ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સીઝરની પીઠનું ખંજર તલાશ કર.
અગાઉ આ શેર મુકુલ ચોક્સીનો છે એમ યાદદાસ્તના સહારે લખાઈ ગયું ત્યારે ધવલે આ ભૂલ તરફ અંગુલિનિર્દેશ કરી કહ્યું કે એ હેમેન શાહનો છે. એ ભૂલ આજે સુધારી લઉં છું અને ધવલે જ જોરપૂર્વક યાદ કરાવેલા હેમેન શાહના શેરથી જ મિત્રતા વિશે ગુજરાતી ગઝલોમાં લખાયેલ સુંદર શેરોની દ્વિતીય શૃંખલાની શરૂઆત કરું છું:
-તો દોસ્ત! હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે, મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.
અને મુકુલ ચોક્સીની એક જાનદાર ગઝલના બે શાનદાર શેર પણ સાથે જ આસ્વાદીએ:
જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત,
પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.
તાજા કલમમાં એ જ કે તારા ગયા પછી,
બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત.
શ્યામ સાધુ દિવસની જેમ આથમી જતા મિત્રોની વચ્ચે મૃત્યુ જ સાચું મિત્ર છે એ શોધી લાવે છે:
દિવસો જ દોસ્ત જેમ અહીં આથમી ગયા
સૂરજની જેમ નહીં તો અમે પણ ઊભા હતા.
જિંદગીના બોજને ઊંચકી લીધો,
હા, મરણ સાચું સહોદર નીકળ્યું !
જલન માતરી સુખ અને દુઃખ-બધું મિત્રોમાં વહેંચી લેવામાં માને છે :
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાંખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.
કોની દુઆ ફળી કે સમય મિત્ર થૈ ગયો,
જ્યાં જ્યાં કદમ ધરું છું હું ત્યાં ત્યાં બહાર છે.
‘સૈફ’ પાલનપુરી ગઝલના પરંપરાગત રંગમાં મિત્રોને બિરદાવે છે:
દોસ્તોની મ્હેર કે સંખ્યા વધી ગઈ જખ્મની,
દુશ્મનોનું એ પછી વર્તુલ નાનું થઈ ગયું.
‘નઝીર’ પણ કંઈક આવી જ વાત લઈને આવે છે:
મારી સામે કેમ જુએ છે મિત્રો શંકાશીલ બની
જ્યારથી હસવા લાગ્યો છું બસ ત્યારથી આ મુંઝારો છે.
વફાદારી વિષે મિત્રોની તો હું કહી નથી શક્તો,
મને તો એમ લાગે છે ભરોસાથી સુરક્ષિત છું.
પણ ‘પતીલ’ ગાંધીચીંધ્યા માર્ગે મિત્રોની બુરાઈના બદલામાં પણ માત્ર એમનું ભલું જ ઈચ્છે છે. મિત્રતાનો સાચો અર્થ શું આ જ નથી?
અગર ખંજર જિગરમાં છો તમે આ ભોંકનારા,
દુઆ માંગી રહ્યો છું હું સદા હકમાં તમારા.
સુરેન ઠાકર ‘મેહુલ’ પણ મિત્રોને જખમ બતાવવામાં માનતા નથી. સાથે પસાર કરેલી ક્ષણોને બાળી એ કાજળ કાલવે છે:
મને ઓ દોસ્ત તારી જેમ શબ્દોની નજર લાગે
જખમ દેખાડવા ચાહું તો મારી જિંદગી લાજે.
દોસ્ત, સહિયારી ક્ષણોને રાતભએ બાળી અને
રોજ કાજળ કાલવ્યું છે એ જ લખવાનું તને.
‘મરીઝ’ એક તરફ તો મિત્રોની મહેફિલમાં સરી જતા સમયને જાળવવાનું કહે છે તો બીજી તરફ મુલાકાતો ઓછી રાખીને દોસ્તીનું પોત જાળવવાની તકેદારી રાખે છે.
સમય વિતાવો નહિ દુશ્મનોની ચર્ચામાં,
કે દોસ્તોનું મિલન આ ફરી મળે ન મળે.
સંભવની વાત છે કે નભી જાય દોસ્તી,
ઓ દોસ્ત, આપણી જો મુલાકાત કમ રહે.
મિત્રો ખુદાપરસ્ત મળે છે બધા ‘મરીઝ’,
સોંપે છે દુઃખના કાળમાં પરવરદિગારને.
રમેશ પારેખ મિત્રતાના સારા-નરસા બંને પાસા વચ્ચે સમતુલન જાળવીને ચાલે છે:
જળ ને ઝળઝળિયાંનો ભેદ સમજ્યાં નહીં,
એવા તમને, નમસ્કાર છે, દોસ્તો.
દોસ્તની છાતીઓનું નામ બારમાસી વસંત,
હમેશા ત્યાં જ અમારો પડાવ વરણાગી.
અમસ્થું મેં કહ્યું કે, મિત્ર ! છું અરીસો ફક્ત હું
પરંતુ દોસ્ત નિરખી મને કાં થરથરી ગયો ?
ન હોત પ્રેમ તો શું હોત ? છાલ જાડી હોત ?
હું હોત વૃક્ષ ને હે મિત્ર, તું કુહાડી હોત.
જીવની સન્મુખ મેં સ્થાપી દીધો,
મેં તને સાષ્ટાંગ આલાપી દીધો
મિત્રદક્ષિણામાં જમણા હાથનો-
અંગૂઠો કાપી તને આપી દીધો.
વધુ આગળ વાંચો…