ખમ્મા! વીરાને – ન્હાનાલાલ
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ :
મોંઘામૂલો છે મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.
એક તો સુહાગી ગગનચાંદલો રે લોલ :
બીજો સુહાગી મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.
રાજ તો વિરાજે રાજમન્દિરે રે લોલ :
પારણે વિરાજે મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.
ચંપો ખીલે છે ફૂલવાડીમાં રે લોલ :
ફૂલમાં ખીલે છે મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.
આંગણે ઉજાસ મ્હારે સૂર્યનો રે લોલ :
ઘરમાં ઉજાસ મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.
એક તો આનન્દ મારા ઉરને રે લોલ :
બીજો આનન્દ મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.
દેવે દીધી છે મ્હને માવડી રે લોલ :
માડીએ દીધો મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.
– ન્હાનાલાલ કવિ
દુનિયાની દરેક ભાષામાં એક તરફ સરળતમ કવિતાઓ છે, જે સદીઓથી લોકમુખે જીવતી આવી છે અને બીજી તરફ અત્યંત કઠીન રચનાઓ છે, જે સામાન્ય જનમાનસની સમજણની પરે હોય છે… બાકીની કવિતાઓ આ બે અંતિમો વચ્ચે ક્યાંક ને ક્યાંક સ્થાન મેળવે છે. ન્હાનાલાલની આ રચના પણ બાળગીત જેવી સરળતા અને સાહજિકતાના કારણે દાયકાઓથી લોકજીભે રમતી આવી છે. અંગ્રેજી ભાષાનું ધાવણ પીને મોટી થયેલી આજની પેઢીએ કદાચ આ ગીત એમની મમ્મી કે મોટી બહેનના મોઢે સાંભળ્યું પણ નહીં હોય અને/અથવા શાળેય અભ્યાસક્રમમાં ભણવાનું પણ નહીં આવ્યું હોય… પણ આ ગીત આપણી અમર વિરાસતનું એક બહુમૂલ્ય મોતી છે, જેને રજૂ કરવા માટે આજના દિવસથી વધુ ઉપયુક્ત દિવસ અવર કયો હોઈ શકે, કહો તો?


Dina Chhelavda said,
August 9, 2025 @ 11:15 AM
ખૂબ જ ગમતું ગીત.. ગુજરાતમાં મારી શાળામાં
આ ગીત ભણવામાં આવતું..
Dr. Vrajlal Savaliya said,
August 9, 2025 @ 11:19 AM
ઘરમાં ઉજાસ મ્હારો વીર જો
ખમ્મા વીરાને……
બાળપણમાં આ કાવ્ય અમે વારંવાર ગાતા .
સમયના પ્રવાહમાં વિસરાઈ ગયેલું.
ફરીથી આજે વાંચીને બાળપણ તાજુ થયુ.
આભાર.
Shailesh Gadhavi said,
August 9, 2025 @ 12:27 PM
કવિ ન્હાનાલાલની અમર રચના..
વ્રજેશ મિસ્ત્રી said,
August 9, 2025 @ 1:30 PM
વાહ કવિ… સરસ પરંપરાગત રચના
Hiren K Mungla said,
August 9, 2025 @ 3:08 PM
સરળ બાની માં અવિસ્મરણીય ગીત
વિજય રાજ્યગુરુ said,
August 9, 2025 @ 4:27 PM
ભાઈની સરખામણી જે કરી છે કવિએ તે રોચક છે
કોઈ સંમત થાય કે ન થાય હું તો કહીશ જ કે ગુજરાતી સાહિત્યમાં મહાકવિની પ્રતિભા ધરાવનાર એકમાત્ર કોઈ કવિ હોય તો તે મહાકવિ ન્હાનાલાલ જ હતા
Jayshree Patel said,
August 10, 2025 @ 8:37 AM
બહુ જ સુંદર ગીતો. નાન્હાલાલનું આ ગીત પાઠશાળામાં ભજવ્યું હતું.
આવા ગીતો ગુજરાતી સાહિત્યમાં જવલ્લે જોવા મળે છે.
આરતી આંત્રોલિયા said,
August 13, 2025 @ 3:35 PM
વર્ષો જૂની આ કવિતા ફરી યાદ અપાવવા બદલ લયસ્તરોનો આભાર.