ન કરો – ભગવતીકુમાર શર્મા
ફૂલને ફૂલ સ્વરૂપે જુઓ, ગજરો ન કરો;
ખુશ્બો ચૂપચાપ પ્રસારો, એનો જલસો ન કરો!
જળ છે, ખારાશ છે, ભરતી છે, અજંપો પણ છે.
તો ય માઝામાં રહો, આંખોનો દરિયો ન કરો !
પાનખરની ય અદબ હોય છે; જાળવવી પડે,
જો કે વગડો છે, છતાં ચૂપ રહો, ટહૂકો ન કરો!
સાચી ઓળખનો વધારે હશે સંભવ એમાં,
છો ને અંધાર યથાવત્ રહે, દીવો ન કરો!
છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!
આને ગદ્ય ગઝલ કહીશું?! કદાચ અગેય કહી શકાય તેવી આ ગઝલમાં ઉપરછલ્લી રીતે અકર્મણ્યતાનો સંદેશ આપણને લાગે,પણ સમતાથી સભર જીવન જીવવાનો બહુ જરૂરી સંદેશો આમાં કવિ આપણને આપે છે. જીવનના સૌથી મોટા ભય મૃત્યુનો પણ પરદો ન રાખવાની વાત કરી, કવિ આપણને અજાતશત્રુ બનવાની સલાહ આપે છે. ગીતાના ભારેખમ શ્લોકોનું આવું સરલીકરણ આપણા તનાવ અને મિથ્યા ખ્યાલોથી ભરેલા જીવનને એક હળવાશ આપી જાય છે.
ધવલ said,
February 7, 2007 @ 5:06 PM
સાચી ઓળખનો વધારે હશે સંભવ એમાં,
છો ને અંધાર યથાવત્ રહે, દીવો ન કરો!
– સરસ !
વિવેક said,
February 8, 2007 @ 6:07 AM
આ ગઝલ નથી ગદ્ય ગઝલ કે નથી એ કોઈ રીતે અગેય. આ ગઝલ આ છંદબંધારણમાં લખાયેલી છે:
ગાલગા ગાલલગા ગાલલગા ગાલલગા
આ છંદનું ખેડાણ આપણી ભાષામાં ઓછું થયું છે એટલું જ. સંગીતાત્મકતાની વાત કરીએ તો ખૂબ જ વિખ્યાત દાદરા તાલમાં નિબદ્ધ થતા આ છંદમાં ઉપાડ તાલની બીજી માત્રાથી જ કરવાનો હોય છે… તમે આ ગઝલને ગાવા માંગો છો? ગણગણાવો આ ફિલ્મી ગીતોની પંક્તિઓ અને જુઓ કે આ ગઝલ પણ કેવી સંગીતમય થઈ શકે છે? –
જિંદગી પ્યારકી દો ચાર ઘડી હોતી હૈ…
ફિર વહી શામ વહી ગમ વહી તન્હાઈ હૈ…
ગુજરાતીમાં આ જ છંદમાં લખાયેલી અમૃત ઘાયલની એક ગઝલ અહીં માણો:
મન મરણ પહેલા મરી જાય તો કહેવાય નહીં
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં
અને આજ શાયરની આ જ છંદમાં લખાયેલી એક બીજી ગઝલનો મહાન શેર:
દુઃખ વગર, દર્દ વગર, દુઃખની કશી વાત વગર
મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર.