અને સંતર્પક.

Comments (22)

ભીંત/કાગળ – કમલ વોરા

બે ઊભી લીટી દોરી
બે આડી
વચ્ચોવચ એક ખુલ્લું બારણું દોર્યું
ખુલ્લા બારણામાંથી બહાર જઈ શકાય
ખુલ્લા બારણામાંથી અંદર આવી શકાય
હું બહાર જવા દોડ્યો
તું અંદર આવવા
સફેદ ભીંત સાથે
હું આ તરફથી અથડાયો
તું પેલી તરફથી

-કમલ વોરા

નાની અમથી રચના. કવિએ ક્યાંય કોઈપણ પ્રકારના વિરામચિહ્નો વાપર્યા વિના કવિતા લખી છે, મતલબ અટક્યા વિના, પ્રશ્ન પૂછ્યા વિના, આશ્ચર્યભાવ અનુભવ્યા વિના એક જ શ્વાસે આખી રચના વાંચી જવાની છે અને કાવ્યાંતે પણ કોઈ પૂર્ણવિરામ નથી. મતલબ કવિતામાંથી સડેડાટ પસાર થતી વખતે જે કોઈ ભાવ આપણે અનુભવ્યા હશે એનેય રોકવાના નથી. કવિતામાં દોડવાની ક્રિયાનો ઉલ્લેખ છે. કવિએ વિરામચિહ્નો ન વાપરીને એ ક્રિયા વધુ અસરદાર બનાવી છે.

વાત બહુ નાનકડી છે. એક સફેદ કાગળ પર કવિ આડી ઊભી લીટીઓ દોરીને વચ્ચે એક ખુલ્લું બારણું દોરે છે. નાની અમથી રચનામાં કવિ બારણું ખુલ્લું હોવાનો ઉલ્લેખ સળંગ ત્રણવાર કરે છે, જે શક્યતાઓના ઉઘાડને અધોરેખિત કરે છે. નાયક-નાયિકા બંને આ બારણાંની સામસામી બાજુએ છે અને એકમેક પાસે આવવા માટે દોડે છે. બંને ચાલતાં નથી, દોડે છે એ ક્રિયા પર ધ્યાન આપવા જેવું છે. દોડવાની ક્રિયા ઉભયનો તલસાટ ચાક્ષુષ કરે છે. પણ બારણું ખુલ્લું ભલે ને હોય, એ છે તો કાગળ પર. એની આરપાર જઈ એકમેકને પામી શકાય ખરું? બીજો સવાલ પણ થાય, કાગળની આરપાર કંઈ જઈ શકાય ખરું? મગજમાં ઉતરે એવી ક્રિયાઓને મગજમાં ન ઉતરે એવી વસ્તુઓને juxtapose કરીને કવિ શું સિદ્ધ કરવા માંગે છે?

સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. ખુલ્લું બારણું અને એકમેક તરફ દોડવાની ક્રિયા પ્રેમ અને મિલનની સંભાવનાઓ સૂચવે છે. પણ મિલન થતું નથી. આ સફેદ રંગ જ વચ્ચે દીવાલ બની રહે છે, જેને અતિક્રમવું બંનેમાંથી એકેય માટે શક્ય બનતું નથી. કદાચ કવિ એમ પણ કહેવા માંગતા હોય કે આપણે હકીકતમાં એકમેકને મળવા તૈયાર જ નથી. શાંતિના નામે આપણે કાગળ પર લીટાઓ તાણ્યે રાખીએ છીએ. સમાધાન માટેના આપણા દરવાજા કાગળ પર દોરેલા ખુલ્લા દરવાજા જેવા પ્રતીકાત્મક માત્ર છે, હકીકતમાં આપણે એકમેક સુધી પહોંચવા માટે સાચો દરવાજો ખુલ્લો રાખ્યો જ નથી. એકમેકના હૃદય સુધી પહોંચવા માટેની આપણી આતુરતા આપણે ચાલીને નહીં, દોડીને પ્રગટ તો કરીએ છીએ પણ આ તમામ આત્મછલનાથી વિશેષ કંઈ નથી. વાસ્તવમાં આપણે એકમેકના મન સુધી જવા તૈયાર છીએ જ નહીં…

Comments (22)

હેઠે ઉતારો! – ‘ગની’ દહીંવાળા

અમે તો છીએ રાંક ધરતીના જાયા,
કયામતના ધાકે અમોને ન ડારો;
અભિમાન જેનું નથી ઓગળ્યું એ,
ગુમાની ગગનને જ હેઠે ઉતારો!

જગે જળ ને જ્વાળાનું સિંચન કર્યું છે,
અમે આંખથી એક બિંદુ વહાવી;
ઠરેલાં હૃદય એને પાણી સમજશે,
બળેલાં હૃદય એને ગણશે તિખારો.

અમારી આ નિર્દોષ પ્રીતિને છળવા,
તમારેય કરવું રહ્યું આકરું તપ;
પ્રથમ રણ બનીને તપો ઝાંઝવાં સમ,
તૃષાતુર હરણને પછી હાંક મારો.

હૃદય આગ સરખું અને પ્યાર એમાં,
દીસે જિંદગી કીમિયાગરની ભઠ્ઠી;
ટકી જાય તો જાણજો એને કુંદન,
ઊડી જાય તો માનજો એને પારો.

ઘણા રૂપમાં તમને કલ્પી અમોએ,
અમુક રૂપ પોતાનાં માની લીધાં છે:
અમારે ખરીદાર બનવું રહ્યું ને,
અમારે જ શણગારવાનાં બજારો.

ભલે ને તમે દૂર રાખ્યો મને પણ,
જગે છે ઘણા દૂરથી દેખનારા;
ક્ષિતિજ માંહે જોનારને તો જણાશે,
સમંદરમાં ડૂબી ગયો છે સિતારો.

ગની જિંદગીની કવિતા વિષે પણ
ગજબનો અસંતોષ રે’ છે, પરંતુ
ઘણી વાર મૌલિક વિચારો કહે છે,
ન એને સુધારો, ન એને મઠારો.

– ‘ગની’ દહીંવાળા

ઘણા રૂપમાં તમને કલ્પી અમોએ……- શેરમાં માત્ર ચાર લીટીમાં આખી ઈશ્વરની પરિકલ્પના [ God hypothesis ] સમજાવી છે !!! અન્ય તમામ શેર પણ ગનીચાચાની માસ્ટરીની શાખ પૂરે છે.

Comments (2)

રમેશ પારેખની નિર્દોષ ભવ્યતાને વંદન – રઈશ મનીઆર

આજથી બરાબર 15 વર્ષ પહેલા 17 મે 2006ના દિવસે આપણી ભાષાના લાડીલા કવિ એકમેવ રમેશ પારેખ આપણી વિચ્ચેથી વિદાય થયા. આજે એમની સ્મરણતિથિ છે.
રમેશ પારેખ મોટા ગીતકાર હતા, એ વાતના ઝળહળાટમાં એ મોટા ગઝલકાર પણ હતા, એ વાત વિસરી જવાય છે. એમણે 300થી વધુ ગઝલો લખી છે.
એમના થોડા શેરો પ્રસ્તુત છે. કંઈ બાકી હોય તો તમે ઉમેરી શકો છો..

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને

આંખને મૂર્ખ કહો કે કહો અઠંગ તમે
એ જ દ્વિધાથી રહો છો હમેશા તંગ તમે

આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કહેવાય નહીં
એક ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે કહેવાય નહીં

સજા કબૂલ મને આ નગર કબૂલ નથી
હવે આ કેદ આ ખુલ્લી કબર કબૂલ નથી.

ઈચ્છાઓ અટપટી કે સરળ હોય તો ય શું
કાગળમાં ચીતરેલું કમળ હોય તો ય શું?

જોયું ને ઊઠ્યો ને ચોંક્યો ને કૂદ્યો ને નાઠો રે નાઠો
મારામાંથી એક મારો જ ભયભીત ફાંટો રે ફાંટો

તમારા વગર એ કુંવારી જ રહેશે
તમારી કબર તો તમારી જ રહેશે

આ છળનો જે સર્જક કલાકાર છે
એ બંધુને મારા નમસ્કાર છે

હવે પાંપણોમાં અદાલત ભરાશે
મેં સ્વપ્નો નીરખવાના ગુન્હા કર્યા છે

શક્યતા નામની સ્ત્રીનો પતિ તો ઘરડો છે
ઉપરથી શહેરનું શુભ નામ શ્રી છબરડો છે.

જુઓ કે પથ્થરોમાં શિલ્પ કોતરાયું છે
તમે ગયા છો તમારાથી ક્યાં જવાયું છે?

સાંકળ જો હોય બંધ તો ખોલીને નીકળું
ખુલ્લી જગાને કેમ હું તોડીને નીકળું

બન્યો બનાવ અને નીરખ્યા કર્યું તેં પણ
હું તારા હાથથી છટકેલું કાચનું વાસણ

છે વાત એમ કે પગને જવું તુ કાશીએ
ને એને ચાલવા દીધા નહીં કપાસીએ

જુએ જળનું સપનું તો આંખો જળાશય બની જાય એવા ય દિવસો હતા
ને વરસાદનું ચિત્ર જોતાં જ નખશિખ પલળાય એવા ય દિવસો હતા

અમે ખુદ અમારાથી રિંસાતા ત્યારે રિંસાવાના પર્વો ઊજવતા હતા
અને ટપ્ દઇ માની જાતા તો ટપ્ ને ય ઊજવાય એવા ય દિવસો હતા

પતંગિયું આ ખભે આવી બેઠું ઓચિંતું
ને મને લાગ્યું જગતભરના ઉમળકાનું વજન

જે તરફ આપણી આસ્થા જાય છે
આ ચરણ એથી કાં ઊલટાં જાય છે?

સરળતાથી જીવવાને માટે અમે
જીવનભર મરણિયા પ્રયત્નો કર્યા.

આમ તો છું એક પરપોટો સમયના હાથમાં
તો ય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં

બગાસું ખાઉં તે પહેલાં તું બીડી પાઇ દે સાકી
હું ઉંઘી જાઉં તે પહેલાં તું બીડી પાઇ દે સાકી.

જતું જે અન્યના ઘર બાળવા એ ટોળામાં
હુંયે જોડાઉં એ પહેલા તું બીડી પાઇ દે સાકી

શમાની જેમ મે સળગાવી પાંચે આંગળીઓ
તો વાવાઝોડા સમો પ્રશ્ન કલાનો આવ્યો

છે બેસુમાર ભીડ પણ રસ્તો કરી શકાય મેળામાં
તુ હો સાથ તો જલસો કરી શકાય

અડધો ગુનો છે મારો કે ચાહું છું હું તને
ચાહે જો તું તો આ ગુનો આખ્ખો કરી શકાય

શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ
ને તમે સમજી શકો નહીં મૌનમાં શું બોલીએ
બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત
આ અમે ઊભા છીએ તસવીરમાં શું બોલીએ

હૂડીની બોક્સમાં બ્રહ્માની ક્ષણ વીતાવું છું
તેં કહ્યું’તું કે, હું એકાદ ક્ષણમાં આવું છું….

વાગે જો એની ઠેસ તો લોહી જ નીકળે
છોને તમારા ઘરમાં હો સોનાનો ઊંબરો

પીવડાવવો છે જામ? લે, મારાથી કર શરૂ
તું આવ સ્હેજ આમ, લે, મારાથી કર શરૂ

માણસથી મોટું કોઇ નથી તીર્થ પ્રેમનું
હું છું પ્રથમ મુકામ, લે, મારાથી કર શરૂ

તારી પીડામાં હિસ્સેદાર કોણ કોણ છે?
લખવાં છે તારે નામ? લે, મારાથી કર શરૂ

રમેશ પારેખની નિર્દોષ ભવ્યતાને વંદન

– રઈશ મનીઆર

 

રઈશભાઈની સંમતિથી તેઓએ ર.પા.ની પુણ્લયતિથિ પર લખેલો લેખ અક્ષરશ: ભાવકો માટે પ્રસ્તુત 🙏🏻

Comments (6)

પી જાઉં – રશીદ મીર

જામની ખાલી ક્ષણને પી જાઉં
આમ, , તારા સ્મરણને પી જાઉં.

હું ચસોચસ પીવાનો આદી છું,
બુંદ હો કે ઝરણને પી જાઉં.

મારા હોવાપણામાં તું રજરજ,
તારા એક એક કણને પી જાઉં.

જેમાં તારા બદનની ખુશ્બૂ હો,
એવા વાતાવરણને પી જાઉં.

તેં જે મળવાની શકયતા આપી,
એવા પ્રત્યેક પણને પી જાઉં,

ઝાંઝવાને નીચાવી જાણું છું,
‘મીર’ ધગધગતા રણને પી જાઉં.

– રશીદ મીર

કિડનીની બિમારીના કારણે જાણીતા કવિ, વિવેચક, આસ્વાદક શ્રી રશીદ મીર ૧૧-૦૫-૨૦૨૧ના રોજ જન્નતનશીન થયા. લયસ્તરો તરફથી કવિને ભાવભીની શબ્દાંજલિ…

Comments (5)

પોપટ બેઠો – ધીરુ પરીખ

અધખૂલી કૈં આજ સવારે
પોપટ નાનો આવી બેઠો
જી૨ણ ઘ૨-મોભારે.

આછો એવો એક ટહુકો કીધો,
વનનો આખો ઉઘાડ વેરી દીધો !

બટકેલુંયે નેવેનવું
પાંદ બનીને ફરક્યું,
વળીઓની ડાળેથી શીળું
કિ૨ણ છાનકું સરક્યું,
ભાત ભાતનાં ફૂલ પાંગર્યાં
ઈંટ ઈંટ પર,
સાવ શૂન્યનું ફળ ઝૂલતું તે
પોપટના ટહુકાએ ટોચ્યું,
ચાંદરણાંના પતંગિયાં શાં
ફૂલ ફૂલ ૫૨ ઊડ્યાં !

પલભરમાં તો
વનનો ઘેઘૂર ફાલ ઝૂમતો હેઠો,
પોપટ નાનો ઘર-મોભારે બેઠો !

– ધીરુ પરીખ

કોરોનાના ખપ્પરમાં વધુ એક કવિનો મૂર્તદેહ હોમાઈ ગયો…. કવિશ્રીને લયસ્તરો તરફથી એક નાનકડી શબ્દાંજલિ…

અછાંદસ જેવી લાગતી પણ કટાવ છંદમાં લખાયેલી આ ચુસ્ત રચના વાંચવા કરતાં ગણગણવાની મજા વધુ આવશે. કવિએ ઘણી જગ્યાએ ચુસ્ત અને મુક્ત પ્રાસ પણ પ્રયોજ્યા હોવાથી રચનાની લવચિકતામાં ચાર ચાંદ લાગી જાય છે. સવારે આમ તો પાંપણ અધખૂલી હોય, પણ કવિ તો સવારને જ અધખૂલી કહે છે. મતલબ સૂર્યનું નેણ હજી પૂરું ખુલ્યું નથી. આ ભડભાંખળાની વેળાએ કથકના જીર્ણ ઘરના મોભારા ઉપર એક નાનો પોપટ આવીને બેસે છે અને ટહુકે છે. સવાર પૂરી થઈ નથી, ઘર ખખડી ગયેલું છે, પોપટ પણ નાનકડો છે અને એનો ટહુકો પણ આછો છે… બધું જ અધૂરું-આછેરું હોવા છતાં એક ટહુકામાત્રમાં વનનો આખો ઉઘાડ કવિના ઘરમાં-જીવનમાં વેરાઈ જાય છે. કેવી અદભુત વાત! બટકી ગયેલ તમામ નેવાં જાણે પાંદડાં બનીને ફરકવા માંડ્યાં, લાકડાના ઘરમાં લાકડાંને છેડે મજબૂતી માટે વપરાતી લોખંડની ખોળીઓ –વળીઓ જાણે કે ઘરવૃક્ષની ડાળીઓ બની ગઈ અને એની વચ્ચેથી એક નાનકડું સૂર્યકિરણ સરકી આવે છે. કિરણના પગલે ઘરની ઈંટ-ઈંટ પર જે ચાંદરણાં રચાયાં એ ફૂલે ફૂલે ઊડતાં પતંગિયાં જેવા ભાસે છે. પલક ઝપકતાંમાં તો નાના અમથા પોપટની હાજરીના કારણે જૂનુંપુરાણું ઘર વનની ઘેઘૂર તાજગીથી ભર્યુંભાદર્યું બની જાય છે…

જીવનનું ખંડેર પણ આ જ રીતે નાંકડી ખુશીઓથી નંદનવન બની જતું હશે ને!

Comments (8)

રામરાજ્ય – લોકશાહી કે રોકશાહી?

આપણે ત્યાં લોકશાહી છે કે રોકશાહી?

એક કવયિત્રી, નામે પારુલ ખખ્ખરે કોરોનાકાળમાં શાસનતંત્રની નિષ્ફળતાને ચાબખા મારતું મરશિયું લખ્યું અને રાતોરાત ગુજરાતીઓની જનચેતના ઢંઢોળી નાંખી. ગુજરાતી સાહિત્યમાં આ અગાઉ કોઈ કવિતા આ હદે વાઇરલ થવાનો કોઈ કિસ્સો સ્મરણમાં આવતો નથી. આ કવિતાની જ સિદ્ધિ હતી કે એના ચાહકો અને તીકાકારો –બંનેમાંથી કોઈ એના તરફ દુર્લક્ષ સેવી ન શક્યું. કવયિત્રી પર ચારેતરફથી પુષ્પવર્ષાની સાથે જબરદસ્ત પથ્થરવર્ષા પણ થઈ. અમરેલીની સિંહણે પોતાની વૉલ પરથી કવિતા હટાવી લેવાની ફરજ પડી એ ગુજરાતી સાહિત્યની સૌથી મોટી કમનસીબ ઘટના લેખી શકાય. ભાગ્યે જ કોઈ નામી સાહિત્યકાર અને કવિઓ આ યુગપ્રવર્તક રચના અને રચનાકારના ટેકામાં આગળ આવ્યા એ એનાથીય મોટી કમનસીબી.

કવિતાને કવિતાની નજરથી જોવાનું આપણે ક્યારે શીખીશું? કવિનું કામ કવિતા કરવાનું છે, સમાજસેવા કરવાનું નહીં. પહેલાના જમાનામાં યુદ્ધમેદાનોમાં ભાટ-ચારણોનું આગવું સ્થાન રહેતું. ભાટ-ચારણો કવિતા લલકારીને સૈન્યને પોરસ ચડાવતા. પણ ભાટ-ચારણોએ તલવાર લઈને યુદ્ધમેદાનમાં ઝંપલાવવું નહોતું પડતું. કવિ અને સૈનિક વચ્ચેનો ભેદ એ જમાનાના અલ્પશિક્ષિત સમાજમાં પણ સુસ્પષ્ટ હતું, પણ આજના બહુશિક્ષિત બુદ્ધિજીવીઓ આ ભેદ સમજવામાં નિષ્ફળ રહ્યા છે. કવિએ જનજાગૃતિ માટે સાહિત્યસર્જન કરવું પણ જરૂરી નથી પણ કોઈ કવિ આ કામ કરે તો એની મૂલવણી કળાની દૃષ્ટિએ જ કરવી ઘટે. કવિતા ભલે રાજકારણ વિષયક હોય, પણ કવિતાના નામે રાજકારણ રમાવું ન જ જોઈએ.

તમને કવિતા ગમી છે? તો તમારું સ્વાગત છે.
તમને કવિતા નથી ગમી? તો તમારું સ્વાગત છે.

પણ પથ્થરમારો તો ન કરીએ…

આ કવિતા વિશે મને ગમેલા બે’ક અભિપ્રાયો:

ગુજરાતીમાં આવી કવિતા લખાય છે એ ખૂબ મોટી ઘટના છે. આ એક કવયિત્રીનો અવાજ નથી. આ અનેક ગુજરાતીઓનો અવાજ છે. મને લાગે છે કે ગુજરાતી ભાષામાં આ કવિતાનો અવાજ લાંબા સમય સુધી પડઘાયા કરશે.
– બાસુ

સિંહાસન ઉથલાવવાની તાકાત ધરાવતી કવિતા !!! શબ્દની-સાહિત્યની આ જ તાકાતથી સત્તાધીશો ધ્રૂજે છે ! પ્રલંબ સમયાવકાશ બાદ આવો ધિંગો કવિસ્વર સાંભળ્યો જે અચેતનને ઝંઝોટીને મૂકી દે ! પથ્થરમાં પ્રાણ પૂરે ! કવયિત્રીનો ઇરાદો સત્તાને ઝાટકા સાથે જાગ્રત કરવાનો છે કે હવે રાજધર્મ નિભાવો બાપા ! પ્રજાની વેદના સુણો અને ગલીએ ગલીએ ઉતરીને નાગરિકનારાયણની સેવા કરો ! સમય કઠિન છે પણ કઠિન સમયે જ પ્રજા રાજા પાસે ગુહાર પોકારે ને !!!! અત્યારે રાજા કૌવત ન બતાવે તો પ્રજા ક્યાં જશે !!?? સાચો રાજા આ કાવ્ય-ત્રાડથી સફાળો જાગી પોતાનો ધર્મ નિભાવે…..આ પ્રચંડ નાદને પોતાની અવમાનના ન ગણે !
– ડૉ. તીર્થેશ મહેતા

રાતોરાત આ કવિતાના હિંદી-મરાઠી અને અંગ્રેજી અનુવાદો પણ થયા છે. મૂળ રચનાની સાથોસાથ એ અનુવાદોને પણ આવકારીએ…

એક અવાજે મડદાં બોલ્યાં ‘સબ કુછ ચંગા-ચંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા મસાણ ખૂટયા, ખૂટયા લક્કડભારા,
રાજ, અમારા ડાઘૂ ખૂટયા, ખૂટયા રોવણહારા,
ઘરેઘરે જઈ જમડાંટોળી કરતી નાચ કઢંગા
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,
રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે
બળતું જોઈ ફીડલ વગાડે ‘વાહ રે બિલ્લા-રંગા’!
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

– પારુલ ખખ્ખર

***
गुजराती में से अनुवाद: इलियास

एक साथ सब मुर्दे बोले ‘सबकुछ चंगा – चंगा’,
सा’ब तुम्हारे रामराज में शब-वाहिनी गंगा.
ख़तम हुये समशान तुम्हारे, ख़तम काष्ठ की बोरी,
थके हमारे कंधे सारे, आंखे रह गई कोरी
दर-दर जाकर यमदूत खेले
मौत का नाच बेढंगा
सा’ब तुम्हारे रामराज में शब-वाहिनी गंगा.
नित्य निरंतर जलती चिताएं
राहत मांगे पलभर
नित्य निरंतर टुटे चूड़ियां
कुटती छाती घर घर
देख लपटों को फ़िडल बजाते वाह रे ‘बिल्ला-रंगा’,
सा’ब तुम्हारे रामराज में शब-वाहिनी गंगा.
सा’ब तुम्हारे दिव्य वस्त्र, दिव्यत् तुम्हारी ज्योति,
काश असलियत लोग समझते, हो तुम पत्थर, ना मोती.
हो हिम्मत तो आके बोलो
‘मेरा साहब नंगा’
सा’ब तुम्हारे रामराज में शब-वाहिनी गंगा.

– इलियास

***

मराठी अनुवाद : सारनाथ आगले

एक मुखाने शव बोलले सब कुछ चंगा चंगा,
राजा, तुझ्या रामराज्यात, शव वाहिनी गंगा.

राजा,राज्यात स्मशान खुटले,संपले लाकडी भारे,
राजा,आमचे आसु आटले, खुंटले सोबत रडणारे.

घरोघरी जाऊन राजकारणाचा,नाच करती कढंगा.
राजा, तुझ्या रामराज्यात शव वाहिनी गंगा.

राजा,तुमची धगधग जोती थोडी उसंत मागे.
राजा,आमची कांकण फुटली. धडधड छाती भांगे

जळतं बघुन फिडल वाजती,येथे रंगा बिर्ला.
राजा तुझ्या रामराज्यात शव वाहिनी गंगा.

राजा तुझे दिव्य वस्र नी दिव्य तुझी ज्योती.
राजा तुला असली रुपात पुरी नगरी बघते.

मर्द कूणी असेल खरा म्हण, राजा मेरा नंगा.
राजा, तुझ्या रामराज्यात शव वाहिनी गंगा

– सारनाथ आगले

***

English Translation : Dr.G.K.Vankar

‘Everything is fine!’ the dead In a chorus nod their head,
O king, in your rule of Rama, the Ganges bears the dead.

O king, the crematoriums are scarce, so are the wood for pyre.;
Our mourners are scares and so are our weepers.
The messengers of Yama , dance so bad on every door,
O king, in your rule of Rama, the Ganges bears the dead.

O king, your chimneys ceaselessly shaking their heads long for rest.
O king, our bangles break, and we beat our chests to shreads,
Seeing it on fire, they fiddle, the duo ‘Billa and Ranga’,
O king, in your rule of Rama, the Ganges bear the dead.

O king, your royal dress is so divine, the aura so auspicious,
O king, in your original form The whole city watches you
Bewitched,in your original form.
If manly, I dare you shout, ‘ my king is nude’
O king, in your Ramarajya, the Ganges bear the dead

– Dr.G.K.Vankar

****
English Translation : Salil Tripathi (Grandson of Goverdhanram Tripathi)

Don’t worry, be happy, in one voice speak the corpses
O King, in your Ram-Rajya, we see bodies flow in the Ganges

O King, the woods are ashes,
No spots remain at crematoria,
O King, there are no carers,
Nor any pall-bearers,
No mourners left
And we are bereft
With our wordless dirges of dysphoria

Libitina enters every home where she dances and then prances,
O King, in your Ram-Rajya, our bodies flow in the Ganges

O King, the melting chimney quivers, the virus has us shaken
O King, our bangles shatter, our heaving chest lies broken

The city burns as he fiddles, Billa-Ranga thrust their lances,
O King, in your Ram-Rajya, I see bodies flow in the Ganges

O King, your attire sparkles as you shine and glow and blaze
O King, this entire city has at last seen your real face

Show your guts, no ifs and buts,
Come out and shout and say it loud,
“The naked King is lame and weak”
Show me you are no longer meek,
Flames rise high and reach the sky, the furious city rages;
O King, in your Ram-Rajya, do you see bodies flow in the Ganges?

– Salil Tripathi (Grandson of Goverdhanram Tripathi)

Comments (6)

શબવાહિની ગંગા -પારુલ ખખ્ખર

એક અવાજે મડદા બોલ્યાં ‘સબ કુછ ચંગા-ચંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા મસાણ ખૂટયા, ખૂટયા લક્કડભારા,
રાજ, અમારા ડાઘૂ ખૂટયા, ખૂટયા રોવણહારા,
ઘરેઘરે જઈ જમડાંટોળી કરતી નાચ કઢંગા
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,
રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે
બળતું જોઈ ફીડલ વગાડે ‘વાહ રે બિલ્લા-રંગા’!
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

-પારુલ ખખ્ખર

સિંહાસન ઉથલાવવાની તાકાત ધરાવતી કવિતા !!! શબ્દની-સાહિત્યની આ જ તાકાતથી સત્તાધીશો ધ્રૂજે છે ! પ્રલંબ સમયાવકાશ બાદ આવો ધિંગો કવિસ્વર સાંભળ્યો જે અચેતનને ઝંઝોટીને મૂકી દે ! પથ્થરમાં પ્રાણ પૂરે !

કવયિત્રીનો ઇરાદો સત્તાને ઝાટકા સાથે જાગ્રત કરવાનો છે કે હવે રાજધર્મ નિભાવો બાપા ! પ્રજાની વેદના સુણો અને ગલીએ ગલીએ ઉતરીને નાગરિકનારાયણની સેવા કરો ! સમય કઠિન છે પણ કઠિન સમયે જ પ્રજા રાજા પાસે ગુહાર પોકારે ને !!!! અત્યારે રાજા કૌવત ન બતાવે તો પ્રજા ક્યાં જશે !!??

સાચો રાજા આ કાવ્ય-ત્રાડથી સફાળો જાગી પોતાનો ધર્મ નિભાવે…..આ પ્રચંડ નાદને પોતાની અવમાનના ન ગણે !

 

Comments (35)

કોઈ નથી – મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’

ક્યારેક મને એમ લાગે છે કે મારી નજરમાં કોઈ નથી;
ખાલી પડછાયા ને પડઘા વિણ દુનિયાભરમાં કોઈ નથી.

આ યુગયુગથી કંઈ કોટી જીવો તમને જીવ સાટે ચાહે છે;
મારા સમ એટલું તો કહી દો, શું તમ અંતરમાં કોઈ નથી ?

તમ દર્શનના અભિલાષીઓ જઈ દ્વાર દિશાના ખખડાવે;
કાં કોઈ જવાબ જરા ન દિયે, શું આખા ઘરમાં કોઈ નથી ?

છે કૈંક મુસાફર પૃથ્વી તણા આ જહાજ મહીં સાથે સરતા;
ને તોય મને કાં લાગી રહ્યું કે સાથ સફરમાં કોઈ નથી ?

જો પ્રેમ નહીં તો વેર વડે યા કોઈ ને કોઈ ઉપાય કરી;
પ્રત્યક્ષ કરે તમને એવું શું સચરાચરમાં કોઈ નથી ?

લાવ્યા છો તમે સુન્દર ચાદર, દઈ દેશો નામ કફન કેરું ?
વાળી દેશો એ ૫૨ માટી, શું એ ચાદરમાં કોઈ નથી ?

‘ગાફિલ’ જો નથી કોઈ તો કહો, આ ખેલ છે શાનો દુનિયામાં ?
આ પરદા પર તો પાર નથી, પરદા ભીતરમાં કોઈ નથી.

– મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’

સરળ વાણી, સીધી જ દિલની વાત…..

Comments (1)

(એ ગયાં છે) – રાજેશ હિંગુ

મારી બધી નસોમાં વ્યાપીને એ ગયાં છે,
કેવું મજાનું સ્થાનક સ્થાપીને એ ગયાં છે!

કેવી રીતે કહું કે શ્રાપીને એ ગયાં છે!
શાશ્વત પીડા સ્મરણની આપીને એ ગયાં છે.

આખી સફરમાં સાથે ચાલ્યા નહીં તો શું ગમ!
સંગાથે થોડું અંતર કાપીને એ ગયાં છે.

છે ખાતરી કે ચુસકી ભૂલી નહીં શકે એ,
મીઠી કડક પ્રણયની ચા પીને એ ગયાં છે.

કેવી રીતે ઉતારું હું ઋણ એમનું આ?
મહોબતની મોંઘી મિલકત આપીને એ ગયાં છે.

– રાજેશ હિંગુ

કેવી સરસ સંઘેડાઉતાર રચના! કવિ પુરુષ છે એટલે જનાર વ્યક્તિ સ્ત્રી છે એ તો તરત સમજાઈ જાય પણ ગુજરાતી ભાષામાં અનુસ્વારનો ખરો મહિમા શું છે એ આ ગઝલ વાંચતા ખ્યાલ આવે છે. કવિ ‘એ ગયા છે’ એમ પણ લખી શક્યા હોત. પણ કવિએ ગયાના માથે અનુસ્વાર મૂકવાનું પસંદ કર્યું છે. સ્ત્રીને ‘ગયા’ કહીએ એમાં પણ એના માટેનું માન તો દેખાઈ જ આવે છે પણ જ્યારે આ જ વાત માથે અનુસ્વાર મૂકીને કરવામાં આવે ત્યારે સ્ત્રી માટે કથકના હૃદયમાં રહેલો ઊંડો આદર વધુ પ્રભાવકતાથી છતો થાય છે. જો કે મારા જેવા સોમાંથી નેવુ-પંચાણું ગુજરાતીઓને અનુસ્વાર વાપરતાં જ આવડતું નથી. આપણે તો’મા’ના સ્થાને પણ ‘માં’ લખીએ છીએ, પણ એમાં મા પરત્વેનો આદર ઓછો અને આપણું અનુસ્વાર-અજ્ઞાન વધુ છતુ થાય છે.

બંને મત્લા લાજવાબ. પ્રિયજન માત્ર દિલમાં નહીં, નસે-નસમાં ઘર કરી ગયાં છે એ વાત કવિએ જે રીતે વ્યાપી-સ્થાપીના ચુસ્ત કાફિયાઓ વડે કહી છે એ કાબિલે-સલામ છે. એ જ રીતે સાની મત્લામાં શ્રાપી પણ બેમિસાલ છે. જનાર તો ગયાં, પણ કદી મરણ ન પામનાર સ્મરણોની પીડા આપીને ગયાં છે. હવે જીવનભર એની યાદોના સહારે જ રહેવાનું. આ તે કેવો શ્રાપ! કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં…

બાકીના ત્રણેય શેર પણ નિરવદ્યપણે આસ્વાદ્ય છે. ‘ચા પીને’માં કાફિયાના બે ટુકડા કરવાનું જે કવિકર્મ થયું છે, એ નવું તો નથી, પણ અહીં જે રીતે કરવામાં આવ્યું છે એની ફ્લેવર સાવ જ મૌલિક છે…

Comments (16)

(હથેળીમાં વૃક્ષો) – જિત ચુડાસમા

હથેળીમાં વૃક્ષો ઉગાડ્યાં છે આપે,
તો લ્યો, મારાં અશ્રુઓ સિંચાઈ માટે.

રઝળતી દીવાલોને ઘરભેગી કરવા,
અમે સાથિયા ચીતર્યા છે કમાડે.

એ શોધે છે જગ્યા પીડા સ્થાપવાની,
કહી આવો એને કે મારામાં સ્થાપે.

જણસમાં તો કેવળ નિસાસા રહ્યા છે,
હું ઇચ્છું કે કોઈ દિલાસા ન આપે.

તમે આંખ ઢાળી શું રસ્તો બતાવ્યો!
અમે ઊભા ઊભા જ પહોંચ્યા મુકામે.

– જિત ચુડાસમા

કશી પણ ટિપ્પણી વિના નખશિખ માણી લેવાની ગઝલ… દરેકે દરેક શેર અદભુત !

Comments (16)

બહું થયું કિરતાર – ગુણવંત ઉપાધ્યાય

બહુ થયું કિરતાર,
હવે તો બહુ થયું કિરતાર
વહેણ વચાળે ડૂબવા લાગ્યા લોકો અપરંપાર !
હવે તો બહુ થયું કિરતાર !

સુખદુઃખનાં પલ્લામાં પગને કેમ કરી ટેકવવા?
મત્સ્યવેધની અહીં અપેક્ષા કેમ કરો ગિરધરવા?
કરવત જેવી તલવારોને બન્ને બાજુ ધાર !
હવે તો બહુ થયું કિરતાર !

આજકાલ તો બચી ગયેલાં પાંખ વગરનાં પંખી
ઉપરથી પહેરાવી એને એકલતાની બંડી
ચાર દીવાલો વચ્ચે મહોરે ધગધગતા અંગાર !
હવે તો બહુ થયું કિરતાર !

– ગુણવંત ઉપાધ્યાય

કોરોનાની મહામારી ગુજરાતી સાહિત્ય માટે રોજેરોજ વધુ ને વધુ હૃદયવિદારક બનતી જાય છે. વધુ એક કવિ એના ખપ્પરમાં હોમાઈ ગયા. ભાવેણાના કવિશ્રી ગુણવંત ઉપાધ્યાયે કોરોનાના કારણે આપણી વચ્ચેથી વિદાય લીધી.

મૃત્યુને જોઈને કવિહૃદય જે સંવેદના અનુભવે એનું આ અન્ય એક ઉદાહરણ છે. ૧૬ એપ્રિલના રોજ કવિએ કોરોનાના કારણે પોતાના નાના ભાઈને ગુમાવ્યો. બે દિવસ પછી ૧૮ એપ્રિલે, કવિએ ભાતૃવિરહમાં આ રચના લખી અને ૨૮ એપ્રિલે તો કવિ પોતે કોરોનાગ્રસ્ત થયા. અને અઠવાડિયાથી ઓછા સમયમાં, ૦૪-૦૫-૨૦૨૧ના રોજ તો કવિ પણ આપણને છોડી ગયા…

લયસ્તરો તરફથી કવિને નાનકડી શબ્દાંજલિ…

Comments (12)

સળિયા પાછળ – જગદીશ જોષી

 

સાત જનમના સળિયા પાછળ પુરાયેલી એક વાત હોઠ પર આવી
એને પાછી દીધી ધકેલી સળિયે.
અરસપરસનાં તરસ્યાં વાદળ હરણ થઈને ભટક્યાં હવે તો મૃગજળ થઈ વળગીએ.

પીંછેપીંછે પીંખી દીધેલી વીંખી દીધેલી રાત હવે તો પાંખ થઈને ચીખે
શ્રાવણની આ સાંજ તણાં અંધારની ઓથે વૈશાખી આકાશ વલખતું ધીખે
બે આંખો કૈં આંખ નહીં પણ આંસુ : આ તે કયા કૂવા ?
કે ઝીણાં ઝીણાં જળની સાથે ઝમ્યા કરે છે તળિયે !

સૂનો સૂનો મ્હેલ હવાનો : સુગંધની આ કયા ઝરૂખે ઝૂરે કુંવરી લઈ કુંવારી વાત ?
પીળીપીળી પડી ગયેલી મેંદીને આ સાવ અભાગી બિંદી પૂછે :
શરણાઈના સૂર વરસશે કયા જનમને ઘાટ ?

રાધા ને આ શ્યામ વિનાના વૃંદાવનમાં અમે સળગતા
રાન અને વેરાન થઈને મળીએ.

– જગદીશ જોષી

ખાસ તો આ કાવ્યની માવજત જુઓ….મને ટેકનિકલ વાતો નથી આવડતી પણ આ પ્રકારનું કાવ્ય રચવું સહેલું નથી. જગદીશ જોષી હોય એટલે મૂળ ભાવ તો મજબૂત હોય જ. વેદનાની અનૂઠી રજૂઆત…..

Comments (1)

હોવી જોઈએ – હરીન્દ્ર દવે

મારા કવનમાં ભિન્ન કલા હોવી જોઈએ,
મારા નશામાં નોખી સુરા હોવી જોઈએ.

લાગી રહ્યું છે સંસ્કૃતિ જાણે મરી ગઈ,
આ સૃષ્ટિ એની શોકસભા હોવી જોઈએ.

આ પ્રેમનો પ્રસંગ તો આરંભ છે ફકત,
બાકી હજીયે મારી કથા હોવી જોઈએ.

એ શર્ત ૫૨ કબૂલ છે કાનૂન સૃષ્ટિના,
હું બંડ પણ કરું તો રજા હોવી જોઈએ.

ફૂલો ઉદાસ છે અને કંટક ખીલી રહ્યા,
રણમાં વસંત કેરી હવા હોવી જોઈએ.

તારા ખરી ખરીને નિમંત્રણ દઈ રહ્યા,
મારીયે એક ખાલી જગા હોવી જોઈએ.

અટકી રહ્યો’તો શ્વાસ તે પાછો ફરી ગયો,
વાતાવરણમાં એની હવા હોવી જોઈએ.

ઊઠે છે પાછું દર્દ હૃદયમાં ઘડીઘડી,
છેડાતી ક્યાંક મારી કથા હોવી જોઈએ.

સચવાઈ જાય કોઈની શરમિન્દગીની લાજ,
મિત્રો, શમા વિનાની સભા હોવી જોઈએ.

– હરીન્દ્ર દવે

ઊઠે છે પાછું દર્દ હૃદયમાં ઘડીઘડી,
છેડાતી ક્યાંક મારી કથા હોવી જોઈએ…….. અફલાતૂન…..

ફૈઝ યાદ આવી જાય –

क़फ़स उदास है यारो सबा से कुछ तो कहो
कहीं तो बहर-ए-ख़ुदा आज ज़िक्र-ए-यार चले

પિંજર ઉદાસ છે, યારની કોઈ ખબર નથી. કોઈ હવાને કહો કે જ્યાં યારનો જીક્ર થાય છે ત્યાંથી વહીને અહીં સુધી એ જીક્રની ખુશ્બુ લેતી આવે…..

Comments (3)

હું એવો ગુજરાતી…. – વિનોદ જોશી

હું એવો ગુજરાતી જેની;
હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી….

અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગ૨,
અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર;
હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…

નવરાત્રિનો ગર્ભદીપ હું, હું શત્રુંજય શૃંગ,
સૂર્યમંદિરે ગુંજ૨તો હું ધવલ તેજનો ભૃંગ;
હું ગિ૨નારી ગોખ, દ્વારિકા હું જ સુધા૨સ પાતી….

દુહા-છંદની હું ૨મઝટ, હું ભગવું ભગવું ધ્યાન,
મીરાંની ક૨તાલ હું જ, હું નિત્ય એક આખ્યાન;
વિજાણંદનું હું જંતર, હું ન૨સૈંની ૫૨ભાતી….

હું ગાંધીનું મૌન, હું જ સ૨દા૨ તણી છું હાક,
હું જ સત્યનું આયુધ જેની દિગ્દિગંતમાં ધાક;
હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવા૨ શૂ૨ની તાતી…

હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર,
મારે શિ૨ ભા૨તમાતાની આશિષનો વિસ્તા૨;
હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉં મહાજાતિ…

– વિનોદ જોશી

આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતનું મહિમાગાન બુલંદસ્વરે કરીએ…

Comments (3)