આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.
કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.
કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.
કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટિન જેવું બોલે છે:
અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે.
કોઈ ચશ્માં જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં,
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે.
કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં,
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.
કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અડોસરા ઝઝબાત લઈને આવ્યા છે.
આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.
– રમેશ પારેખ
આજે લયનાં રાજવી કવિ શ્રી રમેશ પારેખની પુણ્યતિથિએ લયસ્તરો તરફથી એમની જ એક ખૂબ જ લોકપ્રિય ગઝલ દ્વારા શ્રદ્ધાંજલિ…
સંગીત : ઉદય મઝુમદાર
સ્વર : ઉદય મઝુમદાર અને રેખા ત્રિવેદી
આલ્બમ : હસ્તાક્ષર
[audio:http://urmisaagar.com/saagar/audio/aa-manpaancham-na-Ramesh-Parekh.mp3]
આજે ર.પા.ના ગીતની પોસ્ટ મૂકતી વખતે ચકાસ્યું તો ખ્યાલ આવ્યો કે ર.પા. બ્રાંડની આ ગઝલ લયસ્તરોનાં ખજાનામાં હજી સુધી ઉમેરાઈ જ નહોતી… ત્રણ વર્ષ પહેલા ટહુકો.કૉમ પર આ ગઝલની પોસ્ટ પર વિવેકે આનો આસ્વાદ કોમેંટમાં એક વાચકનાં પ્રત્યુતરરૂપે કરાવેલો… આજે કોમેંટમાં વાચકોની ચર્ચા અને વિવેકનો એ આસ્વાદ વાંચવાની ફરી મજા આવી અને એને અહીં મૂકવાની લાલચ હું રોકી ના શકી.
વિવેક દ્વારા આસ્વાદ:
મેળો એટલે માનવસ્વભાવનો ‘મેગ્નિફાઈંગ વ્યુ’. મનુષ્ય જીવનના તમામ ભાતીગળ રંગો એક જ સ્થળે જ્યાં જોવા મળે એ મેળો. ર.પા. જ્યારે મેળા પર ગઝલ લખે ત્યારે સ્વાભાવિકરીતે જ એમાં મનુષ્યજીવનના તમામ નાનાવિધ રંગો પણ ઉપસવાના જ. અને આ તો પાછો ‘મનપાંચમ’નો મેળો. (નવા શબ્દો ‘કોઈન’ કરવા એ પણ શ્રેષ્ઠતમ કવિકર્મ જ સ્તો!)… આ ગઝલમાં ર.પા.એ મેળાની પૃષ્ઠ્ભૂમિ પર મનુષ્યજીવનના પચરંગીપણાને શબ્દોમાં આબાદ ઝીલ્યું છે. ( એ છે કવિની સ-ભાનતા!)
નકારાત્મક અને સકારાત્મક બંને રંગો આપણા જીવનમાં વારાફરતી ઉપસતા જ રહે છે. પણ કળામાં હંમેશા કાળો રંગ વધુ સ્થાન પામે છે. આપણે પણ સુખ ક્ષણિક અને દુઃખ ચિરંજીવી હોવાનું શું નથી અનુભવતા?
કોઈ સપનું લઈને આવ્યા છે તો કોઈ રાત લઈને… સપનું આમ તો રાતનો જ એક ભાગ નથી? પણ કવિ પોતાની રીતે ખૂબ સ્પષ્ટ છે. સપનું એટલે રગોનો મેળાવડો, આશા અને જિજિવિષા… જ્યારે રાતનો રંગ તો અંધારો, કાળો હોય છે…
બીજા શેરમાં કવિ અદભુત વાત લઈને આવે છે, એવી વાસ્તવિક્તા જે પચાવવી ઘણાને અઘરી થઈ પડે. ગૌતમ, મહંમદ, ગાંધી, ઈસુ, મહાવીર- કંઈ કેટલાય પયગંબરો આવ્યા અને ગયા. એમના મહાન-જીવનમૂલ્યોને સાચી રીતે સમજવાને બદલે એમના આદર્શોને આપણે આપણા વેપારનું સાધન બનાવી દીધું. દીવાલ પર કે શો-કેસમાં ચિત્રો, મૂર્તિઓ, પ્રાણીના માથાંઓ જેવા શૉ-પીસની લગોલગ જ ભગવાનની જાત-જાતની મૂર્તિઓ, ચિત્રો… ઈશ્વર આપણા માટે ભજવાનું સાધન ઓછું અને દેખાડવાનું વધારે છે. સત્ય આપણા માટે પ્રદર્શનનું વધારે અને અમલનું નહિવત્ મૂલ્ય ધરાવે છે… પયગંબરોના ઉપદેશને વેચી ખાનાર લોકોની ઔકાત કદાચ બે પૈસા આંકી એ પણ શું વધારે નથી?
ફુગ્ગો અને દોરો…. કવિ મેળામાં આગળ વધે છે પણ આ કયા ફુગ્ગા અને દોરાની વાત છે? આ આપણા આયખાની વાત છે કે આપણા તકલાદી વ્યક્તિત્વની? જીવનમાં માણસ કેટકેટલીવાર પોતે તૂટે છે અને અન્યોને તૂતતાં જુએ છે? ક્યારેક આ ફૂટવું ફુગ્ગા જેવું ધમાકાસભર હોય છે તો ક્યારેક દોરા જેવું સાવ શાંત… અને મેળાની ભીડની વચ્ચે પણ એકલા હોય એવા માણસો શું અહીં ઓછા છે? મારી દૃષ્ટિએ આ જીવનની બહુવિધતાનું સકારાત્મક ચિત્રણ છે…
આમ તો દરેક શેર આગળ વધારી શકાય… પણ મારે જે કહેવું છે તે એ કે એક જ કવિતામાં કોઈને નકારાત્મક રંગ વધુ ભાસે તો કોઈને સકારાત્મક પણ લાગી શકે… ગ્લાસ કોઈને અડધો ખાલી લાગે તો કોઈને અડધો ભરેલો… કવિતામાં મેળા જેવી જ અલગ-અલગ અર્થચ્છાયાઓ ઉપસે એજ તો કવિની કુશળતા છે ને !