ઉઘાડા દ્વાર જેવો થઈ
બધું આપીને બેઠો છું

ન ફૂટી પાંખ એ સ્થાને
ગઝલ સ્થાપીને બેઠો છું
ડૉ. મહેશ રાવલ

સ્મરણપટ – હર્ષદ દવે

પાંદડાં ખેરવવાનું શરૂ કરી દીધું છે વૃક્ષોએ
ગઈકાલે જ પોસ્ટમેન
બે ચાર પત્રો ફેંકી ગયો હતો આંગણામાં એમ જ.
ઋતુઓ સમયની સાથે ચાલે છે
અને પાંદડાઓ ઋતુની પાછળ.
આ પત્રો પણ પાંદડાંની સાથે
લાલ- લીલા -પીળા રંગો ધારણ કરે છે
રંગબેરંગી અક્ષરો ઝાંખા થઈને
ધૂંધળા થતા જાય છે.
શબ્દો ઓગળી જાય છે વહેતા પવનની સાથે.
પવન પણ ક્યાં રહ્યો છે હવે કરકરો !
પાંદડાંની નસેનસને બાઝેલી લીલપ
અક્ષરોની માફક જ ખરતી જાય છે.
હે મિત્ર,
પીળચટું મેદાન બની ગયો છે
આ સ્મરણપટ.

– હર્ષદ દવે

લયસ્તરો પર કવિ શ્રી હર્ષદ દવે અને એમના કાવ્યસંગ્રહ ‘પરિભ્રમણ’ -બંનેનું સહૃદય સ્વાગત છે!

સ્મરણપટ શીર્ષક પરથી સમજાય છે, કે જેને યાદ કરવામાં આવી રહ્યું છે, એ પ્રિયજન હવે સાથે નથી. જીવનમાંથી સંગાથના પાંદડાંઓ સૂકાઈને ખરી જવાની ઘટનાના તાણાવાણા કવિએ પાનખર ઋતુ સાથે આબાદ વણી લીધા છે. ઝાડ પરથી પાંદડાં ખરે એવી જ રીતે ટપાલી થોડા પત્રો ઘરના આંગણામાં એમ જ ફેંકી ગયો હતો. આ પત્રોના પરબીડિયાંના રંગો પાનખરમાં પાંદડાંઓના બદલાતા રંગો સાથે તાલમેલ પૂરાવે છે. પત્રો કોના છે એ કવિ ફોડ પાડીને કહેતા નથી પણ જેનાં સ્મરણ માનસપટ પર આવી રહ્યાં છે, એના જ હોવા જોઈએ કેમકે આખી કવિતામાં પ્રકૃતિ અને પત્ર સમાંતરે જ વહે છે. કાવ્યાંતે જેના માટે સ્મરણપટ પીળું મેદાન બની ગયો છે એ પ્રિયજન મિત્ર હોવાનો કવિ ફોડ પાડે છે. સરવાળે આસ્વાદ્ય અનુભૂતિ કરાવતી રચના.

6 Comments »

  1. હર્ષદ દવે said,

    March 19, 2021 @ 3:30 AM

    સરસ આસ્વાદ માટે ધન્યવાદ. આભાર.

  2. લલિત ત્રિવેદી said,

    March 19, 2021 @ 6:33 AM

    વાહ વાહ.. કવિશ્રી યો

  3. pragnajuvyas said,

    March 19, 2021 @ 9:15 AM

    કવિશ્રી હર્ષદ દવેની મજાની રચનાનો ડૉ વિવેક દ્વારા સરસ આસ્વાદ્
    હે મિત્ર,
    પીળચટું મેદાન બની ગયો છે
    આ સ્મરણપટ.
    વાહ્

  4. ઉમેશ થાનકી said,

    March 19, 2021 @ 10:08 AM

    કોલેજ કાળ નો મારો સહાધ્યાયી કવિ મિત્ર હર્ષદ દવે ની કાવ્ય જગત માં પરિપક્વતા ‘ પરિભ્રમણ કાવ્યસંગ્રહ માં માણી…પાંદડા ની નસેનસ ને બાઝેલી લીલપ અક્ષરો ની માફક જ કરતી જાય છે…! પ્રકૃતિ અને શબ્દો ની આ જુગલબંધી આહલાદક છે… ધન્યવાદ….

  5. preetam lakhlani said,

    March 19, 2021 @ 3:12 PM

    કાવ્ય અને આસ્વાદ બને સરસ, લગે રવો મુન્નાભાઈ

  6. Kajal kanjiya said,

    March 20, 2021 @ 12:57 AM

    મિત્રની યાદમાં લખાયેલી મસ્ત મજાની કવિતા અને આસ્વાદ
    અભિનંદન 💐

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment