પુષ્ટ બનતું જાય છે એકાંત આ,
મન, સમાલી લે આ વધતા મેદને.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

નિર્વિકલ્પ – ભગવતીકુમાર શર્મા

ઘણા વિકલ્પ છે, છતાં નિતાન્ત નિર્વિકલ્પ છું;
અસંખ્ય અંક છે, પરંતુ આખરે હું શૂન્ય છું.

પ્રતીતિ કેમ હું કરું કે સત્ય છું, અસત્ય છું?
હું મેદનીનો અંશ છું કે એક ને અનન્ય છું?

મને ન શોધજો તમે કો ગ્રંથના મહાર્ણવે; [ મહાર્ણવ = મહાસાગર ]
હું કોઈના હૃદય વિશે વસેલું રમ્ય કાવ્ય છું.

મને ગણીને ક્ષીણ તો ય અવગણો નહીં તમે.
ભલે હું જળની મંદ ધાર કિન્તુ હું અજસ્ર છું. [ અજસ્ર = સતત ]

મને સદૈવ પ્રેરતી રહી છે શબ્દ-ખેવના;
પરંતુ મૂળમાંથી હું અવ્યક્ત છું, અજન્મ છું.

– ભગવતીકુમાર શર્મા

આખી ગઝલ ‘મને’ અને ‘હું’ -કેન્દ્રી છે. અસલમાં કવિ ‘હું’ ને શું જોવા ઈચ્છે છે તેની કથની છે. એમ કહી શકાય કે “મારી કલ્પનાનું ‘હું’ ” વિષય ઉપરના કવિના વિચારોની માળા છે…..ક્યાંક કવિને સ્પષ્ટતા નથી અને પ્રશ્ન છે, ક્યાંક સ્પષ્ટતા છે, ક્યાંક આકાંક્ષા છે…..

3 Comments »

  1. હરીશ દાસાણી said,

    March 24, 2021 @ 7:20 AM

    ગઝલ સુંદર છે પણ છેલ્લા શેરમાં કયાંક લયપ્રવાહ ખોટકાય છે તેવું લાગે.

  2. pragnajuvyas said,

    March 24, 2021 @ 10:36 AM

    મને સદૈવ પ્રેરતી રહી છે શબ્દ-ખેવના;
    પરંતુ મૂળમાંથી હું અવ્યક્ત છું, અજન્મ છું.
    .
    આ. ભગવતીકુમાર શર્માની અફલાતુન ગઝલનો અદભુત મક્તા
    કર્મના નિતાન્ત ક્ષય બાદ જ કૈવલ્યની પ્રાપ્તિ. આત્મચિંતનમાં ..યોગવિદ્યાનું શિક્ષણ આપી નિર્વિકલ્પ સમાધિનો અનુભવ માણસને પણ ઉપયોગી થવું એ જેવીતેવી વાત નથી.!

  3. MAHESHCHANDRA NAIK said,

    March 24, 2021 @ 8:17 PM

    કવિશ્રી ભગવતીકુમાર સાહેબને સલામ સલામ……..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment