નૂરે ગઝલ -‘શૂન્ય’ પાલનપુરી
આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે, અંતરો ગાય પંચમના સૂરે ગઝલ;
દર્દ અંગડાઇ લે, પ્રેમ ઝૂમી ઊઠે, રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.
દૃશ્ય સર્જાય મોંઘું મિલનનું અને સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ;
દોર ગોઝારો જામે વિરહનો અને રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ.
ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી,લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી;
બુલબુલોએ રચી ગુલશનોમાં અને આમ્ર-કુંજોમાં ગાઇ મયૂરે ગઝલ.
બે ધડકતા દિલોની કહાણી બને, રંગ ભીની કરુણાની લ્હાણી બને,
પ્રેમ ને રૂપની દિવ્ય વાણી બને, તો જ પહોંચી શકે દૂર દૂરે ગઝલ.
દેહના કોડિયે, પ્રાણની વાટને, લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મ્હેફિલે, દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.
જન્મ-મૃત્યુ છે, મત્લા ને મક્તા ઉભય, શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય ;
રંગ લૌકિક છે પણ અલૌકિક લય , ગાય છે ‘ શૂન્ય’ ખુદની હજૂરે ગઝલ.
-‘શૂન્ય’ પાલનપુરી
આ રચના શ્રી મનહર ઉધાસે બહુ જ ભાવવાહી સ્વરાંકનમાં અને તેમના મધુર અવાજમાં ગાઇ છે. ગઝલ રૂપાળી કેમ લાગે છે તેનું આવું સુંદર બયાન ‘શૂન્ય’ જ આપી શકે.
બહારથી રૂપાળી દેખાતી ગઝલના મૂળમાં ‘સપનાં’ અને ‘શૂળ’ હોય છે તેની પ્રતીતિ આપણને આ ગઝલ વાંચતાં અને સાંભળતાં થાય છે.
રસિક જનોને માહિતી કે ‘શૂન્ય’ ની રચનાઓ બજારમાં આજ સુધી અપ્રાપ્ય હતી, પણ ‘મુસાફિર’ પાલનપુરીએ તેમના પાંચ સંગ્રહોમાંથી વીણી વીણીને રચનાઓ ભેગી કરી છે અને ‘શબ્દલોક પ્રકાશન’ ની સહાયતાથી આ વર્ષે એક પુસ્તકમાં પ્રકાશિત કરી છે, જેનું નામ છે – ‘દરબાર શૂન્યનો’
ઊર્મિ સાગર said,
August 3, 2006 @ 10:58 AM
you are right sureshuncle….
it is sooo good to actuall hear this gazal in MU’s voice.
Thanks.
UrmiSaagar
http://www.urmi.wordpress.com
ધવલ said,
August 4, 2006 @ 12:34 AM
જન્મ-મૃત્યુ છે, મત્લા ને મક્તા ઉભય, શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય ;
રંગ લૌકિક છે પણ અલૌકિક લય , ગાય છે ‘ શૂન્ય’ ખુદની હજૂરે ગઝલ.
સુંદર ગઝલ ! સહજ શૃંગારભાવ અને મનમોહક લય.
‘શૂન્યના દરબાર’ વિષે માહિતી માટે આભાર ! ઈમેજે ‘ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા’ કરીને સંગ્રહ બહાર પાડ્યો છે એમાં પણ શૂન્યની શિરમોર ગઝલોનો સમાવેશ છે.
વિવેક said,
August 5, 2006 @ 3:20 AM
કૃતિ-પરિચયમાં શ્રી સુરેશભાઈએ ‘શૂળ’ અને ‘શમણાં’નો ઉલ્લેખ કર્યો… અમૃત ઘાયલનો એ યાદગાર શેર આ રહ્યો:
મીઠાં શમણાં વસમાં શૂળ,
મારી ગઝલોનાં બે મૂળ.
NaSrul Saiyed નસરૂલ સૈયદ said,
September 2, 2006 @ 9:21 AM
બહુ આનંદ થાય છે શૂન્ય પાલનપુરીની ગઝલો વાંચીને/સાંભળીને, હું May 2006 માં ઘરે (પાલનપુર) ગયો હતો. સ્વ. શૂન્ય પાલનપુરીનાં ભાઈને લાકડીની ઘોડીનાં ટેકે ચાલતાં જોયા, વાત સાંભળી…. વાત સાચીછે માટે કડવીછે. પૈસાના અભાવે, કોઈક બાબતે શરૂઆતમાં ઈલાજ ના થઇ શક્યો અને પગ કપાવો પડયો…. ગુજરાતી ભાષાનાં કવિઓને માન સન્માન સાથે-સાથે નાણાકિય મદદ થાય એ બાબત પણ વિચારવા જેવી છે.