ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ
એની વેદનાની વાતોનું શું?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ
ઉંઘ છતાં જાગવાનું શું?
ભાગ્યેશ જહા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હાઈકુ

હાઈકુ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(ત્રિપદી હાઈકુ ગઝલ) - મનોજ ખંડેરિયા
અત્તર-અક્ષર - પન્ના નાયક
ઉમાશંકર વિશેષ :૧૪: હાઈકુ અને મુક્તક
કેટલાંક હાઈકુ - રમેશ પારેખ
ઝેન કાવ્યો - અનુ. કિશોર શાહ
ટ્રેન હાઈકુ
પતંગ - કોબાયાશી ઇસા (અનુ. વિવેક મનહર ટેલર)
પતંગિયું - મધુકર શ્રોફ
મૌનનો પડઘો : ૦૭ : બારીમાં ચાંદ - રિઓકાન
મૌનનો પડઘો : ૦૮ : ઝેન હાઇકુ - યૌસુનારી ફાટ્સોનાબી
શબ્દોત્સવ - ૫: હાઈકુ - પન્ના નાયક
શબ્દોત્સવ - ૫: હાઈકુ - સ્નેહરશ્મિ
શબ્દોત્સવ - ૫: હાઈકુ: રાજેન્દ્ર શાહ
હસ્તક્ષેપ - ચંદ્રકાંત ટોપીવાળા
હાઈકુ - સ્નેહરશ્મિ
હાઈકુ - 'સલિલ'
હાઈકુ - ઉમેશ જોશી
હાઈકુ - ચંદ્રેશ ઠાકોર
હાઈકુ - ધનસુખલાલ પારેખ
હાઈકુ - પરાગ ત્રિવેદી
હાઈકુ - માધુરી મ. દેશપાંડે
હાઈકુ - મુરલી ઠાકુર
હાઈકુ - સ્નેહરશ્મિ
હાઈકુ -સુનીલ શાહપતંગ – કોબાયાશી ઇસા (અનુ. વિવેક મનહર ટેલર)

કેવો સુંદર
પતંગ ઊઠે આભે
ઝૂપડાંમાંથી

-કોબાયાશી ઇસા
(અનુ. વિવેક મનહર ટેલર)

ગરીબના ઝૂંપડામાંથી ઊઠીને ઊંચા આકાશને આંબવા મથતો રંગીન પતંગ એ આખરે તો ગરીબોના રંગીન સ્વપ્નાં જ છે. ઉમાશંકરની વિખ્યાત પંક્તિઓ યાદ આવ્યા વિના ન રહે: ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે.

How beautifully
That kite soars up to the sky
From the beggar’s hut.

– Kobayashi Issa

Comments (6)

ટ્રેન હાઈકુ

ટ્રેનની સાથે
શરૂ થૈ મુસાફરી
મારા મનની

*
ટ્રેનમાં છું ને
વિચારો ઘરના જ –
ઘરમાં જ છું.
*
ટ્રેન કહે, “હો
ખેડવી બીજી દિશા”,
પાટો બદલ.
*
સ્મરણ તારું
સફરમાં સાથે જ.
એની ટિકિટ ?
*
એવુંય બને
હૈયું સ્ટેશન વિના
ઊતરી પડે
*
ક્યાં પહોંચાશે
શી ખબર ? જિંદગી
ટ્રેન થોડી છે !
*
પાટાનો સાથ
છોડ્યો ને ટ્રેન તો
રઝળી પડી !
*
દોડતી ટ્રેન
થાકે નૈ, એમાં બેસી
થાકે છે લોકો
*
ટ્રેનની બંધ
બારી વિચારે… ઘણાં
દૃશ્યો ગુમાવ્યાં.

– કિરણસિંહ ચૌહાણ

વિવિધસૂત્રી વિચારો એક જ ગઝલમાં લખવાને ગઝલકાર ટેવાયેલા હોય છે. ભાગ્યે જ કોઈ ગઝલ મુસલસલ હોવાની. આવામાં એક લબ્ધપ્રતિષ્ઠ ગઝલકાર હાઈકુ જેવા સૂક્ષ્મ પ્રકારને હાથમાં લે અને એ પણ વિષય નક્કી કરીને તો કેવું! કિરણસિંહ ટ્રેન વિષયક હાઈકુઓની ટ્રેન દોડાવે છે એ વાત પોતે જેટલી રોચક છે એથી વધુ આ હાઈકુઓમાંથી ઊભરી આવતી કવિતાઓ વધુ રોચક અને રોમાંચક છે. બધા જ હાઈકુ આસ્વાદ્ય થયા છે…

Comments (8)

કેટલાંક હાઈકુ – રમેશ પારેખ

પાનખરે આ
પતંગિયું બેપગું….
વસંતો વેરે

અંધકારની
ત્રેવડ નહીં કે એ
દીવો બુઝાવે….

તડકો વંડી
વહેરે છે ને છાંયો
પડખે ઊંઘે….

‘વિરહી’ શ્વાસો
મૂકે ત્યાં થઈ જાતો
વાયુ ભડથું !

ખિસકોલીના
રુંવાં ઉપર રમે
સુંવાળો સૂર્ય….!

હું જ છબિમાં
હું જ છબિની બહાર
કયો હું સાચો ?

જીવતર છે
બાક્સ ખોખું, શ્વાસો
દિવાસળીઓ

મનીઓર્ડર
લૈને વૃદ્ધાએ લીધાં
રોકડાં આંસુ….

-રમેશ પારેખ

Comments (8)

હાઈકુ – મુરલી ઠાકુર

મોરપિચ્છમાં
રંગ ભર્યા છે : વચ્ચે
કોની આંખ ?

– મુરલી ઠાકુર

સત્તર અક્ષરમાં કેવી મજાની વાત ? રંગ અને આંખ – આ બે શબ્દ અહીં જે અનુભૂતિ ઊભી કરી શક્યા છે એ સાચે જ શબ્દાતીત છે… વળી આમ જુઓ તો સત્તર અક્ષર અને ત્રણ પંક્તિનું હાઈકુ અને આમ જુઓ તો નખશિખ માત્રામેળ છંદમાં…

Comments (6)

મૌનનો પડઘો : ૦૮ : ઝેન હાઇકુ – યૌસુનારી ફાટ્સોનાબી

japanese-woodcut-2

 

સાચું ! સૌ લખે
એક જ મૃત્યુકાવ્ય,
હુ છું અનેક.

– યૌસુનારી ફાટ્સોનાબી
(અનુ. વિવેક મનહર ટેલર)

 

મોટાભાગના ઝેન-માસ્ટર એક જ મૃત્યુકાવ્ય લખી ગયા છે. પણ ફાટ્સોનાબીએ હજારથી વધુ મૃત્યુકાવ્ય લખ્યા છે. એ સ્થૂળ સંદર્ભ બાજુએ મૂકીને આ હાઇકુ જોવા જેવું છે. આ ખરેખર કવિતાની વાત છે કે જિંદગીની? કવિ કદાચ કહે છે કે બધા એક જ જિંદગી જીવીને મરી જાય છે પણ હું એક માણસ નથી, હું અનેક માણસ છું. હું એક માસ્ટર નથી, હું અનેક માસ્ટર છું માટે હું એક નહીં, અનેક જિંદગી જીવી શક્યો છું.

Comments (4)

મૌનનો પડઘો : ૦૭ : બારીમાં ચાંદ – રિઓકાન

T-322

 

તક્ષક, લીધું
સઘળું પણ ભૂલ્યો
બારીમાં ચાંદ

– રિઓકાન

 

આ હાઈકુની પાછળ એક કથા છે:

એક રાત્રે રિઓકાનની મઢુલીમાં ચોર ઘૂસી આવ્યો. રિઓકાન ઊંધમાંથી ઉઠ્યા ત્યારે બિચારો મઢુલીમાંથી કશું ન મળવાને કારણે નાસીપાસ થઈને જવાની તૈયારીમાં હતો. રિઓકાને એને રોક્યો, ‘તું આટલે દૂરથી મારે ધરે આવ્યો છે. તને ખાલી હાથ ન જવા દેવાય. એમ કર, મારા કપડા મારા તરફથી ભેટ તરીકે લઈ જા.’ ચોર બાપડાની તો આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. એણે કપડા લીધા અને જલદીથી ભાગી છૂટ્યો. રિયોકાન નગ્ન શરીરે ખૂણે બેઠા બેઠા બારીમાંનો પૂર્ણ-ચંદ્ર જોતા ગણગણ્યા, ‘કાશ, હું એ બિચારાને આ ખૂબસૂરત ચાંદ આપી શકત.’

ઝેન એ સઘળું(everything) અને કશુંય નહીં(nothing) બન્નેને એક જ સરખા આનંદ સાથે માણવાની કળા છે.

Comments (5)

(ત્રિપદી હાઈકુ ગઝલ) – મનોજ ખંડેરિયા

ટપકે નેવાં
આજે તો અવકાશે
છલકે નેવાં

રાત પડે ને
સામે ઘેર જવાને
સરકે નેવાં

કોણ આવતું
આજ આંખની જેવાં
ફરકે નેવાં

અષાઢ-રાતે
કણું બનીને આંખે
ખટકે નેવાં

પાંખ-પાંખમાં
મૌન ધ્રૂજતું ભીનું
ધબકે નેવાં

– મનોજ ખંડેરિયા

અનન્ય કહી શકાય એવી આ રચનાને આપણે શું કહીશું?
હાઈકુ શ્રેણી? ગઝલ? કે પછી ત્રિપદી ?

અહીં ગઝલનો છંદ યથાર્થ પ્રયોજાયો છે, નેવાં રદીફ અને ટપકે-છલકે-સરકે-ફરકે-ખટકે-ધબકે જેવા કાફિયા પણ સફળતાપૂર્વક પ્રયોજાયા છે. શેરિયત જળવાય રહે છે પણ ઉલા મિસરા અને સાની મિસરા એમ ગઝલમાં બે પંક્તિઓ મળીને એક શેર બને એ રચના અહીં નજરે ચડતી નથી. અહીં ત્રિપદીની માફક ત્રણ પંક્તિઓની સંરચના નજરે ચડે છે પણ કવિતાનો ઘાટ વળી હાઈકુનો થયો છે.

આને ત્રિપદી હાઈકુ ગઝલ કહીશું? કે પછી રંગ-રૂપની પળોજણ છોડીને કવિતાને જ મનભર માણીશું?

Comments (8)

હાઈકુ – ઉમેશ જોશી

કેમ દરિયો
આંખ સામે જોઈને
પાછો વળી ગ્યો.

– ઉમેશ જોશી

Comments (2)

હાઈકુ – ચંદ્રેશ ઠાકોર

ઘાટ ઘડાયો
મારો, તારા હેતની
રૂ હથોડીએ.

– ચંદ્રેશ ઠાકોર

હાઈકુના સત્તર અક્ષર ભલભલા ચમરબંધના પાણી ઉતારી નાંખે છે. મિશિગનના ચંદ્રેશ ઠાકોરે એમના મિત્રની બોટમાં સરોવરની સફર કરાવતા કરાવતા આ હાઈકુ સંભળાવ્યું અને તરત જ મોબાઇલમાં સાચવી લેવું પડ્યું… ઘાટ તો હથોડીથી જ ઘડાય પણ અહીં જે ચમત્કૃતિ છે એ હેતની હથોડીથી ઘાટ ઘડાવાની છે અને  કાવ્ય ચરમસીમાએ પહોંચે છે એ હથોડીના રૂના હોવાની વાતથી… હેતની હથોડી તો રૂ જેવી જ હોય ને!!

Comments (8)

ઝેન કાવ્યો – અનુ. કિશોર શાહ

ખરેલું પાન
ડાળે પાછું ફર્યું ?
પતંગિયું

– અનામી

*

છિદ્રો વિનાની વાંસળી
વગાડવી ખૂબ મુશ્કેલ છે.

– અનામી

*

કશુંય ન હોવાપણાની ભાષાને
બટકાં ભરવાથી ચેતજો :
તમારા દાંત ભાંગી જશે.
એને આખેઆખી ગળી જાઓ…

– મિત્સુહિરો

આજે મારા ગમતા ત્રણ ઝેન-કાવ્યો. પહેલું આશ્ચર્યની અનુભતિનું કાવ્ય છે. બીજું અનુભવનો નિચોડ. છેલ્લું ચેતનાના રસ્તા પરની આવશ્યક શિખામણ.

Comments (5)

Page 1 of 3123