હાથ ફરકાવે જતાં-વળતાં બધાં આ શહેરમાં,
બે ઘડી નિરાંતે આવી ઘેર કો મળતું નથી..
અશ્વિન ચંદારાણા

ઊડી જાઓ, પંખી – દુલા ભાયા કાગ

ઊડી જાઓ પંખી! પાંખુંવાળા…જી,
વડલો કહે છે, વનરાયું સળગી, મૂકી દિયો જૂના માળા.

આભે અડિયાં સેન અગનનાં, ધખિયાં આ દશ ઢાળાં જી,
આ ઘડીએ ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા.
બોલ તમારા હૈયામાં બેઠા, રૂડાને રસવાળા જી;
કોક દી આવી ટૌકી જાજો, મારી રાખ ઉપર રૂપાળા…

આશરે તારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળાં જી,
મરવા વખતે સાથ છોડી દે, એ મોઢાં મશવાળા.
ભેળાં મરશું, ભેળાં જન્મશું, તારે માથે કરશું માળા જી;
‘કાગ’ કે આપણે ભેળાં બળશું, ભેળાં ભરશું ઉચાળા…

– દુલા ભાયા કાગ

[વનમાં આગ લાગી છે. એક વડલા પર પોપટ—પોપટીનું જોડલું ઘણાં વર્ષોથી વસતું. તેને વડલો કહે છે: “હે પક્ષીઓ! તમે ઊડી જાઓ, કારણ કે જંગલમાં લાગેલો દાવાનળ મને હમણાં બાળી મૂકશે. મારે તો પાંખો નથી, માટે બળી જઈશ. પણ તમે તમારા પ્રાણ બચાવો. હે પક્ષીઓ, ઘણાં વર્ષો સુધી તમારાં સુંદર ગાયનો સાંભળ્યાં, તે હૈયામાં વસી ગયેલ છે, જેથી અહીં મારી રાખ પર આવી કદીક એકાદ ટૌકો કરી જજો.” ત્યારે બંને પક્ષી બોલે છેઃ “હે વડરાજ! તારા આશરે અમે ઘણાં વર્ષો આનંદથી રહ્યાં, તારાં મીઠાં ફળો ખાધાં અને આજે મરણ વખતે અમે તારો સાથ છોડી દઈએ તો તો અમારાં મોઢાં કાળાં થાય. હવે તો આપણે સાથે જ મરશું, સાથે જ ફરી જન્મશું અને તારે માથે, તું મોટો થઈશ ત્યારે, અમે માળો બાંધશું.” આ તો લોકકલ્પનાની જૂની વાત છે. એનો એક દુહો છે કેઃ

‘પત્ર બિગાડે ફળ ડસે, બેઠે શીતળ છાંય;
તુમ જલો અમે ઊડીએ, જીવન કા ફલ નાંય.”] (સાભાર: ‘કાગવાણી’માંથી)

કાગની રચના વિશે શ્રી સુરેન ઠાકર ‘મેહુલ’ શું કહે છે તે પણ સાથે જ જોઈએ:
‘કવિ કાગના કાવ્યો છપાયાં પહેલાં જ પાંખો આવી જાય છે. પુસ્તકાકારે પ્રસિદ્ધ થતાં પહેલાં તો એ કાવ્યો પ્રજાની જીભે ચડી જાય છે અને દૂર-સુદૂરનાં ગામડાંમાં ગુંજવા લાગે છે.’

8 Comments »

  1. Dipak Peshwani said,

    August 7, 2025 @ 12:58 PM

    બાળપણમાં પુસ્તકનું સૌથી વધુ ગમેલું ગીત.. વંદન ચેતનાને..

  2. મધુસૂદન પટેલ 'મધુ' said,

    August 7, 2025 @ 1:10 PM

    ખૂબ ગમતા કવિ. વંદન..🙏❤️🙏

  3. Varij Luhar said,

    August 7, 2025 @ 1:23 PM

    વાહ વાહ.. અદ્ભુત રચના.. હું પાંચમા ધોરણમાં ભણતો
    ત્યારે અમારા ગામ.. કુબડા જી. અમરેલી ની લાયબ્રેરીમાં
    કાગવાણી ઉપ્લબ્ધ જેથી મારી કાવ્યો વાંચવાની શરુઆત
    તેનાથી થઈ અને પછી વડિયા ખાતે નોકરી અર્થે રહેવાનું
    થયું ત્યારે ત્યાં જાણીતા ભજનિક શ્રી અભરામ ભગત આ પદ
    તેઓ ખૂબ સરસ રીતે ગાતા મેં એકવાર તેમને પૂછ્યું તો કહે.. વડિયા સ્ટેટના
    દરબાર સાહેબ શ્રી સૂરગવાળાને આ પદ ખૂબ જ પ્રિય હતું અને ગાવાનો
    આગ્રહ કરતા.. મેં તો વડલા પર ચઢીને ગાયું છે..
    આજની પોસ્ટ ખૂબ ગમી.

  4. Dina Chhelavda said,

    August 7, 2025 @ 1:30 PM

    ખૂબ જ સરસ ગીત.. બાળપણમાં ભણવામાં આવતું આ કવિનું ગીત
    “એ જી તારા આંગણિયા પૂછીને.. ” ખૂબ ગમતું.

  5. રેણુકા દવે said,

    August 7, 2025 @ 1:42 PM

    વાહ ભાઈ વાહ…ખરેખર જૂનું તે સોનુ.
    બાળપણમાં આકાશવાણી પર આ ભજન ખૂબ સાંભળેલું. મારા પપ્પાને હંમેશાં આ સાંભળીને આંસું આવી જતા. તે ખૂબ ભાવથી અમને તેનો ગહન અર્થ સમજાવતા. આ સુખદ યાદો આ ગીતની મશે પાછી ફરી એ માટે વિવેકભાઈનો આભાર..

  6. વિજય રાજ્યગુરુ said,

    August 7, 2025 @ 2:25 PM

    ભણ્યો પણ છું અને ભણાવી પણ છે
    સ્વયં સ્પષ્ટ સ્વયંસિદ્ધ રચના

  7. ઉમેશ જોષી said,

    August 7, 2025 @ 7:55 PM

    કાગબાપુની અપ્રતિમ રચના છે… જે લોકજીભે બેઠેલી છે..
    મજાદર… અમરેલી જિલ્લાનું ગૌરવ છે..

  8. કમલેશ જેઠવા said,

    August 8, 2025 @ 12:32 PM

    વાહ, સુંદર રચના.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment