હોય ઉત્તર બધાં રહસ્યોનાં,
આપણાથી જ ક્યાં પૂછાયું છે?
દેવાંગ નાયક

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ચંદ્રકાન્ત શેઠ

ચંદ્રકાન્ત શેઠ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સાદ ના પાડો – ચંદ્રકાન્ત શેઠ

બારીમાંથી ગગન પાડતું સાદ!
.                          સાદ ના પાડો.
અમે દીવાલો, નથી અમારે પાંખ:
.                          સાદ ના પાડો.

સૂનકારને સાગર અમને ડૂબ્યાં જાણો વ્હાણ,
ક્યાંથી જાણો તમે અમોને છે પથ્થરના કાન?
પડછાયાની આંખો, એને નથી તેજની જાણ:
.                                             સાદ ના પાડો.

જલ છોડીને કમલ આવશે ક્યાંથી રે આ રણમાં?
ખરી ગયેલું ફૂલ ખીલશે ક્યા કિરણથી વનમાં?
ઘુવડનાં માળામાં આવી સૂરજ પાડે સાદ!
.                                                 સાદ ના પાડો.
.                      અમે દીવાલો, નથી અમારે પાંખ:
.                                                 સાદ ના પાડો.

– ચંદ્રકાન્ત શેઠ

સંવેદના ગુમાવી બેઠેલા માણસોનું રાષ્ટ્રીય ગીત બની શકે એવી અદભુત રચના. મનુષ્યનું બહારની દુનિયા સાથે પુનઃસંધાન કરી આપવાની વ્યવસ્થાનું બીજું નામ જ બારી. બારણાં કેવળ આવજા માટે વપરાય, પણ બારીનો હાથ ઝાલીને આપણે અસીમ આકાશની સફરે ઊપડી શકીએ છીએ. કંઈ એમનેમ મીરાંબાઈએ ગાયું હશે કે, ઊંચે ઊંચે મહલ બનાઉં, બીચ બીચ રાખું બારી? દીવાલો જેવી આપણી જડ સંવેદનાની વચ્ચે ક્યાંક લાગણીની એકાદી બારી ભૂલથી રહી ગઈ હોય એને પ્રકૃતિ સાદ દઈ રહી છે, પણ આપણી પાંખો તો દીવાલોમાં જ ચણાઈ ચૂકી છે, એટલે આપણે એમ જ કહેવું પડે ને કે અમને સાદ ના પાડો! સૂનકારના સાગરમાં ડૂબી ચૂક્યાં હોય એવાં વ્હાણ છીએ આપણે. આપણાં કાન પણ પથ્થરનાં. પડછાયાના અંધારની બનેલી આપણી આંખોને તેજની જાણ કઈ રીતે હોય? ઘુવડના માળામાં આવીને સૂરજ સાદ પાડે તો કોણ સાંભળે?! પથ્થર થઈ ગયેલી ચેતનાને સંકોરતું-ઝંઝોડતું આ ગીત એના પ્રવાહી લય અને ચુસ્ત બાંધાને લઈને વધુ સંતર્પક બન્યું છે.

Comments (4)

જલને જાણે… – ચંદ્રકાંત શેઠ

જલને જાણે ફૂલ ફૂટિયાં,
.                જલને આવ્યાં પાન,
જલને આવ્યું જોબન,
.                એનો ઊઘડ્યો અઢળક વાન. –

જલ ચાલ્યું ત્યાં રેલો ફૂટયો,
.                જલ નાચ્યું ત્યાં ઝરણું,
ભયું સરોવર, જલ જ્યાં મીંચી
.                આંખ માણતું સમણું. –

જલ તો મીઠા તડકે નાહ્યું,
.                કમલસેજમાં પોઢ્યું,
કોક મોરને ટહુકે જાગ્યું,
.                હસતું દડબડ દોડ્યું ! –

ટપ ટપ ટીપાં ટપકે,
.                જલની આંખો સાથે ઝબકે,
કરતલમાં જ્યાં ઝીલો,
.                મોતી મનમાં સીધાં સરકે. –

ભીતર બેઠાં રાજહંસને પરશે જ્યાં એ મોતી,
રાજહંસ મોતીમાં છૂપ્યું માનસ રહેતાં ગોતી.

– ચંદ્રકાન્ત શેઠ

ખૂબ જ જાણીતી અને માણીતી રચના. વરસાદની ઋતુમાં આકાશથી વરસતું જળ સમગ્ર સૃષ્ટિના નવોન્મેષનું કારણ બને છે એમાં કોઈ નવી વાત નથી, પણ કવિતા ત્યારે બને છે જ્યારે કવિ સૃષ્ટિના સ્થાને ખુદ જળનો જ નવોન્મેષ થતો જુએ છે. વરસાદમાં ફૂલ-પાન ફૂટવાથી ઝાડ-છોડનું જોબન ખીલે છે ને વાન ઊઘડે છે, પણ કવિ ફૂલ-પાનની સોબતમાં જળનો જ વાન ઊઘડતો જુએ છે. સાચું છે… કોઈને નવજીવન આપવામાં આપણે કારણભૂત બનીએ ત્યારે જેને નવજીવન મળે એ તો ખીલી જ ઊઠે પણ આપણને પણ કેવો પરિતોષ થતો હોય છે! બસ, આ જ પરિતોષ કવિ જળમાં જીવંત થતો જોઈ શકે છે. આ દૃષ્ટિ જ કવિને સામાન્યજનથી અલગ તારવી આપે છે ને! ગીતમાં આગળ કવિ જળના નાનાવિધ સ્વરૂપોને પોતાની આગવી અનૂઠી રીતે નવ્યઓપ આપે છે જે ગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે. જળબુંદને આપણે જ્યારે હથેળીમાં ઝીલીએ છીએ ત્યારે એનો સ્પર્શ હાથ અને હૈયા –બંનેમાં અનુભવાય છે. જળબુંદની ભીનાશ, કુમાશ અને તાજગી મનના માનસરોવરમાં તરતા રાજહંસને સ્પર્શે છે અને રાજહંસને, આત્માને જીવનના અર્થ સાંપડે છે… ન્હાનાલાલના ‘જયા-જયન્ત’માં જયાનું એ ગાન -‘અમારાં નીર આ સુહાવો, ઓ રાજહંસ ! હૈયાને સરોવરે આવો; હૈયાને સરોવરે આવો’- યાદ આવ્યા વિના રહેતું નથી. .

Comments (5)

ગમે શિયાળુ તડકો! – ચંદ્રકાન્ત શેઠ

ગમે શિયાળુ તડકો,
લાડુ સાથે ગરમ દાળનો જેવો હોય સબડકો!

કૈલાસેથી શિવના તપની ઉષ્મા સ્પર્શે જાણે!
માતાની છાતીની હૂંફ શું તનમન બંને માણે!
સૂરજ શિયાળે અચ્છો લડકો! રમીએ અડકોદડકો!

ચંદન જેમ ઉનાળે, તડકો ગમતો એમ શિયાળે!
ઠંડીને વળગીને તડકો મલકે વ્હાલે વ્હાલે!
શરારતી થઈ તડકો કેવો મને ભેટવા અડક્યો!

શિયાળાની ડોકે સગડી તડકો લાગે એવો!
ફૂલ ખીલવી શૈશવ-ગાલે તડકો મલકે કેવો!
શેડકડું દૂધ પીવા અહીં શું આવ્યો છે ફક્કડ કો!

– ચંદ્રકાન્ત શેઠ

આમ તો શિયાળો સમય પહેલાં ઓસરી ગયો છે અને ઉનાળો આવે એ પહેલાં ચોમાસુ અવારનવાર ડોકિયાં કરી રહ્યું છે. પણ કવિતાની ખરી મજા એ છે કે સમય એને સ્પર્શી શકતો નથી. કવિતા ભરશિયાળે ગરમાટો આપી શકે અને ભરઉનાળે ટાઢકથી નવડાવી શકે. શિયાળુ તડકાની વાત કરતા આ ગીતની ખરી મજા કૈલાસ અને શિવના એક રૂપકને બાદ કરતાં રોજિંદી જિંદગીની ઘટમાળમાંથી શોધી કઢાયેલ રૂપકોમાં છે. એક જ દાખલો લઈએ- લાડુ સાથે ગરમ દાળના સબડકા જેવું અદભુત રૂપક ગુજરાતી કવિતાએ કેટલીવાર ચાખ્યું હશે, કહો તો!

Comments (6)

(ગોદ માતની કયાં) – ચંદ્રકાંત શેઠ

છત મળશે ને છત્તર મળશે , ગોદ માતની કયાં ?
શયનખંડ ને શય્યા મળશે, સોડ માતની કયાં ?

રસ્તો મળશે, રાહી મળશે,રાહત માની કયાં ?
ચાંદ, સૂરજ ને તારા મળશે, આંખો માની કયાં ?

પલ્લવ ને પુષ્પો તો મળશે,પાલવ માનો કયાં ?
સૂર,તાલ ને સંગીત મળશે,ટહૂકો માનો કયાં ?

હાજર હાથ હજાર હોય,પણ છાતી માની કયાં ?
બારે ઊમટે મેહ,હેતની હેલી માની કયાં ?

ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની કયાં ?
ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની કયાં ?

– ચંદ્રકાન્ત શેઠ

ગુજરાતી સાહિત્યાકાશમાં વિવેચનતારકોનો લાંબા સમયથી ભારી શૂન્યાવકાશ સર્જાયો છે. પરિણામે લખો એ કવિતા જેવું વાતાવરણ સર્જાયું છે. આ અંધેરનગરીમાં ઉદયન ઠક્કર જેવા કોઈક હજી છે એનો આનંદ. ચંદ્રકાન્ત શેઠ જેવા લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર અને વિવેચક તથા સમસ્ત ગુજરાતી પાઠ્યપુસ્તક મંડળની કૃતિચયનવિધિ પર પ્રકાશ ફેંકવાની આવી હિંમત આજે બીજા કોઈમાં તો દેખાતી નથી… ઉદયન ઠક્કરની કલમે આ રચના અને જેના થકી મરું-મરું થઈ રહેલી ગુજરાતી ભાષા જીવવાની નજીવી આશા હજી રહી ગઈ છે, એ પાઠ્યપુસ્તક વિશે શી અપેક્ષા છે એ જાણીએ:

પાઠ્યપુસ્તકમાંની કવિતાઓ – ઉદયન ઠક્કર

આ રચના ગુજરાત રાજ્યના ધોરણ નવમાના પાઠ્યપુસ્તક માટે પસંદ કરાઈ છે.રાજ્યભરના કિશોરો સામે આદર્શરૂપે મુકાતી કૃતિ પાસે, સ્વાભાવિક છે કે આપણે મોટી અપેક્ષા લઈને જઈએ. પહેલાં રચનાનું બાહ્યરૂપ તપાસીએ. પાંચમાંથી ત્રણ સ્ટાન્ઝા (શ્લોક)માં અંત્યાનુપ્રાસ સચવાયા છે. પરંતુ બીજા (રાહત-આંખો) અને ત્રીજા (પાલવ-ટહુકો) શ્લોકમાં અંત્યાનુપ્રાસ જળવાયા નથી. ચાર શ્લોકમાં અંતે ‘માની ક્યાં/માનો ક્યાં’ પદ આવે છે, પણ પહેલા શ્લોકમાં ‘માતની ક્યાં’ પદથી ચલાવાયું છે. આ કારણોસર રચનાનું શિલ્પ ખંડિત થતું લાગે છે.

હવે આંતરિક સૌંદર્ય તપાસીએ. ‘હેતની હેલી,’ ‘માની છાયા’ જેવા પદયુગ્મો નિશાળના નિબંધોમાં દાયકાઓ સુધી વપરાતાં રહીને પોતાની વ્યંજકતા ખોઈ બેઠાં છે. ઉનાળો પણ ‘ભર્યો’ અને શિયાળો પણ ‘ભર્યો’? ‘ગોદ’ અને ‘સોડ’ વચ્ચેની ભેદરેખા પાતળી હોવાથી પહેલી અને બીજી પંક્તિમાં પ્રશ્નનું પુનરાવર્તન થતું લાગે છે. ‘શયનખંડ’ અને ‘શય્યા’ને ‘સોડ’ સાથે સંબંધ છે એ સાચું, પણ ‘છત’ (તાપ-વર્ષા સામે રક્ષણ) અને ‘છત્તર’ (માન-મોભો)ને ભલા ‘ગોદ’ સાથે શો સંબંધ? ‘માની છાતી’ પ્રયોગ ગ્રામ્ય લાગે છે, ‘હૈયું’ જેવો કોઈ વિકલ્પ શોધી શકાતે.

અહીં શયનખંડ-સોડ, રાહી-રાહત, પલ્લવ-પાલવ, સંગીત-ટહુકો,હાથ-છાતી, મેહ-હેલી એવાં જોડકાં ગોઠવવામાં આવ્યાં છે, જેમાં કળાકૌશલ્ય કરતાં ગણિતકૌશલ્ય વધુ દેખાય છે. મા જેવો વિષય હોવા છતાં સંવેદન વર્તાતું નથી. માની આંખોને ચાંદ-સૂરજ-તારાની ઉપમા આપતા બીજા શ્લોકને મેઘાણીના ગીત ‘માની યાદ’ સાથે સરખાવી જોઈએ:

કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ.
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ.
સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું,
માની આંખો જ જાણે જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું.
તગમગ તાકતી ખોળલે લૈ,
ગગનમાં એ જ દ્રગ ચોડતી ગૈ…
(ટાગોરના ગીતનો અનુવાદ)

કિમ્ બહુના? વધારે કહેવાની જરૂર ખરી?

શ્રી ચંદ્રકાન્ત શેઠ સહ-સંપાદિત ‘ગુજરાતી કાવ્યમુદ્રા’માં, આજથી સો વર્ષ પૂર્વે રચાયેલું દા.ખુ. બોટાદકરનું ગીત ‘જનની’ સ્થાન પામ્યું છે:

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તો મોરી માત રે
…વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે.
જનનીની જોડ સખી! નહિ જડે રે લોલ.

ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના સંપાદકોને એવું મન નહિ થતું હોય, કે પોતે શીખ્યા હતા તેવા જ સુંદર ગીતો આજના કિશોરો સમક્ષ પણ મૂકે?

-ઉદયન ઠક્કર

Comments (14)

અઢળક જોયું – ચંદ્રકાંત શેઠ

ઊંડું જોયું, અઢળક જોયું;
મનમાં જોયું, મબલખ જોયું.

ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ,
કોક ગેબના તળિયાનાં મહીં ઝલમલ ઝલમલ મોતી!

તળિયે જોયું, તગતગ જોયું;
ઊંડે જોયું, અઢળક જોયું.

માટીથી આ મન બંધાયું ને મનથી કૈં મમતા;
એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા!

જળમાં જોયું, ઝગમગ જોયું;
ઊંડે જોયું, અઢળક જોયું.

આ ઘર, ઓ ઘર કરતાં કરતાં, ઘૂમી વળ્યા આ મનખો;
ધૂણી-ધખારે ઘટ ઘેર્યો પણ અછતો રહે કે તણખો?

પલમાં જોયું, અપલક જોયું;
હદમાં જોયું, અનહદ જોયું;
ઊંડું જોયું, અઢળક જોયું.

– ચંદ્રકાંત શેઠ

ઘૂંઘટ કા પટ ખોલ રે તોહે પિયા મિલેંગે……ગેબી કશું નથી, અદ્રશ્ય કશું નથી, માત્ર દ્રષ્ટિ ખૂલી નથી…..

Comments (4)

ઉછાળ દરિયા – ચંદ્રકાન્ત શેઠ

ઉછાળ દરિયા, ઉછાળ પ્હાડો, ઉછાળ માટી-પંડ;
ઉછાળ મનવા, મુઠ્ઠી ખોલી સકળ બ્રહ્મનું અંડ !
હોય હવે નહીં બંધન-બાધા, ધોધે ધસમસ ધસવું;
એકીશ્વાસે ચડી હવે તો મેરુ-માથે વસવું !
.                        હૈયે બારે મેઘ ઊમટ્યા, વરસે વ્હાલ પ્રચંડ !
નાવે નાવે પાંખ ઊઘડે, ગગન ઊઘડે દરિયે !
ગ્રહ-તારાની ભીડ મચી શી ! ચાંદ-સૂરજ આ ફળિયે !
.                       વાટઘાટ-ઘર-ગામ ડૂબતાં પામું બધું અખંડ !
વામનજીના કીમિયા કેવા ! કણ કણ વિરાટ ખૂલે,
શેષનાગની શય્યા છોડે અનંત અંદર ઝૂલે,
.                       છોળે છોળે છંદ છલકતા જલ જલ ચેટીચંડ !

– ચંદ્રકાન્ત શેઠ

પ્રેમની અનુભૂતિ કેવી અદભુત છે. સ્વનું સંધાન માત્ર સર્વ સાથે જ નહીં, સર્વસ્વ એવા બ્રહ્મ સાથે થઈ જાય છે. હૈયામાં પ્રચંડ વહાલ વરસે ત્યારે ક્ષણમાં સદી ને કણમાં બ્રહ્માંડ મહસૂસ થાય છે.

 

 

Comments (3)

ક્યાં છે પેલું રૂપ ? – ચન્દ્રકાન્ત શેઠ

ક્યાં પેલું રૂપ અને ક્યાં પેલી માયા ?
અહીં તો કેવળ લંબાયેલી અભાવની રણછાયા !

હાથ મહીંના સ્પર્શ હૂંફાળો,લોચન ખાલી માયા !
ક્યાં પંખીના કલરવ મીઠા ? ઊડવાં ક્યાં રઢિયાળાં ?
શૂન્ય આભની તળે જોઉં છું :
માંડ જાળવી રાખેલા કો
પારેવાનાં શ્વેતલ પિચ્છ વિખાયાં !
ક્યાં પેલું રૂપ અને ક્યાં પેલી માયા ?

આંબે આંબે કાન માંડતો, એ ટૌકો નહિ પામું !
નજર ઠેરવું ત્યાં ત્યાં જાણે કશુંક બળતું સામું !
મારા ઘરની તરફ પડ્યા તે
કેમ કેમ એ નાજુક પગલાં
પાછાં વળે વીંધાયાં ?
ક્યાં પેલું રૂપ અને ક્યાં પેલી માયા ?

અંદર ખાલી, બહાર ખાલી, તરસ ત્વચા પર તતડે ;
હસીખુશીની હવા અરે શી ગભરુ ગભરુ ફફડે !
ખરી ગયેલાં ફૂલો જોઉં છું
કેમ કેમ રે ભરી વસંતે
એનાં હાસ્ય વિલાયાં ?
ક્યાં પેલું રૂપ અને ક્યાં પેલી માયા ?
અહીં તો કેવળ લંબાયેલી અભાવની રણછાયા !

– ચન્દ્રકાન્ત શેઠ

ઘણાં વખતે એકદમ classical ગીત વાંચવા મળ્યું…..નખશિખ રળીયામણું !!

Comments (4)

સાવન છકી ગયેલો – ચંદ્રકાન્ત શેઠ

સાવન કેવો છકી ગયેલો !
દશે દિશાઓ ભેગી ડ્હોળી દેવા જકે ચઢેલો. –

ડુંગર ડુંગર હનૂમાનની જેમ ઠેકડા ભરતો,
હાક પાડતો ખીણોનાં ઊંડાણ ઊંડેરાં કરતો,
સમદરને પણ હરતાં ફરતાં જાય દઈ હડસેલો. –

સોનાની લઈ વીજસાંકળો આભે થડ થડ દોડે,
બાંધી તાણે ક્ષિતિજ ચઢે શું હળધર સામે હોડે ?
નવલખ તારા, ગ્રહો, સૂરજ – સૌ હડપ કરી વકરેલો. –

– ચંદ્રકાન્ત શેઠ

મેઘરાજ ઓણસાલ બરાબર મંડ્યા છે. એક તો એપોઇન્ટમેન્ટ કરતાં દસ દિવસ વહેલા આવી ટપક્યા અને આવ્યા પછી એકેય દિવસ કોરો છોડતા નથી… સમગ્ર દક્ષિણ ગુજરાત જળબંબાકાર થઈ ગયું છે એવામાં આ ગીત યાદ ન આવે તો જ નવાઈ.

દશે દિશાઓને જાણે ડહોળી નાંખવાની જીદે ન ચડ્યો હોય એમ છાકટો થઈ વરસતો વરસાદ સમગ્ર સૃષ્ટિનો કોળિયો કરતો ન હોય એમ વકર્યો છે એ વાત અહીં કેવી સરસ રીતે લયાંવિત થઈ છે !

Comments (6)

હું ખેડું, તું વાવ – ચંદ્રકાન્ત શેઠ

હું ખેડું, તું વાવ,
આપણા ખેતર સૌ લ્હેરાવ,
હું વેડું, તું લાવ,
આપણી દોસ્તીનો એ દાવ.

કર માખણ-શી માટી મારી,
તારે ચાક ચડાવ,
ઘડા-કુલડી-માટ-કોડિયાં
ખપનાં ઠામ ઘડાવ,
હું પાકું એમ પકાવ,
હું દીપ ધરું, દરશાવ !

ઊંડો ખોદું કૂપ, ઝરણથી
તારાં એ ઊભરાવ,
તળિયું તરતું થાય, તલાવે
જળ એવાં છલકાવ !
હું ખૂલું, તું આવે !
આપણો જલસે થાય જમાવ !

– ચંદ્રકાન્ત શેઠ

ઇશ્વર સાથેની દોસ્તીનું એક મધુરું ગીત.. તળિયાને તરતું કરાવવાની વાતમાં આ ભક્તિભાવ કવિતાના સ્તરે પહોંચે છે…

Comments (6)

અનહદમાં હળવું હળવું – ચંદ્રકાન્ત શેઠ

હદમાં લાગે ભાર ભાર, અનહદમાં હળવું હળવું
ભયમાં સઘળું ભાર ભાર, નિર્ભયમાં હળવું હળવું ! –

બૂડે છે જે ભાર ભાર ને ઊડે છે જે હળવું;
બંધ થાય ત્યાં ભાર ભાર, ખૂલવામાં હળવું હળવું ! –

અડિયલ – એનો ભાર ભાર, અલગારી – એનું હળવું;
અક્કડ – એનો ભાર ભાર, ફક્કડનું હળવું હળવું ! –

સૂતાં લાગે ભાર ભાર, પણ હરતાં ફરતાં હળવું;
અંધારામાં ભાર ભાર, અજવાળે હળવું હળવું ! –

લેતાં લાગે ભાર ભાર, પણ દેતાં હળવું હળવું;
‘હું’ની અંદર ભાર ભાર, ‘હું’ – બહાર હળવું હળવું ! –

– ચંદ્રકાન્ત શેઠ

ગણગણ્યા વિના વાંચી જ ન શકાય એવું લોકગીતની ઢબનું પ્રથમ દૃષ્ટિએ સાવ હળવું હળવું પણ ગૂઢાર્થમાં ભારે ભારે એવું મસ્ત મજાનું ગીત… એકવાર ગણગણી લો પછી ફરીથી વાંચો અને જુઓ, એના અર્થનાં આકાશ કેવાં ઊઘડે છે !

Comments (4)

આ તે કેવું સવાર ? – ચંદ્રકાન્ત શેઠ

આ તે કેવું સવાર, જેમાં અંધકાર તે જાગે ?!
આ તે કેવો ઉઘાડ, જેમાં બંધિયાર સૌ લાગે ?!

આટઆટલા રસ્તા તોયે
નથી જવાતું ઘેર;
કેટકેટલું રવડ્યા- રખડ્યા,
તોય ઠેરના ઠેર!
જોઉં જોઉં આ જળ જે મીઠું ખારે દરિયે ભાગે !
વહાલપનાં જે વેણ નીકળ્યાં વજ્જર થૈને વાગે !

કેવી કેવી આશાઓની
પૂરી’તી રંગોળી !
કોનાં પગલાં આડાં ઊતરી
એને રહ્યાં ડખોળી !
આ તે કેવાં મોતી, જેને મરજીવો નહીં માગે !
આ તે કેવી નજર, તેજના તળિયાને નહીં તાગે !

– ચંદ્રકાન્ત શેઠ

કવિ કોઈ જવાબ આપતા નથી પણ ઘેરા ભાવના વિષાદમાં તરબોળ કરી દે છે…

Comments (5)

કક્કાજીની અ-કવિતા – ચંદ્રકાંત શેઠ

કક્કાજીને કાજે કવિતા નથી આ.
ને બહેરી બારાખડી માટેની બોલી નથી આ.
છંદની છ હજાર વર્ષ જૂની ચાલથી
ઓગણીસો ચુમ્મોતેરને કેમ ચલાવવો ?
ગદર્ભો તો હજુયે ગોવર્ધનરામના ગોદામમાંથી ગદ્ય લાવીને
ગાંધી રોડ પર ફરે છે પાઘડી ને ખેસ નાખીને,
પણ તેથી ટ્રાફિક જામ થવાના ઘેરા પ્રશ્નો સર્જાયા છે આજકાલ !
મીંચેલી આંખે
ઈસવી સન પૂર્વે જોયેલા એક સૂરજને યાદ કરી
આજના સૂર્યોદયે
કાપડની મિલના ભૂંગળાં
ગાયત્રીને બદલે વ્હીસલ સંભળાવે છે
તેથી બેચેન છે બાવન કુલ ભદ્રંભદ્રનાં.
તેઓ તો  ઈચ્છે છે :
આ ભાષાને ચોળીચણિયો ને પાટલીનો ઘેર સજીને
વટસાવિત્રીનું વ્રત કરતી
ને સુકાઈ ગયેલા વડની ચોફેર દિનરાત સૂતરના આંટા મારતી જોવાને !
પણ ભાષાને ભેટી ગયો કોક અલગારી !
કંઈક એવું ઘુસાડ્યું બખડજંતર એના દિમાગમાં,
કે
એક સવારે
ભાષા
શુદ્ધ બ્રાહ્મણિયા રસોઈ જમવાનો આગ્રહ છોડી
ચાલવા માંડી અમારી સાથે – અમારા રોજના જીવનના માર્ગે.
ભાષા હવે અમારી જેમ ખાય છે, પીએ છે ને હરેફરે છે.

– ચંદ્રકાંત શેઠ

કવિતા વાંચીને ગરમ થવાની જરૂર નથી, નરમ થવાની જરૂર છે.

ભાષાએ સુંદર વસ્ત્રપરિધાન કરીને બેઠેલી સ્પર્શથી પર એવી સુંદરી નથી. એતો છોકરાને કેડ પર બાંધીને સતત કાર્યરત એવી પ્રસ્વેદવદન તેજસ્વી નારી છે.

ભાષા આપણી મા છે. અને માને ખૂણામાં બેસી રહેવાનું પાલવે નહીં.

ઘણા લોકોને એવો ભ્રમ માફક આવી ગયો છે કે લેખકો લખે એ જ ખરી ભાષા છે. ખરી ભાષા તો એ છે જે લોકોની જીભ પર જીવે છે. લેખકો (ને કવિઓ)ની કલમ તો માત્ર એ જીભનું સાચું અનુકરણ પણ કરી શકે તો કૃતાર્થ ગણાય.

ભાષાના પગલાં કુમકુમવરણા ન હોય, એ તો ધૂળિયા જ શોભે. એમાં જ એની સચ્ચાઈ છે. એમાં જ એનું ગૌરવ છે.

Comments (7)

નભ ખોલીને જોયું -ચંદ્રકાન્ત શેઠ

નભ ખોલીને જોયું, પંખી નથી નથી;    
જળ ખોલીને જોયું, મોતી નથી નથી. –

સતત છેડીએ તાર,           
                       છતાં કંઈ રણકે નહીં;
આ કેવો ચમકાર ! –         
                                કશુંયે ચમકે નહીં !

ખોલી જોયા સૂર, હલક એ નથી નથી;    
ખોલી જોયાં નૂર, નજર એ નથી નથી. –

લાંબી લાંબી વાટ,              
                          પહોંચતી ક્યાંય નહીં;
આ પગલાં ક્યાં જાય ?
                              મને સમજાય નહીં;

આ તે કેવો દેશ ?! – દિશા જ્યાં નથી નથી !   
આ મારો પરિવેશ ? – હું જ ત્યાં નથી નથી ! –

-ચંદ્રકાન્ત શેઠ

ઘોર નિરાશાનું છતાંયે પોતીકું લાગતું ગીત.  આખા ગીતમાં  ‘નથી નથી’ ની પુનરોક્તિ નિરાશાને સતત ઘૂંટી ઘૂંટીને એવી ઘોળે છે કે જેની ઘેરી અસર ભાવકનાં મન-હૃદય સુધી પહોંચ્યા વિના રહેતી જ નથી…

Comments (9)

(દીપોત્સવીના દીવે દીવે) – ચંદ્રકાન્ત શેઠ

દીપોત્સવીના દીવે દીવે દેવ, આંગણે આવો,
અંધકારનાં બંધન કાપી પ્રભાત મંગલ લાવો. –

ઘર-શેરી ને ગામ સર્વમાં રહો શુદ્ધિ-સમૃદ્ધિ;
રહો અમારા તન-મનમાંયે સુખ-શાંતિ-સંશુદ્ધિ;
નવા ચંદ્રથી, નવા સૂર્યથી અંતરલોક દીપાવો !-

જીર્ણશીર્ણ સૌ નષ્ટ થાય ને ઝમે તાજગી-તેજ;
હાથે-બાથે હળતાં-મળતાં હૈયે ઊછળે હેજ;
નવા રંગથી, નવા રાગથી માનસપર્વ મનાવો !-

આજ નજરમાં નવલી આશા, પગલે નૌતમ પંથ;
નવાં નવાં શૃંગો સર કરવા, આતમ ખોલો પંખ;
નવા દેશના, નવી દિશાના પવન સુગંધિત વાઓ.

– ચંદ્રકાન્ત શેઠ

લયસ્તરો તરફથી સહુ વાચકમિત્રોને દિવાળીની પ્રકાશિત મંગળ કામના અને નવા વર્ષની રંગરંગીન શુભેચ્છાઓ…

Comments (11)

એ જ આવશે ! – ચંદ્રકાંત શેઠ

એનો ફોન !
એનો અવાજ !
આખો મારો વાસ
-મારો અસબાબ અધ્ધર પગે !
આંગણાએ ખોલી દીધા દરવાજા !
ઊંબરાએ ઉઘાડી દીધાં દ્વાર …
બારીઓ ય ખુલ્લી – ફટાક…
ગોખે ગોખે આંખ …
શય્યાના આકાશમાં એક્કેય નહીં વાદળી …
સ્વચ્છ રાત્રિ !
નરી છલોછલ ચાંદની !!
ચાંદ તો પછી દૂર ન હોય …
હોય આટલામાં જ – નજીકમાં …
મેં ચિત્તને કહ્યું : ચકોર થા
પણ એણે તો
ઘરની ઊંચી અટારીએ ચડી
કરવા માંડ્યું છે કા…  કા…
હવે ફોન નહીં,
એ જ આવશે,
એ જ !!

-ચંદ્રકાંત શેઠ

એક અવાજ આખા અસ્તિત્વને કેવું અજવાળી દે છે એની અદભૂત અભિવ્યક્તિ.

Comments (3)

ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ… – ચંદ્રકાંત શેઠ

ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ.
એના મનમાં ખાલી સમય સડે છે.

ચપટી નભ ને ચપટી માટી,
ચપટી વાયુ, ચપટી તેજ,
જરા મળ્યો જે ભેજ,

                     – બધુંયે વ્યર્થ વ્યર્થ બગડે છે.
              દેશકાળને દર્પણ એના ડાઘ પાડે છે:
                      ચંદ્રકાંતનો ચ્હેરો ભૂંસી દઈએ;
એને વેરવિખેર કરીને આ ધરતીમાં ધરબી દઈએ.

ભારેખમ એ ખડક,
              નથી એ ઊછળવાનો મોજાંથી;
વરસે વાદળ લાખ,
              છતાં કોરીકર એની માટી !
વંટોળો ફૂંકાય,
               છતાંય એનો સઢ ન હવા પકડતો !
               લંગર પકડી એ તો લટક્યા કરતો !

શ્વાસ કરોડો ઢીંચી,
પડછાયા સેવ્યા છે એણે આંખો મીંચી.

ચંદ્રકાંતના મન પર લીલ ચઢી છે;
એક માછલી, વરસોથી, કો ગલમાં બદ્ધ પડી છે.
કેટકેટલી તરડ પડી છે, જ્યાં જ્યાં એનાં ચરણ પડ્યાં ત્યાં !
ચંદ્રકાંતથી હવા બગડશે,
                         જલમાં ઝેર પ્રસરશે.

એનાં જે ખંડેરો – એને ખતમ કરી દો વ્હેલાં પ્હેંલાં,
એને   અહીંથી   સાફ   કરી   દો   વ્હેલાં  પ્હેલાં :

એની આંખે સૂર્ય પડ્યા છે ખોટા,
                અને ત્યારથી દિવસ પડ્યા છે ખોટા,
                                      ખોટી રાત છે :

ચંદ્રકાંતને ઝટપટ હળથી ભાંગી ખેતર સપાટ કરીએ,
ચં દ્ર કાં ત ને ભાં ગી ક ણ ક ણ ખ લા સ ક રી એ …

– ચંદ્રકાંત શેઠ

કહે છે કે માણસે પોતાના સૌથી કઠોર વિવેચક બનવું જોઈએ. અહીં તો કવિ પોતાની કવિતાનું નહીં પણ પોતાની જાતનું જ વિવેચન કરવા બેઠા છે. 

ચોખ્ખી વાત છે : ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ. કેમ ? … કારણ કે એનું અસ્તિત્વ વિનાકારણ છે. જે પંચમહાભૂતમાંથી એના દેહનું સર્જન થયું છે એમા એ પાંચેય તત્વોનો તદ્દન બગાડ થયો છે. કોઈ વાતે એ બદલાય એમ નથી. એનું મન એવું અવાવરુ થઈને પડ્યું છે કે એમાં લીલ ચડી છે. કાંટામાં પકડાયેલી માછલી જેવો એ ન તો છૂટે છે અને ન તો નાશ પામે છે. સૂર્ય જેવા સ્વયંપ્રકાશિત સત્યને પણ એ સમજી શકતો નથી અને એટલે એને માટે દિવસ-રાત વ્યર્થ ગયા સમાન છે. એટલે : ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ.

કવિ અહીં પોતાની વાત કરે છે. પણ આ બધી વાત આપણે પોતાના માટે – આપણી અંદર રહેલા અહમ માટે – પણ કરી શકીએ. પોતાની જાતથી આગળ વધીને જે જોઈ શકે છે એ જ વધુ ઊંચા સ્તર પર પહોંચી શકે છે. માર્ગારેટ ફોંટેને કરેલી આ વાત મને બહુ પસંદ છે, The one important thing I have learned over the years is the difference between taking one’s work seriously and taking one’s self seriously. The first is imperative and the second is disastrous !

(ગલ = માછલી પકડવાનો આંકડો)

Comments (5)

શાંત છે ! – ચંદ્રકાંત શેઠ

રમ્ય આ એકાંત છે,
સ્નેહ કેવો શાંત છે !

ચાંદનીની સોડમાં
આજ દરિયો શાંત છે !

મેઘ ઘેરાયો છતાં,
વીજ કેવી શાંત છે !

મૌન મોજે ઉછળે,
શબ્દના સઢ શાંત છે !

ઘૂમટાની આડશે
એક દિવો શાંત છે !

પાંદડે ખળભળ ઘણી,
મૂળ ઊંડે શાંત છે !

એ અહીં આવી પૂગ્યાં,
એટલે ઘર શાંત છે !

હું હવે મારો નથી,
કેટલું મન શાંત છે !

– ચંદ્રકાંત શેઠ
(‘એક ટહુકો પંડમાં’)

શાતા અને સંતોષની કવિતા મળે તો મનને આનંદ થાય છે. એમાં ય વળી આવી ‘શાંતિ’ને ઊજવતી કવિતા મળે તો એનાથી ય વધારે આનંદ થાય. કવિએ નાના નાના શબ્દચિત્રોથી શાંતિના મહિમાને પૂરબહારમાં ગાયો છે. ને અંતે ચરમસીમા જેવી છેલ્લી બે અદભૂત પંક્તિઓ કવિ મૂકે છે – મન શાંત છે એનું કારણ છે કે હું હવે મારો નથી ! એટલે કે આ આખું ગીત ‘શાંતિ’ના મહિમાનું લાગતું હતું એ તો ખરેખર પ્રેમ-ગીત છે ! કોઈ પ્રેમની ઊજવણી ગાઈબજાવીને કરે છે તો કોઈને પ્રેમનો અનુભવ શાંતિ અને સંતોષ તરફ ખેંચી જાય છે…

Comments (9)

આકાશનો સોદો – ચંદ્રકાન્ત શેઠ

સાંકડી શેરીમાં આકાશ વેચવા નીકળેલો હું !
મને સાંકડી શેરીના લોકોએ ગાંડો માન્યો,
મારો હુરિયો બોલાવ્યો,
મને ધક્કે ચડાવ્યો,
મને પથ્થર માર્યા,
મારાં લૂગડાં ફાડ્યાં,
મારી મુઠ્ઠી છોડાવવા પ્રયત્ન કર્યો,
પણ આકાશ ઓછું જ હોઈ શકે મુઠ્ઠીમાં ?

બિચારા સાંકડી શેરીના લોકો !
એમને ખબર નથી
કે આકાશ કંઈ ખિસ્સામાં, પોટલીમાં કે પેટીમાં કે મુઠ્ઠીમાં આવી શકતું નથી !
આકાશ તો એમની આંખોના ઢળેલાં પોપચાં ઊંચાં કરીને હું બતાવવાનો હતો.
આકાશ તો એમને મળવાનું હતું એમનું એમ !
આકાશ વેચવાનું તો એક બહાનું જ હતું માત્ર !
પણ સાંકડી શેરીના લોકો !
મને શેરી બહાર કાઢી
સૂઈ ગયા બારી-બારણાં વાસી ગોદડામાં મોં ઘાલી.

હું ફરીથી ઘસડાતો ઘસડાતો
આકાશ આજે નહીં તો કાલે વેચાશે એવી આશાએ સંકલ્પપૂર્વક લેવા લાગ્યો સુદીર્ઘ શ્વાસ !
આ તો સાંકડી શેરીના લોકો
ને આકાશનો સોદો !
સહેજમાં પતે કે?

-ચંદ્રકાન્ત શેઠ

શ્રી ચંદ્રકાન્ત શેઠનો જન્મ વૈષ્ણવવણિક કુટુંબમાં તા. ૦૩-૦૨-૧૯૩૮ના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ મુકામે. વતન ખેડા જિલ્લાનું ઠાસરા. એમ.એ., પી.એચ.ડી. સુધીનો અભ્યાસ અને અધ્યાપનનો વ્યવસાય. અગ્રણી કવિ, વિવેચક, નિબંધકાર, સંપાદક અને અનુવાદક. વાર્તા, નાટકો અને બાળગીત ક્ષેત્રે પણ મહત્ત્વનું પ્રદાન. એમના કાવ્યોમાં જીવનની કૃતકતા અને અસ્તિત્વના બોદાપણાનો વસવસો છલકાતો નજરે ચડે છે. લય ને કલ્પનોની તાજગી એ એમના કાવ્યોનો મુખ્ય આયામ છે.

(કાવ્યસંગ્રહો: પવન રૂપેરી, ઊઘડતી દીવાલો, પડઘાની પેલે પાર, ગગન ખોલતી બારી, એક ટહુકો પંડમાં, શગે એક ઝળહળીએ, ઊંડાણમાંથી આવે ઊંચાણમાં લઈ જાય…, જળ વાદળ ને વીજ.)

Comments (3)

તું છે મારું શરણ – ચંદ્રકાંત શેઠ

તું છે મારું શરણ,
મને બસ, ગમતું તારું સ્મરણ !

ગગન મહીં આ તારાં લોચન
                ભૂરાં ઊંડાં હસતાં !

તારી હથેલીઓનાં હેત જ
              લહરે લહરે લસતાં !

તારી વાટે, તારા ઘાટે,
              મૂકવાં મારે ચરણ !
મને બસ, ગમતું તારું સ્મરણ !

પ્હાડે પ્હાડે ઉદાર પ્રસરી
              તારી શી છત-છાયા !

રાતદિવસ ઉર ઉજાશ ભરતી
             તારી તેજસ-માયા !

મારા કૂપે, તળિયે તારાં
              ફૂટ્યાં કરે ઝરણ !
મને બસ, ગમતું તારું સ્મરણ !

-ચંદ્રકાંત શેઠ

Comments

ક્યાંક -ચંદ્રકાંત શેઠ

ક્યાંક ઊઘડતું આવે અંતર,
ક્યાંક ઓસરી જાય !
બે આંખોમાં કંઈ કંઈ આવે,
કંઈ કંઈ ચાલી જાય !
ક્યાંક કશું પકડાતું આવે,
ક્યાંક છૂટતું જાય.

-ચંદ્રકાંત શેઠ

Comments (1)

-તો આવ્યાં કને

શોધતો  હતો ફૂલ ને ફોરમ  શોધતી હતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

ક્યાંક રે આંબો ટહુક્યો
          એની મનમાં મ્હેકી વાત,
કમળ જેવો ખીલતો દિવસ,
       પોયણા જેવી રાત.

શોધતો રહ્યો  ચાંદ ને રહી ચાંદની શોધતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.  

આંખ મીંચું ત્યાં
          જૂઈનું ગાલે અડતું ઝાકળફૂલ,
મનમાં હળુક લ્હેરવા લાગે
          વ્યોમની કિરણ-ઝૂલ. 

શોધતો  જેની  પગલી  એનો મારગ શોધે મને,
એકબીજાને શોધતા ગયાં દૂર, તો આવ્યાં કને.

– ચંદ્રકાંત શેઠ

Comments (1)