હવે – હરિકૃષ્ણ પાઠક
હવે અમારે શું ગમતું-અણગમતું?
ભાવ-શૂન્ય આ ભવસાગરમાં નાવ ભલે ને રમતું!
હવે અમારે શું ગમતું-અણગમતું?
સઢના દોર કહીં નહિ બાંધ્યા,
. નહીં હલેસાં હાથે;
કાળ-પ્રવાહે વહ્યે જવું-બસ
. અંધ સમયની સાથે.
ક્ષિતિજ વિષે ધ્રુવ તારક હો કે આભ શૂન્યતા ઝમતું!
હવે અમારે શું ગમતું-અણગમતું?
રટણા નહિ મઝધાર તણી
. નહિ પાર જવાની લગની
જેવી શીત સપાટી-
. એવો વડવાનલનો અગની.
અમે પંડથી અળગા : આ બ્રહ્માંડ ભલે ને ભમતું!
હવે અમારે શું ગમતું-અણગમતું?
– હરિકૃષ્ણ પાઠક
કેવું સુંદર ગીત! જીવનમાં બધી ધમાલ જ ભાવની છે… ભાવશૂન્યતા… અભાવ નહીં,હં! બેમાં બહુ મોટો ફરક છે… એકવાર ભાવશૂન્યતાની સ્થિતિ પ્રાપ્ત થઈ જાય, પછી શું ગમતું ને શું અણગમતું? આખી રચના એટલી મજબૂત અને મજાની થઈ છે કે એના વિશે કંઈ પણ બોલવું એટલે કવિરચિત સંઘેડાઉતાર ભાવવિશ્વમાં ખલેલ પહોંચાડવી…


વ્રજેશ મિસ્ત્રી said,
August 8, 2025 @ 11:41 AM
વાહ… અગની… શીત સપાટી
Udayan said,
August 8, 2025 @ 11:44 AM
ભાવોદ્રેકથી ભર્યું ગીત.
“મનના માલિક, તારી મોજના હલેસે ફાવે ત્યાં એને હંકારી તું જા!”
(સુન્દરમ્)
લતા હિરાણી said,
August 8, 2025 @ 11:57 AM
સરસ રચના.
લતા હિરાણી
kavyavishva.com
Hiren K Mungla said,
August 8, 2025 @ 12:13 PM
ઉતમ ભાવવાહી રચના
કમલેશ જેઠવા said,
August 8, 2025 @ 12:30 PM
વાહ, જીવનયાત્રા…..
Dr. Vrajlal Savaliya said,
August 8, 2025 @ 12:45 PM
ગીતાના સ્થિતપ્રજ્ઞની સ્થિતિ મળતી આવે.
ગૌરાંગ ઠાકર said,
August 8, 2025 @ 1:36 PM
વાહ.. સરસ ગીત
શીતલ ચંદારાણા ધનેશા said,
August 8, 2025 @ 1:59 PM
વાહ!
Dahyabhai said,
August 8, 2025 @ 2:09 PM
ખૂબ જ અદભુત રચના
હૃદયના ઊંડાણમાંથી શબ્દો આપોઆપ નીકળે છે.
પરમ તત્વની અનન્ય શરણાગતિ
જયેશ ભટ્ટ said,
August 8, 2025 @ 5:02 PM
ખરેખર અદ્દભુત રચના
Sejal Desai said,
August 12, 2025 @ 10:10 PM
વાહ…આ બ્રહ્માંડ ભલે ને ભમતું ..ખૂબ સરસ ગીત
Dr. Preeti Pujara said,
August 13, 2025 @ 7:40 AM
ખૂબ સરસ ગીત. બ્રહ્મ તત્વને પામી ગયા પછીની સ્થિતિનું સુંદર વર્ણન છે. બધા જ દ્વંદ્વો થી પર એવા જીવને સંસારના પ્રપંચોથી ફરક નથી પડતો.
Jigna Vohra said,
August 13, 2025 @ 8:20 AM
અહો અહો+ થઈ જાય તેવી સુંદર રચના…ભાવશૂન્ય ભવસાગર,અંધ સમય,વડવાનળનો અગ્નિ… સમૃદ્ધ ભાષા વૈભવ…અને અદ્ભુત કલ્પનો.
પાઠક સાહેબની ચેતનાને વંદન🙏