રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !
આદિલ મન્સૂરી

દુ:ખની ધરતીના અમે છોડવા – ભનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’

દુ:ખની ધરતીના અમે છોડવા,
સુખ કાજ તાકીએ અંકાશ;
પવન લહરે લાગીએ ડોલવા;
સુખના કેવા આભાસ ?     દુ:ખની 0

લીલાં લીલાં અમારાં પાંદડાં,
જોઈને મરકીએ મન માંહ્ય,
ઝૂમીએ ધરીને માથે ફૂલડાં,
સપનાં કે સુરભિ સદાય !   દુ:ખની 0

ધરતી છોડીને કોણ કદી ક્યાં ગયાં
ઉપર ઊંચે આકાશ ?
સુખ તે સદાનાં કોને સાંપડ્યા ?
આ તે કેવા વિશ્વાસ ?         દુ:ખની 0

નિતની વિપત કરી વેગળી
માનવી શી વિધ સરજ્યે જાય ?
જાગે જગાડે નવી જિન્દગી
સુખની ભારે નવાઈ !        દુ:ખની 0

– ભનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’

દુ:ખની ધરતીના અમે છોડવા એટલે કે આપણે, મનુષ્યો.  મનુષ્યનાં ઘડતર અને વિકાસમાં દુ:ખનું યોગદાન મહત્તમ હોય છે.  દુ:ખની ઘટમાળમાંથી પણ મનુષ્ય  સુખ મેળવવાનાં રસ્તા આખરે શોધી જ લે છે.  મનુષ્યની લીલપરૂપી તાજગી, ફુલડારૂપી આનંદ અને સુંગધિત સપનાંઓનો મૂલાધાર છે, દુ:ખની ધરતી.   દુ:ખ મનુષ્યને સુખની આશા અને એના આવવાની શ્રદ્ધા આપે છે.  સુખનો સાચો આધાર દુ:ખ જ છે…

2 Comments »

  1. pragnaju said,

    June 1, 2012 @ 10:43 AM

    લયબધ્ધ સ રસ ગીત
    નિતની વિપત કરી વેગળી
    માનવી શી વિધ સરજ્યે જાય ?
    જાગે જગાડે નવી જિન્દગી
    સુખની ભારે નવાઈ ! દુ:ખની
    સુંદર

  2. rajul b said,

    June 2, 2012 @ 7:44 AM

    સુંદર રચના..

    દુઃખને પણ તેનું માધુર્ય છે..એક્વાર તેને સંપુર્ણપણે સ્વીકારી લો અને પછી તેનું બળ જુઓ..અને જીવન માં સુખ તો ભાગ્યેજ ગેરહાજર હોય છે..માત્ર ઘણીવાર આપણે એની હાજરીની બરાબર નોંધ લેવાનું ચૂકી જઈએ છીએ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment