કોતરાતાં ગયાં બેઉ એક ટાંકણે,
સુખને આકાર છે, દુ:ખ નિરાકાર છે.
રઈશ મનીઆર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વારિજ લુહાર

વારિજ લુહાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ખાલી ઠીબ - વારિજ લુહાર
હજીયે આંખ શોધે છે - વારિજ લુહારહજીયે આંખ શોધે છે – વારિજ લુહાર

હજીયે આંખ શોધે છે તરાપો રોજ પાણીમાં,
અને ડૂબી મરે છે કૈંક શ્વાસો રોજ પાણીમાં.

હવે વરસાદ આગાહી બનીને વસ્ત્ર ઉતારે,
અને લૂંટે તરસનો પણ મલાજો રોજ પાણીમાં.

વિખેરી મૌન વરસોનું કિનારે કોક તૂટે છે,
વમળ સાંભળે ભેદી અવાજો રોજ પાણીમાં.

નદી જો આંખ મીંચે તો ફરી દેખાય પરપોટા,
પવનની પણ કપાતી જાય પાંખો રોજ પાણીમાં.

વહે છે ખાનગી રીતે ભળે છે સાવ ખુલ્લામાં,
પછી કયા કારણે આવે ઉછાળો રોજ પાણીમાં ?

– વારિજ લુહાર

આંસુભીની આંખ દુખસાગરમાંથી પાર થવા સતત કોઈક સહારાની શોધમાં છે પણ આ આંસુમાં રોજ કંઈ કેટલી આશાઓ- કેટલા શ્વાસ ડૂબી મરે છે ! વરસાદની આગાહી તો હોય પણ નિર્વસ્ત્ર વરસાદ તરસનુંય માન ન રાખીને આવે જ નહીં એ કેવો અભિશાપ ! સરવાળે મજાની ગઝલ…

Comments (7)

ખાલી ઠીબ – વારિજ લુહાર

મારું નસીબ છે હજી મારા નસીબમાં,
તેથી જ રોજ હોય છે તુયં પણ નજીકમાં.

ત્યારે કદાચ આવશે પંખી નવાં-નવાં,
જળનું હશે ન એક પણ ટીપુંય ઠીબમાં.

મારો અવાજ શોધશે મારા અવાજને,
દરિયોય હાથ લાગશે ક્યારેક છીપમાં.

પળનો હિસાબ છેવટે પળમાં જ માગશે,
કંઈ પણ પછી ન ચાલશે દાવા-દલીલમાં.

ઊડી ગયેલ પાંખનો ઉકેલ શોધતાં,
મળશે ખરેલ એક-બી પીંછાં જ ઠીબમાં.

– વારિજ લુહાર

છીપમાં દરિયો મળી આવે એવી ઊંડી ગઝલ…

(ઠીબ = મોટું પહોળું અને ઊંડું ઠીકરું)

Comments (9)