બોગદા – મણિલાલ ગાલા [ કચ્છી કાવ્ય ] – અનુ.-કિશોર શાહ
ધીરેધીરે હું નીકળું છું
એ બળબળતા બોગદામાંથી
અને જાઉં છું ફરી
બીજા લાંબા બોગદામાં
જેમાં અંધારાનો ઠંડો, કાળો છાંયડો હોય છે
મનને ચગદતા મારા પગ તો ચાલવાના છે
અને તે માટે રસ્તાઓના આભાસ ઊભા કરું છું
[એમ કહેવા કે પગ ફરતા રહેશે તો
બોગદા પણ આવતાં રહેશે?]
લાંબુ બોગદું વટાવીને
તેમાંથી નીકળતા બીજા બોગદામાં જવાની ઉતાવળમાં
હું બેસી જાઉં છું
અને મારા પગ નીકળી ચાલ્યા ગયા છે
બચેલી બધી ઇન્દ્રિયોના બળથી
બોગદાને કચડવાના કામમાં
આખો તણાય છે તે કોણ છે ?
મડદલનો બચેલો જીવ શોષવા
પહોંચી આવનાર ચાર ગીધવાળો મુકામ પસાર કરતાં,
ત્યાં ગબડી પડું છું જ્યાં જવાનું ફરમાન નથી.
જે ચીજ શોધવા
હું નીકળ્યો છું
એને જોઇને ત્યાં જ છોડી દઈશ અને
ઝબકતા ભડકાના
અંબારમાં આખો ખૂંપી જઈશ.
આખી વાત અતુપ્ત ઈચ્છાઓ-તૃષ્ણાની છે. માનવ એવા ભ્રામક ખ્યાલ સાથે જીવતો હોય છે કે આ એક ઈચ્છા પૂરી થાય પછી નિરાંત….આમ એક પછી એક ‘બોગદા’ માં તે ફસાતો રહે છે. છેવટે મૃત્યુ મ્હોં ફાડીને ઊભેલું ભાળે છે,ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે. મહિમા આ ક્ષણને મનભરીને જીવવાનો છે-માણવાનો છે…..