અમે પણ – પ્રફુલ્લ નાણાવટી
સભામાં બરોબર ઊભા’તા અમે પણ,
તમારી લગોલગ ઊભા’તા અમે પણ.
નજરથી ઘણા દૂર નીકળી ગયા પણ,
નયનમાં છલોછલ ઊભા’તા અમે પણ.
ડુબાડી એ દેશે કે ઊગરી જવાશે,
તૂટક પર કટોકટ ઊભા’તા અમે પણ.
ગઝલમાં ગજબની હવે ભીડ જામી,
બધાની વચોવચ ઊભા’તા અમે પણ.
હવે ઊભવાની ત્યાં હિંમત નથી રહી,
ફકત ત્યાં મનોમન ઊભા’તા અમે પણ.
– પ્રફુલ્લ નાણાવટી
વાત નાની પણ મજાની ! જાતે ઊભા રહેવાની હિંમત ન થાય એવી જગ્યાએ પણ મનોમન ઊભા રહેવાનો સંતોષ કોણે નહીં લીધો હોય ?!