ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇએ.
– રાજેન્દ્ર શુકલ

જતાં પહેલાં – જયા મહેતા

જતાં પહેલાં બધું આવું કેમ થતું હશે?
શ્વાસ ઊંડા ઊતરવા માંડે
આંખે નિસ્તેજ થતી જાય
જીભ થોથવાવા માંડે
શરીર આખું શિથિલ થઈ જાય..
આવું બધું થાય એ પહેલાં..
અહીંથી વિદાય ન લઈ શકાય?
ગુલાબની પાંદડીઓ પરથી
ઝાકળ હળવેથી અદૃશ્ય થાય…એમ
દૂધમલ બાળક ખિલખિલ હસતું જાગે
ને નિદ્રા સરી જાય…એમ
નવીનવી પાંખો ફફડાવતું
પંખીબાળ માળામાંથી ઊડી જાય…એમ
કોશેટાના તાંતણા વીંધી
રંગસભર પતંગિયું
બહાર નીકળી જાય એમ…
નૂરજહાનના કંઠમાંથી સરતા સૂર
ધીરેધીરે હવામાં વિલીન થાય…એમ
બધું વિવર્ણ થાય એ પહેલાં…

– જયા મહેતા
(૧૬-૦૮-૧૯૩૨ ‍ ૨૭-૦૮-૨૦૨૫)

૯૩ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવી ખ્યાતનામ સર્જક – કવિ, અનુવાદક અને વિવેચક જયા મહેતાનો ક્ષર દેહ પોતાની પાછળ અ-ક્ષરદેહ મૂકીને પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો. એમના ગદ્ય કૃતિઓના અને ખાસ તો વિશ્વકવિતાઓના અનુવાદોએ મને કાયમ આકર્ષ્યો છે. ઘરે રિનોવેશનના કામ સબબ તમામ પુસ્તકો ૨૦-૨૫ ખોખાઓમાં કેદ હોવાથી કમનસીબે કવિ ઉદયન ઠક્કરની ફેસબુક વૉલ પરથી મળેલ આ એક જ કવિતા એમને સ્મરણાંજલિ આપવા માટે રજૂ કરી શકાઈ છે. મૃત્યુની – સોરી, ભારતીય સંસ્કાર મુજબ આત્મા એક શરીર છોડી બીજું શરીર ધારણ કરે એ ટ્રાન્સમાઇગ્રેશનની પ્રક્રિયા કવિએ કેવી સરળતમ ભાષામાં આલેખી છે!

वासांसि जीर्णानि यथा विहाय
नवानि गृह्णाति नरोऽपराणि।
तथा शरीराणि विहाय जीर्णानि
अन्यानि संयाति नवानि देही॥

(ભગવદ્ ગીતા: અધ્યાય-૦૨, શ્લોક-૨૨)

23 Comments »

  1. Barin Dixit said,

    August 29, 2025 @ 11:17 AM

    પ્રણામ અને પ્રભુ એમના આત્માને શાંતિ આપે 🙏🙏

  2. Varij Luhar said,

    August 29, 2025 @ 11:18 AM

    મૃત્યુનું સહજ સ્વીકાર કરતું કાવ્ય લખનાર આદરણીય શ્રી જયા મહેતાને હાર્દિક શ્રદ્ધાંજલી 🙏

  3. Sandip Kotecha said,

    August 29, 2025 @ 11:19 AM

    ૐ શાંતિ શાંતિ…

  4. Dr. Vrajlal Savaliya said,

    August 29, 2025 @ 11:23 AM

    🙏ૐ શાંતી 🙏

  5. રેણુકા દવે said,

    August 29, 2025 @ 11:23 AM

    કવિની ચેતનાને વંદન…
    હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ…🙏🙏🙏

  6. દક્ષા બી. સંઘવી said,

    August 29, 2025 @ 11:26 AM

    ટાગોર ની યાદ અપાવે એવું કાવ્ય.કવયિત્રીની શબ્દ ચેતના ને વંદન.

  7. ફાલ્ગુની ભટ્ટ said,

    August 29, 2025 @ 11:31 AM

    સર્જકની ચેતનાને વંદન. ખૂ..બ સરસ અછાંદસ. મૃત્યુ માણવા જેવું પણ હોય એનો ચિતાર રજૂ કરતી સંવેદનશીલ કૃતિ.

  8. Ramesh Maru said,

    August 29, 2025 @ 11:33 AM

    ૐ શાંતિ શાંતિ…

    ક્ષરદેહે ગયાં પણ અક્ષરદેહે આપણી વચ્ચે કાયમ રહેશે.
    અનુવાદ ક્ષેત્રે એમનું પ્રદાન કાયમ યાદ રહેવાનું જ.કવયિત્રીની ચેતનાને વંદન…

  9. કિશોર બારોટ said,

    August 29, 2025 @ 11:48 AM

    અદ્ભૂત

  10. Aarti Antrolia said,

    August 29, 2025 @ 12:12 PM

    આહ! જતાં પહેલાંની વેદના.

  11. Aarti Antrolia said,

    August 29, 2025 @ 12:12 PM

    આહ! જતાં પહેલાંની વેદના.

  12. હેમાક્ષી શાહ said,

    August 29, 2025 @ 12:19 PM

    અક્ષરદેહ આપણી વચ્ચે હયાત સર્જકની ચેતનાને વંદન.

  13. નિખીતા ઘાડિયા said,

    August 29, 2025 @ 1:13 PM

    આહા

  14. Kanchanbhai Amin said,

    August 29, 2025 @ 3:00 PM

    સ્મૃતિ વંદન🙏🌹

  15. Jaypee said,

    August 29, 2025 @ 6:19 PM

    કોઈએ મૃત્યુ પુર્વે ની વેદના ની વાત કરી છે
    પણ કવિતા વેદના રહિત મૃત્યુ ni છે . ગીતા ના શ્લોક મા વર્ણન મુજબ જીર્ણ વસ્ત્રો છોડી નવા
    વસ્ત્ર ધારણ કરવા જેમ. એમ જ બન્યું હશે.o

  16. જ્યોતિ રામાણી said,

    August 29, 2025 @ 8:02 PM

    હાર્દિક શ્રદ્ધાંજલિ 🙏🙏જેમ આત્મા અમારી છે એમ જ અક્ષર… અ.. ક્ષર છે. તેઓ અક્ષરદેહે સદાય રહેશે 🙏

  17. Jyoti Ashvin Ramani said,

    August 29, 2025 @ 8:06 PM

    ગહન ને સહજ.. સરળ કરી સમજાવતું સુંદર અછાંદસ. અક્ષરદેહે અમારી આત્માને હાર્દિક શ્રદ્ધાંજલિ 🙏

  18. જયેશ ભટ્ટ said,

    August 30, 2025 @ 3:35 PM

    ૐ શાંતિ ૐ

  19. prabuddh pancholi said,

    August 30, 2025 @ 5:35 PM

    શબ્દ ક્યાં પહોંચે છે તે નિરખવા ..
    કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો 🙏

  20. Ramanikbhai Agrawat said,

    August 30, 2025 @ 8:30 PM

    આદરણીય જયાબહેને એમનાં દીર્ઘ જીવનકાળ દરમિયાન સાહિત્ય માટે ઉમદા કાર્ય કર્યું છે. કનુભાઈ સૂચકને ત્યાં વિલેપાર્લેમાં સાંજની બેઠકોમાં જે તે વક્તા બોલે તેમના વિશે તેઓ ત્વરિત વિવેચનાત્મક ઉદ્બોધન કરતાં હતાં. એ વક્તવ્યોમાં એમની પ્રજ્ઞા અને તિતિક્ષા પમાતાં હતાં.
    એમની પુણ્ય ચેતનાને વંદન.

  21. Pritiben Hareshbhai Trivedi said,

    September 3, 2025 @ 9:34 AM

    હાર્દિક શ્રધ્ધાંજલી. સુ શ્રી જયા બહેન ને ખુબ વાંચ્યા છે. તેમની અનુવાદિત રેવેન્યુ સ્ટેમ્પ, યાજ્ઞસેની તથા રાધા,કુન્તી,દ્વોપદી એ મને ખુબ પ્રભાવિત કરી છે. ઇશ્ર્વર તેમનાં આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના 🙏🙏🙏

  22. Pritiben Hareshbhai Trivedi said,

    September 3, 2025 @ 9:34 AM

    હાર્દિક શ્રધ્ધાંજલી. સુ શ્રી જયા બહેન ને ખુબ વાંચ્યા છે. તેમની અનુવાદિત રેવેન્યુ સ્ટેમ્પ, યાજ્ઞસેની તથા રાધા,કુન્તી,દ્વોપદી એ મને ખુબ પ્રભાવિત કરી છે. ઇશ્ર્વર તેમનાં આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના 🙏🙏🙏

  23. Poonam said,

    October 10, 2025 @ 7:12 PM

    દૂધમલ બાળક ખિલખિલ હસતું જાગે
    ને નિદ્રા સરી જાય…એમ ! ॐ શાંતિ 🙏🏻
    – જયા મહેતા –

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment