જળ માનીને ડૂબકી દીધી… – ચંદ્રકાન્ત શેઠ
જળ માનીને ડૂબકી દીધી, જળમાં લાગી ઝાળ;
ડુંગર માની ઊપડ્યા, આવી આડે ખીણ કરાળ! —
ક્યાં ચઢવાનું? ક્યાં ઊડવાનું?
. એક જાળમાં બંધ;
લાખ પેટવો દીવા, અહીં તો
. દરેક જ્યોતિ અંધ!
પગલી દેખી પગલું માંડ્યું, લપસ્યા અવળે ઢાળ!
ડાળે બેઠા માળો કરવા, અધવચ ફસડી ડાળ! —
ટીપે ટીપે કાંઠો તૂટે,
. મોજે મોજે નાવ;
શઢના લીરે લીરે કેવા
. ઝંઝાનિલના ઘાવ!
મોતીની જ્યાં માયા રૂઠી, રેત બની ગૈ રાળ;
જેમ વરસવા ઊંચે ઊઠ્યા, અંદર થયા વરાળ! —
– ચંદ્રકાન્ત શેઠ
જીવનમાં કશું જ ધાર્યું ન થતું હોય એવી પળોનું ગીત. ગીતની દરેકેદરેક પંક્તિમાં એક નવીન રુપકને ખપમાં લઈને કવિએ બદનસીબી અને નિષ્ફળતાની હૈયાવરાળને બરાબર ઘૂંટી છે. અને આ કવિતા છે. કવિતા ક્યારેક સમસ્યા સૂચવે, ક્યારેક વળી ઉદાર થઈને સમસ્યાનો ઇલાજ પણ બતાવી દે; પણ સંસારની સમસ્યાઓનો ઈલાજ આપવાની જવાબદારીનો કાયમી બોજો ખભે લઈને તો એ કદી ચાલે નહીં. એરિસ્ટોટલે ‘પોએટિક્સ’માં ‘catharsis’નો જે સિદ્ધાંત વર્ણવ્યો છે એનું આ ઉત્તમ દૃષ્ટાંત છે. કદાચ એટલે જ કેવળ અને કેવળ જીવનમાં ડગલે ને પગલે નડતી અડચણોની જ વાત હોવા છતાં આ ગીત વાંચી લેવાયા બાદ પણ ક્યાંય સુધી મનમાં રણઝણતું રહે છે…
(કરાળ = વિશાળ, વિકરાળ; ઝંઝાનિલ = વંટોળિયો)


Riyaz Langda said,
August 23, 2025 @ 11:26 AM
વાહ
Varij Luhar said,
August 23, 2025 @ 11:39 AM
અંદર થયા વરાળ… વાહ.. ખૂબ સરસ ગીત
Shital Chandarana Dhanesha said,
August 23, 2025 @ 12:55 PM
વાહ! વારંવાર વાંચવું ગમે એવું ગીત.
Ramesh Maru said,
August 23, 2025 @ 7:37 PM
વાહ…વાહ…
Sejal Desai said,
August 25, 2025 @ 3:59 PM
વાહ…સુંદર ગીત
ઝંઝાનિલ નવો શબ્દ જાણવા મળ્યો.
Poonam said,
October 10, 2025 @ 7:06 PM
મોતીની જ્યાં માયા રૂઠી, રેત બની ગૈ રાળ;
જેમ વરસવા ઊંચે ઊઠ્યા, અંદર થયા વરાળ! — saras !
– ચંદ્રકાન્ત શેઠ