ઊભરો રહે ન દિલમાં ન બદનામીઓનો ડર,
શોધું છું ભેદ કહેવાને નબળાં સ્મરણના દોસ્ત.
મરીઝ

ગઝલ – ગની દહીંવાલા

ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું.

જો કહું વિનમ્રભાવે તો સૂરજ સુધી ગયો છું
કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું.

હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા,
ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું.

આ હૃદય સમો તિખારો છે દઈ રહ્યો ઈશારો,
કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું.

નથી કંઈ પ્રયાણ સરખું અને પથ કપાઈ ચાલ્યો
નથી કાફલાની હસ્તી અને હું ભળી ગયો છું.

બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,
ન જિવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું.

ગની પર્વતોની સામે આ રહ્યું છે શીશ અણનમ
કોઈ પાંપણો ઢળ્યાં ત્યાં હું ઝૂકીઝૂકી ગયો છું.

– ગની દહીંવાલા

ગનીચાચાની આ મજાની ગઝલના દરેક શેર સામે નતમસ્તક થયા વિના રહી શકાતું નથી… બસ, એને વાંચીને જ માણીએ… (આ ગઝલના ચૂકી ગયેલા બે શેર તરફ અછડતો અંગૂલિનિર્દેશ કરવા બદલ જયશ્રીનો ખૂબ ખૂબ આભાર…)

1 Comment »

  1. Jayshree said,

    February 4, 2007 @ 2:01 PM

    સાચે જ… ખૂબ જ મજાની ગઝલ છે.. મને સૌથી ગમતી વાત ઃ કોઈ પાંપણો ઢળ્યાં ત્યાં હું ઝૂકીઝૂકી ગયો છું.

    વિવેકભાઇ…
    વાંચવાની સાથે આ સાંભળવાનો પણ એક લ્હાવો છે.
    પંકજ ઉધાસના સ્વરમાં આ ગઝલ અહીં સાંભળો..

    http://tahuko.com/?p=447

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment