નામ મારુંય છે છ અક્ષરનું,
પણ શું સોનલ વસે છે મારામાં?
વિવેક મનહર ટેલર

ઘેરો થયો ગુલાલ -જવાહર બક્ષી

આંખોનો ભેદ આખરે ખુલ્લો થઇ ગયો.
બોલ્યા વિના જ હું બધે પડઘો થઇ ગયો.

આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો.
આંખોને ખોલતાં જ એ તડકો થઇ ગયો.

જળને તો માત્ર જાણ છે, તૃપ્તિ થવા વિષે.
મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઇ ગયો.

તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ
મારી તરસના તાપથી દરિયો થઇ ગયો.

મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.

-જવાહર બક્ષી

જ્યારે જીવન જીવવાની એક ચોક્કસ દ્રષ્ટિ પ્રાપ્ત થાય અને જીવન તે પ્રમાણે જીવી શકો,ત્યારે મસ્તી કેવી હોય તે સ્થિતિને વર્ણવતી અને મને ઘણી જ ગમતી જવાહર બક્ષીની આ ગઝલ તમને પણ ગમશે. 

5 Comments »

  1. Dhaval said,

    August 11, 2006 @ 11:06 AM

    નામ ન લખ્યું હોય તો કૃતિ મકરંદ દવેની છે એવું ચોક્કસ લાગે. મસ્તી અને ગુલાલથી વિરક્તિ અને ભગવા સુધીની લીટી દોરવાની વાત ગમી ગઈ.

  2. આપણી અંદર ઘણા જણ હોય છે - સુરેશ જાની « અંતરની વાણી said,

    October 7, 2006 @ 7:32 AM

    […]         આપણા અહમ્ વિશે ઘણું લખાયું છે. અહમ્ નો ત્યાગ કરવાની ઘણી શિખામણ અપાઇ છે અને અપાતી રહેશે. આપણે કંઇક છીએ તે ભાવ સનાતન છે. પણ શેનો ત્યાગ કરવાનો છે તે આપણને ખબર છે? બાળક, કિશોર, યુવા, પ્રૌઢ અને વૃધ્ધ ‘હું’ તે નો તેજ રહ્યો છે? પુત્ર તરીકે, ભાઇ તરીકે, મિત્ર તરીકે, પતિ અને પિતા તરીકે શું હું એક જ હતો અને છું ? જ્યારે હું એકલો હોઉં છું ત્યારે કંઇક હોઉં છું, બીજા સાથે હોય છે ત્યારે કંઇક ઓર. આનંદમાં અને વિષાદમાં વળી કંઇક ત્રીજો જ .           જયનો દાદો જે વ્યક્તિ છે તે જ શું જ્યોતિનો પતિ અને વિહંગ કે ઋચાનો બાપ છે? શું કોઇ અમેરીકન કે નીગ્રો કે દોસ્ત કે દુશ્મન સામે મળે ત્યારે હું તેનો તે જ રહું છું? બ્લોગ પર લખું ત્યારે જે હું છું, તે જ શું ભૂતકાળનું સ્મરણ કરતો માણસ છે? જ્યારે કોઇ અણગમતી વ્યક્તિ સાથે પનારો પડે ત્યારે, અંદરથી એક હું કહે છે કે ‘હવે આ જાય તો સારું !’ , પણ બહાર કયો જણ બોલે છે કે ‘ તમને મળીને બહુ આનંદ થયો? ‘ !          કયો હું હું છે?          જવાબ છે :   કોઇ નહીં.          મારો હું જેવો જન્મ્યો હતો તેવો રહ્યો જ નથી. અને ત્યારે એ શું વિચારતો હતો તે તો તે ‘હું’ ભૂલી ગયો છે. એ જે ભાષામાં ‘હું’ વિષે વિચારતો હતો તે ભાષા જ ભૂલાઇ ગઇ છે.           જેને હું કહું છું તેનું ‘હું’ પણું તો બદલાતું રહ્યું છે. કેટલા બધા મારા આ હું ના સ્વરૂપો રહ્યા છે? માટે જ બેદાર કહે છે તેમ મારી અંદર ઘણા બધા જણ રહી ચૂક્યા છે અને અત્યારે પણ રહે છે! બીજી ભાષામાં કહીએ તો આપણા અનેક મહોરાં છે અને આપણે તે સ્થળ, સમય અને સંજોગ પ્રમાણે બદલતા રહીએ છીએ. આથી આપણે માની લીધેલું સત્ય કે વ્હેમ કે ‘આપણે જે છીએ તે જ છીએ, તે તો બદલાય જ નહીં.’ તે સાવ ખોટું છે. આપણા મહોરાં આપણે આપણી સગવડ, આપણા ગમા- અણગમા પ્રમાણે બદલાતા રહીએ છીએ.             તો કયા હું નો ત્યાગ કરવાનું સૌ કહે છે? કયું મહોરું રાખું અને કયું ફેંકું? કે પછી પાછું બીજું કોઇ નવું નક્કોર પહેરી લઉં? મહોરાં બદલવાથી અહમ્ નો ત્યાગ નહીં થાય. કોઇને કોઇ મહોરું તો રહેશે જ. સાધુ કે સન્યાસી થઇ હરદ્વાર રહેવા જતો રહીશ, તો બીજું મહોરું જ મળશે.              તો વાત છે બધાં મહોરાં છોડીને જે ખરેખર હું  છે તેને જ માત્ર રાખવાની – જેને આ વિચારો આવે છે તેને જ – બીજા કોઇને નહીં. મારી સાચી ઓળખ જાણવાની – કોઇ પણ મહોરાં વગરના તે ‘હું’ ની.              કોઇ કહેશે : ‘ આ બધી તરખડ શું કરવા કરવી? છાના માના જેમ રહેતા હો તેમ જ રહોને ! નકામા આ વિચાર વાયુમાં પાગલ થઇ જશો.’              બસ ! આ પાગલ થવા માટે જ આ બધી તરખડ છે ! જીવનનું મૂળભૂત ધ્યેય – ‘સુખની શોધ’ છોડીને આનંદની શોધ કરવા માટે આ બધી પળોજણ છે. તમારે સુખી થવું હોય તો જેમ કરતા આવ્યા છો તેમ જ કરતા રહો. પણ કેવળ આનંદની અનુભૂતિ કરવી હોય – એવો આનંદ કે જે કદી તમને ન છોડી દે – તો ચાલો આ દિશામાં !              અને જાણકારો કહે છે કે “આ ઓળખ તે જ પરમ તત્વની ઓળખ. બસ! ભગવાન તને મળી ગયો.” જેને આ તત્વની ઓળખ થઇ છે તે સૌ આમ કહે છે. તેઓ કહે છે કે આ સ્તર પર તમારૂં હું પણું પહોંચે તે જ સાક્ષાત્કાર – તે જ મુક્તિ – તેજ બ્રહ્મ સંબંધ. ત્યારે જે શબ્દ નીકળે તે જ અંતરની વાણી. અને ત્યારે જ આનંદ, ચૈતન્ય, સત્ય અને પરમ એ બધા તમારા, અરે! આખું જગત તમારું !!       અને આ માટે કોઇ યાત્રા કરવાની હોય તો તે અંદરની તરફ કરવાની છે. કશું છોડવાની આ વાત જ નથી. આ કશું નવું પ્રાપ્ત કરવાની વાત પણ નથી. આ તો થવાની વાત છે. અને તે પણ જેવા હતા તેવા થવાની વાત. પાછા જવાની વાત. ત્યાગની નહીં મસ્તીની વાત.          બહુ સરળ વાત છે – સાવ સરળ , અને માટે જ તે જગતની સૌથી કઠણ વાત છે, કારણકે જીવનમાં આપણે પ્રગતિ કરવાનું જ શીખ્યા છીએ – પાછા જવાનું નહીં. આ તો આપણા કેળવાયેલા સ્વભાવથી પ્રતિકૂળ છે. વહેણની સામે તરવાની આ વાત છે.            મારો અનુભવ એમ કહે છે કે આવું તરણ સાવ સરળ છે. તમારી સૌથી મનગમતી પ્રવૃત્તિમાં એકરૂપ થઇ જાઓ – એવી પ્રવૃત્તિ જે જીવન નિર્વાહ કે જીવન સંઘર્ષ સાથે કોઇ સંબંધ ન ધરાવતી હોય તેવી પ્રવૃત્તિ. તેના મય બની જાઓ, તેનામાં રમમાણ થઇ જાઓ, એટલે બધાં ય મહોરાં ધીરે ધીરે બિન જરૂરી લાગવા માંડશે. આપોઆપ સરતાં જશે – સરતાં જ જશે.                         જવાહર બક્ષીનો મને બહુ જ ગમતો શેર – “મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ: #  ઘેરો થયો ગુલાલ  તો ભગવો થઇ ગયો.”             […]

  3. Rajendra Trivedi, M.D. said,

    October 8, 2007 @ 12:24 AM

    મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ
    ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.

    VERY NICE AND LOVE TO READ AND ENJOY YOUR WORK !

  4. riddhi mehta said,

    April 11, 2015 @ 2:38 PM

    THANKS FOR DOING THIS WORK. I LIKED THIS GAZAL OF MR. JAWAHAR BAKSHI. WHEN I HEARD IT IN ASHIMITA PARVA MAHUVA. LOVE TO READ TODAY FULL ONE.

  5. આપણી અંદર ઘણા જણ હોય છે | સૂરસાધના said,

    December 3, 2016 @ 8:44 AM

    […] – “મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ: #  ઘેરો થયો ગુલાલ  તો ભગવો થઇ […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment