શામળ ભટ્ટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
August 24, 2006 at 11:45 AM by સુરેશ · Filed under છપ્પા, શામળ ભટ્ટ
મહીથી મોટું દાન, અણુથી લોભી નાનો;
પવનથી પહેલું મન, વિવેક દેવોથી દાનો;
ચન્દ્રથી નિર્મળ ક્ષમા, ક્રોધ અગ્નિથી તાતો;
દૂધથી ઉજળો યશ, અમલ મદીરાથી માતો;
છે તેજ તરિણિથી નેત્રનું, ગરજ સાકરથી ગળી;
શામળ કહે ઉત્તર લખ્યો, પહોંચી તેની મન રળી.
તૃણથી જાચક તુચ્છ, મણિથી સદ્-ગુણ મોંઘો;
સ્વર્ણથી શોભે સપૂત, ગરીબ કુશકાથી સોંઘો;
કીર્તિ બરાસથી બહેક, કપૂત કાજળથી કાળો;
સૂમ લોહથી કઠણ, અજ્ઞ બાલકથી બાળો;
દુર્વચન વીંછીથી વેદના, મિષ્ટ વાણી સહુથી ગળી;
છે કલંક મેલું મેશથી, પહોંચી તેની મન રળી.
– શામળ ભટ્ટ
Permalink
August 23, 2006 at 8:35 AM by સુરેશ · Filed under છપ્પા, શામળ ભટ્ટ
કોણ પૃથ્વીથી પ્રૌઢ ? કોણ અણુથી પણ નાનો?
કોણ પવનથી પહેલ? કોણ દેવોથી દાનો?
કોણ ઇન્દુથી વિમળ? કોણ અગ્નિથી તાતો?
પયથી ઉજ્જ્વળ કોણ? કોણ મદિરાથી માતો?
વળી કવણ તેજ તરણિ થકી? કોણ શર્કરાથી ગળી?
કવિ શામળ કહે ઉત્તર લખો, તો તો પહોંચે મન રળી.
કવણ તરણથી તુચ્છ? કવણ મણિથી મોંઘો?
સ્વર્ગથી શોભે કવણ? કવણ કુશકાથી સોંઘો?
કવણ બરાસથી બહેક? કવણ કાજળથી કાળો?
કવણ લોહથી કઠણ? કવણ બાળકથી બાળો?
વળી કવણ વીંછીથી વેદના? કવણ સર્વથી છે ગળી?
શામળ મેલું શું મેશથી? કહો તો પહોંચે મન રળી.
– શામળ ભટ્ટ
ચાતુરી ભરી રચના માટે જાણીતા મધ્ય યુગના આ આખ્યાનકારના પ્રશ્નોના જવાબ શોધી રાખજો, અને તેના તેમણે આપેલ ઉત્તર સાથે કાલે સરખાવી જોજો !
Permalink