એક જણે છોડ્યા છે અમને,
ટોળામાં પણ એકલવાયા.
વજેસિંહ પારગી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for September, 2010

ગઝલ -ચિનુ મોદી ‘ઇર્શાદ’

નામ તારું કોઈ વારંવાર લે,
તું ખરો છે કે તરત અવતાર લે.

આમ ક્યાં હું પુષ્પનો પર્યાય છું ?
તું કહે તો થાઉં ખુશ્બોદાર, લે.

તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં ?
તું મરણ છે, હાથમાં તલવાર લે.

હાથ જોડી શિર નમાવ્યું; ના ગમ્યું ?
તું કહે તો આ ઊભા ટટ્ટાર, લે.

શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર ?
તું કરે છે ઠીક શિષ્ટાચાર, લે.

બંધ શ્વાસો ચાલવા લાગ્યા ફરી,
આ ફરી પાછો ફર્યો હુંકાર, લે.

એ કહે ‘ઈર્શાદ, ઓ ઈર્શાદજી’
ને હતો હું કેવો બેદર્કાર, લે.

(૨૪/૪/૨૦૦૭)

– ચિનુ મોદી ‘ઇર્શાદ’

ચિનુકાકાની ગઝલોમાં મને હંમેશા અનોખી ખુમારી જોવા મળે છે.  આજે પણ વધુ એક ખુમારીવાળી ગઝલ, એમનાં તાજેતરમાં પ્રગટ થયેલાં ગઝલસંગ્રહ ‘ખારાં ઝરણ’ માંથી.

ચિનુકાકાને એમનાં જન્મદિવસે એમને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ… આ જ ગઝલસંગ્રહમાંની એક બીજી ઇર્શાદ-ગઝલ આપ સૌ અહીં માણી શકો છો.

Comments (13)

ક્યાંક ભેટો થઈ જશે – ડૉ.મહેશ રાવલ

કાં સાદ કાં પડઘાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે
ચાલ્યા જ કર,રસ્તાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે

ડૂબી જવાનો ભય તરાવી જાય સહુને, છેવટે
આ ડૂબવા-તરવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે

તું શાંતચિત્તે બાગમાં જઈ બેસવાનું રાખજે
કૂંપળ અને ખરવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે

ટલ્લે ચડે નહીં અંધ થઈ વિશ્વાસ, જોજે એટલું
પથ્થર અને શ્રદ્ધાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે !

ઉત્તર વગરના પ્રશ્ન જેવું તું વલણ છોડી શકે
તો ,જીવવા-મરવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે

ભેટી શકે તું, એટલું નજદીક છે ઈશ્વરપણું
ખોવાઇને જડવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે

તું લાગણીમાં શબ્દને નખશિખ ઝબોળી,લખ ગઝલ
મત્લા અને મક્તાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે !

– ડૉ.મહેશ રાવલ

એક નવિનતમ રદીફવાળી મહેશભાઈની આ ગઝલ વાંચતાવેંત ગમી ગઈ હતી… એમાંય ખોવાઈ ને જડવાવાળો અશઆર જરા વધુ ગમી ગયો !

Comments (15)

થોડું અંગત અંગત – પ્રફુલ્લા વોરા

ચાલ, હવે પડછાયા છોડી જીવીએ થોડું અંગત અંગત,
ટોળાનો પરિવેષ મૂકી વિસ્તરીએ થોડું અંગત અંગત.

ખાલીપાનો દરિયો ઘૂઘવે આંખોના ઊંડા કોતરમાં,
જામ દરદના ભરતાં ભરતાં ડૂબીએ થોડું અંગત અંગત.

ફૂલોની રંગત છે આજે, રેશમ જેવી મહેક હવાની,
કાંટાનો વિસ્તાર ભૂલીને ફરીએ થોડું અંગત અંગત.

ચારે બાજુ દર્પણ મૂક્યાં, ચારે બાજુ ચહેરાઓ છે,
મહોરાં-બુરખા ઓઢી લઈને ભૂલીએ થોડું અંગત અંગત.

મૃગજળનો વિસ્તાર ભલે ને ‘તું’ ને ‘હું’ની આજુબાજુ,
પણ વરસાદી મોસમ જેવું મળીએ થોડું અંગત અંગત.

– પ્રફુલ્લા વોરા

થોડું અંગત અંગત જેવો સુંવાળો રદીફ હોય તો ગઝલના પ્રેમના ન પડી જવાય તો જ નવાઈ !

ચોથો શેર સૌથી વધુ ગમ્યો. વાછટની જેમ વાગતા ચહેરાઓની વચ્ચે પાતળી દિવાલ કરી લઈને વીતેલું ભૂલવાની કળા – એ જીવન સરળ કરી નાખવાની કળા છે.

Comments (13)

તૂટતી તારીખ – કેશુભાઈ પટેલ

દીવાલ પર ટીંગાડી તારીખ રોજ સવારે તૂટે,
એક દિવસનું રાજ કરીને કેલેન્ડરથી છૂટે.

ગગને ઊડતાં પંખી જોઈ
અંતર આશા જાગી,
ખાલી નાહક એકલ ઊડે
સાથ પવનનો માંગી.

એક એક દિવસનું આયુષ્ય વરસ મહીંથી ખૂટે.
દીવાલ પર ટીંગાડી તારીખ રોજ સવારે તૂટે.

ઝાડ ઉપરથી ખરતાં પર્ણો
કૂંપણ હોઠે હસતી,
સંબંધ તોડે પૂર્વજથી એ
નવા યુગની વસતી.

સૂકા અક્ષર બોલે મૂગું, વાણી ક્યાંથી ફૂટે ?
દીવાલ પર ટીંગાડી તારીખ રોજ સવારે તૂટે.

– કેશુભાઈ પટેલ

દરેક દિવસ જીવનમાંથી એક દિવસ ઓછો કરતો જાય છે. કેલેન્ડર રોજ એક તારીખના તૂટવાના સમાચાર આપતું રહે છે. આ સતત વિસર્જન તરફ જતા કાફલાના સાપેક્ષમાં આપણે જીવન-આશા-આયુષ્ય-તારીખ એ બધાનો અર્થ ફરીથી તપાસીએ તો નવી જ વાત સમજ પડવાની શક્યતા છે. ફિલસૂફોએ પોતાના મૃત્યુ વિષે જાગૃત મનથી વિચારવાના માર્ગને ચેતનાનો રસ્તો ગણાવ્યો છે. પણ પરમ સખાના ખભે હાથ મૂકીને ચાલવાનું ગજુ કોઈકનું જ હોય છે.

Comments (9)

ઓ લ્હેરખી ! – મનસુખલાલ ઝવેરી

ઓ લ્હેરખી !
ન્હોતું કશું ને અલી! ઊઠી તું ક્યાંથી,
પોઢી ગયેલ મારા સોણલાં જગાડતી !
મેં તો અભાગણીએ જાણ્યું:
કે માણ્યું-ના માણ્યું
એ સર્વ ગયું ચાલ્યું
રે દૂર દૂર દૂર પેલાં ઝાંઝવાંની સંગ ત્યાં,
આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
જીવનનાં નીર જા હલાવી ?
ઓ લ્હેરખી!

તારે ઘડીક આમ અમથું આ લ્હેકવું;
માનવના હૈયાને અણદીઠું દેખવું!
દેખવું ને ઝંખવું ને ઝૂરવું સદાય, ત્યાં
આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
જીવનનાં નીર જા હલાવી?
ઓ લ્હેરખી!

હૈયાનાં આભ ભરી જાગ્યો વિજોગ આ!
આવડીક જિંદગીમાં આવી શી વેદના!
મનમાં ન માય કે ન હોઠે કહેવાય,ત્યાં
આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
જીવનનાં નીર જા હલાવી?

– મનસુખલાલ ઝવેરી

અનંતમાંથી અલગ થઈ,મૂળભૂત અનંતતાને વિસરી,અનંત તરફની યાત્રા એટલે જીવન… જાણે કે એક શાશ્વત અને ઈશ્વરીય છળ… સંસારમાં ડૂબેલા માનવને એક વિપળ માટે પરમ તત્વના અસ્તિત્વની આછેરી ઝાંખી થઈ જાય છે અને એ લ્હેરખી એને અશાંત કરીને ચાલી જાય છે…. કોઈકની યાત્રા ત્યાંથી શરુ થાય છે તો કોઈક તેને પળભરનો ભ્રમ ગણીને અવગણી દે છે…..

Comments (10)

પત્ર-ગઝલ – હર્ષદ ચંદારાણા

પત્ર ખોલું, પત્રમાંથી નીકળું
એ જ ક્ષણથી પૂર્ણ તેજે ઝળહળું

પત્ર વાંચું, પત્ર બોલું, સાંભળું
ફક્ત એ રીતે હવે તમને મળું

અન્ન-જળ ને પ્રાણવાયુ પત્ર છે
પત્ર દ્વારા જીવતું હું પૂતળું

એકધારું, એક ધારે ભીંજવે
આ તમારો પત્ર છે કે વાદળું !

પત્ર સાથોસાથ હું ઊગ્યો હતો
પત્ર જ્યાં પૂરો થયો કે હું ઢળું

– હર્ષદ ચંદારાણા

કેટલાક પત્ર જાહેરમાં વાંચવા પણ ગમી શકે છે… ખરું?

Comments (7)

તારું પહેલા વરસાદ સમું આવવું – રમેશ પારેખ

ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

બળતે બપ્પોર ભીનો પગરવ સુણીને
કાંઈ વાસ્યાં કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોનાં એવાં અંધાર્યાં વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યા
ઓચિંતા ધોધમાર સામસામે આપણે ઊભાં રહ્યાં-નું પૂર આવવું

ફળિયે પલાશફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખા છે ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું ?

ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

– રમેશ પારેખ

પહેલા વરસાદનું માહાત્મ્ય સૌને વિદિત છે જ. એના શુકન સાથે વિરહતપ્ત હૈયા અને મિલનની ભીનપને સાંકળી લઈ ર.પા. પ્રેમ અને વરસાદ બંનેને સમાન ઉજાગર કરે છે.  ચાર આંખોનું તારામૈત્રક રચાય ત્યારે એવું ઘનઘોર અંધારું છવાય છે જ્યાં નથી બાકીની દુનિયા નજરે ચડતી કે નથી હું કે તું, રહે છે માત્ર ‘આપણે’.  પ્રેમીઓનું એકીકરણ એટલે જ વહાલનું સુનામી…

Comments (13)

મુક્તક -રઈશ મનીઆર

ગઝલમાં જીવનનો મરમ વ્યક્ત કરીએ,
કે સત્યમ્ શિવમ્ સુંદરમ્ વ્યક્ત કરીએ;
આ મત્લાથી મક્તા સુધીની નમાજો,
પઢી લઇ અમે તો ધરમ વ્યક્ત કરીએ.

-રઈશ મનીઆર

Comments (21)

નઠારા હોય છે -ભરત ત્રિવેદી

શબ્દ સારા કે નઠારા હોય છે,
અર્થ કાયમના ઠગારા હોય છે !

એકસરખો એ ભલે વરસે છતાં,
હાથમાં વધઘટ અમારા હોય છે !

ડાળ છોડીને ગયું પંખી પછી,
કાનમાં કલરવ તમારા હોય છે !

એ ધજા છે કે સુકાતી ઓઢણી ?
દૂરથી પ્રશ્નો થનારા હોય છે !

એ તને દોડાવશે એવું કહી,
શબ્દ આગળ ક્યાં જનારા હોય છે !

-ભરત ત્રિવેદી

ભરતભાઈનાં કાવ્યસંગ્રહ ‘કલમથી કાગળ સુધી’ માંથી…

Comments (13)

પડછાયો – પ્રવીણ ગઢવી

‘O, Wood Cutter,
Cut my Shadow.’

હિન્દુ બનું
બુદ્ધ બનું
મુસલમાન બનું
આ પડછાયો કપાતો નથી,
મારાથી.

કુલડી ગઈ
સાવરણી ગઈ
આ પડછાયો ખૂટતો નથી
મારાથી.

નામ બદલું
કામ બદલું
ઠામ બદલું
જાત બદલું
આ પડછાયો છોડતો નથી.

ભાષા બદલું
વેશ બદલું
ઈતિહાસ બદલું
આ પડછાયો તૂટતો નથી.

સ્મૃતિ રચું
બંધારણ રચું
કાયદા કરું
થાપણ બનું
કોઈ કાળે આ પડછાયો ભૂંસાતો નથી.

‘O, Wood Cutter,
Cut my Shadow.’

– પ્રવીણ ગઢવી
(‘પડછાયો’)

અસ્પૃશ્યતા આપણા સમાજનું સૌથી મોટું કલંક છે. એક વાર અસ્પૃશ્યની છાપ જેના નામ પાછળ લખાઈ જાય એ પછી ગમે તે કરો પૂરેપૂરી કદી ભૂંસાતી જ નથી. આ અસ્પૃશ્યતા – આ કાળો પડછાયો – આપણા બધાનું સહિયારું પાપ છે. કોણ જાણે કેટલો વધારે સમય લાગશે એને ભૂંસાતા ?

Comments (13)

Page 1 of 3123