(અટકી ગયા) – અગન રાજ્યગુરુ
(કવિના મિત્રના હસ્તાક્ષરમાં કવિની ગઝલ)
*
એમ શમણાં આંખમાં અટકી ગયાં,
શ્વાસ જાણે શ્વાસમાં અટકી ગયા.
સાથમાં ચાલી શકાયું હોત પણ;
વાતમાં ને વાતમાં અટકી ગયા.
એક ઝટકે જીભ પર આવ્યા હતા;
શબ્દ સઘળા બાદમાં અટકી ગયા
હું સતત ચાલ્યાં કર્યો છું એ રીતે:
જેમ કે પગ રાહમાં અટકી ગયા.
આયનો ફૂટી ગયો તરડ્યા પછી;
બિંબ કિન્તુ કાચમાં અટકી ગયાં
ઠીક છે છોડો બધા એ વાયદા;
એ કહો, કઈ વાતમાં અટકી ગયા?
આંખથી ઓઝલ થયેલાં વાદળાં;
કયાંક તારી યાદમાં અટકી ગયાં.
ઝાંઝવાઓ જોઇને લાગ્યું ‘અગન’
કે અમે પણ પ્યાસમાં અટકી ગયા.
– ‘અગન’ રાજ્યગુરુ
‘લયસ્તરો’ પર કવિમિત્ર શ્રી ‘અગન’ રાજ્યગુરુ (યજ્ઞેશ દવે) અને એમના પ્રથમ ગઝલ સંગ્રહ ‘તારી યાદમાં’ –બંનેનું સહૃદય સ્વાગત…
સંગ્રહમાંથી એક મજાની ગઝલ માણીએ. તમામ શેર શીઘ્ર પ્રત્યાયનક્ષમતા ધરાવે છે, પણ હું ચોથા શેર પર અટકી ગયો છું. કેવી સરસ વાત કવિએ કહી છે! કથક અનવરત મુસાફરી કરી રહ્યો છે. મંઝિલ આવશે કે આવી ગઈ એની કોઈ પણ તમા રાખ્યા વિના કથક એ રીતે ચાલ-ચાલ કરી રહ્યો છે, જાણે કે પગ રસ્તામાં અટકી ન ગયા હોય! પગ રસ્તો છોડતા જ નથી. ચાલવું મૂકતાં જ નથી. ગતિભાવ અધોરેખિત કરવા માટે કવિએ સ્થિતિભાવ દર્શાવતું ક્રિયાપદ કેવું બખૂબી પ્રયોજ્યું છે!
આ સાથે જ ‘તરડાયા’ના સ્થાને ‘તરડયા’ ક્રિયાપદ વાપરવું ટાળી શકાયું હોત તો સોનામાં સુગંધ ભળત. કવિને સ્નેહકામનાઓ…
Parbatkumar said,
March 5, 2021 @ 12:33 AM
વાહ વાહ ખૂબ સરસ ગઝલ
Sandip Pujara said,
March 5, 2021 @ 12:35 AM
ખુબ સરસ રચના – અભિનંદન કવિ
Anjana bhavsar said,
March 5, 2021 @ 12:57 AM
અભિનંદન ભાઈ..સરસ ગઝલ
Kajal kanjiya said,
March 5, 2021 @ 1:06 AM
ખૂબ સરસ ગઝલ
ખૂબ ખૂબ અભિનંદન ભાઈ 💐
Dhruv Patel said,
March 5, 2021 @ 1:11 AM
વાહ કવિ ❤️ ખૂબ ખૂબ અભિનંદન 💐💐
Nimesh Bavishi said,
March 5, 2021 @ 1:35 AM
વાહ વાહ ભાઈ,જોઇને ખુબજ આનંદ થયો,તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું…
Shah Pravin said,
March 5, 2021 @ 4:36 AM
વાહ ખૂબ સુંદર ગઝલ..
કવિને અભિનંદન..
pragnajuvyas said,
March 5, 2021 @ 9:33 AM
સરસ ગઝલ
ઝાંઝવાઓ જોઇને લાગ્યું ‘અગન’
કે અમે પણ પ્યાસમાં અટકી ગયા.
વાહ
DILIPKUMAR CHAVDA said,
March 6, 2021 @ 2:29 AM
સરસ ગઝલ અભિનંદન કવિને 🌷🌹❤️
Harihar Shukla said,
March 7, 2021 @ 11:09 PM
સરસ 👌
Dr Heena Mehta said,
March 8, 2021 @ 1:05 AM
સુંદર રચના!!
અશ્વિન ચંદારાણા said,
March 11, 2021 @ 9:22 AM
હાલાજીના હાથ વખાણું, કે પતીના પગ!?