અને પછી હું કરું શું એ પહેલાં વાત કરો,
તમે કહો છો, તમારો લગાવ મૂકી દઉં.
ભરત વિંઝુડા

છિન્નપંખ – ઉષા ઉપાધ્યાય

જાણું છું
ન્યાયની દેવીની આંખે બંધાયેલા પાટા
ક્યારેય ખૂલવાના નથી
ત્રાજવાંનાં બંને પલ્લાં
ક્યારેય સમધારણ થવાનાં નથી
અને છતાં
કપાયેલી પાંખના મૂળમાં બચેલાં
એકાદ પીંછાને આધારે
આ તે કઈ આશાથી
હું વીંધવા મથું છું
અનંત અંધકારભર્યા આ મહાસાગરને !?

– ઉષા ઉપાધ્યાય

નાની અમથી કવિતા પણ નારીવેદનાનો વેદ જાણે!

યુગયુગોથી રુઢ થઈ ગયેલી લાઇલાજ સ્ત્રી-પુરુષ અસમાનતાનો સ્વીકાર તો છે પણ એમાં નફરત કે ગુસ્સો જરાય જોવા મળતા નથી. જમાનાએ સ્ત્રીઓને છિન્નપંખ કરીને રાખી છે. પણ પુરુષોએ એમની પાંખો ભલે કાપી કેમ ન લીધી હોય, એના મૂળમાં બચી ગયેલ એકાદ પીંછાના આધારે સ્ત્રી અનંત અંધકારભર્યા અન્યાયના મહાસાગરને વીંધીને પાર કરવાની આશા ત્યાગતી નથી. આ આશા એ જ સ્ત્રી છે. સર્વસ્વની અનુપસ્થિતિમાં પણ અસ્તિત્ત્વ ટકાવી રાખી શકે અને અંધારાની ખીણમાં પડીનેય ઉર્ધ્વગતિની આશાનો ત્યાગ ન કરે એનું જ નામ સ્ત્રી…

8 Comments »

  1. Kajal kanjiya said,

    March 26, 2021 @ 2:40 AM

    ખૂબ સરસ હૃદય વેધક રચના અભિનંદન ઉષા દી💐

    અને આવી રચનાઓ વાચકો સુધી લાવવા માટે લયસ્તરોનો પણ ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છાઓ 💐😊

  2. રાજુ પ્રજાપતિ said,

    March 26, 2021 @ 7:30 AM

    સ્ત્રીની વેદનાને વાચા આપતી રચના … અભિનંદન કવિયત્રીને .. આભાર આપની . આવી રચનાને લયસ્તર દ્વારા ભાવકો સુધી પહોચાડવા બદલ …

  3. pragnajuvyas said,

    March 26, 2021 @ 10:58 AM

    સુ શ્રી ઉપાધ્યાય ઉષા ઘનશ્યામભાઈ એમ. એ.; પીએચ.ડી. પ્રોફેસર અને અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદએ સ્ત્રી સર્જકોની પ્રતિભાને મંચ પૂરું પાડતો માનસ સંતાન એક અલાયદો જુઇ મેળો ! જે માત્ર ચાર જ વરસમાં પોતાની ગુણવત્તાને કારણે આંતરરાષ્ટ્રીય બન્યો છે.
    તેમનું હૃદય વેધક અછાંદસ છિન્નપંખ નો ડૉ વિવેક દ્વારા-‘અંધારાની ખીણમાં પડીનેય ઉર્ધ્વગતિની આશાનો ત્યાગ ન કરે એનું જ નામ સ્ત્રી…’ સટિક આસ્વાદ
    તેઓ ના સ્વમુખે પઠન માણવાની મજા તો કંઈ ઓર !

  4. Maheshchandra Naik said,

    March 26, 2021 @ 2:35 PM

    સરસ રચના……આસ્વાદ પણ ખુબ માર્મિક……..
    કવિયત્રીને અભિનદન,
    ડો.વિવેકભાઈનો આભાર

  5. Harihar Shukla said,

    March 27, 2021 @ 5:20 AM

    ઓહો

  6. લલિત ત્રિવેદી said,

    March 29, 2021 @ 10:31 AM

    બહુ સરસ

  7. Usha Upadhyay said,

    August 27, 2021 @ 6:48 AM

    નારીચેતનાનું મારું આ કાવ્ય લયસ્તરો દ્વારા સાચા કાવ્યરસિકો સુધી પહોંચાડવા માટે કવિ વિવેક ટેલરનો તથા પ્રતિભાવ આપનાર સહુનો હાર્દિક આભાર.
    ઉષા ઉપાધ્યાય

  8. વિવેક said,

    August 27, 2021 @ 7:48 AM

    @ ઉષાબેન :

    અમારી વેબસાઇટ ઉપર આપનું આગમન અમારે મન મોટો પુરસ્કાર છે…

    આભાર.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment