શબ્દો છે શ્વાસ મારા અને કાવ્ય પ્રાણ છે,
ચારેતરફ આ લોહીમાં અક્ષરની આણ છે.
વિવેક મનહર ટેલર

ગઝલ – શેખાદમ આબુવાલા

સુરાલયમાં જાશું જરા વાત કરશું
અમસ્તી શરાબી મુલાકાત કરશું

મુહબ્બતના રસ્તે સફર આદરી છે
મુહબ્બતના રસ્તે ફના જાત કરશું

જમાનાની મરજીનો આદર કરીને
વિખૂટાં પડીને મુલાકાત કરશું

સલામત રહે સ્વપ્ન નિદ્રાને ખોળે
કરી બંધ આંખો અમે રાત કરશું

સુરાલયમાં, મસ્જિદમાં, મંદિરમાં, ઘરમાં
કે
આદમ કહો ત્યાં મુલાકાત કરશું

–  શેખાદમ આબુવાલા

શેખાદમની કવિતાઓ પ્રત્યે મને અને ખાસ તો ધવલને, પહેલેથી જ થોડો પક્ષપાત રહ્યો છે. એની ગઝલો કલમમાંથી ઓછી અને દિલમાંથી વધુ આવતી લાગે. એના શેરોમાં ક્લિષ્ટતા કે દુર્બોધતા જવલ્લે જ જોવા મળે. કોઈ મજાના વોશિંગ પાવડરથી ધોઈને ખાસ્સા મજાના બગલા જેવા સફેદ કર્યા હોય એવા ચોખ્ખા શેરોની આ એક ટૂંકી ગઝલ મારી વાતની પુષ્ટિ  માટે.

1 Comment »

  1. ધવલ said,

    February 10, 2007 @ 11:26 PM

    સુરાલયમાં, મસ્જિદમાં, મંદિરમાં, ઘરમાં
    કે ‘આદમ’ કહો ત્યાં મુલાકાત કરશું

    સરસ વાત !

    હા, શેખાદમ મારો પ્રિય શાયર છે. એમની ગઝલો એમના જીવનનું પ્રતિબિંબ છે. ક્યાંય કશું મારીમચડીને અઘરું બનાવવાનો પ્રયાસ નથી કર્યો. એમના મુક્તકો એ ખરા અર્થમાં મુક્તકો – ‘મુક્ત વિચારો’ છે. વિનોદ ભટ્ટે કહ્યુ છે એ ખરું છે – શેખાદમ એટલે ગ્રેટાદમ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment