મુંઝાઇ જઇશ હું, મને રસ્તા ના બતાવો,
રહી ગઇ છે હવે તો મને બસ એક દિશા યાદ.
સૈફ પાલનપુરી

શહેર અને ગામ – અશોકપુરી ગોસ્વામી

હજીયે ગામ તારા શહેરની અંદર વસે છે જો
અને તેથી જ તારું શહેર લાગે કે હસે છે જો

નથી ઉષ્મા; સહુના થીજતા વર્તનથી લાગે કે ….
હિમાલયની તરફ આ શહેર લાગે કે ખસે છે. જો

હવે અહીં લાગણીનો એકપણ ક્યાં છોડ લીલો છે ?
અહીં તો પૂર માફક ચોતરફથી રણ ધસે છે જો

પ્રતીતિ થઈ કે તારું શહેર લોઢાનું બનેલું છે
અમારા ગામ પારસનો મણિ તેને ઘસે છે જો

ટક્યાં છે શી રીતે આ ગામ ? તેનો ના ખુલાસો કૈં;
નહીંતર ગામને તારું શહેર કાયમ ડસે છે જો.

– અશોકપુરી ગોસ્વામી

શહેરમાં ક્યાંક ક્યાંક હજી જીવતા રહી ગયેલા ગામ અને ગામના થતા જતા શહેરીકરણ – બે છેડાની વરવી વાસ્તવિક્તાને આ ગઝલ સુપેરે વ્યક્ત કરી શકી છે એવું લાગ્યા વિના રહેતું નથી. શહેર હજી પણ રહેવા જેવું લાગે છે કારણકે શહેરમાં હજી પણ ક્યાંક ને ક્યાંક તો એક ગામ જળવાઈ જ રહ્યું છે. હિમાલયની જગ્યાએ પહેલા સમુદ્ર હતો અને ભૂખંડ ખસતા ખસતા સમુદ્રની જગ્યાએ બરફના તોતિંગ શિખરો ખડકાઈ ગયા એ સંદર્ભ લાગણીહીન, ઉષ્માહીન બનતા જતા મનુષ્યો અને શહેરના હિમાલય તરફ ખસવાની વાતમાં સુંદર રીતે ઉપસી આવે છે.

1 Comment »

  1. સુરે said,

    February 13, 2007 @ 7:44 AM

    આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કહેવાય નહીં .
    એક ચહેરા પર બીજો ચહેરો ચીપકાવી દે કહેવાય નહીં.

    શહેરની સંસ્કૃતિથી ઉબકાવી જવાય જ પણ,
    એ એક કડવી વાસ્તવિકતા છે, કે માનવ સંસ્કૃતિનો અસીમ વિકાસ નગર સંસ્કૃતિથી જ થયો છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment