હાઈકુ – સ્નેહરશ્મિ
રાત અંધારી:
તેજ-તરાપે તરે
નગરી નાની.
*
સૂકેલી ડાળે
પોપટ બેઠો: પાન
ચોગમ લીલાં.
*
અંધારે ગાતાં
જાય ઝરણાં: વ્હેતું
તારકતેજ.
*
ગીત આકાશે:
પંખીની પાંખમાંથી
ફૂટે પરોઢ.
*
ઊગે સોનેરી
ચાંદ: સૂરજ થાય
રૂપેરી રાતો!
– સ્નેહરશ્મિ
સત્તર અક્ષરની નાનકડી અંજલિમાં આખો સાગર સમાવી લેવાની કળા એટલે હાઈકુ. ત્રણ નાનકડી પંક્તિમાં સ્નેહરશ્મિ જેવા સબળ કવિ આખેઆખું ચિત્ર કુશળ ચિતારા પેઠે દોરી બતાવે છે. હાઈકુની કવિતા એની ચિત્રાત્મક્તામાં જ સમાઈ હોય છે.