પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for February, 2007

થયો છું – અજય પુરોહિત

અક્ષાંશે નિનાદિત રૂપાંતર થયો છું;
તરત કોઇમાં હું સ્થળાંતર થયો છું.

હિરોશીમા, લોથલ, હડપ્પા થજે તું-
મુલાકાત નામે અવાંતર થયો છું.

નિરુત્તર હતી આ વ્યથાઓ ય નિર્લજ્જ-
ઉદાસી અલગ છે મતાંતર થયો છું.

નિરાદર સમયની હતી ચાલ કેવી?
સવિસ્તર કથામાં સમાંતર થયો છું.

અનાગત અજાણ્યા મળે શબ્દ સામા-
મુસાફર ગઝલનો નિતાંતર થયો છું.

અજય પુરોહિત

Comments (2)

આપણો ઘડીક સંગ – નિરંજન ભગત

કાળની કેડીએ ઘડીક સંગ
રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !

ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ !

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી !
ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !

– નિરંજન ભગત

આ ટૂંકા જીવનને પ્રિયજનના સંગમાં માણી લેવાની વાત નિરંજન ભગત બહુ ઉત્તમ રીતે કરે છે. દરેક સંબંધમાં ઉતરાવ ચડાવ તો આવે જ છે. એવા વખતે કવિ કહે છે – હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ ! ને છેલ્લે ગુજરાતી કવિતાની અવિસ્મરણીય પંક્તિઓમાંથી એક આવે છે – એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી ! આ ગીત હંમેશા મનને સંતોષ અને આનંદ આપી જાય છે.

Comments (4)

પ્રશ્નોપનિષદ – ગુણવંત શાહ

લોક પૂછે છે :
આ કવિતા આવે છે ક્યાંથી ?
મને પણ થાય છે કે
આ વાયરો મૂળ ક્યાંનો વતની ?
મહાસાગરની રાષ્ટ્રીયતા કઈ ?
આ મેઘધનુષ ક્યાંથી redirect થઈને આવ્યું ?
ઝાકળના ગામનો પિનકોડ નંબર શો ?
ઊર્ધ્વમૂલ વૃક્ષ કઈ વાડીમાં ઊભું છે ?

અનંતના વહેણમાં અતીતનો ઓવારો ક્યાં આવ્યો ?
વૃક્ષને કલરવ ફૂટે એમ
મૌનને ફૂટે છે શબ્દ
ને ત્યારે
કવિ અને ઈશ્વર વચ્ચે
માંડ એક વેંતનું છેટું હોય છે.

– ગુણવંત શાહ

ગુજરાતી ભાષાના અગ્રણી નિબંધકાર ગુણવંત શાહે થોડી કવિતાઓ પણ લખેલી. ‘વિસ્મયનું પરોઢ’ એમનો સંગ્રહ. આ નાની સરખી કવિતામાં એ સર્જનની પ્રક્રિયા પોતાના અંદાજમાં સમજાવે છે.

Comments (5)

ત્સુનામીનું ગીત – રાજીવ ભટ્ટ ‘દક્ષરાજ’

એક કાચબાએ ધોળ્યું છે વખ
એવું કાગળમાં વાદળને લખ !

માછલીએ પાડી’તી ના તોય દરિયાએ
દખ્ખણમાં દાટ કેમ વાળ્યો?
આપણે તો હોય એક મોજાંના વલખાં
ત્યાં મોજાંનો હિમાલય ભાળ્યો !
જોયું ક્યાંય દરિયાનું દઃખ ?
એવું કાગળમાં વાદળને લખ.

સૂરજ તપે તો એને માફી અપાય
પણ ચાંદાને કેમ કરી આપવી ?
દરિયાના લોહિયાળ તાંડવની વાતને
સૃષ્ટિનાં કયે પાને છાપવી ?!
હવે કાંઠાના વધતા’ગ્યા નખ !!
એવું કાગળમાં વાદળને લખ !

તળાજા, ભાવનગરના રાજીવ ભટ્ટની આ કવિતાએ આંખો આગળ સુનામીના કહરને તાજો કરી દીધો. સૂરજનો તો સ્વભાવ છે કે તપે જ અને બાળે જ. એટલે એને તો કદાચ માફી પણ આપી દેવાય પણ ચાંદો બાળે તો? નદીનું રમણે ચડવું તો સૌ જાણે જ છે, પણ દરિયો તો મ્હેરામણો છે. એ તો નદીઓના પાણીથી માંડીને મનુષ્યોના તાપ, બધું જિરવીને પેટમાંના વડવાનલની ય બહાર જાણ થવા દેતો નથી. દરિયા જેવો દરિયો ઊઠીને સંહારે ચડે અને તેય કાંઠા પર, તો માફી કેમ કરી દેવી? આ વાત કોને જઈ કહેવી?

Comments (6)

લયસ્તરો ઈ-મેલ લીસ્ટ

આજથી વાચકો માટે એક નવી સુવિધા ઉમેરીએ છીએ. નીચે ઈ-મેલ લીસ્ટમાં તમારું ઈ-મેલ ઉમેરો અને પછી લયસ્તરો પર જ્યારે પણ નવો પોસ્ટ મૂકાય કે તરત અમે તમને ઈ-મેલથી જાણ કરીશું. ઘણા વાંચકો કહેતા હતા કે લયસ્તરો પર આવીને વારંવાર ‘ચેક’ કરવું પડે છે નવો પોસ્ટ મૂકાયો છે કે નહીં. હવે માત્ર ઈ-મેલ લીસ્ટમાં જોડાવ ને પછી નવો પોસ્ટ લયસ્તરો પર મૂકાયો નથી કે તમને ઈ-મેલ પહોંચ્યો નથી !

લયસ્તરો ઈ-મેલ લીસ્ટ માં જોડાવામાં કોઈ તકલીફ થાય તો મને ઈ-મેલ કરો : mgalib@hotmail.com

Comments (2)

ટહુકાનાં વન – ઉર્વીશ વસાવડા

નરસિંહ મહેતાની ભૂમિમાં જન્મેલા તબીબ કવિ ઉર્વીશ વસાવડા ઊર્મિઓના કવિ છે. વ્યવસાયે રેડિયોજિસ્ટ છે પણ કવિતા વાંચો તો એમ લાગે કે આ માણસ શબ્દોની સોનોગ્રાફી વધુ સારી રીતે કરી જાણે છે અને અર્થના સોંસરવા એક્ષ-રે પાડવામાં તો ખાસ પાવરધો  છે. રણ-ઝાકળ-અરીસો-દરિયો-પીડા જેવા ગઝલના ચવાઈ ગયેલા સિક્કાઓને પણ એ કૈંક નવી જ અને એવી તાજગી સાથે પેશ કરી શકે છે કે એનો ચળકાટ દિલની આંખોને આંજી દે છે. સરળ વાક્યરચના અને વાતચીતમાં વપરાતા રદીફો લઈને આવતી એમની ગઝલો આમ-આદમી સાથે ક્ષણાર્ધમાં તાદાત્મ્ય સાધી લે છે. એમના બીજા ગઝલસંગ્રહ ‘ટહુકાનાં વન’માં ફરતા-ફરતા ગમી ગયેલા થોડા ટહુકાઓ સાંભળીએ:

મને ગમતી પ્રત્યેક ક્ષણ ગઝલમાં લઈને આવ્યો છું,
ઘણી વાતો તમારી પણ ગઝલમાં લઈને આવ્યો છું.
નથી મારી ખૂબી એમાં, લખાવે છે કૃપા એની,
સતત એ વાતની સમજણ ગઝલમાં લઈને આવ્યો છું.

ક્ષણોમાં જીવવાનો રંજ ના રહેશે કદી મનમાં
ક્ષણો શાશ્વત બને એવો કસબ મળશે ગઝલ પાસે.

ઘાવ કોના ? પૂછ ના
પૂછ કોનો છે મલમ

જો સ્વીકારી ના શકે તું સત્યને
તો જરૂરી છે કે તું ઈન્કાર કર

લે કલમ, ને લખ ગઝલ કોઈ નવી
એમ તારી ચેતના વિસ્તાર કર !

રાખજો અકબંધ નાતો ડાળ સાથે ને છતાં
વૃક્ષના મૂળમાં જઈને કેન્દ્રબિંદુ શોધજો.

શ્વાસની સાથે વણાઈ છે જીવનની હર પીડા,
શ્વાસની સાથે જ જીવતરની કથા પૂરી થઈ.

યુગ યુગાંતરથી ઊભો છું એમના દ્વારે છતાં
એમને મળવાનું કારણ શોધવા મથતો રહ્યો.

તું ભલે ઉલ્લેખ ટાળે, નામ તો મારું જ છે
તુજ કથાના હર મથાળે નામ તો મારું જ છે.

કાલ આંખોમાં એ ધસમસ પૂર માફક આવશે
આજ સંભવ છે તું ખાળે, નામ તો મારું જ છે

તુજ સ્મરણનો મ્હેલ સળગ્યાને વીત્યાં વરસો છતાં
કેમ ઊડે છે હજી આ રાખ, હું ના કહી શક્યો.

જે ડૂબ્યું રંજ એનો કરી અર્થ શું
જે બચ્યું એ બધું તારવાનું હતું

જનમ કે મરણ પર નથી કોઈ કાબૂ
બધાં માણસોને ઉભય છેતરે છે

એ સતત સીંચાય છે આંસુ વડે
વેદનાનાં વન તો વિસ્તરતાં રહે

ખુશીઓ બધી ઈશ્વરે મોકલી છે અને સર્વ વિપદાઓ આપી છે એણે
ખુશી હો કે આફત, છે એના દીધેલાં પછી શું જરૂરી દિલાસો અમારે

એક વર્તુળના પ્રવાસી આપણે
આજ છે આરંભ ને આ અંત છે

ધર્મ જુદા એટલા ઈશ્વર જુદા
એમ જે સમજે નહીં એ સંત છે

વેદના એ કાંકરીની કેટલી ઊંડી હશે
કોઈ પનિહારી વગરના જ્યાં સૂના પનઘટ હતા

અમારી જિંદગીમાં શબ્દનો છે માત્ર ફાળો એ
સતત એણે કર્યું છે કામ પીડાઓ સરજવાનું

તને હું મોકલું તો મોકલું સંદેશ શી રીતે
નથી કાગળ, નથી વાદળ, ન જાણું હું, શું લખવાનું

ઊગી આવ્યું તરત મનમાં નિહાળી તાજનાં ચિત્રો
જીવન થોડા વરસ માટે, કબર વરસો સુધી રહેશે.

ગઝલ મારી સુણી તું દાદ આપે, પણ હકીકતમાં
બધાં ભીતરના દર્દો છે તને એ કોણ સમજાવે?

લુપ્ત થયો છું ગૌરવ સાથે
બુંદ હતો ને થયો સમંદર

કોરી પાટી જેવી ધરતી નીરખો તો સમજાશે
ભૂંસાતા ઈશ્વરના અક્ષર, વૃક્ષ પડે છે ત્યારે

એ બધા ટોળાનાં માણસ, આપણે એકાંતનાં
એટલે હો હર જગાએ આપણો ખૂણો અલગ

ગઝલના આ નગરમાં કઈ રીતે આવી ગયો, કહી દઉં
કદી જાણે અજાણે આંગળી પકડી લીધી એની

ખબર ન્હોતી, નીકળશે બાદમાં જન્મોજનમની એ
અમે જે ઓળખાણે, આંગળી પકડી લીધી એની
વધુ આગળ વાંચો…

Comments (5)

દીકરી – ઉદયન ઠક્કર

દીકરીએ  પ્હેરતાં  પ્હેરી  લીધાં
મારાં ચંપલ, માપ ખોટું નીકળ્યું
એનું પગલું, સ્હેજ મોટું નીકળ્યું

નાનીમાંથી મોટી સંખ્યા બાદ કર
જા, થઈ જા એની ઉંમરનો ફરી
જાદુમંતર જાત પર એકાદ, કર

નાની સરખી યુક્તિ અજમાવી લીધી
આ  જુઓને,  એણે  શીર્ષાસન  કર્યું
રમતાં રમતાં સૃષ્ટિ સુલટાવી લીધી

‘લાવો, ઓળી આપું?’ કહીને દીકરી
કોરા કેશે કાંસકીને ફેરવે
ગૂંચ ઉકેલે, ટચૂકડે ટેરવે

– ઉદયન ઠક્કર

થોડા વખત પર ત્રિપદીનો પ્રકાર મૂકેશ જોષીની કલમે માણ્યો હતો. એ જ પ્રકાર આજે ઉદયન ઠક્કરની કલમે માણો. ફરક એટલો કે આ ત્રિપદી-ગુચ્છ એક જ વિષય પર છે. વિષય પણ સરસ છે અને કલ્પનોની તાજગી અને કુમાશ તો ઊડીને આંખે વળગે છે. દીકરી વાળ ઓળવાની કોશિષ કરતા કરતા તમારા માથામાં એની નાનકડી આંગળીઓ પ્રેમથી ફેરવે એ તદ્દન નાજુક ક્ષણને કવિએ અહીં આબાદ પકડી પાડી છે ! 

Comments (3)

છે ઘણા એવા – સૈફ પાલનપુરી

છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.

દુર્દશા જેવું હતું, કિંતુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.

હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.

મેં લખેલો દઈ ગયા; પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે, એ પત્ર બદલાવી ગયા.

‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા ?

સૈફ પાલનપુરી

Comments (5)

શ્યામ રંગ સમીપે ન જાવું – દયારામ

શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.

જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું.
કસ્તૂરી કેરી બિંદી તો કરું નહીં, કાજળ ના આંખમાં અંજાવું. મારે….

કોકિલાનો શબ્દ હું સૂણું નહીં કાને, કાગવાણી શકુનમાં ન લાવું.
નીલાંબર કાળી કંચૂકી ન પહેરું, જમનાનાં નીરમાં ન ન્હાવું. મારે….

મરકતમણિ ને મેઘ દ્રષ્ટે ના જોવા, જાંબુ-વંત્યાક ના ખાવું.
’દયા’ના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે જે ‘પલક ના નિભાવું’. મારે….

દયારામ : કવિ પરિચય

Comments (4)

હજીયે સભર – હરિવલ્લભ ભાયાણી

‘અહીં રહી
અહીં કેલી કરી
અહીં રિસાઈ
અહીં મનાઈ –
સૂનું પડ્યું અવ આ મારું ઘર
તોયે પ્રિયાથી હજીયે સભર.’

– હરિવલ્લભ ભાયાણી
(અનુવાદ, મૂળ પ્રાકૃત સુભાષિત પરથી)

Comments (1)

Page 1 of 3123