જ્યાં સુધી કોઈ જખમનું મુખ ન પ્રગટાવી શકે,
છે વિકટ કે ત્યાં સુધી તુજ વાતનો રસ્તો ખૂલે.
આ જગત મજનુંના દીવાનાપણાની ધૂળ છે,
ક્યાં સુધી લયલાની લટના ખ્યાલમાં કોઈ રહે!
હો ઉદાસી, તો કૃપાનું પાત્ર છલકાતું નથી,
હા, કવચિત્ થઇ દર્દ, કોઈ દિલ મહીં વસ્તી કરે.
હું રહું છું એટલે સાથી, ન નિંદા કર હવે
છેવટે ઉલ્ઝન આ દિલની ક્યાંક જઈને તો ખૂલે.
દિલના જખમોથી ન ખૂલ્યો માર્ગ આદરનો કદી,
શું મળે, બદનામ મુજ ગરેબાંને કરે !
દિલના ટુકડાથી છે કંટકની નસો, ફૂલોની ડાળ,
ક્યાં સુધી, કહો બાગબાની કોઈ જંગલની કરે !
દ્રષ્ટિ નિષ્ફળ દ્રશ્યને ભડકાવનારી ચીજ છે ,
એ નથી તું કે કોઈ તારો તમાશો પણ કરે.
ઈંટ-પથ્થર લાલ મોતીની ઊઘડતી છીપ છે,
ખોટ ક્યાં, દીવાનગીથી ‘ગર કોઈ સોદો કરે !
ઉમ્ર ધીરજની કસોટીના વચનથી મુક્ત ક્યાં ?
ક્યાં હજી ફુરસદ કે તારી ઝંખના કોઈ કરે !
ખૂલવા ઝંખે એ પાગલપણથી પ્રગટે છે કુસુમ,
દર્દ આ એવું નથી, કે કોઈ પેદા ના કરે.
કામ આ દીવાનગીનું છે કે મસ્તક પીટવું
હાથ તૂટી જાય જો, કોઈ પછી તો શું કરે ?
કાવ્ય દીપકની શિખાનું રૂપ તો બહુ દૂર છે,
સૌ પ્રથમ તો, જે દ્રવી ઊઠે હૃદય, પેદા કરે !
जब तक दहान-ए-जख्म न पैदा करे कोई,
मुश्किल कि तुजसे राह-ए-सुखन वा करे कोई .-
આ ગઝલનો આ અંશત: અનુવાદ છે. ગાલિબના દીવાનમાં આ ગઝલ આશરે ૨૦૦ થી ૨૧૫ ના ક્રમની વચ્ચે આવે છે. ગાલિબનું નામ પડતાં જ અઘરી ગઝલના વિચારે ગાત્રો થીજી કેમ જાય છે તેનું આ ગઝલ એક ઉત્તમ ઉદાહરણ છે – આ તેની પ્રમાણમાં સરળ ગઝલ છે,વળી સિદ્ધહસ્ત કવિએ એનો પ્રમાણમાં સરળ અનુવાદ કર્યો છે,છતાં દરેક શેર તેમની સાથે કુસ્તી લડવી પડે તેવા છે…..!
એક ઉદાહરણ તરીકે પ્રથમ શેરનું ઊંડાણ જુઓ- જ્યાં સુધી કોઈ જખમનું મુખ પેદા નથી કરતું,ત્યાં સુધી તેને માટે તારી સાથે વાર્તાલાપ [ communication ] નો માર્ગ પ્રસ્થાપિત કરવો અત્યંત અઘરો છે…..અહીં दहान-ए-जख्म – ને ‘એક ન રૂઝાતા ઘા-નાસૂર ‘ ના અર્થમાં લેવાયું છે. શાયર કહે છે- પ્રિયે ! જ્યાં સુધી વ્યક્તિને તારી અતિતીવ્ર તમન્ના ન હોય,ત્યાં સુધી તારી સાથે વાર્તાલાપ અશક્ય છે. અહીં શાયરની કમાલ છે આ શબ્દોના ખૂબીભાર્યા ઉપયોગ માં – ખુલ્લા જખમના હોઠ [ કે જે જખમની આખી વાર્તાના પ્રતિક સમાન હોય છે- તબીબી વિજ્ઞાન પ્રમાણે પણ આ વાત સાચી છે- wound ની edges / margin ઉપરથી મોટાભાગનું નિદાન થઇ જતું હોય છે ] અને વાર્તાલાપ કરનાર હોઠ – આ બે વચ્ચેનું એક સુંદર parallelism ઈંગિત કરાયું છે.
.