હવે પચાસ વટી આપ વનમાં આવ્યા છો,
હવે ત્યજી દો આ આંબાઓ ગણવું આમ્રવને.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for August, 2025

पति की प्रेमिका के नाम – रश्मि भारद्वाज

सोचती हूँ कि तुम्हें एक घर तोड़ने का इल्ज़ाम दूँ
या कि उस पुरुष के कहीं रिक्त रह गए हृदय को भरने का श्रेय
जो घर गृहस्थी के झमेलों में
शायद मेरे प्रेम को ठीक से ग्रहण नहीं कर पाया था,
तुम्हारे और मेरे मध्य
एक दूसरे से बँधने के कई कारण थे
हम उसी पुरुष से जुड़े थे
जो मुझे रिक्त कर
तुममें ख़ुद को ख़ाली कर रहा था

तुम्हारे पास जो आया था
वह मेरे प्रेम का शेष था
हमारे संबंध की बची रह गई
इच्छाओं का प्रेत,
यह कितना कठिन रहा होगा
कि तमाम समय मुझ-सा नहीं होने की चेष्टा में
मैं मौजूद रहती होऊँगी तुम्हारे अंदर
और उसकी सुनाई कहानियों के साये
आ जाते होंगे तुम्हारे बिस्तर तक

तुम मुझसे अधिक आकर्षक
अधिक स्नेहिल
अधिक गुणवती होने की अघोषित चेष्टा में
ख़ुद को खोती गईं
और मुझसे मेरा जब सब छिन गया
मैं ख़ुद को खोजने निकली
हमने जी भर कर एक दूसरे को कोसा
एक दूसरे के मरने की दुआएँ माँगीं,
हमारे मध्य एक पुरुष के प्रेम का ही नहीं
घृणा का भी अटूट रिश्ता था

मेरे पास था
एक प्रेम का अतीत
एक बीत गई उम्र
और एक बीतती जा रही देह के साथ
उसके प्रणय का प्रतीक
एक और जीवन

तुम्हारे पास था
एक प्रेम का वर्तमान
यौवन का उन्माद
देह का समर्पण
अपने रूप का अभिमान
और मेरे लिए एक चुनौती

लेकिन अपना भविष्य तो हम दोनों ने
किसी और को सौंप रखा था

यह होता कि तुमने मेरा अतीत
और मैंने तुम्हारे वर्तमान का
साझा दुःख पढ़ा होता
काश कि हमें दुखों ने भी बाँधा होता

– रश्मि भारद्वाज

વિવિધ ભાષાની મજાની કવિતાઓનો અનુવાદ કરી ગુજરાતી વાચકવર્ગ સમક્ષ રજૂ કરવું મને ગમે છે, પણ હિંદી કવિતાએ મને કાયમ મૂંઝવ્યો છે. હિંદી ભાષા આપણા વ્યવહારમાં એ રીતે અને એ હદે રચી-બસી છે કે હિંદીમાં સમજ ન પડતી હોય એવો ગુજરાતી કદાચ સપનામાં જ મળે. એમાંય આ કવિતામાં ભાષા તો કેવળ હૃદયની લાગણીઓના વહન કરવા પૂરતી જ ખપમાં લેવાઈ છે. એટલે આટલી સરળ કવિતાનો અનુવાદ કરવાના બદલે રચનાને યથાતથ આસ્વાદીએ એમાં જ ખરી મજા છે.

જે દિવસે લગ્નસંસ્થાની રચના થઈ હશે, કદાચ એ જ દિવસથી લગ્નેતર સંબંધની શરૂઆત પણ થઈ હશે. એક પત્ની પોતાના પતિની પ્રેમિકાને સંબોધવાને મિષે પોતાનું હૃદય ખાલી કરે છે એની આ રચના છે. લાખ અનિચ્છા છતાં પત્ની સ્વીકારે છે કે પોતે અને આ પરકીયા – બંને કોઈક રીતે એકમેક સાથે બંધાયેલા છે. પ્રથમ દૃષ્ટિએ બંને સ્ત્રીને બાંધનાર લઘુત્તમ સામાન્ય અવયવ એ પુરુષ છે જે કથકનો પતિ છે અને અવર સ્ત્રીનો પ્રેમી છે. પ્રેમિકા માટે પણ આ સંબંધ આસાન નથી, કારણ પ્રતિપળ સ્વયંને પુરુષની પત્નીથી ચડિયાતી સિદ્ધ કરવાની કોશિશ એને પ્રેમીની પત્ની સાથે બાંધી જ રાખે છે. પ્રેમીપત્નીથી શ્રેષ્ઠ હોવાના પ્રયત્નોમાં એ ખુદને ગુમાવે છે. બંને સ્ત્રી એકમેક સાથે ઘૃણાના બંધને પણ જોડાયેલ છે. બંને સ્ત્રી પોતાના ભવિષ્યની દોર એક જ પુરુષના હાથમાં દોંપી હોવાના તાંતણે પણ પરસ્પર સાથે સંપૃક્ત છે. બંને સ્ત્રીઓ કોઈકને કોઈક રીતે દુઃખી જ છે, પણ એકમેક સાથે નફરતથી જોડાવાના બદલે દુઃખોની ભાગીદારીથી જોડાઈ હોત તો જિંદગી કદાચ બંને માટે સહ્ય બની હોત એ સ્વીકાર આખી વાતને કવિતાની ઊંચાઈએ લઈ જાય છે.

જાણીતા લેખિક અને અનુવાદક શરીફાબેન વીજળીવાળાના કંઠે આ રચનાનું પઠન-

Comments (13)

જતાં પહેલાં – જયા મહેતા

જતાં પહેલાં બધું આવું કેમ થતું હશે?
શ્વાસ ઊંડા ઊતરવા માંડે
આંખે નિસ્તેજ થતી જાય
જીભ થોથવાવા માંડે
શરીર આખું શિથિલ થઈ જાય..
આવું બધું થાય એ પહેલાં..
અહીંથી વિદાય ન લઈ શકાય?
ગુલાબની પાંદડીઓ પરથી
ઝાકળ હળવેથી અદૃશ્ય થાય…એમ
દૂધમલ બાળક ખિલખિલ હસતું જાગે
ને નિદ્રા સરી જાય…એમ
નવીનવી પાંખો ફફડાવતું
પંખીબાળ માળામાંથી ઊડી જાય…એમ
કોશેટાના તાંતણા વીંધી
રંગસભર પતંગિયું
બહાર નીકળી જાય એમ…
નૂરજહાનના કંઠમાંથી સરતા સૂર
ધીરેધીરે હવામાં વિલીન થાય…એમ
બધું વિવર્ણ થાય એ પહેલાં…

– જયા મહેતા
(૧૬-૦૮-૧૯૩૨ ‍ ૨૭-૦૮-૨૦૨૫)

૯૩ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવી ખ્યાતનામ સર્જક – કવિ, અનુવાદક અને વિવેચક જયા મહેતાનો ક્ષર દેહ પોતાની પાછળ અ-ક્ષરદેહ મૂકીને પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો. એમના ગદ્ય કૃતિઓના અને ખાસ તો વિશ્વકવિતાઓના અનુવાદોએ મને કાયમ આકર્ષ્યો છે. ઘરે રિનોવેશનના કામ સબબ તમામ પુસ્તકો ૨૦-૨૫ ખોખાઓમાં કેદ હોવાથી કમનસીબે કવિ ઉદયન ઠક્કરની ફેસબુક વૉલ પરથી મળેલ આ એક જ કવિતા એમને સ્મરણાંજલિ આપવા માટે રજૂ કરી શકાઈ છે. મૃત્યુની – સોરી, ભારતીય સંસ્કાર મુજબ આત્મા એક શરીર છોડી બીજું શરીર ધારણ કરે એ ટ્રાન્સમાઇગ્રેશનની પ્રક્રિયા કવિએ કેવી સરળતમ ભાષામાં આલેખી છે!

वासांसि जीर्णानि यथा विहाय
नवानि गृह्णाति नरोऽपराणि।
तथा शरीराणि विहाय जीर्णानि
अन्यानि संयाति नवानि देही॥

(ભગવદ્ ગીતા: અધ્યાય-૦૨, શ્લોક-૨૨)

Comments (23)

નથી – પારુલ ખખ્ખર

અર્થ વગરની આવન-જાવન પારુલને મંજૂર નથી,
તમને લાગે છો મનભાવન, પારુલને મંજૂર નથી.

હોય ન જેમાં આંસુ-પીડા, હોય ન જેમાં વિરહ સજનનો,
એવા ફિક્કા ફિક્કા સાવન પારુલને મંજૂર નથી.

રાસે રમતાં ગોપ-ગોપીકા, હોય ભલેને બંસીના સૂર,
કૃષ્ણ નથી જ્યાં એ વનરાવન પારુલને મંજૂર નથી.

સાથે ડૂબી, તરતાં શીખવે, પાર ઉતારે – એ છે સાચા,
તીર ઉભેલા પતિત-પાવન પારુલને મંજૂર નથી.

એવું કંઈક લખાવો, સ્વામી! જેની કિંમત કોટિ કોટિ,
ક.ખ.ગ.ના ફદિયા બાવન પારુલને મંજૂર નથી.

– પારુલ ખખ્ખર

ગીતનું ધ્રુવપદ હોય કે ગઝલની રદીફ, સર્જકને હરહંમેશ કંઈક નવીન, કંઈક અનૂઠાની તલાશ રહે છે. ઘણીવાર સર્જક પોતાના નામને જ અવનવી રીતે કવિતાના તારમાં વણી લઈને ભાવકને સાનંદાશ્ચર્યાની ભાવાનુભૂતિ પણ કરાવતો હોય છે. સુરતના નયન દેસાઈએ પોતાના નામને ખૂબ લાડ લડાવ્યા છે: ‘નયન દેસાઈ એસ.એસ.સી.’, ‘ચાલ નયન. એક ચા મંગાવ.’ ‘C/o નયન દેસાઈ’ ચાર ફૂટ ને પાંચ ઈંચનો આ નયન, લોહી વચ્ચેથી નીકળીને નાઠો ‘નયન’ નાગડો પૂગડો, સાંભળીને લોક વદે બોલો, હે ‘નયનરામ’. અમરેલીના પારુલ ખખ્ખરની રચનાઓમાં પણ ક્યારેક આ પ્રકારની વિધા નજરે ચડે છે- ‘પારુલને મંજૂર નથી,’ ‘પારુલ ખખ્ખર! જવાબ આપો,’  ‘પારુલદે મરશિયાં ગાય…,’ ‘પારુલદેનાં ચશ્મા તડાક્ દઈ તૂટયા’

પારુલને મંજૂર નથી કહીને સર્જક પોતાની અપેક્ષાઓની યાદી આપણને આપે છે, ત્યારે એ વૈયક્તિક નથી રહેતી. સ્વાનુભૂતિ સર્વાનુભૂતિ બની જાય છે, પરિણામે રચના વાંચતાવેંત ગમી જાય છે. બધા જ શેર ઉમદા થયા છે, પણ મને કખગના બાવન ફદિયા કોટિ કોટિ કિંમતનો શેર લાગ્યો.

મત્લા સિવાય ગઝલના તમામ ઉલા મિસરામાં એક ગુરુ વધારાનો છે એ મને અંગત ધોરણે બહુ ન રુચ્યું એ અલગ વાત છે.

(ફદિયું = ચાર પાઈ, જૂનો પૈસો; કોટિ = કરોડ)

Comments (11)

જળ માનીને ડૂબકી દીધી… – ચંદ્રકાન્ત શેઠ

જળ માનીને ડૂબકી દીધી, જળમાં લાગી ઝાળ;
ડુંગર માની ઊપડ્યા, આવી આડે ખીણ કરાળ! —

ક્યાં ચઢવાનું? ક્યાં ઊડવાનું?
.                    એક જાળમાં બંધ;
લાખ પેટવો દીવા, અહીં તો
.                    દરેક જ્યોતિ અંધ!
પગલી દેખી પગલું માંડ્યું, લપસ્યા અવળે ઢાળ!
ડાળે બેઠા માળો કરવા, અધવચ ફસડી ડાળ! —

ટીપે ટીપે કાંઠો તૂટે,
.                    મોજે મોજે નાવ;
શઢના લીરે લીરે કેવા
.                    ઝંઝાનિલના ઘાવ!
મોતીની જ્યાં માયા રૂઠી, રેત બની ગૈ રાળ;
જેમ વરસવા ઊંચે ઊઠ્યા, અંદર થયા વરાળ! —

– ચંદ્રકાન્ત શેઠ

જીવનમાં કશું જ ધાર્યું ન થતું હોય એવી પળોનું ગીત. ગીતની દરેકેદરેક પંક્તિમાં એક નવીન રુપકને ખપમાં લઈને કવિએ બદનસીબી અને નિષ્ફળતાની હૈયાવરાળને બરાબર ઘૂંટી છે. અને આ કવિતા છે. કવિતા ક્યારેક સમસ્યા સૂચવે, ક્યારેક વળી ઉદાર થઈને સમસ્યાનો ઇલાજ પણ બતાવી દે; પણ સંસારની સમસ્યાઓનો ઈલાજ આપવાની જવાબદારીનો કાયમી બોજો ખભે લઈને તો એ કદી ચાલે નહીં. એરિસ્ટોટલે ‘પોએટિક્સ’માં ‘catharsis’નો જે સિદ્ધાંત વર્ણવ્યો છે એનું આ ઉત્તમ દૃષ્ટાંત છે. કદાચ એટલે જ કેવળ અને કેવળ જીવનમાં ડગલે ને પગલે નડતી અડચણોની જ વાત હોવા છતાં આ ગીત વાંચી લેવાયા બાદ પણ ક્યાંય સુધી મનમાં રણઝણતું રહે છે…

(કરાળ = વિશાળ, વિકરાળ; ઝંઝાનિલ = વંટોળિયો)

Comments (6)

ગજું – નીતિન વડગામા

જેવું જેનું ગજું.
ગજા પ્રમાણે સૌ પોતાની જાત કરે છે રજૂ.

કોઈ અભણ આંખો કોરા કાગળના અક્ષર વાંચે.
કોઈ ભણેલો હાથ જુઓને કક્કો ઘૂંટી નાચે!

કોઈ આશરો છતનો પામે કોઈ પામતાં છજું.
જેવું જેનું ગજું.

ક્યાંક નદીનાં નીર સામટાં આવી ચરણ પખાળે.
ક્યાંક ઝરણને કાજ અભાગી જીવ વીરડા ગાળે!

એક કહે કે તજું, બીજો કહે હું તો ભાવે ભજું.
જેવું જેનું ગજું.

– નીતિન વડગામા

કેવું સુંદર ગીત!

Comments (15)

આવો અગર ન આવો – નિરંજન ભગત

આવો અગર ન આવો જેવી તમારી મરજી,
જો કે સદાય આવો એવી અમારી અરજી!

આવ્યા અનેક વેળા, આનંદ શોય એથી
કે ‘આવશો સદા’ એ સપનું ગયા છે સરજી!

ને જો હવે ન આવો તો શું થશે અમારું?
કેવી રીતે જીવાશે? -એવા અમે ન ગરજી!

આવો અગર ન આવો જેવી તમારી મરજી,
જો કે સદા ય આવો એવી અમારી અરજી!

– નિરંજન ભગત
(મે ૧૯૫૭)

ગુજરાતી કવિતામાં એક યુગ નિરંજન-રાજેન્દ્રનો ગણાય છે. કવિતાની નીચે નિરંજન ભગત જેવા યુગપ્રવર્તક કવિનું નામ લખ્યું હોય ત્યારે ભાવક સહેજે સાવધ થઈ કાવ્યપ્રવેશ કરે. પણ મોટા ગજાના કવિનેય ગાંઠે તો એ વળી કવિતા શાની? આ સંદર્ભમાં કાવ્યસર્જનની પ્રક્રિયા વિશે સિતાંશુ યશશ્ચંદ્રનું સ્મરણ થાય છે: “કવિતા કઈ રીતે રચાઈ છે એની કવિને જરા જેટલી જ ખબર હોય છે. પહેલા પાંચ પંદર શબ્દો એની કલમમાંથી ટપકી પડે એની બીજી જ ક્ષણથી કવિતા એનો કબજો લઈ લે છે ને ‘બૅકસીટ ડ્રાઈવિંગ’ કરીને એને દોરી જાય છે, કાવ્યની યદૃચ્છાગતિ આગળ કવિની પૂર્વનિર્ધારિત યોજના અવળી પડી જાય છે. પ્રવાસરેખા- બિલકુલ કોન્ફિડેન્શિયલ હોય છે જેની જાણકારી હોય તો હોય છે કેવળ કવિતાને, કવિને તો નહીં જ. એટલું નક્કી. એ માન્યતા ભૂલ ભરેલી છે કે કવિ કવિતા compose કરે છે, ખરેખર તો કવિતા જ કવિને compose કરે છે.”

સાચે જ, હૃદયની ઊર્મિ કવિના મગજને કોરાણે મૂકીને સીધી કાગળ પર જ ઢોળાઈ જાય ત્યારે અને ફક્ત ત્યારે જ આવું સહજ-સાધ્ય ગીત આપોઆપ લખાઈ જાય. કવિએ ગીત લખવા માટે ગઝલનો દ્વિખંડી છંદ પ્રયોજ્યો છે એ વાત પણ ધ્યાનાર્હ છે.

Comments (14)

બંસીવાલા, આજો મોરા દેશ! – મીરાંબાઈ

બંસીવાલા, આજો મોરા દેશ! તારી શામળી સૂરત હદવેશ.

આવન-આવન કહ ગયે, કર ગયે કોલ અનેક;
ગણતાં-ગણતાં ઘસ ગઈ જીભાં, હારી આંગળીઓની રેખ.

એક બન ઢૂંઢી સકલ બન ઢૂંઢી, ઢૂંઢયો સારો દેશ;
તોરે કારણ જોગન હોઊંગી, કરુંગી ભગવો વેશ.

કાગદ નહિ મારે સાહી નાહિ, કલમ નાહિ લવલેશ;
પંખીનો પરવેશ નાહિ, કિન સંગ લખું સંદેશ ?

મોરમુગટ શિર છત્રા બિરાજે, ઘુંઘરવાળા કેશ;
મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ, આવોની એણે વેશ.

– મીરાંબાઈ

આજે જન્માષ્ટમીના પાવન પર્વ પર એક મજાનું ભક્તિપદ.

Comments (2)

તારે ભરોસે છે બધું – જગદીપ નાણાવટી

ટેરવાં, તારે ભરોસે છે બધું,
શ્રી સવા, તારે ભરોસે છે બધું.

પાંખમાં એકાદ પણ પીંછું નથી,
એ હવા, તારે ભરોસે છે બધું.

દીપચંદી, દાદરા, જપતાલ ક્યાં?
કહેરવા, તારે ભરોસે છે બધું.

રણ બન્યો દરિયો, હલેસા ઝાંઝવા;
ખારવા, તારે ભરોસે છે બધું.

બદદુઆનો દૌર ચાલે છે હજી
બસ દવા, તારે ભરોસે છે બધું.

– જગદીપ નાણાવટી

નાની બહેરની ગઝલમાં લાંબી રદીફ રાખીને કામ કરવું એ દોરી પર ચાલવા જેવું કપરું કામ છે. અહીં ‘તારે ભરોસે છે બધું’ રદીફ મિસરાની મોટાભાગની જગ્યા રોકી લેતી હોવાના કારણે કાફિયા માટે કવિને કેવળ પાંચ માત્રા –ગાલગા- જેટલો જ અવકાશ બચે છે, ને એમાંય કવિ મુક્ત કાફિયાની મોકળાશ ત્યજીને ચુસ્ત કાફિયા ઉપર પોતાની પસંદગી ઉતારે એટલે કામ વધુ કઠીન બને. આટલું ઓછું હોય એમ તારે ભરોસે છે બધું જેવી રદીફને તંતોતંત નિભાવી બતાવવાનો પડકાર… અને એ પછી આપણને આટલી સરસ ગઝલ સાંપડે એટલે આપણે તો એક જ વાત કહેવી પડે- ભઈ વાહ!

Comments (24)

કોને કહું? – નિરંજન ભગત

કોને કહું? છું એકલો!
રૂપની રંગત બધી જોઈ રહું છું એકલો!

લાલી ઉષાના ઉરથી
.           ઊઘડે અને લાજી રહે,
સંધ્યા તણા સિંદૂરથી
.           હું આંખડી આંજી રહું;
સ્નેહની આ સ્વપ્નલીલા હું લહું છું એકલો!

રુદ્રનું લેાચન દહે
.           કયારેક તો મધ્યાહ્નમાં,
મુગ્ધ મારુ મન રહે
.           ત્યારે રતિના ગાનમાં;
આભ જેવા આભનો રે ભાર વહું છું એકલો!
કોને કહું છું એકલો?

– નિરંજન ભગત
(૧૯૫૦)

સરસ મજાનું ગીત

Comments

ખમ્મા! વીરાને – ન્હાનાલાલ

ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ :
મોંઘામૂલો છે મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

એક તો સુહાગી ગગનચાંદલો રે લોલ :
બીજો સુહાગી મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

રાજ તો વિરાજે રાજમન્દિરે રે લોલ :
પારણે વિરાજે મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

ચંપો ખીલે છે ફૂલવાડીમાં રે લોલ :
ફૂલમાં ખીલે છે મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

આંગણે ઉજાસ મ્હારે સૂર્યનો રે લોલ :
ઘરમાં ઉજાસ મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

એક તો આનન્દ મારા ઉરને રે લોલ :
બીજો આનન્દ મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

દેવે દીધી છે મ્હને માવડી રે લોલ :
માડીએ દીધો મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

– ન્હાનાલાલ કવિ

દુનિયાની દરેક ભાષામાં એક તરફ સરળતમ કવિતાઓ છે, જે સદીઓથી લોકમુખે જીવતી આવી છે અને બીજી તરફ અત્યંત કઠીન રચનાઓ છે, જે સામાન્ય જનમાનસની સમજણની પરે હોય છે… બાકીની કવિતાઓ આ બે અંતિમો વચ્ચે ક્યાંક ને ક્યાંક સ્થાન મેળવે છે. ન્હાનાલાલની આ રચના પણ બાળગીત જેવી સરળતા અને સાહજિકતાના કારણે દાયકાઓથી લોકજીભે રમતી આવી છે. અંગ્રેજી ભાષાનું ધાવણ પીને મોટી થયેલી આજની પેઢીએ કદાચ આ ગીત એમની મમ્મી કે મોટી બહેનના મોઢે સાંભળ્યું પણ નહીં હોય અને/અથવા શાળેય અભ્યાસક્રમમાં ભણવાનું પણ નહીં આવ્યું હોય… પણ આ ગીત આપણી અમર વિરાસતનું એક બહુમૂલ્ય મોતી છે, જેને રજૂ કરવા માટે આજના દિવસથી વધુ ઉપયુક્ત દિવસ અવર કયો હોઈ શકે, કહો તો?

Comments (8)

હવે – હરિકૃષ્ણ પાઠક

હવે અમારે શું ગમતું-અણગમતું?
ભાવ-શૂન્ય આ ભવસાગરમાં નાવ ભલે ને રમતું!
હવે અમારે શું ગમતું-અણગમતું?

સઢના દોર કહીં નહિ બાંધ્યા,
.               નહીં હલેસાં હાથે;
કાળ-પ્રવાહે વહ્યે જવું-બસ
.               અંધ સમયની સાથે.
ક્ષિતિજ વિષે ધ્રુવ તારક હો કે આભ શૂન્યતા ઝમતું!
હવે અમારે શું ગમતું-અણગમતું?

રટણા નહિ મઝધાર તણી
.               નહિ પાર જવાની લગની
જેવી શીત સપાટી-
.               એવો વડવાનલનો અગની.
અમે પંડથી અળગા : આ બ્રહ્માંડ ભલે ને ભમતું!
હવે અમારે શું ગમતું-અણગમતું?

– હરિકૃષ્ણ પાઠક

કેવું સુંદર ગીત! જીવનમાં બધી ધમાલ જ ભાવની છે… ભાવશૂન્યતા… અભાવ નહીં,હં! બેમાં બહુ મોટો ફરક છે… એકવાર ભાવશૂન્યતાની સ્થિતિ પ્રાપ્ત થઈ જાય, પછી શું ગમતું ને શું અણગમતું? આખી રચના એટલી મજબૂત અને મજાની થઈ છે કે એના વિશે કંઈ પણ બોલવું એટલે કવિરચિત સંઘેડાઉતાર ભાવવિશ્વમાં ખલેલ પહોંચાડવી…

Comments (13)

ઊડી જાઓ, પંખી – દુલા ભાયા કાગ

ઊડી જાઓ પંખી! પાંખુંવાળા…જી,
વડલો કહે છે, વનરાયું સળગી, મૂકી દિયો જૂના માળા.

આભે અડિયાં સેન અગનનાં, ધખિયાં આ દશ ઢાળાં જી,
આ ઘડીએ ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા.
બોલ તમારા હૈયામાં બેઠા, રૂડાને રસવાળા જી;
કોક દી આવી ટૌકી જાજો, મારી રાખ ઉપર રૂપાળા…

આશરે તારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળાં જી,
મરવા વખતે સાથ છોડી દે, એ મોઢાં મશવાળા.
ભેળાં મરશું, ભેળાં જન્મશું, તારે માથે કરશું માળા જી;
‘કાગ’ કે આપણે ભેળાં બળશું, ભેળાં ભરશું ઉચાળા…

– દુલા ભાયા કાગ

[વનમાં આગ લાગી છે. એક વડલા પર પોપટ—પોપટીનું જોડલું ઘણાં વર્ષોથી વસતું. તેને વડલો કહે છે: “હે પક્ષીઓ! તમે ઊડી જાઓ, કારણ કે જંગલમાં લાગેલો દાવાનળ મને હમણાં બાળી મૂકશે. મારે તો પાંખો નથી, માટે બળી જઈશ. પણ તમે તમારા પ્રાણ બચાવો. હે પક્ષીઓ, ઘણાં વર્ષો સુધી તમારાં સુંદર ગાયનો સાંભળ્યાં, તે હૈયામાં વસી ગયેલ છે, જેથી અહીં મારી રાખ પર આવી કદીક એકાદ ટૌકો કરી જજો.” ત્યારે બંને પક્ષી બોલે છેઃ “હે વડરાજ! તારા આશરે અમે ઘણાં વર્ષો આનંદથી રહ્યાં, તારાં મીઠાં ફળો ખાધાં અને આજે મરણ વખતે અમે તારો સાથ છોડી દઈએ તો તો અમારાં મોઢાં કાળાં થાય. હવે તો આપણે સાથે જ મરશું, સાથે જ ફરી જન્મશું અને તારે માથે, તું મોટો થઈશ ત્યારે, અમે માળો બાંધશું.” આ તો લોકકલ્પનાની જૂની વાત છે. એનો એક દુહો છે કેઃ

‘પત્ર બિગાડે ફળ ડસે, બેઠે શીતળ છાંય;
તુમ જલો અમે ઊડીએ, જીવન કા ફલ નાંય.”] (સાભાર: ‘કાગવાણી’માંથી)

કાગની રચના વિશે શ્રી સુરેન ઠાકર ‘મેહુલ’ શું કહે છે તે પણ સાથે જ જોઈએ:
‘કવિ કાગના કાવ્યો છપાયાં પહેલાં જ પાંખો આવી જાય છે. પુસ્તકાકારે પ્રસિદ્ધ થતાં પહેલાં તો એ કાવ્યો પ્રજાની જીભે ચડી જાય છે અને દૂર-સુદૂરનાં ગામડાંમાં ગુંજવા લાગે છે.’

Comments (8)

(ગીતાજ્ઞાન છું) – હિમાદ્રિ આચાર્ય દવે

સંશયાત્મા ચિત્તના સંશયનું ઉદ્ગમસ્થાન છું,
સ્થિતપ્રજ્ઞોની સ્થિતિનું હું મહાપ્રસ્થાન છું.

વ્યોમ, ગ્રહ, નક્ષત્ર, તારક દિવ્ય અંશુમાન છું,
હું જ બ્રહ્માંડીય ઉર્જાનું ભીનું અવધાન છું.

હું અરવની શૂન્યતા, આહત-અનાહત નાદ પણ,
દિવ્યસત્તા શ્લોકની, ઋષિઓનું શ્રુતિગાન છું.

હું સમષ્ટિનાં સકળ તત્વો તણો આધાર, હા!
વ્યાપ્ત છું કણ-કણ મહીં ને તોય અંતર્ધ્યાન છું.

પ્રાણમાં ને પ્રકૃતિમાં, પાપમાં ને પુણ્યમાં,
રજ, તમસ ને સત્વનું રસમય મહાનુષ્ઠાન છું.

પ્રેયનો હું છું પથિક ને શંખ છું હું શ્રેયનો,
સવ્યસાચી, હે! સમરવેળાનું હું વીરગ઼ાન છું.

હું જ હર ને હું હરિ, બ્રહ્મા વળી અપરાપરા,
વૈખરી હું, વાગીશા, પ્રથમા ને હું શ્રીમાન છું.

જ્ઞાનનિષ્ઠા, ધર્મનિષ્ઠા પ્રેમનિષ્ઠા, પાર્થ હે!
કર્મનિષ્ઠા હું જ છું, હું યોગનું વિજ્ઞાન છું.

વિશ્વપટલે હું રચું છું મોહ -માયાજાળ ને,
અંતિમે હું તો અનાસક્તિનું જયજયગાન છું.

કાળ છું હું, જન્મ-મૃત્યુની વિજન ઘટમાળમાં,
હું જ યાત્રા, હું જ યાત્રી, હું જ યાત્રાસ્થાન છું.

બ્રહ્મ છું! સાંભળ, બધા સંશય મૂકી, લઈ લે શરણ,
ને વળી કહું છું, યથેચ્છા કરજે – ગીતાજ્ઞાન છું.

– હિમાદ્રિ આચાર્ય દવે

કવયિત્રીના શબ્દવિશ્વ સાથે આ મારો પ્રથમ પરિચય પણ ગઝલના વિષયે પહેલી નજરે કુતૂહલ જન્માવ્યું. ગઝલમાં ગીતાજ્ઞાન? અગિયાર શેરની ગઝલ પણ વાંચતાવેંત દિલને સ્પર્શી ગઈ. ગીતાના અલગ-અલગ અધ્યાયોના અલગ-અલગ સાર સર્જકે બહુ સરસ રીતે ગઝલમાં વણી લીધા છે. કાફિયાની પસંદગી તો કાબિલ-એ-દાદ છે જ, અરવની શૂન્યતા, આહત-અનાહત નાદ, સમરવેળા, અપરાપરા, વાગીશા જેવા શબ્દોની પસંદગી પણ સર્જકની સપૂરતી સજ્જતાના દ્યોતક છે. લગભગબધા જ શેર ધ્યાનાર્હ થયા છે…

લયસ્તરો પર આ નવ્યસર્જકનું સ્વાગત છે..

Comments (22)

(ઘમ્મરવલોણાનું ઘમ્મ) – નયન હ દેસાઈ

એકાંત કેટલું સરસ છલકાતું છમ્મ જો!
ટોળે મળીને ગાય છે તમરાંઓ તમ્મ જો!

બાળકને પાટીપેનની સાથે જો જોઉં છું,
વાગે છે મારી પીઠ પર સોટીઓ ચમ્મ જો.

આવીને કોણ સ્વપ્નમાં બીવડાવી જાય છે?
ઊંડા કૂવામાં સાંભળું મધરાતે ભમ્મ જો!

માની લીધું કે પ્રેમની ભાષા છે મોન –પણ
આવું તે હોય ટૂંકમાં કહી દો છો હમ્મ જો?

શોધે નયન કાં હૉર્નની ચીસોમાં બાળપણ,
સૂરતમાં ક્યાંથી ઘમ્મરવલોણાનું ઘમ્મ જો!

– નયન હ દેસાઈ

વધુ એક ‘નયન’ બ્રાન્ડ ગઝલ. આવા કાફિયા અને આવી બાની કેવળ નયન દેસાઈની કલમથી જ અવતરી સકે. કવિએ જે જમાનામાં ઇન્ટરનેટ નહોતું અને વૉટ્સએપ-ઇન્સ્ટા તો સ્વપ્નમાંય આવતા નહોતા એ જમાનામાં આજના જમાનાની પ્રેમની ભાષાવાળો શેર લખ્યો છે. કવિને આર્ષદૃષ્ટા કહેવામાં આવે છે. આ કવિને ખ્યાલ આવી ગયો હશે કે આવતી કાલની પેઢી એમનું અડધોઅડધ કામ હમ્મ– hmm -થી ચલાવવાની છે?

(કેટલાક છંદ-દોષ અવગણી શકાયા હોત, પણ નયનભાઈ કોઈક અલગ જ દુનિયામાંથી આવ્યા હતા…)

Comments (15)