અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.
‘આસીમ’ રાંદેરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for April, 2012

એક ઘટનાને કાજે – મકરંદ દવે

એક એવી ઘટનાને કાજે
જિન્દગી આખી ઝૂરતા રહેવાનું
મૌનનો રાખી મલાજો.

જુગજુગનો એક એવો વાયદો
જેને લાગુ પડે ન કોઈ કાયદો
દુનિયાની નજરે તો કાંઈ નહીં ફાયદો,
એમ છતાં દુનિયાને એક એ જ ચાહે
ને દુનિયાને હેતથી નવાજે.

આંખે ઉજાગરા ને ઊંઘવું પોસાય નહીં
સૂકી આ જિન્દગીમાં કરુણા શોષાય નહીં
એના વિશે વળી કાંઈ કહેવાય નહીં,
ક્યારે આવીને ઊભા રહેશે
ને દેશે ટકોરો દરવાજે.

સૂરજ ઊગે ને વળી સૂરજ તો આથમે
એક એવી ધગધગતી ધૂણી કે ના શમે
એક લાગી લગની,બીજે તે ક્યાં ગમે ?

જિન્દગીને રોજ રોજ સુંદર સજાવવાની,
અત્યારે, આજે ને આજે.

-મકરંદ દવે

કવિશ્રીને કોઈએ પૂછતાં તેઓએ જણાવેલું કે આ કાવ્ય તેઓએ આમ તો શબરીના અનુસંધાનમાં લખ્યું છે, પરંતુ તેઓની પોતાની આંતરસ્થિતિ પણ કંઈક આવી જ રહે છે……

 

Comments (5)

પ્રવાસી-રાજેન્દ્ર શાહ

પ્રવાસી છું ભીતરના અસીમનો,
ને હું મનોવેગ ધરંત વાંછિત;
છતાંય જાણે અહીંનો અહીં સ્થિત !
ન ભેદ મારે ગતિ ને વિરામનો.

લહું ઘણું, ને ઘણું ય અલક્ષિત
રહી જતું સૂચિત થાય ઇંગિતે;
અજાણનો આદર હું કરું સ્મિતે,
પળે પળે નૂતન છે અપેક્ષિત.

આવી મળે તે મુજમાં સમન્વિત.
ને સંચરું તે પથ જે તિરોહિત.

– રાજેન્દ્ર શાહ

[ અલક્ષિત = દેખાઈ  ન શકે તેવું , તિરોહિત = અદ્રશ્ય ]

 

આંતરપ્રવાસની કથા છે. સંપૂર્ણપણે અજ્ઞાત ક્ષેત્રમાં તમામ પરિમાણો બદલાઈ જાય છે.

Comments (2)

ક્યાં ક્યાં છે વનમાળી – વિનોદ ગાંધી

ક્યાંક વાંસળી, ક્યાંક મયૂરપિચ્છ, ક્યાંક કામળી કાળી
ક્યાંક મથુરા, ક્યાંક દ્વારિકા, ક્યાં ક્યાં છે વનમાળી !

કો’ક ગોપીની મટુકીમાંથી
મહીડાં માફક છલકે
વનરાવનની વિકટ વાટમાં
પવન બનીને મલકે
ક્યાંક ધૂળ તો ક્યાંક મૂળ તો ક્યાંક કદંબની ડાળી

કાલિન્દીના જળ માંહીથી
દડો બનીને નીકળે
ક્યાંક કંસની છાતીમાંથી
રુધિર બનીને નીંગળે
ક્યાંક બહાવરી પૂનમ રાતની ગોપિકાની તાળી

-વિનોદ ગાંધી

અનવરત લયથી મઢેલું એક મજાનું ગોપીગીત…

Comments (5)

ગઝલ – પારુલ ખખ્ખર

એવો ઘા, ના સાંધો રેણ,
છૂટ્યા રે ગોફણ થી વેણ.

ના તૂટે આ વિષ ના દંત,
છો ને પટકે માથું ફેણ.

કોણે કીધું છે દુષ્કાળ,
બન્ને કાંઠે વરસે નેણ.

જળ થળ કીધા એકાકાર,
કેવા થ્યા ભૂરાયા વ્હેણ.

લેવા આવ્યા’તા કિરતાર,
મૂર્ખે પાછા ઠેલ્યા કહેણ.

-પારુલ ખખ્ખર

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ જેના જીવનને અડતી ન હોય એવા લોકો હવે મળવા અઘરા થઈ પડ્યા છે. ફેસબુક જેવી આ સાઇટ્સના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ… પણ મારે તો ફાયદાની જ વાત કરવી છે.

નાની ઊંમરે કવિતા લખવાનું શરૂ કરનાર પારુલ ખખ્ખરની જિંદગીમાં ફેસબુકે જબરદસ્ત વળાંક આણ્યો. એની અંદર જે કાચો માલ હતો એ ફેસબુક અને ફેસ-ટુ-ફેસ કવિઓની મદદથી સંવર્ધિત થયો અને પરિણામસ્વરૂપ આ અને આના જેવી અનેક ગઝલ…

અઘરો કાફિયો અને ટૂંકી બહેર જેવી સાંકડી ગલીમાં પણ આ ગઝલ અદભુત કામ કરી શકી છે…

Comments (17)

ફફડાટ – ઇન્દુકુમાર ત્રિવેદી

ઘરે
રજાના દિવસે બપોરે
થયું મને
કૈં ઠીકઠાક ગોઠવું,
ત્યાં છાજલીમાં ચીજને ખસેડતાં
અજાણતાં સહેજ અડી જતાંમાં
ઈંડું દડ્યું નીડથી ભોંય, ફૂટ્યું :
હૈયે થયો ત્યાં ફફડાટ પંખીનો.

કવિનો હૈયે થયેલો ‘ફફડાટ’ કલાપીનાં હૈયે થયેલા ‘એક ઘા‘ની યાદ અપાવે છે…

– ઇન્દુકુમાર ત્રિવેદી

Comments (10)

ઝેન ગઝલ – જવાહર બક્ષી

બેઠો’તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે
ખિસકોલીના અવાજમાં ખેંચાતો જાઉં રે

ખિસકોલીના અવાજમાં ખેંચાતો જાઉં રે
મૃગજળિયા અંધકારમાં હું છટપટાઉં રે

મૃગજળિયા અંધકારમાં હું છટપટાઉં રે
‘સૂરજ નથી’ ના શ્વાસમાં મૂંગો મરાઉં રે

‘સૂરજ નથી’ ના શ્વાસમાં મૂંગો મરાઉં રે
તારા મિલનના સ્વપ્નમાં હું જીવતો જાઉં રે

તારા મિલનના સ્વપ્નમાં હું જીવતો જાઉં રે
આકાશ થઈ ઊગું, ખીલું ને ખરતો જાઉં રે

આકાશ થઈ ઊગું, ખીલું ને ખરતો જાઉં રે
બેઠો’તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે

બેઠો’તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે
ખિસકોલીના અવાજમાં…હું સંભળાઉં રે

– જવાહર બક્ષી

આ ગઝલ એક અનુભવ છે. અને અનુભવમાંથી તો પસાર થવાનું હોય. એને સમજવાની જીદ ન કરાય.

ગઝલ એબસ્ટ્રેક્ટ છે. પણ એનું બંધારણ ઘણું કહી જાય છે. સાંકળીને જેમ ગુંથેલા શેર આડકતરી રીતે બધી ચીજો એકબીજા સાથે કેવી જીવનચક્રમાં ગુંથાયેલી છે એ ઈંગિત કરે છે. શરુઆતમાં જે ખિસકોલીના અવાજમાં ખેંચાઈ જતા’તા એ અવાજમાં છેલ્લે કવિને પોતાનો જ અવાજ સંભળાય છે. એ વાત ફરી સમજાવે છે કે આ આખું ચક્ર ફરી ફરીને એ જ જગાએ આવવાનું છે.

કોઈને આ ગઝલમાં જન્મથી મૃત્યુ સુધીની વાત દેખાશે તો કોઈને એક દિવસની ગતિવિધિ દેખાશે. ને વળી કોશિશ કરશો તો પ્રેમ, મિલન અને જુદાઈનું ઝીણું ચિંતન પણ મળી આવશે. કોઈએ એબસ્ટ્રેક્ટ કવિતાને મેળામાં જોવા મળતા વક્રસપાટીવાળા રમૂજી અરિસા સાથે સરખાવી છે. પહેલા તો પ્રતિબિંબ એટલું વિચિત્ર લાગે કે થાય કે આ વળી શું છે ? પણ, ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવે એ તમારું પોતાનું જ પ્રતિબિંબ છે.

Comments (3)

આપો – ભરત વિંઝુડા

લાગણીઓનું પ્રગટવું આપો,
માત્ર દિલનું જ ધડકવું આપો.

ભીંત માફક જે ઊભા છે એને
દ્વારની જેમ ઊધડવું આપો.

હસ્તરેખાની નદી વહી આવે
હાથનું એમ અડકવું આપો

દ્રષ્ય આપ્યું જો ગમે નહીં તેવું,
તો કણાનુંય ખટકવું આપો.

આંસુનો અર્થ અહીં પાણી છે,
આંખને લોહી નીકળવું આપો.

– ભરત વિંઝુડા

એક હાથાના અડકવાથી હસ્તરેખાઓ બદલાઈ જાય અને ભીંતોમાં દ્વાર થઈ જાય. આપણે બધાએ એ અનુભવેલુ છે… કવિને એની જ શોધ છે.

Comments (8)

શાંત કોલાહલ – રાજેન્દ્ર શાહ

રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં
આ ગુલ્મને આંગણ
પારિજાતની સુગંધ મીઠી ઝરી પ્રસન્નતા.
પણે ચણે ધૂલિથી ધાન્યના કણ
ટોળે મળી કાબર, ચાષ;
કલબલ તે કેટલી ?
ચંચલ કૈં !
અકારણ ઊડી જતાં ડાળ વિશે
અને ફરી તુરંત ભેળાં વળી એ જ ધૂળમાં !
ને માર્ગથી ગૌચરની ભણી ધણ વસંત
હંભારવમાં બધા ય તે અવાજ ઝાંખા
ઘર,હાટ, ઘાટના.
આ વ્યોમનો ઝાકળ-ધૌત નિર્મલ
ડહોળાય આખો અવકાશ,
રૂપ શું પ્રકાશનું એથી વિશેષ ઉજ્જવલ !
સુષુપ્તિનો જે અનુબોધ
કર્મને કોલાહલે તે લહું શાન્તિ ગોચર !

– રાજેન્દ્ર શાહ

[ ગુલ્મ = સ્થાન,જગ્યા. ચાષ = એક કાબર જેવું પંખી ]

આખેઆખાં વહી જવાય એવું ઊર્મિકાવ્ય…..

 

Comments (4)

કાળને – : મહેન્દ્ર અમીન

કાળને
બાઝી ગયેલાં
વિરતિનાં જાળાં
હવે તો
સાફ કરવાં પડશે
નહિ તો,
મારા અસ્તિત્વની
ધાર
કાટ ખાઈ જશે :
લાવ,
કેટલાંક જૂના થઈ ગયેલાં
કાર્યો –
ભલે એનાં એ જ –
જરીક નોખી રીતે કરું :
ઈશુને ગોળીએ વીંધુ
અને
ગાંધીને ખીલે ઠોકું.

– મહેન્દ્ર અમીન

[ વિરતિ = વિશ્રામ, અટકવું તે ]

એક સરળ પરંતુ ધારદાર વ્યંગ કાવ્ય……પેલું વાક્ય યાદ આવે છે-‘ માનવી ઈતિહાસમાંથી એટલું જ શીખ્યો છે કે માનવી ઈતિહાસમાંથી કંઈ જ શીખતો નથી.’

Comments (4)

ધન્ય ભાગ્ય – ઉશનસ્

બાઈ રે, તારાં ભાગ્ય મહાબળવાન:
અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે કહાન !

ઊંચે વ્યોમભવન ખેલંદો ઊતર્યો તારે નેસ,
ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ,
ધણી થૈ બેસે તોય શું કહીએ, આ તો માગત દાણ.

કંઈક બીજી જો મહિયારીની કોઈ ન ફોડે ગોળી,
રાત દી પી પી પોતે, ગોરસ બગડ્યાં દેતી ઢોળી,
આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન.

ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઈ,
કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈં ન બચાવવું બાઈ !
બચિયું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લ્હાણ !

-ઉશનસ્

કૃષ્ણ-ગોપીની મટકીલીલા લગભગ બધી ભાષાના કવિઓએ અવારનવાર ગઈ છે અને તોય તે એવી ને એવી તાજી જ લાગે છે. કનૈયો મટકી ફોડીને ગોરસ લૂંટી લે એ ન ગમતું હોય, એની ફરિયાદ કરતી હોય એવી ગોપીના માધ્યમથી કવિઓએ કૃષ્ણના ગુણગાન ગાયા છે.

ફરિયાદી ગોપીને અન્ય ગોપી કૃષ્ણ મહિમા સમજાવતાં કહે છે કે આ તો તારાં સદભાગ્ય છે કે જે સદા અમૃત ખાનાર છે એ કાનજી તારી કને ગોરસ માંગી રહ્યો છે. ઊંચે આભમાં રમનાર ખેલાડી આજે તારા આંગણે પોતાનો ઈશ્વરીય વેશ ત્યજીને રમવા ઊતરી આવ્યો છે. ઈ આપણો ધણી બની બેસે તોય આપણે કશું કહી-કરી શકનાર નથી પણ આ ચૌદ ભુવનનો સ્વામી યાચક બનીને આવ્યો છે.

જેની મટકી કાનજી ફોડતો નથી એ આખી રાત ગોરસ પી પી કરે તોય ખૂટવાનું નથી. અંતે ઢોળી દેવું પડે છે. વળી કાનજી એક બુંદ પણ પીએ એનો જ તો ખરો મહિમા છે. એ એક મુઠ્ઠી તાંદુલ સામે મહેલોની ભેટ ધરે છે અને એક વસ્ત્રના ચીરા સામે હજાર વસ્ત્રો પૂરે છે.

જેની ગાગર ફૂટે એનો જ ભવ ફેડાઈ જાય છે. કાનજી જેવો લૂંટારો આવે ત્યારે કશું બચાવવા જવું એ જ મૂર્ખતા છે કેમકે આ લૂંટમાં તો જે બચી જાય છે એ વ્યર્થ છે અને જે લૂંટાઈ જાય છે એ જ સાર્થક છે…

વાત ગોકુળની ગોપીની નથી, આપણા અંતર અને અંદરની ગોપીની જ છે…

Comments (7)

અભિસાર – સુનંદા ત્રિપાઠી (ઊડિયા) (અનુ: ઉત્પલ ભાયાણી)

જયારે આખું નગર સૂતું હોય
ત્યારે હું મારા ઝાંઝર કાઢી નાખું છું
અને સાવ સુંવાળા પગલે, ચોરીછૂપીથી
તારા ખંડમાં પ્રવેશું છું.
.
.
તું ત્યાં સુતો છે, નથી કોઈ હલનચલન
ચોળાયેલી તારી પથારીમાં
તારી આસપાસ પુસ્તકો આમતેમ પડ્યા છે.
આ બધાંની વચ્ચે, તું એકલો, સૂતો છે.
તારા હોઠ પર કોઈક અજાણ્યા સંતોષનું સ્મિત છે
જે તારા નિદ્રિત ચહેરા પર વિલાસે છે.
હું નીરવતાથી તારી પથારી પાસે બેસું છું.
તારા વિખરાયેલા વાળને સુંવાળપથી સરખા કરું છું
પછી, સહેજ વાંકી વળી વળું છું અને તીણા નખથી
તારી છાતીને ચીરીને ખુલ્લી કરું છું
અને મારા બંને હાથથી તારા
સુંવાળા ધબકતા મુઠ્ઠીભર ગુલાબી માંસને બહાર કાઢું છું.
.
.
તારા માંસની સુગંધથી હું વિવશ થાઉં છું
મારા સ્તન સાથે એને એક ક્ષણ ચાંપું છું.
શબ્દ અને મૌન એક થઇ જાય છે
એક થઇ જાય છે આકાશ અને પૃથ્વી.
તું જાગે એ પહેલા
એને ફરી પાછું
એ જ્યાં હતું ત્યાં એને મૂકી દઉં છું
અને તારી ખુલ્લી છાતીને પંપાળું છું
એક ક્ષણમાં જખમ રુઝાઈ જાય છે
જાણે કે કશું જ નથી બન્યું એમ.
પહેલાની જેમ, તું સૂતો જ રહે છે
હું ચુપચાપ તારા ખંડમાંથી ચાલી નીકળું છું.

– સુનંદા ત્રિપાઠી (ભાષા: ઊડિયા)
(અનુવાદ: ઉત્પલ ભાયાણી)

 

અભિસાર એટલે પ્રેમી-પ્રેમિકાએ સંકેત મુજબની જગ્યાએ મળવા જવું. સાહસ અને છળ એ અભિસારિકાની પ્રકૃતિ છે. આટલી પૂર્વભૂમિકા પછી આ કવિતાને અનુભવીએ… પ્રણયની તીવ્રતર લાગણીથી છલકાતી આ કવિતા આપણા ઊર્મિતંત્રને એટલી નજીકથી અડી જાય છે કે શબ્દ અને મૌન બંને એકાકાર થઈ જતા અનુભવાય છે…

 

ટાઇપ સૌજન્ય: ક્રિષ્ણા-તારા નામનો આધાર

Comments (6)

વૃક્ષ – સુરેશ દલાલ

ફૂલપાન ખરી જાય
એની રાહ જોતું
હું એક વૃક્ષ
બધો જ ભાર હળવો થાય
પછી મારી નગ્ન ડાળીઓમાં
આકાશ વીંટળાય.

– સુરેશ દલાલ

બધાએ આખરે તો પંચમહાભૂતમાં મળી જવાનું છે. કોઈ જમીનનો રસ્તો પસંદ કરે છે તો કોઈ અગ્નિનો રસ્તો પસંદ કરે છે… ને કોઈ આકાશનો રસ્તો પસંદ કરે છે.

Comments (5)

પ્રસવ – એમિલિયા હાઉસ (અનુ. અનિલ જોશી)

પ્રસવના સમયથી આગળ
એક સ્ત્રી જેવી હે મારી જન્મભૂમિ !
તું ધીમે ધીમે ચાલે છે. તારા પગ બોજાથી ભારે છે.
અમે હવે રાહ જોઈ શકીએ એમ નથી, તારા કુદરતી
પ્રસવની. અમે હવે બળજબરીથી તારી સુવાવડ કરીશું.
સહન કર મારી જન્મભૂમિ, સહન કર.
જોર લગાડ. વધુ જોર લગાડ.
તેં જે વીર્યબીજને ગ્રહણ કર્યું છે
એને પૂરા સમય સુધી સહન કર. વધુ જોર લગાવ….
ફક્ત તું જ આપી શકે છે અમારી
આઝાદીને જન્મ !

– એમિલિયા હાઉસ (પૉલિશ કવયિત્રી)
(અનુ. અનિલ જોશી)

ગુલામીની વ્યથા અને આઝાદીની આશા કેવી પ્રબળ હોઈ શકે એનું રૂંવાડા ઊભા કરી દેતું ચિત્રણ આ સાવ નાનકડા કાવ્યમાં સુપેરે વ્યક્ત થયું છે. આવા સશક્ત શબ્દો અને તીવ્રતમ લાગણી કોઈ પ્રસ્તાવનાની મહોતાજ નથી…

Comments (6)

પ્રાણ – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.-નગીનદાસ પારેખ

મરિતે ચાહિ ના આમિ સુન્દર ભુવને,
માનવેર માઝે આમિ બાંચીબારે ચાઇ.
એઇ સૂર્યકરે એઇ પુષ્પિત કાનને
જીવન્ત હૃદય-માઝે યદિ સ્થાન પાઇ !

ધરાય પ્રાણેર ખેલા ચિરતરંગિત,
વિરહ મિલન કત હાસિ-અશ્રુમય-
માનવેર સુખે દુઃખે ગાંથિયા સંગીત
યદિ ગો રચિતે પારિ અમર-આલય !

તા યદિ ના પારિ તબે બાંચિ યત કાલ
તોમાદેરિ માઝખાને લભિ યેન ઠાઁઇ,
તોમારા તુલિબે બલે સકાલ બિકાલ
નવ નવ સંગીતેર કુસુમ ફૂટાઈ.
હાસિમુખે નિયો ફુલ, તાર પરે હાય
ફેલે દિયો ફુલ, યદિ સે ફુલ શુકાય.

 

આ સૌંદર્યમય વિશ્વમાં મને મરવાની ઈચ્છા નથી.
હું માનવોમાં જીવવા ઈચ્છું છું.
આ સૂર્યના કિરણોમાં,
આ પુષ્પિત કાનનમાં, અને જીવન્ત હૃદયમાં
હું સ્થાન પામવા ઈચ્છું છું.

ધરતી પર કેટકેટલાં વિરહ અને મિલન-હાસ્ય
અને અશ્રુ-ભરી પ્રાણની લીલા
સદાય લેહરાયા જ કરે છે,
– માનવના સુખદુઃખનાં ગીતો ગૂંથીને
અમર ભૂમિ રચવાની મારી ઇચ્છા છે.

પણ જો તે ન કરી શકું,
તો જ્યાં સુધી જીવું ત્યાં સુધી
તમારી વચ્ચે જ સ્થાન પામું
એમ ઈચ્છું છું.
અને તમે ચૂંટશો એમ કરીને
સવારે અને સાંજે
નવાં નવાં સંગીતના ફૂલો ખીલવ્યા કરીશ.
તમે હસતે મોઢે એ ફૂલ લેજો
અને
ત્યાર પછી હાય, જો એ ફૂલ સુકાઈ જાય
તો ફેંકી દેજો !

-રવીન્દ્રનાથ ઠાકુર

Comments (5)

આપણી જુદાઈ – મનોજ ખંડેરિયા

આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ
મને કોણ જાણે ક્યાંય જશે તાણી

ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ
ઝૂલવા છતાં ન ફૂલ ઊગ્યું
ઝંખ્યાનો કેવડો તો કોળ્યો ના કોઈ દિ’
ના એકેય વ્રત મારું પૂગ્યું
સુસવાતા દિવસોએ કાગળના જેવી આ
જાતને ક્યાં આજ મૂકી આણી

જળથી ભીનાશ બધી અળગી થઈ જાય
અહીં ચૈતરના તાપ પડ્યા એવા
અહલ્યાની જેમ મારી ઇચ્છા તો પત્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનમૂન
ધેનુની આંખનું હું પાણી

– મનોજ ખંડેરિયા

અત્યંત મનમોહક રૂપકો……
ભગવાન બુદ્ધે કહ્યું છે – ‘ desire is the root cause of all misery.’ કોઈક ટીખળખોરે કહ્યું છે- ‘ desire-less life is miserable….. ‘

 

Comments (6)

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

મનગમતી ક્ષણ તડકે મૂકી !
પોત નવું વણ તડકે મૂકી !

હાશ કરી મન હેઠું બેઠું,
ભીતર ના વ્રણ તડકે મૂકી !

શુભ-ફળના સંકેત ગણું છું,
તેર તણાં ત્રણ તડકે મૂકી !

દરિયો મેઘ થઈ ના વરસ્યો ,
તો પીધું રણ તડકે મૂકી !

પગભર થાશે એ આશાએ ,
કાચી સમજણ તડકે મૂકી !

ખાલી થઈને થ્યું ભીનું મન ,
કોરા સગપણ તડકે મૂકી !

દુઃખ ઉચક્યું છે ડાબા હાથે ,
તારણ, કારણ તડકે મૂકી !

રોજ હવે ઊગાડું અવસર ,
તિથિ ને તોરણ તડકે મૂકી !

હું ગઝલો થી આપું ઓળખ ,
ધારા-ધોરણ તડકે મૂકી !

– લક્ષ્મી ડોબરિયા

નાની બહેરની ગઝલમાં તડકે મૂકી જેવી અઘરી રદીફ લઈ ચુસ્ત અને આટલા બધા કાફિયા સાથે કામ પાર પાડી મોટાભાગના શેર સંતર્પક આપવા એ કંઈ આસાન કામ છે? શું કહો છો?

Comments (12)

મુક્તક – અશોક જાની ‘આનંદ’

સતત વરસ્યા કરે, વરસાદ જેવી યાદ પજવે છે,
કદી નહિ સાંભળેલો દૂરનો એ સાદ પજવે છે;
સજાવ્યા મેં ઘણા સ્વપ્નો, થયા સાકાર થોડા પણ,
મળ્યો આકાર ના જેને હજુ એકાદ પજવે છે.

– અશોક જાની ‘આનંદ’

આકાર ન પામેલા સ્વપ્નો જ માણસને વધુ પજવતા હોય છે…

Comments (8)

યુવા ગૌરવ : ૨૦૧૧ : અંકિત ત્રિવેદી

*

ડાળ પરથી કોક ચૂંટી લો હવે,
એક ભમરો છો પડે ભૂલો હવે.

ક્યાં સુધી અકબંધ રહેવાના તમે?
કોઈ પણ રીતે ફરી ખુલો હવે.

કોણ દે છે ડંખ આપણને વધુ ?
બોલ, કાંટા કે પછી ફૂલો હવે ?

શહેરનો ઇતિહાસ થઈને રહી ગયા,
ગામનો વડલો અને ઝૂલો હવે.

જાતને સળગાવવી એ શક્ય છે,
કેમનો સળગાવવો ચૂલો હવે ?

-અંકિત ત્રિવેદી

આજે બારમી તારીખે કવિ અંકિત ત્રિવેદીને વર્ષ 2011નો યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો… આ પ્રસંગે લયસ્તરો તરફથી કવિને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ…

Comments (20)

સગપણ – માધવ રામાનુજ

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું…

સોણલાંની વાડી ઝાકમઝોળ,
કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે,
મઘમઘ સુવાસે તરબોળ…
એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું!

ક્યાં રે કિનારો ને ક્યાં નાંગર્યા
નજરુંના પડછાયા આમ!
ઊગી ઊગીને અચરજ આથમે
પછી એમ પથરાતું નામ…
એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું!

ઝાકળ સરીખું ઝલમલ બારણું,
પગલે પાંપણનું ફૂલ,
એક રે હોંકારે ઉઘડે આગળા,
ઓળઘોળ આયખાનું મૂલ…

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું!

– માધવ રામાનુજ

સુંવાળી યાદમાં લપેટીને રાખેલા એનાથી ય સુંવાળા સંબંધનું ગીત.

Comments (7)

ન પૂછ – માવજી મહેશ્વરી

ડૂબ્યા-તર્યા એક સમાનઃ
પાણીનો ઝબકાર ન પૂછ

દરિયા સામે એક જ બુંદઃ
લોહીનો પડકાર ન પૂછ.

તારા ભાગે આવ્યો બાગ,
ફોરમનો આકાર ન પૂછ.

આખી વાવ ઉલેચી નાખ,
તરસ તણો પ્રકાર ન પૂછ.

કાંડે વીંટાયો છે સાપ,
કંકણનો રણકાર ન પૂછ.

તારા હાથે છૂટ્યું તીર,
નાડીનો ધબકાર ન પૂછ.

– માવજી મહેશ્વરી

શેખાદમની યાદ અપાવી દે એવી સરળ-સશક્ત ગઝલ.

Comments (8)

ગઝલ – રઇશ મનીઆર

જ્યાં સ્નાન કરવા ઊતર્યો, બિલકુલ સૂકી નદી છે
એ લુપ્ત થઈ ચૂકી છે, એ તો સરસ્વતી છે

વસ્ત્રાહરણનું સાહસ, ને એકલો દુ:શાસન !
કંઈ કેટલાની એમાં નિ:શબ્દ સંમતિ છે

આ ભીડ કેવી જામી ? આ કેવા ઊર્ધ્વગામી ?
આકાશ સૌનું અંગત, આ કેવી ઉન્નતિ છે ?

શીશામાં એક ઉતરે, બીજાનું ભાગ્ય ઉઘડે
શોધે એ સઘળે ગ્રાહક, જોખમમાં દોસ્તી છે

સમૃદ્ધ સૌ નશામાં, ને શેષ દુર્દશામાં
બસ, બીજા જૂથમાંથી પહેલા તરફ ગતિ છે

મેં ચીસ ક્યારે પાડી ? મેં રોષ ઠાલવ્યો ક્યાં ?
કેવળ ગઝલ લખી છે, એ મારી પદ્ધતિ છે

-રઇશ મનીઆર

Comments (21)

રખડવા નીકળ્યો છું – પ્રહલાદ પારેખ

રખડવા નીકળ્યો છું
તરસને ભૂખ મારી તૃપ્ત કરવા કાજ
આજે આ ભટકવા નીકળ્યો છું.

વર્ષા નથી, છે વાદળાં;
શીતળ અને ધીમી ગતિની છે હવા;
મેદાન હરિયાળાં હસે,
ને દૂર એમાં ગાય કોઈ ભાંભરે;
કોઈ રંગીલું ગળું,
આ સીમને માધુર્યથી વળગી પડ્યું.

ક્યાંક છે તડકા તણું કો ચોસલું,
તાજું અને થોડું ગરમ:
એકાદ બે બટકાં લઉં એને ભરી,
ને પછી તેની ઉપર
માટી તણી સોડમ ભરેલી આ હવા
ગટગટાવી જાઉં જરી.

શી છે કમી ? જહાંગીર છું,
– ને જહાનું નૂર આ સામે ખડું !

-પ્રહલાદ પારેખ

ઇન્દ્રિય અનુભવને અનુભવે છે,મગજ તેનો પ્રિય-અપ્રિય ઈત્યાદી શીર્ષક નીચે સંગ્રહ કરે છે. ત્યાર પછી જાણે અનુભવજન્ય આનંદની ધાર બૂઠી ને બૂઠી થતી જાય છે. સૃષ્ટિમાં સૌંદર્યનો પર નથી,પણ મન પાસે તેને માણવાની ‘જગ્યા’ નથી……

Comments (7)

ગઝલ – બકુલેશ દેસાઈ

આદરી છે અને અધૂરી છે
જાતની જાતરા ક્યાં પૂરી છે ?!

જીવવા યાદ બહુ જરૂરી છે
એટલે મેં સતત વલૂરી છે

રાહ જોવામાં શૂરીપૂરી છે
મારી આંખો ગજબની નૂરી છે !

ધૂળ શ્રદ્ધા અને સબૂરી છે ?!
લાગે છે – ભીરુતા ઢબૂરી છે !

ભાવ-સમભાવ-ધ્યેય નહિ હો તો –
જિંદગી કંઈ નથી, મજૂરી છે !

ખાસ મિત્રો છે… મોટી દહેશત છે…
રામ મુખમાં, બગલમાં છૂરી છે.

એક-માર્ગી નથી હૃદય મારું,
ચાહ પામ્યો છું… ચાહ સ્ફુરી છે.

– બકુલેશ દેસાઈ

અહિંસાના માર્ગ વિશે હંમેશા બે મત રહ્યા છે. ગાંધીજી જેવા ભડવીર તો કોઈક જ હશે જે બંદૂકની સામે અહિંસાનું હથિયાર લઈ ખુલ્લી છાતીએ ઊભા રહી શકે. બાકી મોટાભાગના અહિંસાપ્રેમીઓ હકીકતમાં હિંસા એમનો ‘કપ ઑફ ટી’ ન હોવાના કારણે અહિંસાનો માર્ગ લેતા હોય છે. કવિએ શ્રદ્ધા અને સબૂરીની બરાબર સુરતી શૈલીમાં ધૂળ ઝાડી છે…

બે દિવસ પહેલાં જ ધવલે મંગળ રાઠોડનું એક આવા જ મિજાજનું અછાંદસ મૂક્યું હતું એ પણ જોવા જેવું છે.

Comments (5)

મૌનની ભાષા – શિવ દેવ માનહંસ (અનુ. બાલકૃષ્ણ સોલંકી)

પ્રેમ કેવળ મૌનની ભાષા જાણે છે.
એના તમામ ધ્વનિ
એના તમામ શબ્દો
એના વાક્યો
પ્રારંભે છે મૌનથી
અને
અનંત પામે છે મૌનમાં.
પ્રેમનો સ્પર્શ
આશ્વાસે છે, શાતા આપે છે.
એટલે
જયારે તમે કોઈને પણ
મૌન ધારણ કરતાં જુઓ
અને એના ચૈતન્યમાં
શાંતિના સ્પંદનો હોય
તો, કોઈ પણ પ્રકારની શંકા વિના
એને પ્રેમી કહી શકશો.

– શિવ દેવ માનહંસ (ભાષા: ડોગરી)
(અનુવાદ: બાલકૃષ્ણ સોલંકી)

*

પ્રેમની આનાથી અદભુત વ્યાખ્યા મળવી શક્ય છે?

સૌજન્ય: ક્રિષ્ના-તારા નામનો આધાર

 

Comments (9)

અહીં – મંગળ રાઠોડ

હું
અહીં
આવ્યો ત્યારે
હતો અજાણ્યો.
હવે રહ્યો નથી.
જાણી લીધા છે તમને,
બધાને.
પગથી માથા સુધી
કુહાડી અને હાથા સુધી
તમે જ તમે છો !

બહુ ઓછા લોકો
એ જાણે છે.
જે જાણે છે
તે બોલતા નથી.
જે બોલવા જાય છે
તે કપાઈ જાય છે.
જે બોલતા નથી
તે મપાઈ જાય છે.
હું અહીં –
આવ્યો ત્યારે
હતો અજાણ્યો.
હવે રહ્યો નથી.

– મંગળ રાઠોડ

પરિસ્થિતિની ભીંસ સતત તમને દબાવતી જાય અને સંજોગોનો રાક્ષસ બારે હાથથી તમને પકડી લે ત્યારે જ આવું બ્રહ્મજ્ઞાન લાધે છે : જાણવા કે ન જાણવા, બોલવા કે ન બોલવાથી કાંઈ ફેર પડતો નથી. કારણ કે આ ચક્રવ્યૂહમાંથી નીકળવાનો કોઈ રસ્તો જ નથી. ( સરખાવો : અર્ધસત્ય )

Comments (5)

(આ માણસ બરાબર નથી) – હિતેન આનંદપરા

લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી.
ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી.

સમી સાંજ દરિયાકિનારે જવું, તોયે દરિયા તરફ પીઠ રાખી,
એ લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી.

સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની દ્રષ્ટિમાં છે ફેર,
એ જોવાની આડશમાં રીતસર ઘૂરે છે, આ માણસ બરાબર નથી.

ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથી યે છેટો રહે છે,
બસ પોતાને માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.

વધુ એને ચીડવો, વધારે દઝાડો, જલાવો, દયા ના બતાવો,
કારણ એ કાયમ ઈર્ષ્યાથી બળે છે, આ માણસ બરાબર નથી.

દિવસના કલાકો પૂજા, પાઠ, સેવા ને કીર્તનમાં વીતે છતાં
ક્ષણોમાં જ એની શ્રદ્ધા ડગમગે છે, આ માણસ બરાબર નથી

હતા બાળકો જયારે નાના કદીયે સમય એને આપ્યો નહીં
હવે એના શૈશવ માટે ટળવળે છે, આ માણસ બરાબર નથી

નિરાંતે કદી બેસી આરામખુરશી પર નભને તેં જોયું છે દોસ્ત ?
ટીવી પર સિરિયલ બહુ જોયા કરે છે, આ માણસ બરાબર નથી.

ઉપેક્ષા, ઉપેક્ષા, ઉપેક્ષા, ઉપેક્ષા કરી જેની જીવનમાં કાયમ
દીવાલો પર એની તસ્વીરો મઢે છે, આ માણસ બરાબર નથી.

ઘણું સારું બોલે, ખૂબીઓ બતાવે, ઓવારે, પણ વાંધો છે એ,
અરીસામાં જોઈ એ આવું કરે છે, આ માણસ બરાબર નથી.

જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો,
કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી.

– હિતેન આનંદપરા

આ ગઝલ એટલે ‘માણસ’ નામનાં સ્વાર્થી પ્રાણીની છ અલગ અલગ રીતે કવિએ લીધેલી જબરદસ્ત ઉધડી!  દરિયાકિનારા અને સુંદરતાવાળા શેરોનો સાક્ષાત્કાર વારંવાર થતો રહેતો હોવાને કારણે જરા વધુ ગમી ગયા… 🙂

Comments (24)

અતિજ્ઞાન – કાન્ત

ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે,
ઝાંખી દિશા પણ જણાય, અનિષ્ટ પાસે,
જામી ગઈ તરત ઘોર,કરાલ રાત,
લાગી બધે પ્રસરવા પુર માંહી વાત.

ઇન્દ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા;
એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા.

દુર્યોધનપ્રેષિત દૂત એક,
દેખાવમાં ઘાતક દુષ્ટ છેક,
જતો હતો અંધ થતી નિશામાં,
સુગુપ્ત રાજગૃહની દિશામાં !

શાને આવ્યો હશે, તેની કલ્પનાઓ ચલાવતા;
ભય સંદેહ દર્શાવી, શિર કોઈ હલાવતા !

નિગૂઢ શંકા પુરવાસીઓની આ,
જરાય નિષ્કારણ તો નહોતી હા !
કરેલ આમંત્રણ ધર્મરાજને,
રમાડવા દ્યૂત અનિષ્ટભાજને.

હા કહીને રજા આપી યશસ્વી જ્યેષ્ઠ પાંડવે;
બોલાવ્યા ત્રણ બંધુને મળવાને પછી હવે.

શિશુસમાન ગણી સહદેવને,
ખબર આ કંઈયે ન કર્યા હતા;
અવર સર્વ ગયા નૃપની કને,
પરમ દુ:ખિત અંતરમાં થતા !

કનિષ્ઠ દ્રૌપદી સાથે પોતાના વાસમાં હતો,
સતી ખેદ હતી જોતી વદને વધતો જતો.

ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને,
નજીક આંખે નીરખે થનારને :
સ્વપક્ષનો દ્યૂત વિષે પરાજય,
વળી દીસે દ્રૌપદીમાનનો ક્ષય !

જાણે બધું તથાપિ કૈં કહેવાની રજા નહીં,
શમાવી ન શકે તેથી મૂંઝાય મનની મહીં.

નહીં શકું હાય ! બચાવી કોઇને,
અશક્ત જેવો રહું બેસી રોઈને,
અરે ! દીસે દુ:ખદ શાપ આ મને,
નિહાળું છું ભૂત ભવિષ્ય જે કને !

“હા ધિક્ ! હા ધિક્ ! કૃતઘ્ની હું આમ મૌન ધરી રહું :
આવતું વાદળું દેખી મુખથી ન કશું કહું ! ”

વિચારતાં નેત્ર જલે ભરાય છે,
શરીરનું ચેતન ત્યાં હરાય છે;
લઈ જઈને પ્રિય વક્ષની સમી,
ગ્રહી કરે મસ્તકથી રહ્યો નમી !

રહી જરા ફરી પાછો છૂટો થાય શરીરથી :
“પ્રિયે ! સ્પર્શ કરું શું હું ! અધિકાર જરા નથી !

કરાય શું નિષ્ફળ જ્ઞાન સર્વ આ,
થનાર ચીજો નવ થાય અન્યથા:
સદૈવ ચિંતા દિલમાં વહ્યા કરું;
અનેક હું એકલડો સહ્યા કરું !

રજની મહીં,સખી,ઘણીક વેળા,
નયન મળે નહીં ઊંઘ જાય ચાલી;
કરી તુજ શિરકેશ સર્વ ભેળા,
વદન સુધાકરને રહું નિહાળી !”

આવું કહ્યું,ત્યાં શિર શૂળ ચાલ્યું,
રહ્યું નહીં મસ્તક મત્ત ઝાલ્યું;
મારી કુમારે અતિ આર્ત હાય,
કહ્યું, ‘હવે એક જ છે ઉપાય !’

ચાલી જરા ને ગ્રહી એક શીશી,
પ્યાલી ભરી દંતથી ઓષ્ઠ પીસી:
ખાલી કરી કંઠ વિષે ત્વરાથી;
ગયો બધો એ બદલાઈ આથી !

સતી બેભાન શય્યામાં ગંધથી જ પડી ગઈ;
સૂતો જ્યોતિષી પ્યાલીને છાતી સાથે જડી દઈ !

– કાન્ત

પાઠ્યપુસ્તકમાં આ કવિતા ભણ્યા હતા ત્યારે તે જેટલી poignant લાગી હતી,તેટલી જ poignant આજે પણ લાગે છે….!

Comments (12)

પ્રત્યુત્તર – રતિલાલ ‘અનિલ’

ભાગ્ય કેવું, એક પથ્થર મંદિરે ઇશ્વર થયો,
ને બીજો રસ્તે પડીને રાહની ઠોકર થયો !

કોઇને પામ્યા વિના ના થઇ શક્યું કોઇ મહાન,
કોઇ સરિતાને પૂછો કે શી રીતે સાગર થયો.

તીવ્રતા નો’તી દિલે આઘાત ને આનંદની,
પ્રકૃતિનો સ્પર્શ સાચો તે સમે મન પર થયો.

આંધળો વિશ્વાસ કે શ્રદ્ધા નથી હું રાખતો,
કંઇક વેળા તો મને સંદેહ મારા પર થયો !

આગ ઈર્ષ્યાની દઝાડી કે ન કરમાવી શકે,
પ્રેમની શીતળ સુધાથી માનવી જે તર થયો.

રૂપનાં નિર્મળ પ્રતિબિંબો પડ્યાં વિના રહે ?
મેં જગત સુંદર કર્યું, હું એટલો સુંદર થયો.

જાઉં શું લેવા અનુભવ જિંદગીનો દર-બ-દર ?
એટલો ઓછો નથી, જે કંઈ મને ઘર પર થયો !

એટલે તો મંદ્ર સૂરે ગીત મેં ગાયાં ‘અનિલ’,
જડસમા આ વિશ્વમાં પડઘો જ પ્રત્યુત્તર થયો.

-રતિલાલ ‘અનિલ’

Comments (6)