એ તો ગયા, પણ એમના ચહેરા રહી ગયા
લાગ્યા કરે છે કે એ જવાનું ભૂલી ગયા
જવાહર બક્ષી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for March, 2021

(વંદન કરો) – ભાવિન ગોપાણી

પછી મરજી મુજબ નફરત કરો, વંદન કરો,
તમારા દેવતાનું ખુદ તમે સર્જન કરો.

કશું બોલો, તમારા મૌન સામે છે વિરોધ,
સમર્થન ના કરો તો વાતનું ખંડન કરો.

હજી થોડો સમય એની નજર છે આ તરફ,
હજી થોડા સમય માટે સરસ વર્તન કરો.

હવે મરવું જ છે તો આંખ બે મીંચો અને
જગતના આખરી અંધારના દર્શન કરો.

હયાતી અન્યની તો ક્યાં તમે માનો જ છો?
તમે બસ આયના સામે ભજન કિર્તન કરો.

– ભાવિન ગોપાણી

સશક્ત ગઝલ. બધા જ શેર સ-રસ થયા છે. ઈશ્વરની હયાતી સૃષ્ટિનો સનાતન પ્રશ્ન છે. ઈશ્વર એટલે મૂળભૂતપણે આપણી માન્યતા અને માન્યતા માટેની શ્રદ્ધાનું પ્રતીક. દરેકની આસ્થા અલગ. માટે જ બધાનો ઈશ્વર પણ અલગ. ઈશ્વર હોય કે કોઈ વ્યક્તિ – એને માથે ચડાવવું કે હડસેલવું એ અંતે તો આપણી મરજી પર જ આધારિત છે, કેમકે આ આદર-અનાદર બધું જ અંતે તો આપણી જ સરજત છે.

Comments (6)

છિન્નપંખ – ઉષા ઉપાધ્યાય

જાણું છું
ન્યાયની દેવીની આંખે બંધાયેલા પાટા
ક્યારેય ખૂલવાના નથી
ત્રાજવાંનાં બંને પલ્લાં
ક્યારેય સમધારણ થવાનાં નથી
અને છતાં
કપાયેલી પાંખના મૂળમાં બચેલાં
એકાદ પીંછાને આધારે
આ તે કઈ આશાથી
હું વીંધવા મથું છું
અનંત અંધકારભર્યા આ મહાસાગરને !?

– ઉષા ઉપાધ્યાય

નાની અમથી કવિતા પણ નારીવેદનાનો વેદ જાણે!

યુગયુગોથી રુઢ થઈ ગયેલી લાઇલાજ સ્ત્રી-પુરુષ અસમાનતાનો સ્વીકાર તો છે પણ એમાં નફરત કે ગુસ્સો જરાય જોવા મળતા નથી. જમાનાએ સ્ત્રીઓને છિન્નપંખ કરીને રાખી છે. પણ પુરુષોએ એમની પાંખો ભલે કાપી કેમ ન લીધી હોય, એના મૂળમાં બચી ગયેલ એકાદ પીંછાના આધારે સ્ત્રી અનંત અંધકારભર્યા અન્યાયના મહાસાગરને વીંધીને પાર કરવાની આશા ત્યાગતી નથી. આ આશા એ જ સ્ત્રી છે. સર્વસ્વની અનુપસ્થિતિમાં પણ અસ્તિત્ત્વ ટકાવી રાખી શકે અને અંધારાની ખીણમાં પડીનેય ઉર્ધ્વગતિની આશાનો ત્યાગ ન કરે એનું જ નામ સ્ત્રી…

Comments (8)

(ભીના થયા) – રિન્કુ રાઠોડ ‘શર્વરી’

આપણે છત્રી નહીં, માણસ હતા,
એટલે પલળ્યા નહીં, ભીના થયા.

સપ્તરંગી આભના અશ્રુ ઝર્યાં,
એ જ દ્રાવણ મોરનાં પીંછા થયાં.

શ્વાસ તો દોડી ગયા ધસમસ પછી,
બંધ જોયાં દ્વાર તો ધીમા થયા.

જ્યાં ફક્ત રાધાનો ડૂમો ઓગળે ?
વાંસળીના સૂર પણ તીણા થયા.

મેં સતત ઔષધ ગણી લીધાં કર્યાં,
એ જ સગપણ આખરે પીડા થયાં.

– રિન્કુ રાઠોડ ‘શર્વરી’

આખી ગઝલ સ-રસ છે પણ હું મત્લા પર જ અટકી ગયો છું. પલળવું અને ભીના થવાનો તફાવત કવયિત્રીએ છત્રી અને માણસના રૂપક પ્રયોજી જે બખૂબીથી સમજાવ્યો છે, એ સાચે જ કાબિલે-દાદ છે.

Comments (14)

નિર્વિકલ્પ – ભગવતીકુમાર શર્મા

ઘણા વિકલ્પ છે, છતાં નિતાન્ત નિર્વિકલ્પ છું;
અસંખ્ય અંક છે, પરંતુ આખરે હું શૂન્ય છું.

પ્રતીતિ કેમ હું કરું કે સત્ય છું, અસત્ય છું?
હું મેદનીનો અંશ છું કે એક ને અનન્ય છું?

મને ન શોધજો તમે કો ગ્રંથના મહાર્ણવે; [ મહાર્ણવ = મહાસાગર ]
હું કોઈના હૃદય વિશે વસેલું રમ્ય કાવ્ય છું.

મને ગણીને ક્ષીણ તો ય અવગણો નહીં તમે.
ભલે હું જળની મંદ ધાર કિન્તુ હું અજસ્ર છું. [ અજસ્ર = સતત ]

મને સદૈવ પ્રેરતી રહી છે શબ્દ-ખેવના;
પરંતુ મૂળમાંથી હું અવ્યક્ત છું, અજન્મ છું.

– ભગવતીકુમાર શર્મા

આખી ગઝલ ‘મને’ અને ‘હું’ -કેન્દ્રી છે. અસલમાં કવિ ‘હું’ ને શું જોવા ઈચ્છે છે તેની કથની છે. એમ કહી શકાય કે “મારી કલ્પનાનું ‘હું’ ” વિષય ઉપરના કવિના વિચારોની માળા છે…..ક્યાંક કવિને સ્પષ્ટતા નથી અને પ્રશ્ન છે, ક્યાંક સ્પષ્ટતા છે, ક્યાંક આકાંક્ષા છે…..

Comments (3)

વસંત વિલાસ – ૦૧ : અજ્ઞાત (અનુવાદ: વિવેક મનહર ટેલર)

મધ્યકાલીન ગુજરાતમાં કાવ્યપ્રકાર ‘ફાગુ’ ખૂબ પ્રચલિત હતો. અને આ તમામ ફાગુકાવ્યોમાં ‘વસંતવિલાસ’ મોખરાનું સ્થાન ધરાવે છે. વસંત ઋતુ અને કામવિલાસ –બંનેનો અહીં સુભગ સમન્વય થયો છે. આપણી ભાષામાં અને કદાચ બીજી ભાષાઓમાં પણ વસંત અને વિલાસનું આવું પ્રતિષ્ઠાગાન અન્યત્ર જડવું દોહ્યલું છે. વસંતના વર્ણન ઉપરાંત સંભોગ અને વિપ્રલંભશૃંગાર ફાગુકાવ્યોમાં અવિનાભાવી સંબંધે જોડાયેલ છે. આશરે પંદરમી સદીના પ્રારંભકાળમાં રચાયેલ અને મોટાભાગે જૈનેતર ગણાતા ‘વસંતવિલાસ’ના કર્તાનું નામ શોધવામાં ઇતિહાસકારો સફળ થયા નથી.

સ્વરૂપની દૃષ્ટિએ વસંતવિલાસ દુહા/દોહરા છંદમાં લખાયેલ કાવ્ય છે. વસંતવિલાસની ખરી ખૂબી વાક્યાંતે આવતા ચુસ્ત અંત્યાનુપ્રાસ ઉપરાંત પંક્તિઓમાં વચ્ચે આવતા આંતર્પ્રાસમાં છે, જેને વિદ્વાનો યમકસાંકળી કહે છે. બે ચરણખંડોને જોડતી યમકસાંકળી ઉપરાંત કાવ્યસંગીતને અદકેરી ઊંચાઈએ લઈ જતી અભૂતપૂર્વ વર્ણસગાઈ વસંતવિલાસને તત્કાલીન ફાગુકાવ્યોનો બ્રાન્ડ એમ્બેસડર બનાવે છે, અને અપ્રતિમ કવિપ્રતિભાનું પ્રમાણ પૂરું પાડે છે. ગુજરાતી વ્યાકરણના પુસ્તકમાં જોવા મળે એ તમામ અલંકારો અને ઉપમાઓ કદાચ છસો વર્ષ પૂર્વે લખાયેલા આ કાવ્યમાંથી જડી આવે એવી ને એટલી આ રચનાની ભાષાસમૃદ્ધિ છે. પ્રવાહી ભાષા, વિપુલ શબ્દભંડોળ, અનન્ય નાદસૌંદર્ય, અદભુત અંતર્પ્રાસ અને અભૂતપૂર્વ આંતરપ્રાસની દૃષ્ટિએ આધુનિક યુગની ઉત્તમ ગીતરચનાઓને ટક્કર આપે એવી છે. કવિને એકેય જગ્યાએ વર્ણન કે ભાવ આલેખવા; લય કે પ્રાસ જાળવવા શબ્દોની તંગી પડી હોવાનું દેખાતું નથી. છસો વર્ષ પૂર્વેની આપણી ભાષા પણ કેટલી સબળ-સક્ષમ હતી એનું વસંતવિલાસથી મોટું પ્રમાણ જડવું મુશ્કેલ છે.

વિગતવાર આસ્વાદ માટે અહીં ક્લિક કરશો: http://tahuko.com/?p=19679

થોડા દુહા જોઈએ:

(૧)
પહુતીય શિવરતિ સમરતિ હવ રિતુ તણીય વસંત,
દહ દિસિ પસરઈં પરિમલ નિરમલ થ્યા દિશિ અંત. |૨|

સમરાત્રિ શિવરાત્રિ ને આવી ઋતુ વસંત,
દસ દિશ પરિમલ પ્રસરી ને નિરમલ થયા દિગંત |૨|

સમરાત્રિ શિવરાત્રિ આવી પહોંચી છે. હવે વસંત તણી ઋતુ છે. દસે દિશામાં પરિમલ પ્રસરી રહી છે અને દિગંત નિર્મલ થયા છે.

(૨)
વસંત તણા ગુણ ગહગહ્યા, મહમહ્યા સવિ સહકાર,
ત્રિભુવનિ જયજયકાર પિકા રવ કરઈં અપાર. |૪|

ફગફગ ગુણ વસંત તણા, મઘમઘ સૌ સહકાર,
અપાર ટહુકી કોકિલા, કરે ત્રિભુવન જયજયકાર. |૪|

વસંતના ગુણ વિસ્તરી રહ્યાં છે. બધા આંબા મઘમઘી રહ્યા છે. અને કોયલના અપાર ટહુકા ત્રિભુવનમાં જયજયકાર કરી રહ્યા છે.

(૩)
માનિનીજનમનક્ષોભન શોભન વાઉલા વાઈ,
નિધુવનકેલિકલામીય કામીય અંગિ સુહાઈં. |૬|

ક્ષુબ્ધ કરે માનુની મન, મનહર વાયુ વાય,
કામક્લાન્ત કામી તણા અંગોને સુખ થાય. |૬|

માનિની સ્ત્રીઓના મનને ક્ષુબ્ધ કરે એવા મનોહર વાયુ વાય છે. રતિક્રીડાથી થાકેલા કામી જનોના અંગોને શાતા વળે છે.

(૦૪)
મુનિજનનાં મન ભેદઈ, છેદઈ માનિની માન,
કામીય મનહ આણંદએ કંદએ પથિકપરાણ. |૭|

મન ભેદે મુનિ તણાં, છેદે માનુની માન,
કામીને આનંદ દે, પથિકના પીડે પ્રાણ. |૭|

(વાસંતી વાયરા) મુનિજનોના મનને ભેદે છે, માનુનીઓનાં માન છેદે છે, કામીના મનને આનંદિત કરે છે, અને પથિકજનોના પ્રાણને પીડે છે.

(૦૫)
થંભણ થિય ન પયોહર મોહ રચઉ મ ગમારિ,
માન રચઉ કિસ્યા કારણ તારુણ દીહ બિચ્ચારિ. |૨૪|

સુદૃઢ સ્તન રહેશે નહીં, મોહ ન રાખ ગમાર,
શાને માંગે માન તું? યૌવન દિન બે-ચાર. |૨૪|

સ્તન કાયમ સુદૃઢ રહેવાનાં નથી. હે ગમાર! મોહ ન કર. કયા કારણે માન કરે છે? યૌવન બેચાર દિવસ છે.

Comments (2)

સ્મરણપટ – હર્ષદ દવે

પાંદડાં ખેરવવાનું શરૂ કરી દીધું છે વૃક્ષોએ
ગઈકાલે જ પોસ્ટમેન
બે ચાર પત્રો ફેંકી ગયો હતો આંગણામાં એમ જ.
ઋતુઓ સમયની સાથે ચાલે છે
અને પાંદડાઓ ઋતુની પાછળ.
આ પત્રો પણ પાંદડાંની સાથે
લાલ- લીલા -પીળા રંગો ધારણ કરે છે
રંગબેરંગી અક્ષરો ઝાંખા થઈને
ધૂંધળા થતા જાય છે.
શબ્દો ઓગળી જાય છે વહેતા પવનની સાથે.
પવન પણ ક્યાં રહ્યો છે હવે કરકરો !
પાંદડાંની નસેનસને બાઝેલી લીલપ
અક્ષરોની માફક જ ખરતી જાય છે.
હે મિત્ર,
પીળચટું મેદાન બની ગયો છે
આ સ્મરણપટ.

– હર્ષદ દવે

લયસ્તરો પર કવિ શ્રી હર્ષદ દવે અને એમના કાવ્યસંગ્રહ ‘પરિભ્રમણ’ -બંનેનું સહૃદય સ્વાગત છે!

સ્મરણપટ શીર્ષક પરથી સમજાય છે, કે જેને યાદ કરવામાં આવી રહ્યું છે, એ પ્રિયજન હવે સાથે નથી. જીવનમાંથી સંગાથના પાંદડાંઓ સૂકાઈને ખરી જવાની ઘટનાના તાણાવાણા કવિએ પાનખર ઋતુ સાથે આબાદ વણી લીધા છે. ઝાડ પરથી પાંદડાં ખરે એવી જ રીતે ટપાલી થોડા પત્રો ઘરના આંગણામાં એમ જ ફેંકી ગયો હતો. આ પત્રોના પરબીડિયાંના રંગો પાનખરમાં પાંદડાંઓના બદલાતા રંગો સાથે તાલમેલ પૂરાવે છે. પત્રો કોના છે એ કવિ ફોડ પાડીને કહેતા નથી પણ જેનાં સ્મરણ માનસપટ પર આવી રહ્યાં છે, એના જ હોવા જોઈએ કેમકે આખી કવિતામાં પ્રકૃતિ અને પત્ર સમાંતરે જ વહે છે. કાવ્યાંતે જેના માટે સ્મરણપટ પીળું મેદાન બની ગયો છે એ પ્રિયજન મિત્ર હોવાનો કવિ ફોડ પાડે છે. સરવાળે આસ્વાદ્ય અનુભૂતિ કરાવતી રચના.

Comments (6)

વરસે… – હર્ષ બ્રહ્મભટ્ટ

એની આંખોથી જ્યારે પણ આદર વરસે,
એવું લાગે મેઘો કાચા ઘર પર વરસે !

હોય નહીં આવી મીઠી ધારા વાદળની,
આકાશેથી સીધેસીધું ઈશ્વર વરસે !

મૂળ સુધી તો કોઈ રેલો પહોંચે ક્યાંથી?
સગપણનાં ચોમાસાં ઉપર-ઉપર વરસે.

રાતોની રાતો તાકીને મેં જોયો છે,
ઘરની છતથી ઝીણોઝીણો જે ડર વરસે.

કોણ કરે ફરિયાદ તડપની, માફ કરી છે,
તરસાવી તરસાવીને પણ આખર વરસે.

તારા હાથોમાં છત્રી જોઈને અટક્યો છે,
‘હર્ષ’ બિચારો ખુલ્લા મનથી નહિતર વરસે !

– હર્ષ બ્રહ્મભટ્ટ

કેવી મજાની ગઝલ! દરેકે દરેક શેર ધ્યાન માંગી લે એવા થયા છે…

Comments (13)

(હાજર નથી હોતા) – ગુણવંત ઠક્કર ‘ધીરજ

સજાવટ હોય સુંદર તે છતાં સુંદર નથી હોતાં,
છે કારણ એ જ કે સઘળાં મકાનો ઘર નથી હોતાં.

અહીં તો પડતા આખડતા બધું જાતે જ શીખવાનું,
અનુભવની નિશાળોમાં કોઈ માસ્તર નથી હોતા.

સમય તો આપણી સાથે જ રહેતો હોય છે હરપળ,
ખરેખર આપણે જે તે સમય હાજર નથી હોતા.

કોઈ બીજાના જીવનમાં પછી ક્યાંથી એ હોવાના!
ઘણા પોતાના જીવનમાંય જીવનભર નથી હોતા.

– ગુણવંત ઠક્કર ‘ધીરજ

ચાર શેરથી કામ ચાલી જતું હોય તો ભાવકના માથે પાંચમો ન ફટકારે એવી જવાબદારીથી ગઝલસાધના કરતા કવિની કલમનું એક ઓર નજરાણું આજે માણીએ. કવિએ જે કાફિયા-રદીફ વાપર્યા છે, એ પાયા ઉપર તો કંઈ કેટલીય ગગનચુંબી ઈમારતો ખડી થઈ શકે એમ છે; પણ કવિ સંયમપૂર્વક ચાર મજબૂત શેર આપીને અટકી ગયા છે. ચારેય શેર વાંચતા જાવ એમ વધુ વહાલા લાગતા જાય એવા થયા છે.

Comments (23)

બાપુની મીઠાની ગાંગડીનું ગીત – હરીશ મીનાશ્રુ

પલટણ અગણ્યાએંશી જોધ્ધાની,
.          એનાં હથિયાર કિયાં?- તકલી ને ત્રાકડી
ડગલું ભર્યું કે હવે ના હઠવું ના હઠવું
સાચનું છે વેણ હવે ના લટવું ના લટવું
.                            વેઠની ઉપાડી પેલી ગાંસડી

બેય નર્યા સાંઠીકડાં: સાઠી વટાવેલી કાઠી ને બીજી એની લાઠી
હાડકાંના માળામાં ઘઉંવર્ણા રામજીએ વાળી છે વજ્જર પલાંઠી

માથા પર ટેકવ્યું છે ફાટેલું આભ
.               નથી પહેરી કૈં રજવાડી પાઘડી
જોજનવા કાપવાને ધૂળિયે મારગ ઊડે
.               જૂતિયાં કહું કે પવનપાવડી

વાયકા છેઃ અમરતની ટોયલીને કાજ મથી નાખ્યો’તો એકવાર દરિયો
આજ ફરી નાથવાને એને ત્યાં ઊભો છે સુકલકડી પ્હેલ્લો અગરિયો

ચપટી મીઠાને હારુ દુનિયાના
.               બાદછાની હારે એણે બાંધી છે બાખડી
કેડે બાંધેલી ઘડિયાળ કને
.               બીગબેન બજવે તે ઘંટડીઓ રાંકડી

અંધારાં અજવાળાં ઓગળેલું મેલું પરોઢ ઊગ્યું મીઠાના રંગનું
કૂકડાએ બુંગિયો ફૂંકીને જાણે એલાન કીધું સતિયાના જંગનું

આખા મલકનાં ઝાડવાંએ ખેરવી જો
.                          આંસુ ભીંજલી ફૂલપાંખડી
નીચે નમીને પછી ડોસાએ ઉપાડી
.                          આવડીક મીઠાની ગાંગડી

– હરીશ મીનાશ્રુ

૯૧ વર્ષ પહેલાં, આજના દિવસે, એટલે કે ૧૨ માર્ચ, ૧૯૩૦ના દિવસે એક પોતડીધારી ફકીર કેડે ઘડિયાળ અને હાથમાં લાકડી લઈને ઓગણાએંસી સાથીદારો સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી ‘કાગડા-કૂતરાના મોતે મરીશ પણ આઝાદી લીધા વિના આશ્રમમાં પાછો નહીં ફરું’ની ભીષ્મપ્રતિજ્ઞા લઈ નીકળી પડ્યો હતો. પગપાળા ચાલીને છઠ્ઠી એપ્રિલે જ્યારે એ દાંડી પહોંચ્યો ત્યારે એકતરફ દાંડીનો દરિયો ફેલાઈ પડ્યો હતો અને બીજી તરફ હજારો ભારતવાસીઓનો મહેરામણ ઘુઘવાટા મારતો પથરાયો હતો. કવિશ્રી હરીશ મીનાશ્રુ એમની લાક્ષણિક શૈલીમાં મજાનું ગીત લઈ આવ્યા છે.

હથિયારમાં જેમની પાસે એકમાત્ર ચરખો જ છે એવા ઓગણાએંસી યોધ્ધાઓની પલટણ જાણે કવિ નર્મદના ‘ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું;વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું’ના આહલેક સાથે ફતેહ કરવા નીકળી પડી છે. ગાંધી અને એમની લાકડી બંને એકસમાન સૂકલકડાં છે. પણ હાડકાના આ માળામાં સાક્ષાત્ રામચંદ્ર જાણે વજ્ર જેવી નક્કર પલાંઠી મારીને બેઠા છે. સાંઠી(કડાં)-સાઠી- કાઠી- લાઠી-(પ)લાંઠીની મજાની અંતર્પ્રાસ-આંતર્પ્રાસની રમત ગીત સંગીતમાં ઉમેરો કરે છે. માર્ચ-એપ્રિલના ધખતા ઉનાળામાં માથે રજવાડી પાઘડીના સ્થાને જાણે કે ફાટેલું આભ પહેર્યું છે. આભ ફાટી પડવું એ રુઢિપ્રયોગ આ ક્ષણે જો મનમાં ઝબકે તો અંગ્રેજ સામ્રાજ્યના માથે આવી પડનારી આફત તરફનો ઈશારો અહીં નજરે ચડશે. દાંડીકૂચની ઘટનાને કવિ સમુદ્રમંથન સાથે સાંકળીને એનો અનન્ય મહિમાગાન કરે છે. કહે છે, એક વેળા જેમ અમૃત મેળવવા માટે સમુદ્રમંથન કરવામાં આવ્યું હતું, બરાબર એ જ રીતે આઝાદીનું અમૃત મેળવવા માટે દાંડીના દરિયાને અને અંગ્રેજી હકૂમતને નાથવા પહેલો અગરિયો મીઠું પકવવા આવી ચડ્યો છે. ચપટી મીઠા માટે આ સૂકલકડી અગરિયો દુનિયાના બાદશાહ સાથે બાખડી પડ્યો છે અને એની કેડે બાંધેલી ઘડિયાળ (જેમાં ઘંટારવ થવો શક્યો નથી) બીગબેનના ટકોરાઓને પણ રાંક ઠરાવે એ ઠસ્સાથી સોહી રહી છે. સત્યના જંગનું એલાન થઈ ચૂક્યું છે. ડોસાએ નીચે નમીને મીઠાની ગાંગડી ઉપાડી એ ઐતિહાસિક ઘટનાનો દેશ આખો ભીની આંખે સાક્ષી બન્યો છે.

Comments (14)

વદાય – નરસિંહરાવ દિવેટીયા

સધ્યા સલૂણી થઈ લુપ્ત સુષુપ્ત થાયે
નૈને રમે તદપિ રંગ રૂડા બધા એ,
આનન્દ દેતું મૃદુ ગાન વિરામ પામે,
તોયે ભમી શ્રવણમાં ધ્વનિ રમ્ય જામે;
ખીલી હસે કુસુમ ને કરમાય જયારે
તોયે સુગન્ધ મનમાં કરી વાસ મ્હાલે;
હા ! તેમ આજ તુજ દર્શન લુપ્ત થાયે,
તારા ગુણો સ્મરણમાં રમશે સદાયે.

– નરસિંહરાવ દિવેટીયા

વસંતતિલકા છંદની આઠેય પંક્તિઓમાં ‘એ’કારાંત પ્રાસ ઉપરાંત ત્રીજી-ચોથી અને સાતમી-આઠમી પંક્તિઓમાં ચુસ્ત પ્રાસ મેળવાયો હોવાથી કાવ્યસંગીત વધુ કર્ણમધુર બને છે. પ્રિયજનની વિદાયની વાત છે. પણ શરૂઆત પ્રકૃતિના ઘટકતત્ત્વોથી થાય છે. સલૂણી સાંજ લુપ્ત થઈ જાય પણ એના રંગો આંખ સમક્ષ ક્યાંય સુધી રમતા રહે છે. આનંદ આપતું મીઠું ગીત પૂરું થઈ જાય એ પછી પણ એનો ધ્વનિ મનોમસ્તિષ્કમાં ભમતો રહે છે. મજાનું ફૂલ કરમાઈ ગયા બાદ પણ એની ખુશબૂ ક્યાંય સુધી સ્મૃતિમાં ઘર કરી રહે છે. એ જ રીતે પ્રિયપાત્રની વિદાય બાદ પણ એના ગુણો કથકના સ્મરણોમાં હરહંમેશ રમતા રહેવાના છે… કેવું મજાનું ગીત!

પણ હવે આ ગીતની સાથે શેલીનું આ કાવ્ય સરખાવીએ તો તરત જ ખ્યાલ આવશે કે આ તો સીધેસીધો ભાવાનુવાદ જ છે. નરસિંહરાવે આ કવિતા મૌલિક છે કે અનુવાદ એ અંગે ક્યાંય ફોડ પાડ્યો હોય તો મને એની જાણકારી નથી. કોઈ મિત્ર આ બાબત પર પ્રકાશ પાડશે તો ગમશે. જો કે શ્રી રામનારાયણ વિ. પાઠકે આ બંને રચનાઓ એકસાથે ટાંકીને લખ્યું છે કે, ‘શ્રી નરસિંહરાવ ઉપર અંગ્રેજીની પુષ્કળ અસર છે.’ પાઠકસાહેબ પ્રખર જ્ઞાની અને અભ્યાસુ હતા. તેઓ એકપણ શબ્દ નક્કર પુરાવા વિના કદી રજૂ કરતા નહોતા, એટલે એમની ટિપ્પણી પરથી એમ તારણ કાઢી શકાય કે કવિએ પ્રસ્તુત રચના અનુવાદ છે કે કેમ એ વિશે કવિએ ખુલાસો આપ્યો જ નહીં હોય.

Music, when soft voices die,
Vibrates in the memory—
Odours, when sweet violets sicken,
Live within the sense they quicken.

Rose leaves, when the rose is dead,
Are heaped for the belovèd’s bed;
And so thy thoughts, when thou art gone,
Love itself shall slumber on.

– Percy Bysshe Shelley

Comments (9)

ઈશ્વર જેવું છે કે નહીં? – મુકેશ જોષી

ફાટેલું આકાશ પ્રથમથી માથા ઉપર આવ્યું છે,
જનમકુંડળી વચ્ચે કો’કે આખા રણને વાવ્યું છે.
તૂટેલો ભૂતકાળ હજુ પા ભાગ ઉપર લટકેલો છે,
સુખનો રસ્તો સાવ જ ટૂંકો આગળથી બટકેલો છે.
ચપટી ચપટી રાતો ભીની આંખોમાં ભભરાવે છે.
ઉજાગરાથી લાલ થયેલા સપનાઓ ધમકાવે છે.
બટકું બટકું ઇચ્છા માટે મોંઘા શ્વાસો વેચે છે,
લખચોરાસી મણનો ભારો જનમજનમથી ખેંચે છે.
લચી પડેલો બાગ છતાંય ફૂલો કેમે મ્હેકે નહીં,
તમને શું લાગે છે જગમાં ઈશ્વર જેવું છે કે નહીં?

બે માણસના સંબંધોમાં બાવળ આંટા મારે છે,
અણીદાર જખ્મોથી માણસ માણસને શણગારે છે.
મહેલ ચણાવી પ્રથમ મીણના પછી ઉતારા આપે છે,
દીવાસળીનાં સરનામાંઓ ગજવે ઘાલી રાખે છે.
બીજાનું અજવાળું જોઈ પોતે ભડભડ સળગે છે,
બળી ગયેલી ક્ષણની કાળી મેંશ જ એને વળગે છે.
સ્વયં પતનની કેડી ઉપર અહમ્ લઈ ઊભેલો છે,
આ માણસ તો કાદવકીચડ કરતાં પણ બહુ મેલો છે,
બે આંખોથી મેં જોયું એ હજાર આંખે દેખે નહીં,
તમને શું લાગે છે જગમાં ઈશ્વર જેવું છે કે નહીં?

– મુકેશ જોષી

અંગત અભિપ્રાયે ઈશ્વર માનવીય કલ્પનાથી વિશેષ કંઈ નથી.

Comments (5)

જોઈ રહીએ – મનોજ ખંડેરિયા

નેતરનાં વન જેવા પાંખા પરોઢિયામાં
વીખરાતી રાત જોઈ રહીએ
અમે વીખરાતી વાત જોઈ રહીએ

પાંખોની જેમ મારી નીંદરા ફફડે ને
ખરે પીછાં અજવાળામાં ભૂખરાં
ઝાલું ન ઝાલું ત્યાં વહી જાતા આંખમાંથી
સપને મઢેલ ઓલ્યા ડુંગરા

છેલ્લું મહેકીને ખરે રાતરાણી ફૂલ
ખર્યા ફૂલની બિછાત જોઈ રહીએ
અમે વીખરાતી રાત જોઈ રહીએ

તોરણનાં આભલામાં તડકો પડે
મારી એકલતા ઝગમગવા લાગતી
ખાલી હથેળિયુંમાં મોતી ઝીલ્યાની યાદ
બાવળની શૂળ બની વાગતી

ઝંખનાને તીર અમે સરવરનાં દર્પણમાં
ડહોળાતી જાત જોઈ રહીએ
અમે વીખરાતી વાત જોઈ રહીએ

– મનોજ ખંડેરિયા

 

‘મેરા નામ જોકર’નું ગીત યાદ આવી જાય –

” મુઝકો રુલા રુલા દિયા જાતી હુઈ બહાર ને……”

Comments (2)

રોપી શું કામ? – જયંત ડાંગોદરા

મને અહીંયા તે રોપી શું કામ?
રોપી તો રોપી પણ આપ્યા કાં કંકુ ને ચોખાથી ચમચમતા ડામ?

વ્હાલપનું જગ મને દેખાડી વિસ્તરવા આપ્યું’તું કેવળ એક કૂંડું,
નિયમોથી બાંધેલી માટીમાં મૂળ મારું જાય પછી કેમ કરી ઊંડું,
અડાબીડ ઊગેલાં અલ્લડપણાંને હવે આપું હું બીજું શું નામ?
મને અહીંયા તે રોપી શું કામ?

શ્રીફળ પર મૂકીને આપી’તી ખોબામાં સાચવવા કાયમની ઝાળ,
ઝાંઝર બે પ્હેરાવી પગલાંમાં હળવેથી બાંધેલી મરજાદી પાળ,
પાંખોને વીંધીને કીધું કે ઊડ હવે, આભલે છે તારો મુકામ.
મને અહીંયા તે રોપી શું કામ?

– જયંત ડાંગોદરા

લયસ્તરો પર કવિ શ્રી જયંત ડાંગોદરાના કાવ્યસંગ્રહ ‘છબી અવાજની’નું સહૃદય સ્વાગત છે. સંગ્રહમાંથી એક મજાનું ગીત અત્રે પ્રસ્તુત છે.

કન્યા તરફથી પોતાના માવતરને કરાતા ધારદાર સવાલોનું આ વેદનાસિક્ત ગીત આપણી સંવેદનાને હચમચાવી દે એવું છે. મુક્ત ઉડ્ડયનના અધિકાર ધરાવતી કન્યાને મા-બાપે કૂંડામાં રોપી શા માટે દીધીનો સવાલ થાય છે. જમીનમાં પગ ખોડી દીધા એ પૂરતું ન હોય, એમ આપણે સ્ત્રીને પૂજનીયનો દરજ્જો આપી જાણે કે ચમચમતા ડામ દીધા છે. વાતો તો વહાલની દુનિયામાં વિસ્તરવાની કરી, પણ રોપી દીધી એક કૂંડામાં. અને કૂંડાની માટી તો ચોતરફથી નિયમોથી સીમિત. મૂળ જેટલું જમીનમાં ઊંડે જઈ શકે એટલું કૂંડામાં કદી જઈ શકે ખરું? કૂંડાની માટીનું આવું અદભુત કલ્પન આ પૂર્વે ભાગ્યે જ આપણે જોયું હશે. કન્યાના ખોબામાં વિદાય વખતે આપેલું શ્રીફળ જાણે આજીવન વેઠવાની અગનઝાળ છે અને પગમાં પહેરાવેલા ઝાંઝર મર્યાદાઓની ઊભી કરેલી બેડી જેવાં છે જાણે. પાંખો કાતરી લીધા પછી આપણે સ્ત્રીનેઊડાન ભરવાની આઝાદી આપીએ ત્યારે એના મનમાં સામા આવા જ સવાલો ઊભા થતા હશે ને? પુરુષ કવિની કલમ કેવી બખૂબી ઝીણાં સ્ત્રીસંવેદનોને આલેખી શકી છે!

Comments (20)

(અટકી ગયા) – અગન રાજ્યગુરુ


(કવિના મિત્રના હસ્તાક્ષરમાં કવિની ગઝલ)

*

એમ શમણાં આંખમાં અટકી ગયાં,
શ્વાસ જાણે શ્વાસમાં અટકી ગયા.

સાથમાં ચાલી શકાયું હોત પણ;
વાતમાં ને વાતમાં અટકી ગયા.

એક ઝટકે જીભ પર આવ્યા હતા;
શબ્દ સઘળા બાદમાં અટકી ગયા

હું સતત ચાલ્યાં કર્યો છું એ રીતે:
જેમ કે પગ રાહમાં અટકી ગયા.

આયનો ફૂટી ગયો તરડ્યા પછી;
બિંબ કિન્તુ કાચમાં અટકી ગયાં

ઠીક છે છોડો બધા એ વાયદા;
એ કહો, કઈ વાતમાં અટકી ગયા?

આંખથી ઓઝલ થયેલાં વાદળાં;
કયાંક તારી યાદમાં અટકી ગયાં.

ઝાંઝવાઓ જોઇને લાગ્યું ‘અગન’
કે અમે પણ પ્યાસમાં અટકી ગયા.

– ‘અગન’ રાજ્યગુરુ

‘લયસ્તરો’ પર કવિમિત્ર શ્રી ‘અગન’ રાજ્યગુરુ (યજ્ઞેશ દવે) અને એમના પ્રથમ ગઝલ સંગ્રહ ‘તારી યાદમાં’ –બંનેનું સહૃદય સ્વાગત…

સંગ્રહમાંથી એક મજાની ગઝલ માણીએ. તમામ શેર શીઘ્ર પ્રત્યાયનક્ષમતા ધરાવે છે, પણ હું ચોથા શેર પર અટકી ગયો છું. કેવી સરસ વાત કવિએ કહી છે! કથક અનવરત મુસાફરી કરી રહ્યો છે. મંઝિલ આવશે કે આવી ગઈ એની કોઈ પણ તમા રાખ્યા વિના કથક એ રીતે ચાલ-ચાલ કરી રહ્યો છે, જાણે કે પગ રસ્તામાં અટકી ન ગયા હોય! પગ રસ્તો છોડતા જ નથી. ચાલવું મૂકતાં જ નથી. ગતિભાવ અધોરેખિત કરવા માટે કવિએ સ્થિતિભાવ દર્શાવતું ક્રિયાપદ કેવું બખૂબી પ્રયોજ્યું છે!

આ સાથે જ ‘તરડાયા’ના સ્થાને ‘તરડયા’ ક્રિયાપદ વાપરવું ટાળી શકાયું હોત તો સોનામાં સુગંધ ભળત. કવિને સ્નેહકામનાઓ…

Comments (12)

ભાગ્યે જ આવે – રીનલ પટેલ

આંખ ખુલતાવેંત સામે એ જ આવે,
એવી ક્ષણ જીવન મહીં ભાગ્યે જ આવે.

એમ આવે સટસટાસટ યાદ એની,
જેમ સિગ્નલ આવતાં મેસેજ આવે.

બેઉને, બન્નેની, એ પણ એક સરખી,
હોય લત,સાચી મજા ત્યારે જ આવે.

એટલા હકથી પધારે આપદા કે-
જાણે મામાના ઘરે ભાણેજ આવે.

આમ લાવી ના શકો એને પરાણે,
આ ગઝલ છે, એ તો સ્વેચ્છાએ જ આવે.

– રીનલ પટેલ

વાંચતાવેંત ગમી જાય એવી ગઝલ. કૃષ્ણને મળવા દુર્યોધન વહેલો આવ્યો હતો પણ ઓશિકા પાસેના આસન પર બેઠો. અર્જુન મોડો આવ્યો પણ પગ પાસે ઊભો રહ્યો. કૃષ્ણની આંખ ખુલતાં એને સૌપ્રથમ અર્જુન નજરે ચડ્યો. પણ આંખ ખૂલે અને ગમતી વ્યક્તિ સામે ઊભી હોય એવી ક્ષણો તો જીવનમાં ભાગ્યે જ આવે ને! આવું સદભાગ્ય બધાનું થોડું હોય? અને કાયમનું થોડું હોય? ક્યાંક કશેક અટકી ગયા હોઈએ, વધુ પડતા વ્યસ્ત હોઈએ ત્યારે બની શકે કે પ્રિયજનની યાદ ન આવે, પણ મન જેવું નવરું પડ્યું નથી કે મોબાઇલ આઉટ-ઑફ-રેન્જમાંથી રેન્જમાં આવતાં જ જે રીતે અટકી પડેલા મેસેજિસ એક પછી એક સટાસટ આવવા માંદે એ જ રીતે યાદો પણ ધસમસી આવે. મોબાઇલ-સિગ્નલ અને મેસેજ હવા-પાણી-ખોરાક પછીની ચોથી આવશ્યકતા બની ગયા હોય ત્યારે કવિતા એનો પડઘો ન ઝીલવામાંથી કેમ બાકાત રહી જાય? કવિતા તો સાંપ્રત સમય અને સમાજનો અરીસો છે. ત્રીજો-ચોથો શેર ગઝલના શિરમોર શેર છે. બંને અદભુત થયા છે. કવિતા કઈ વસ્તુને ક્યાં અને કેવી રીતે સાંકળી લે એ આપણી સહજ સમજણની બહાર છે. કદાચ એટલે જ કવિતા બધાનો ‘કપ-ઑફ-ટી’ ન હોવા છતાંય સ્પર્શી જાય છે. ભાણેજ અને વિપત્તિઓને આમ તો સ્નાનસૂતકનોય સંબંધ નથી, પણ કવિતા એ બેને જે અધિકારપૂર્વક સાંકળી લે છે એ જોવા જેવું છે…

કવયિત્રીનું લયસ્તરો પર સહૃદય સ્વાગત!

Comments (22)

ગગન – હરીન્દ્ર દવે

શૂન્ય અવકાશ
નિઃસીમ ધરતી
ફક્ત એક આ પર્ણ અવરોધતું દૃષ્ટિને.

વાયુવંટોળમાં લેશ કંપે નહીં,
સ્હેજ સળગે નહીં સૂર્યના તાપથી,
ચન્દ્રની ચાંદનીમાં ન હળવું થતું,
કોણ જાણે કંઈ કેટલા કાળથી
ગગન જોવા નજર જ્યાં જતી,
ત્યાં ફકત એક એ પર્ણ ઝીલી રહે દૃષ્ટિને !

પ્રકૃતિએ સર્વને ગગન વહેંચી દીધું
ને મને પર્ણ !

મારું આખું ગગન એક એ પાંદડું.

– હરીન્દ્ર દવે

આપણી સીમા/મર્યાદા આપણે જ નક્કી કરીએ છીએ, અન્યનો કોઈ કસૂર હોતો નથી.

ઓ દેનેવાલે તુંને તો કોઈ કમી ન કી
અબ કિસ કો ક્યા મિલા યે મુકદ્દરકી બાત હૈ

Comments (1)

इस से पहले कि बे-वफ़ा हो जाएँ – અહમદ ફરાઝ

इस से पहले कि बे-वफ़ा हो जाएँ
क्यूँ न ऐ दोस्त हम जुदा हो जाएँ

तू भी हीरे से बन गया पत्थर
हम भी कल जाने क्या से क्या हो जाएँ

तू कि यकता था बे-शुमार हुआ
हम भी टूटें तो जा-ब-जा हो जाएँ

તું અદ્વિતીયમાંથી સામાન્ય થઈ ગયો, હું પણ તૂટીશ તો ઠેરઠેર ફેલાઈ જઈશ

हम भी मजबूरियों का उज़्र करें
फिर कहीं और मुब्तला हो जाएँ

હું કોઈ મજબૂરીનું બહાનું કાઢું, ક્યાંક ફરીથી બીજે કશેક વધુ ફસાઈ ન પડું

हम अगर मंज़िलें न बन पाए
मंज़िलों तक का रास्ता हो जाएँ

देर से सोच में हैं परवाने
राख हो जाएँ या हवा हो जाएँ

इश्क़ भी खेल है नसीबों का
ख़ाक हो जाएँ कीमिया हो जाएँ

પ્રેમ પણ નસીબનો ખેલ છે, ખાખ પણ થઈ જવાય, પારસમણિ પણ થઈ જવાય…

अब के गर तू मिले तो हम तुझ से
ऐसे लिपटें तिरी क़बा हो जाएँ [ क़बा = વસ્ત્ર ]

बंदगी हम ने छोड़ दी है ‘फ़राज़’
क्या करें लोग जब ख़ुदा हो जाएँ

– અહમદ ફરાઝ

મક્તો મશહૂર છે, આખી ગઝલ સૉલિડ છે. એકસૂત્રી ગઝલ નથી, પણ પ્રત્યેક ભાવ મજબૂતીથી અભિવ્યક્ત થયો છે.

પહેલા ચાર શેર ક્રૂર અનુભૂતિજન્ય નારાજગીનું બયાન છે અને પછી બધા શેર છૂટક અર્થ ધરાવે છે. એક ઘેરી લાગણી જન્માવતી આ ગઝલ વચ્ચે ભાવ બદલે છે અને મકતાએ ફરી મૂળ ભાવ પકડે છે તે થોડું કઠે છે પણ એને બાદ કરતા તમામ શેર કાબિલેતારીફ છે….

Comments (1)