ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ.
મનોજ ખંડેરિયા

વસંત વિલાસ – ૦૧ : અજ્ઞાત (અનુવાદ: વિવેક મનહર ટેલર)

મધ્યકાલીન ગુજરાતમાં કાવ્યપ્રકાર ‘ફાગુ’ ખૂબ પ્રચલિત હતો. અને આ તમામ ફાગુકાવ્યોમાં ‘વસંતવિલાસ’ મોખરાનું સ્થાન ધરાવે છે. વસંત ઋતુ અને કામવિલાસ –બંનેનો અહીં સુભગ સમન્વય થયો છે. આપણી ભાષામાં અને કદાચ બીજી ભાષાઓમાં પણ વસંત અને વિલાસનું આવું પ્રતિષ્ઠાગાન અન્યત્ર જડવું દોહ્યલું છે. વસંતના વર્ણન ઉપરાંત સંભોગ અને વિપ્રલંભશૃંગાર ફાગુકાવ્યોમાં અવિનાભાવી સંબંધે જોડાયેલ છે. આશરે પંદરમી સદીના પ્રારંભકાળમાં રચાયેલ અને મોટાભાગે જૈનેતર ગણાતા ‘વસંતવિલાસ’ના કર્તાનું નામ શોધવામાં ઇતિહાસકારો સફળ થયા નથી.

સ્વરૂપની દૃષ્ટિએ વસંતવિલાસ દુહા/દોહરા છંદમાં લખાયેલ કાવ્ય છે. વસંતવિલાસની ખરી ખૂબી વાક્યાંતે આવતા ચુસ્ત અંત્યાનુપ્રાસ ઉપરાંત પંક્તિઓમાં વચ્ચે આવતા આંતર્પ્રાસમાં છે, જેને વિદ્વાનો યમકસાંકળી કહે છે. બે ચરણખંડોને જોડતી યમકસાંકળી ઉપરાંત કાવ્યસંગીતને અદકેરી ઊંચાઈએ લઈ જતી અભૂતપૂર્વ વર્ણસગાઈ વસંતવિલાસને તત્કાલીન ફાગુકાવ્યોનો બ્રાન્ડ એમ્બેસડર બનાવે છે, અને અપ્રતિમ કવિપ્રતિભાનું પ્રમાણ પૂરું પાડે છે. ગુજરાતી વ્યાકરણના પુસ્તકમાં જોવા મળે એ તમામ અલંકારો અને ઉપમાઓ કદાચ છસો વર્ષ પૂર્વે લખાયેલા આ કાવ્યમાંથી જડી આવે એવી ને એટલી આ રચનાની ભાષાસમૃદ્ધિ છે. પ્રવાહી ભાષા, વિપુલ શબ્દભંડોળ, અનન્ય નાદસૌંદર્ય, અદભુત અંતર્પ્રાસ અને અભૂતપૂર્વ આંતરપ્રાસની દૃષ્ટિએ આધુનિક યુગની ઉત્તમ ગીતરચનાઓને ટક્કર આપે એવી છે. કવિને એકેય જગ્યાએ વર્ણન કે ભાવ આલેખવા; લય કે પ્રાસ જાળવવા શબ્દોની તંગી પડી હોવાનું દેખાતું નથી. છસો વર્ષ પૂર્વેની આપણી ભાષા પણ કેટલી સબળ-સક્ષમ હતી એનું વસંતવિલાસથી મોટું પ્રમાણ જડવું મુશ્કેલ છે.

વિગતવાર આસ્વાદ માટે અહીં ક્લિક કરશો: http://tahuko.com/?p=19679

થોડા દુહા જોઈએ:

(૧)
પહુતીય શિવરતિ સમરતિ હવ રિતુ તણીય વસંત,
દહ દિસિ પસરઈં પરિમલ નિરમલ થ્યા દિશિ અંત. |૨|

સમરાત્રિ શિવરાત્રિ ને આવી ઋતુ વસંત,
દસ દિશ પરિમલ પ્રસરી ને નિરમલ થયા દિગંત |૨|

સમરાત્રિ શિવરાત્રિ આવી પહોંચી છે. હવે વસંત તણી ઋતુ છે. દસે દિશામાં પરિમલ પ્રસરી રહી છે અને દિગંત નિર્મલ થયા છે.

(૨)
વસંત તણા ગુણ ગહગહ્યા, મહમહ્યા સવિ સહકાર,
ત્રિભુવનિ જયજયકાર પિકા રવ કરઈં અપાર. |૪|

ફગફગ ગુણ વસંત તણા, મઘમઘ સૌ સહકાર,
અપાર ટહુકી કોકિલા, કરે ત્રિભુવન જયજયકાર. |૪|

વસંતના ગુણ વિસ્તરી રહ્યાં છે. બધા આંબા મઘમઘી રહ્યા છે. અને કોયલના અપાર ટહુકા ત્રિભુવનમાં જયજયકાર કરી રહ્યા છે.

(૩)
માનિનીજનમનક્ષોભન શોભન વાઉલા વાઈ,
નિધુવનકેલિકલામીય કામીય અંગિ સુહાઈં. |૬|

ક્ષુબ્ધ કરે માનુની મન, મનહર વાયુ વાય,
કામક્લાન્ત કામી તણા અંગોને સુખ થાય. |૬|

માનિની સ્ત્રીઓના મનને ક્ષુબ્ધ કરે એવા મનોહર વાયુ વાય છે. રતિક્રીડાથી થાકેલા કામી જનોના અંગોને શાતા વળે છે.

(૦૪)
મુનિજનનાં મન ભેદઈ, છેદઈ માનિની માન,
કામીય મનહ આણંદએ કંદએ પથિકપરાણ. |૭|

મન ભેદે મુનિ તણાં, છેદે માનુની માન,
કામીને આનંદ દે, પથિકના પીડે પ્રાણ. |૭|

(વાસંતી વાયરા) મુનિજનોના મનને ભેદે છે, માનુનીઓનાં માન છેદે છે, કામીના મનને આનંદિત કરે છે, અને પથિકજનોના પ્રાણને પીડે છે.

(૦૫)
થંભણ થિય ન પયોહર મોહ રચઉ મ ગમારિ,
માન રચઉ કિસ્યા કારણ તારુણ દીહ બિચ્ચારિ. |૨૪|

સુદૃઢ સ્તન રહેશે નહીં, મોહ ન રાખ ગમાર,
શાને માંગે માન તું? યૌવન દિન બે-ચાર. |૨૪|

સ્તન કાયમ સુદૃઢ રહેવાનાં નથી. હે ગમાર! મોહ ન કર. કયા કારણે માન કરે છે? યૌવન બેચાર દિવસ છે.

2 Comments »

  1. pragnajuvyas said,

    March 20, 2021 @ 2:05 PM

    ‘વસંતવિલાસ’ ના અદભુત દુહાનો ડૉ.વિવેક દ્વારા સ રસ આસ્વાદ
    આ રચનાઓ ભાવકને કશુંક કાળપ્રવાહમાં ખોવાયેલું પુનઃ સાંપડે તો ધન્ય
    વસંતવાયુથી પથિકોને થતી પીડાનું વર્ણન જોવા મળે છે:

    કુરુણાહો-વિઅ પહિઓ દુમ્મિજ્જઈ માહવસ્સ મિલિએણ
    ભીમેણ જહિચ્છાએ દાહિણન્વાએણ છિપ્પંતો
    વાહ

  2. Poonam said,

    April 3, 2021 @ 3:26 AM

    ફગફગ ગુણ વસંત તણા, મઘમઘ સૌ સહકાર,
    અપાર ટહુકી કોકિલા, કરે ત્રિભુવન જયજયકાર. |૪|
    Sa – ras !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment