ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે
તોપણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે
– જવાહર બક્ષી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for October, 2024

કાગળમાં – હર્ષદ ચંદારાણા

છોડ ચિંતનની નાવ કાગળમાં
છે છલોછલ તળાવ કાગળમાં

સાત સાગર તરું સરળતાથી
ડૂબવાનો સ્વભાવ કાગળમાં

હું ઉપાડું કલમ, પછી મારા-
ભાવ તેમ જ અભાવ કાગળમાં

મારા મનને મળ્યો અરીસો આ
હૂબહૂ હાવભાવ કાગળમાં

આ અહીં મારી સ્વપ્નભૂમિ છે
તેથી નાંખ્યો પડાવ કાગળમાં

તારું એકાંત રાખ તું અંગત
ઢોળી દે શાહી, લાવ કાગળમાં

– હર્ષદ ચંદારાણા

અનાદિકાળથી મનુષ્યને જેટલી કવિતા આકર્ષતી રહી છે, એટલું જ આકર્ષણ કવિતાના ઉપાદાનોનુંય રહ્યું છે. કવિતા વિશે, કવિતાના સર્જન વિશે જેટલી રચનાઓ જડશે એટલી રચનાઓ કદાચ કલમ-કાગળ અને શાહી વિશે પણ મળી આવશે. પ્રસ્તુત ગઝલમાં કવિનો કેમેરા કાગળ ઉપર કેન્દ્રિત થયો છે. કાગળના રૂપકની મદદથી કવિએ નિજ ષડ્દર્શન પ્રગટ કર્યું છે. કોરો કાગળ હકીકતે તો ચિંતનની નાવ તરતી કે ડૂબતી મૂકી શકાય એવા છલોછલ તળાવ સમો છે. સાત સાગર તરી જનારો પણ સ્વયંને વ્યક્ત કરવા માટે તો કાગળમાં જ ડૂબે છે. આપણા તમામ ભાવ અને અભાવ કાગળ આગળ ખુલ્લા પડી જાય છે. મનુષ્ય દુનિયાની આગળ ગમે એવો અભિનય કેમ ન કરે, કાગળ અરીસાની જેમ એના એકેક હાવભાવને હૂબહૂ પકડી પાડે છે. (હા, કાગળ ઉપર જાત રેડવાની આ પ્રક્રિયા દુનિયાને બતાવવા માટેની કૃતક જહેમત ન હોય તો!) સ્વયંને વ્યક્ત કરવાનું સ્વપ્ન હોય તો કાગળ એને સાકાર કરનાર ભૂમિ છે.

Comments (2)

વૃદ્ધની પ્રાર્થના – વજેસિંહ પારગી

એકાકી વૃદ્ધ
બેઠો છે
સુકાઈ ગયેલા વૃક્ષ નીચે
વૃદ્ધ જુએ છે-
ઘડીકમાં વૃક્ષ સામે
ઘડીકમાં જાત સામે
ને મનોમન પ્રાર્થે છે:
ક્યાંકથી કઠિયારો આવે
ને વૃક્ષભેળો મનેય કાપી જાય.

– વજેસિંહ પારગી

સ્વયંસિદ્ધ… પીડાની પરાકાષ્ઠા… સહનશક્તિની અંતિમ સરહદ…

Comments (10)

ગઝલ – અગન રાજ્યગુરુ

આગળ વધી કે વાત હજી ત્યાં ને ત્યાં જ છે?
આવ્યો નથી જવાબ, હજી ત્યાં ને ત્યાં જ છે.

પાછળ ફરીને જોયું મેં પ્રસ્થાન સ્થાન પર,
મારી બધી નિરાંત હજી ત્યાં ને ત્યાં જ છે.

વૃક્ષો નવાં તો ખૂબ ઉગાડ્યાં છે શહેરમાં,
સુનકાર એ છતાંય હજી ત્યાં ને ત્યાં જ છે.

એ પણ ખબર નથી રહી તારા વિચારમાં,
કે દિન ગયો કે રાત હજી ત્યાં ને ત્યાં જ છે?

અળગા થયા તો દોસ્ત! એ અહેસાસ થઈ ગયો,
તારા તરફ લગાવ હજી ત્યાં ને ત્યાં જ છે.

નીકળી ગયો છે તું જ હવા થઈને બાથથી,
મારા તો બેઉ હાથ હજી ત્યાં ને ત્યાં જ છે.

એનો અમલ જો થાય તો દુનિયા મળે ‘અગન’
કિંતુ બધાંય ખ્વાબ હજી ત્યાં ને ત્યાં જ છે.

– અગન રાજ્યગુરુ

ગઝલમાં સુનિશ્ચિત અર્થ ધરાવતી મધ્યમ કે લાંબી રદીફ વાપરવી એ દોરડા પર ચાલવા જેવું કામ છે. સહેજ્સાજ પણ ધ્યાનચૂક થાય તો સીધું ધબાય નમઃ જ થાય. પ્રસ્તુત ગઝલમાં કવિએ “હજી ત્યાંની ત્યાં જ છે” જેવી વિશિષ્ટ રદીફની લાકડી હાથમાં ઝાલીને સુપેરે રોપવૉક કરી બતાવ્યું છે. ગઝલમાં પ્રમાણમાં ઓછા માન્ય ગણાતા અકારાંત કાફિયા સાથે અનૂઠી રદીફ સાંકળીને કવિએ સાત રંગનું મજાનું મેઘધનુષ સર્જ્યું છે. બધા જ શેર સ-રસ થયા છે પણ રદીફ ઉપર વિશેષ ધ્યાન આપીને વાંચીએ તો દરેક શેર વધારે સ-રસ લાગશે.

Comments (15)

મઘમઘતો મેડો… – યોગેશ પંડ્યા

મને લાગ્યો નઠારા સંગ નેડો,
ફલકુને તીર ભરી પાણીડાં, આવતી’તી,
રોક્યો રૂપાળે મારો કેડો!
કે મને લાગ્યો નઠારા સંગ નેડો!

એણે વાતુંવાતુંમાં મને છેતરી,
મને દામણ દીધું કે દીધી નેતરી,
પછી ચારેબાજુથી મને વેતરી,

સિવાતી ગઈ એના ટેરવાંના ટેભલે
જડિયો ના ક્યાંય મને છેડો!

અલી, એવી તે કાંઈ ન’તી ભોળી,
મુને આંખ્યુંના ત્રાજવામાં તોળી,
પછી વાતું કરી’તી મીઠામોળી,

કોણ જાણે સૈ! પછી થઈ ‘ગ્યું છે શું?
મને લાગી ‘ગ્યો એક એનો હેડો!

ગોરંભા જેમ ચડ્યો માગશરનો ઠાર,
આંખ્યું ને લાગે છે પાંપણનો ભાર,
મધમીઠો કેમ મને લાગે અંધાર?

વહેલી સવારના ઝબકીને જાગી તો-
મ્હેક થકી મઘમઘતો મેડો!

– યોગેશ પંડ્યા

રમતિયાળ લયગૂંથ્યું રમતિયાળ ગીત! હૈયાના ચોરને નઠારો કહેવાની પ્રેમોક્તિ નવી નથી, પણ વાત જે મજાથી રજૂ થઈ છે, એની જ અહીં ખરી મજા છે. નાયિકાનું હૃદય આવા ‘નઠારા’ સંગ લાગી ગયું છે. ધ્રાંગધ્રાની ફલકુ નદીમાંથી પાણી ભરી એ પરત ફરતી હતી એ સમે નાયકે એનો માર્ગ આંતર્યો. કાવ્યારંભે જે નઠારો હતો એ આટલીવારમાં તો રૂપાળો લાગવા માંડ્યો છે. ગાય-ભેંસ ને વધુ દૂર જતાં રોકવા બે પગ વચ્ચે જે દોરી બાંધવામાં આવે એને દામણ કહે છે, અને દહીં વલોવવા માટે વપરાતી દોરીને નેતરું. નાયિકાનો આરોપ છે કે નાયકે વાતોમાં ભોળવીને પોતાને છેતરી છે અને દામણ દઈને એની ગતિ મર્યાદિત કરી દીધી છે, અથવા નેતરી દઈને (પ્રેમના) ધંધે વળગાડી દીધી છે. જે કર્યું હોય એ, પણ નાયકે નાયિકાને ચોતરફથી વેતરીને પોતાના માપની કરી દીધી છે. નાયકના ટેરવાના ટેભે નાયિકા એ રીતે સીવાતી ગઈ છે કે હવે એનો પોતાનો છેડોય જડ્યો જડે એમ નથી. ભોળી ન હોવા છતાં કથકના નેણઉલાળે એ વશ થઈ છે ને એને એનો ટેસડો લાગી ગયો છે. પાંપણ ભારી થઈ જવા છતાં રાતના ઉજાગરાભર્યાં અંધારા મધમીઠા લાગે છે, ને સવારે પ્રિયતમની મહેંકથી મેડો મઘમઘતો થઈ ગયેલો અનુભવાય છે…

Comments (13)

(સકલમાં ઓગળે છે) – જાતુષ જોશી

કોઈ પૃથ્વી, જળ, ગગન, વાયુ, અનલમાં ઓગળે છે,
કોઈ એવી રીતથી જાણે સકલમાં ઓગળે છે.

કોઈ કેવળ સાત રંગોની રમત જોયા કરે છે,
કોઈ બહુ સમજી-વિચારીને ધવલમાં ઓગળે છે.

કોઈ કુંતલના તિમિરથી તરબતર થઈ સૂઈ ગયું છે,
કોઈનું હોવાપણું ત્યાં એક તલમાં ઓગળે છે.

કોઈ ત્યાં તટ પર સરોવરની હવા શ્વસતું રહે છે,
કોઈના સહુ શ્વાસ સૌરભમય કમલમાં ઓગળે છે.

કોઈમાં એની ગઝલ અમથી જ ઓગળતી રહે છે,
કોઈ બસ અમથું જ પાછું એ ગઝલમાં ઓગળે છે.

– જાતુષ જોશી

ગઝલના પાંચેય શેરના દસેદસ મિસરાનો પ્રારંભ “કોઈ”થી થાય છે. આ કોઈ કોઈપણ હોઈ શકે, હું, આપ કે અન્ય કોઈ પણ. એ અર્થમાં આ ગઝલ સૌની ગઝલ બની રહે છે. દરેક મિસરાનો અંત પણ ‘છે’થી થાય છે. ગઝલમાં રદીફ અથવા રદીફનો અંશ ઉલા મિસરામાં વાપરી ન શકાય, એટલે ગઝલની પરિભાષામાં જોઈએ તો મત્લા પછીના દરેક શેરમાં તકાબીલ રદીફ દોષ થયો ગણાય. પણ કવિએ દસેય પંક્તિઓમાં આદ્યંતે સમાન શબ્દ વાપરવાની રચનાનીતિ અપનાવી હોવાથી પ્રયોગના ધોરણે આ નિર્વાહ્ય જણાય છે.

પંચમહાભૂતોથી બનેલ દેહ પંચમહાભૂતમાં જ વિલીન થઈ જાય છે. દરેક સજીવ પંચમહાભૂતોથી જ બન્યો હોવા છતાં દરેક વ્યક્તિ એકબીજાથી અલગ તરી આવે છે. માટી એક જ હોવા છતાં સૌના ઘાટ અલગ છે, પણ કોઈ કોઈ એવાય હોય છે, જે સૌમાં સમરસ થઈ સૌ સાથે સમભાવથી રહેતાં હોય છે. આ જ વાત બીજા શેરમાં સાત રંગોના સંમિશ્રણથી સફેદ રંગ બને છે એ વૈજ્ઞાનિક હકીકતનો આધાર લઈ કવિએ રજૂ કરી છે. કુંતલ એટલે વાળની લટ. એય શ્યામ અને તલ પણ શ્યામ. કુંતલ અને તલ વચ્ચેની વર્ણસગાઈ અને રંગસગાઈનો સમુચિત ઉપયોગ કરીને કવિએ કેવો મજાનો શેર સર્જ્યો છે! શેખાદમનો અમર શેર પણ યાદ આવે:

ભેલે હું શ્યામ લાગું, પણ મિલન આવું મળે કોને?
તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું.

સરવાળે આખી ગઝલ મજાની થઈ છે.

Comments (4)

તો – ચંદ્રકાન્ત શેઠ

ઢાળવાનું હેમ છે તો ઢાળીએ,
એક ઝરણું આંખમાંયે વાળીએ.

એટલા તારા ગમ્યા છે રાતના,
દિવસ આખો જાગવાનું ટાળીએ.

તૂટવાની શી મજા મઝધારમાં!
ભૂલમાંયે કેમ કાંઠો ભાળીએ?

આપણે તો એક મોતી પામવું,
સાત સમદરનીય રેતી ચાળીએ!

કોક દી તો એ ગગન અહીં આવશે,
આંગણામાં પંખીઓ બસ, પાળીએ.

આપણામાં જ્યોત ને જ્વાળા ઊઠે,
બાળવા જેવું બધુંયે બાળીએ.

– ચંદ્રકાન્ત શેઠ

ઉજાગરાના કારણ તો હજાર હોય, પણ કવિ પાસે જે કારણ છે એ તો સાવ અલગ જ છે, અને ઉજાગરો કરવા માટેની એમની પદ્ધતિ પણ નોખી છે. રાતના તારા કવિને એ હદે ગમી ગયા છે કે એ દિવસે ઊંઘી જવાનું પસંદ કરે છે, જેથી કરીને રાત આખી તારાઓના સૌંદર્યનું આકંઠ પાન કરી શકાય. ત્રીજો શેર વાંચતાવેંત શૂન્ય પાલનપુરીની યાદ આવે- મને એ નાખુદા પર છે ખુદા કરતાં વધુ શ્રદ્ધા, કિનારો જોઈ જે પાછો વળી જાયે સમંદરમાં. છેલ્લા ત્રણ શેર તો સાત સમંદરની રેતી ચાળીને હાંસિલ કરેલ મોતી જેવા મૂલ્યવાન થયા છે…

Comments (3)