સૌ સમયના વહેણમાં વહેતાં રહે છે એ રીતે
જેમ નદીઓને સતત વહેવું પડે છે ઢાળમાં !
ભરત વિંઝુડા

(ગીતાજ્ઞાન છું) – હિમાદ્રિ આચાર્ય દવે

સંશયાત્મા ચિત્તના સંશયનું ઉદ્ગમસ્થાન છું,
સ્થિતપ્રજ્ઞોની સ્થિતિનું હું મહાપ્રસ્થાન છું.

વ્યોમ, ગ્રહ, નક્ષત્ર, તારક દિવ્ય અંશુમાન છું,
હું જ બ્રહ્માંડીય ઉર્જાનું ભીનું અવધાન છું.

હું અરવની શૂન્યતા, આહત-અનાહત નાદ પણ,
દિવ્યસત્તા શ્લોકની, ઋષિઓનું શ્રુતિગાન છું.

હું સમષ્ટિનાં સકળ તત્વો તણો આધાર, હા!
વ્યાપ્ત છું કણ-કણ મહીં ને તોય અંતર્ધ્યાન છું.

પ્રાણમાં ને પ્રકૃતિમાં, પાપમાં ને પુણ્યમાં,
રજ, તમસ ને સત્વનું રસમય મહાનુષ્ઠાન છું.

પ્રેયનો હું છું પથિક ને શંખ છું હું શ્રેયનો,
સવ્યસાચી, હે! સમરવેળાનું હું વીરગ઼ાન છું.

હું જ હર ને હું હરિ, બ્રહ્મા વળી અપરાપરા,
વૈખરી હું, વાગીશા, પ્રથમા ને હું શ્રીમાન છું.

જ્ઞાનનિષ્ઠા, ધર્મનિષ્ઠા પ્રેમનિષ્ઠા, પાર્થ હે!
કર્મનિષ્ઠા હું જ છું, હું યોગનું વિજ્ઞાન છું.

વિશ્વપટલે હું રચું છું મોહ -માયાજાળ ને,
અંતિમે હું તો અનાસક્તિનું જયજયગાન છું.

કાળ છું હું, જન્મ-મૃત્યુની વિજન ઘટમાળમાં,
હું જ યાત્રા, હું જ યાત્રી, હું જ યાત્રાસ્થાન છું.

બ્રહ્મ છું! સાંભળ, બધા સંશય મૂકી, લઈ લે શરણ,
ને વળી કહું છું, યથેચ્છા કરજે – ગીતાજ્ઞાન છું.

– હિમાદ્રિ આચાર્ય દવે

કવયિત્રીના શબ્દવિશ્વ સાથે આ મારો પ્રથમ પરિચય પણ ગઝલના વિષયે પહેલી નજરે કુતૂહલ જન્માવ્યું. ગઝલમાં ગીતાજ્ઞાન? અગિયાર શેરની ગઝલ પણ વાંચતાવેંત દિલને સ્પર્શી ગઈ. ગીતાના અલગ-અલગ અધ્યાયોના અલગ-અલગ સાર સર્જકે બહુ સરસ રીતે ગઝલમાં વણી લીધા છે. કાફિયાની પસંદગી તો કાબિલ-એ-દાદ છે જ, અરવની શૂન્યતા, આહત-અનાહત નાદ, સમરવેળા, અપરાપરા, વાગીશા જેવા શબ્દોની પસંદગી પણ સર્જકની સપૂરતી સજ્જતાના દ્યોતક છે. લગભગબધા જ શેર ધ્યાનાર્હ થયા છે…

લયસ્તરો પર આ નવ્યસર્જકનું સ્વાગત છે..

22 Comments »

  1. Rajesh Hingu said,

    August 2, 2025 @ 12:33 PM

    આહા… ખરેખર અદ્ભુત ગઝલ થઈ છે. સર્જકને ખોબલે ખોબલે અભિનંદન

  2. પૂજ્ય બાપુ said,

    August 2, 2025 @ 12:40 PM

    વાહ હિમાદ્રીબેન ખૂબ સરસ ગઝલ છે…

  3. Hiren K Mungla said,

    August 2, 2025 @ 12:45 PM

    ખૂબ મહેનત પૂર્વક લખાયેલી ગઝલ ,કવિયતીની મહેનત ને સલામ

  4. Dipak Peshwani said,

    August 2, 2025 @ 12:46 PM

    વાહ

  5. અતુલ દવે, વડોદરા said,

    August 2, 2025 @ 12:57 PM

    વાહ વાહ વાહ 👌
    ખરેખર ગઝલ ગીતા🙏

  6. અતુલ દવે, વડોદરા said,

    August 2, 2025 @ 12:58 PM

    વાહ વાહ વાહ 👌
    ખરેખર ગઝલ ગીતા🙏
    ખૂબ ખૂબ અભિનંદન 💐

  7. Varij Luhar said,

    August 2, 2025 @ 1:01 PM

    વાહ સરસ ગઝલ અને આસ્વાદ

  8. રિયાઝ લાંગડા (મહુવા) said,

    August 2, 2025 @ 1:02 PM

    જુદા જ કાફિયા,અલગ વિષય અને તેને બખૂબી નિભાવવુ..વાહહ

  9. કિશોર બારોટ said,

    August 2, 2025 @ 1:52 PM

    ઓહો…
    નિશબ્દ થઈ જવાયું એટલું અદ્ભૂત.

  10. Vinod Manek 'Chatak' said,

    August 2, 2025 @ 2:53 PM

    ચિંતન ભરી મસ્ત ગઝલ…

  11. Yogesh Samani said,

    August 2, 2025 @ 2:56 PM

    કાફિયા દોષ છે.

  12. Ramesh maru said,

    August 2, 2025 @ 3:30 PM

    વાહ…ખૂબ સરસ ગઝલ…
    કવયિત્રીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ…

  13. Sejal Desai said,

    August 2, 2025 @ 3:38 PM

    વાહ..ખૂબ ઉમદા ગઝલ..અભિનંદન હિમાદ્રીબેન

  14. ઉદય મારૂ said,

    August 2, 2025 @ 4:37 PM

    બહુ સરસ રીતે જૂના વિષયને નવા સ્વરૂપે રજૂ કર્યો. ગઝલનું ભવિષ્ય ઊજળું છે. કવયિત્રી5ne ખૂબ ખૂબ અભિનંદન.

  15. વિજય વ્યાસ said,

    August 2, 2025 @ 5:37 PM

    અદભૂત વિષયને આપે ગઝલના સ્વરૂપ ઢાળ્યો.. એક એક શેર..જાણે પ્રગટ થતાં હોય એવું લાગ્યું.આપ ધારો એ વિષયને ધારો એ સ્વરૂપમાં કંડારી શકો એમ છો..ઈશ્વર કૃપા થકી જ આ શક્ય બને..અભિનંદન

  16. Tanu patel said,

    August 3, 2025 @ 3:07 AM

    બહુ જ સરસ ગઝલ,
    અભિનંદન,હિમાદ્રીબહેન….

  17. Lalit Trivedi said,

    August 5, 2025 @ 7:22 PM

    બહુ જ ઉમદા ગઝલ… ખૂબ ખૂબ રાજીપો અને અભિનંદન

  18. Ashutosh said,

    August 8, 2025 @ 2:55 PM

    વાહ શું રચના છે… ખરેખર દીદી આપ પ્ બહુ પ્રતિભાવાન છો

  19. Mehul Raval said,

    August 9, 2025 @ 2:03 PM

    ખૂબ જ સુંદર

  20. Suketu said,

    August 14, 2025 @ 9:25 AM

    ખૂબ સરસ… KEEP ON DOING GOOD WORK….👌👌

  21. Riyaz Langda said,

    August 19, 2025 @ 5:11 PM

    વાહ…👌👌

  22. રેખા said,

    August 25, 2025 @ 6:55 PM

    વાહ🌺🌺

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment