હું ભણું છું એમનો ચહેરો, અને એ-
ક્લાસમાં ભૂગોળનું પુસ્તક ભણે છે.
શીતલ જોશી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for November, 2023

આજ તો એવું થાય – દેવજી રા. મોઢા

આજ તો એવું થાય :
વનરાવનને મારગ મને માધવ મળી જાય!

સેંથડે મેં તો સિંદૂર પૂર્યાં, આંખમાં આંજી મેશ,
સોળ સજ્યા શણગાર મેં અંગે, નવલા ધર્યા વેશ;
ઓરતો મને એક જ હવે અંતર રહી જાય:
વનરાવનને મારગ મને….

મોતી ભરેલી હીર-ઈંઢોણી, મહીનું માથે માટ,
રોજની ટૂંકી આજ મને કાં લાગતી લાંબી વાટ?
વેચવા જઉં મહીડાં, મારા થંભતા જતા પાય:
વનરાવનને મારગ મને…..

બેય બાજુથી ઝાડ ઝૂકીને કરતાં ચામર-ઢોળ,
ઉરમાં વ્યાપ્યો આજ અજંપો, ચિત્ત ચડ્યું ચકડોળ;
ખખડે સૂકાં પાન-શું એમાં વાંસળી કોઈ વાય?
વનરાવનને મારગ મને…..

અણુ અણુમાં ઝંખના જાગી, લાગી એક જ લેહ,
ચિત્તનું ચાતક ચાહતું કેવળ મોંઘો માધવ-મેહ;
પ્રાણ-પપીહો ‘પિયુ પિયુ’નું ગીત પુકારી ગાય!
વનરાવનને મારગ મને……

નેણ ભરીને નીરખ્યા કરું, સાંભળ્યા કરું સૂર,
ઊડીએ એવું ગગન જે હો જગથી ઝાઝું દૂર;
જહીં ન ઓલ્યો વિરહ કેરો વાયરો પછી વાય:
વનરાવનને મારગ મને માધવ મળી જાય!
આજ તો એવું થાય….

– દેવજી રા. મોઢા

ગુજરાતી ગીતોનો બહુ મોટો હિસ્સો કૃષ્ણપ્રેમની આરતનો છે. સોળ શણગાર સજીને વનરાવનને મારગ નીકળેલી ગોપીને મનમાં ‘માધવ મળી જાય તો કેવું સારું’ના કોડ જાગ્યા છે. જીવ પ્રતીક્ષારત્ હોવાથી રોજિંદી વાટ પણ હવે લાંબી લાગે છે અને પગ ચાલતાં હોવા છતાં થંભી ગયા હોવાનું પ્રતીત થાય છે. સૃષ્ટિ પણ ચામરઢોળ કરતી હોય એમ લાડ લડાવે છે. સૂકાં પાન ખખડે એમાંય વાંસળીવાદનનો ભાસ થાય છે. ચિત્તના ચાતકને કેવળ માધવનો મેઘ જ તુષ્ટ કરી શકે એમ છે. અને માધવ જો મળી જાય તો એને લઈને આજે તો એવા આકાશમાં ઊડી જવું છે, જ્યાં વિરહનો વાયરો કદી વાય જ નહીં! પંક્તિએ-પંક્તિએ વર્ણસગાઈ, ચુસ્ત પ્રાસાવલિ, પ્રવાહી લય અને સુઘડ રજૂઆતના કારણે ગીત તરત જ હૈયે ઘર કરી જાય છે.

Comments (7)

ચકલી ગીત – નયન દેસાઈ

ખાલીખમ્મ કમરામાં ચકલીનું ઊડવું ને પાંખોનું ફરફરવું
ચીં ચીં થી અળગા થવાય છે? ના… રે… ના
બારીમાં કૂંડું ને કૂંડામાં લીલુંછમ ચોમાસું ઊતરે તો
ચકલીની માફક નવાય છે? ના… રે. ના

ચકલી તો વૃક્ષોની ડાળીની પટરાણી ધરતી ને સમદર ને
વાયુ ને આકાશ ઓઢીને ઝૂલે છે,
સામેના ઘરમાંથી મઘમઘતા કોઈ ગીતનું મધમીઠું
પરબીડિયું કન્યાના અધરોની વચ્ચેથી ખૂલે છે.
પૂર્વાપર સંબંધો ચકલી ને કન્યાના બંધાયા કઈ રીતે?
એવું કંઈ કોઈને પૂછાય છે? ના.. રે.. ના

ચકલીમાં વત્તા એક ચકલી ને ઓછામાં સૂનો અરીસો છે,
બે ચાર ભીંતો છે, બે ચાર ખીંટી છે
ચકલી તો ભોળી છે, ચકલી તો પીંછાનો ઢગલો છે, ચકલી
શું જાણે કે સામે અગાસીમાં આવે એ સ્વીટી છે ?
સોનાની પાંખોથી, રૂપાની ચાંચોથી, હીરાની પાંખોથી,
ચકલીને ભાગી શકાય છે? ના… રે … ના

ખાલીખમ્મ કમરામાં ચકલીનું ઊડવું ને પાંખોનું ફરફરવું
ચીં ચીં થી અળગા થવાય છે ? ના… રે… ના

– નયન દેસાઈ

કવિતા આમ તો અમૂર્ત અગોચર પદાર્થ. પણ ક્યારેક જો કવિતાને પ્રયોગદેહ લેવાનું મન થાય તો એનું નામ નયન દેસાઈ જ હોઈ શકે. નયનભાઈએ કવિતારાણીને જેટલાં લાડ લડાવ્યાં છે એટલાં બહુ ઓછા કવિ લડાવી શક્યા છે. આ ચકલીગીત જુઓ. જે જમાનામાં મોબાઇલ નહોતા અને ચકલીઓનું આખા શહેરમાં એકહથ્થુ શાસન હતું એવા કોઈક સમયે લખાયેલી આ રચના છે. એ સમયે ચકલી લોકજીવનનો જ એક ભાગ હતો. એની ચીંચીંથી અળગા થવાનું કે રહેવાનું સંભવ જ નહોતું. એક તરફ સમગ્ર સૃષ્ટિની પટરાણી ચકલી છે અને બીજી તરફ સામેના ઘરમાં કથકના હૈયાની પટરાણી નામે સ્વીટી છે. આ બે ધ્રુવ વચ્ચે હીંચકાગતિ કરતું તોફાની ગીત અર્થની પળોજણમાં પડ્યા વિનાય મધમીઠું ન લાગે તો કહેજો.

Comments (5)

(મારો શાકવાળો) – ધીરુબહેન પટેલ

મારો શાકવાળો
ખરેખર બહુ સારો માણસ છે.
એ રોજ સવારે મને હસીને ‘જે શી ક્રષ્ણ’ કહે છે
મારો દિવસ સારો જાય એવી શુભેચ્છા પણ આપે છે.
પછી જ અમારી ભાવતાલની રકઝક શરૂ થાય.
ક્યારેક એના વટાણા સડેલા હોય
ને ટામેટાં વધારે પડતાં પાકી ગયેલાં –
એનાં ત્રાજવાંનાં કાટલાંનુંયે બહુ ઠેકાણું નથી હોતું.
પણ એ મને એના સંસારની વાતો કરે છે
અને મૃદુતાથી જાણી લે છે કે
મારું પણ બધું ઠીકઠાક ચાલે છે ને!
એના ચહેરામોહરા માટે કે
એની સુઘડ રીતભાત માટે જ
એ મને ગમે એવું નથી
એ મને ગમે છે કારણ કે
ભાવતાલની ભાંજગડમાં
હું હંમેશ એને હરાવી શકું છું
અને મારું પ્રત્યેક પ્રભાત
વિજયના સ્મિત સાથે શરૂ થાય છે.

– ધીરુબહેન પટેલ

ન બોલીને બોલે એ ખરી કવિતા. કવિતામાં કવિ ઘણીવાર જે લખ્યું હોય એ નહીં, પણ જે ન લખ્યું હોય એ કહેવા માંગતા હોય એમ બને. આપણને બે પંક્તિ વચ્ચેનો અવકાશ વાંચતા આવડવું જોઈએ. ‘કિચન પોએમ્સ’ ધીરુબહેનના દિવાનનો એક ખાસ હિસ્સો છે. પોતાના ઘરમાં દરેક મોરચે પરાજિત થતી કે પહેલા ક્રમ સિવાયના સ્થાનની જ હકદાર થતી ગૃહિણીને એનો રોજિંદો શાકવાળો શાકની ખરાબ ગુણવત્તા અને તોલમાપની બેઈમાની છતાં ગમે છે, કારણ કે એ એની સાથે સ્મિતથી વાતો પણ કરે છે અને ભાવતાલના યુદ્ધમાં હાર સ્વીકારવાનો દેખાવ પણ કરે છે. પોતાના પરિવારમાં બધું ઠીકઠાક જ ચાલે છે એવું કાછિયા સાથેની વાતચીતના સંદર્ભમાં કવયિત્રીએ કહ્યું તો છે, પણ શાકવાળા સાથેના સંબંધના નેપથ્યમાં બિટવીન ધ લાઇન્સ આપણને એનો ઘરસંસાર દીવા જેવો સાફ નજરે ચડે છે.

Comments (8)

નીંદર – જયંત ડાંગોદરા

નીંદર વેડીને લીધા લખલૂટ ઉજાગરા ને ઝળઝળિયાં વેડીને રાત,
છાતીમાં વાંભ વાંભ ઉઝરડા ઊછળે પણ કરવી તો કોને જઈ વાત ?

સીંચણિયું બાંધીને આંસુ ઉલેચવાની રોજ કરું અણગમતી દાડી,
ઉપરથી એટલુંય ઓછું કંઈ હોય એમ લીલીછમ રાખવાની વાડી,
વેઠી વેઠાય નહીં એવી તે વેઠ જોવા ઊમટી છે સમણાંની નાત.
છાતીમાં વાંભ વાંભ…

તોળાતી છત પર જો તાકી રહું તો લાગે ખાલીખમ આંખોનો ભાર,
મીંચી દઉં પળભર તો ખર ખર ખર ખરતો આ પાંપણમાં બાઝેલો ખાર,
અંધારું ઓઢાડી પોઢાડી દઉં હવે ઢોલિયામાં ઊકળતી જાત.
છાતીમાં વાંભ વાંભ…..

– જયંત ડાંગોદરા

પ્રિયજન છાતીમાં વાંભ વાંભ ઉછાળા મારે એવા કારા ઘાવ આપીને ગયો છે એને લઈને નાયિકાના ભાગે લખલૂટ ઉજાગરા વેઠવાનું આવ્યું છે. નાયિકાની રાતના કાળા આકાશમાં અગણિત તારાઓના ઝળહળાટનું સ્થાન ઝળઝળિયાંઓએ લીધું છે. સીંચણિયું તો બાંધ્યું છે પણ જીવતરના કૂવામાંથી મિલનના અમરતના સ્થાને ઝેર જેવાં આંસુ ઉલેચવાની ફરજ પડી છે. રોજેરોજની આવી નોકરી ગમે તો કેમ, પણ માથે પડી છે તે કરવી પડે છે. ને આટલું ઓછું હોય એમ ઘરસંસાર પણ વ્યવસ્થિત રાખવાનો. ભીતરના ભાવસંચરણનો કોઈને અણસારેય ન આવવો જોઈએ. પ્રીતમની અનુપસ્થિતિમાં છત સામે તાકી રહે તો ખાલી આંખોનો બોજ અનુભવાય છે અને આંખો મીંચે તો ખર ખર ખર ખારાં આંસુ વહેવા માંડે છે. પળ-ભર-ખર-ખર-ખર-ખર(તો)-ખાર : આ વર્ણસગાઈ એવી સરસ રીતે પ્રયોજાઈ છે કે આંસુ રીતસર ટપ ટપ ટપકતાં હોવાનું અનુભવાયા વિના રહેતું નથી.

Comments (22)

હૈયાસૂનાં – કેશવ હ. શેઠ

નિર્જન વનવગડે અલી વાદળી!
.                                      જળ શાં ઢોળવાં અમથાં?
.                                      રણે રગદોળવા અમથાં?
એવાં હૈયાસૂનાં સમીપ વીતક શાં બોલવાં અમથાં?
.                                      હૃદય શીદ ખોલવા અમથાં?

ચાતક જળ વણ ટળવળે, મેઘ ચડ્યો ઘનઘોર;
ગર્જન કિંતુ જૂઠડાં; જગ એવુંય નઠોરઃ

છીછરાં સરવરને શીદ મલિન જળે અંઘોળવા અમથાં?
.                                      જવાહીર ઝબોળવા અમથાં?
એવાં હૈયાસૂનાં સમીપ વીતક શાં બોલવાં અમથાં?
.                                      હૃદય શીદ ખોલવા અમથાં?

સુગન્ધમિઠ્ઠા લીંબડા, રસમાં કડવા ઝેર;
મુખ મિઠ્ઠાંના મોહ શા, જો નહિ મનના મેળ?

ગરજુ જગવગડે વણપાત્ર પ્રણય શો ઢોળવો અમથો?
.                                      ઉરેઉર જોડવાં અમથાં?
ઉજ્જડ મરુભૂમિનાં રસિક હૃદય શા ખોલવા અમથાં?
.                                      જીવન શીદ રોળવા અમથાં?

મોહ ભીના સંસારમાં, જૂઠા મૃગજળ ઘાટ;
મોંઘી સફરો સ્નેહની, આઘી ઉરની વાટઃ

વિજય કો વાડીને એકાન્ત ફૂલો! શાં ફોરવાં અમથાં?
.                                      દરદ દિલ વ્હોરવા અમથાં?
કહો ક્યાં મળશે વ્હાલો કાન્ત? સ્વજનના સ્નેહનીય કથા?
.                                      અવરની મારે છે શી વ્યથા?

– કેશવ હ. શેઠ

હૃદય વગરના માણસ આગળ પોતાનું હૃદય ખોલવાનો કોઈ અર્થ નથી એ વાત કવિએ પારંપારિક ઢબમાં સદૃષ્ટાંત સમજાવી છે. નિર્જન વનવગડામાં કે રણમાં જઈને વાદળી વરસે તો એ વેડફાટથી વિશેષ કશું નથી. જળ વિના ટળવળતા ચાતકને ઘનઘોર મેઘ આશા તો બહુ બંધાવે છે, પણ મેઘાની આ ગાજવીજ નઘરોળ જુઠ્ઠાણાં સિવાય કંઈ નથી. દુનિયાની આ નઠોરતા કવિ આપણી સમક્ષ છતી કરે છે. અલગ-અલગ દાખલા દઈને કવિ પોતાની વાતને પુષ્ટિ આપીને ગીતનો સુમધુર પોત આપ્યું છે.

પ્રસ્તુત રચના મિશ્રલયના ગીતનું સરસ ઉદાહરણ છે. ગીતનું મુખડું અને પ્રથમ બંધ જુઓ. ગીતના ઉપાડનો લય ‘અમથાં’થી અંત થતી ટૂંકી કડીઓના લયથી અલગ છે એ વાત તરત જ સમજાય છે. લાંબી પંક્તિઓમાં પણ લયના આ રીતે જ બે વિભાગ પડી જાય છે. ‘એવાં હૈયાસૂનાં સમીપ’નો લય ગીતના ઉપાડની સાથે વહે છે, જ્યારે ‘વીતક શાં બોલવાં અમથાં?’નો લયહિલ્લોળ ટૂંકી કડીઓના લય સાથે તાલ પૂરાવે છે. તદુપરાંત ગીતમાં ત્રણેય બંધમાં કવિએ દોહરા છંદ પ્રયોજ્યો છે. રચનામધ્યે આવતા દોહા કે અન્ય માત્રિક છંદમાં લખાયેલ બે પંક્તિના આવા બંધને સાખી પણ કહેવાય છે. એનો ઢાળ રચનાના મૂળ ઢાળથી અલગ અને બહુધા વિલંબિત લયવાળો હોય છે. મધ્યયુગીન ભજન પરંપરામાં જ્ઞાન, વૈરાગ્ય કે ભક્તિની આવી સાખી સામાન્ય રીતે ભજનના પ્રારંભે આવતી, જે રચનાની પૂર્વભૂમિકા બાંધવામાં સહાયક બનતી. પ્રાચીન સંસ્કૃત કે ગુજરાતી પદ્યકૃતિઓમાં પણ સર્જક પોતાના વિચાર કે મતને અનુમોદન આપવા માટે વચ્ચે વચ્ચે સાક્ષી-શ્લોક ઉમેરતાં. સમય જતાં ‘સાક્ષી’માંથી ‘સાખી’ એમ અપભ્રંશ થયો. ન્હાનાલાલ જેવા કવિઓએ સાખી માટે અક્ષરમેળ છંદ પણ ઉપયોગમાં લીધા છે.

Comments (4)

આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે – યોગેશ જોષી

આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે.

હોડીમાં સ્હેજ સ્હેજ પાણી ભરાયાં ને દરિયો આખોય ભયભીત છે!
ઝૂકી ઝૂકીને આભ જોયા કરે કે ભૈ! કોની તે હાર, કોની જીત છે!
ખડકની સાથ રોજ માથાં પછાડવાં, આ હોવાની ઘટના કરપીણ છે!
આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે!

છાલ્લકો જોરથી વાગે છે જેની તે બળબળતું જળ છે કે આગ છે?
ગીતોની વચ્ચે જે રેશમની જેમ ફરે, મનગમતો લય છે કે નાગ છે?
મધદરયે પણ હું તો ભડકે બળું ને મારી હોડી પણ જાણે કે મીણ છે!
આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે!

– યોગેશ જોષી

આમ જાણે કે પ્રકૃતિનું ગીત અને આમ જુઓ તો તૂટ્યા સંબંધનું… મોજું કિનારે આવીને તૂટે અને ફીણ ફીણ થઈ વેરાઈ જાય. લાં…બી મુસાફરી બાદ છેક કિનારે આવીને સંબંધનેય મોઢે ફીણ આવી જાય એવું બને. આમ તો હોડી એ દરિયાને ડારવાનું ને પાર ઉતારવા માટેનું સાધન પણ હોડીમાં પાણી ભરાય ત્યારે જેને તરવા નીકળ્યા હોઈએ એ જ દરિયામાં ડૂબવાની નોબત આવે. અહીં વાત અલગ છે, જો કે. અને કવિતાની મજા પણ અહીં જ છે. હોડીમાં સહેજસાજ પાણી ભરાતાં દરિયો આખો ભયભીત થઈ ગયો છે. સંબંધના ડૂબવાની શક્યતા દેખાય તો સમંદર જેવડા વિશાળ જીવતરનેય ભય તો લાગે જ ને! દુનિયા તો આ હાર-જીતનો તમાશો જોવાની જ છે. પણ જેને જીવન મળ્યું છે એણે તો મુસીબતો સાથે માથાં ઝીંકવા જ પડશે રોજેરોજ, ભલે કરપીણ કેમ ન લાગે. સતત જેની છાલકો વાગતી રહે છે એ બળબળતું જળ હોય કે આગ- બંને દઝાડવા જ સર્જાયાં છે. પણ આવા જીવતરમાંય ગીત-કવિતાનો મનગમતો લય એક આશ્વાસન છે, ડૂબતાંને મન તરણાંનો સહારો છે. જો કે ક્યારેક એ સમજાતું નથી કે કવિતા જીવાડે છે કે નાગની જેમ મરણતોલ ડંસ દે છે. જે હોય તે, ભડકે બળતું અસ્તિત્ત્વ જેના સહારે જીવનસાગર તરી જવાની નેમ રાખી બેઠું હોય એ હોડી પણ મીણની બનેલી છે… આગ એને શું પીગાળી નહીં દે? ડૂબ્યા વિના શું કોઈ આરોઓવારો છે ખરો? દર્દનાક જિંદગીની દારૂણ વાસ્તવિક્તા કથક પોતાની સખી સાથે સહિયારે છે એ વાત ગીતને હૃદ્ય અને જીવનને સહ્ય બનાવે છે.

Comments (7)

વહેતાં વૃક્ષ પવનમાં – રઘુવીર ચૌધરી

નીલ ગગન પર્વત નીંદરમાં
.              ખળખળ વહેતાં વૃક્ષ પવનમાં

યુગ યુગથી જે બંધ અવાચક
કર્ણમૂલ ઊઘડ્યાં શંકરનાં,
જટાજૂટથી મુક્ત જાહ્નવી
૨મે તરવરે સચરાચરમાં;
ધરી સૂર્યનું તિલક પાર્વતી
.                                                 સજે પુષ્પ કાનનમાં.   0ખળખળ વહેતાં.

શિલા શિલાનાં રંધ્ર સુવાસિત,
ધરા શ્વસે કણ કણમાં.
વરસ્યા બારે મેઘ ઝળૂબી
ઊગ્યાં દેવતરુ રણમાં.
તાંડવની સ્થિર મુદ્રા આજે
.                                                    લાસ્ય ચગે ત્રિભુવનમાં.  0ખળખળ વહેતાં.

– રઘુવીર ચૌધરી

રચનાની નીચે સર્જકનું નામ લખવાનું રહી ગયું હોય તોય તરત જ ખ્યાલ આવી જાય કે આ રચના કોઈ સિદ્ધહસ્ત કવિની કલમનું સર્જન જ હોવી ઘટે. વળી, ગીતનો લય પણ એવો તો મજબૂત અને પ્રવાહી થયો છે કે ગણગણ્યા વિના ગીતનું પઠન કરવું સંભવ જ બનતું નથી. સૃષ્ટિના સર્વપ્રથમ નૃત્યનો સંદર્ભ સાચવીને રચના કરાઈ છે. આખી સૃષ્ટિ નિદ્રાગ્રસ્ત છે, કેવળ પવન વાઈ રહ્યો છે અને પવનમાં હાલતાં વૃક્ષોની મર્મરને લઈને તેઓ ખળખળ વહેતાં હોવાનો ભાસ થાય છે.

યુગયુગોથી શંકર તપમગ્ન છે. સૃષ્ટિનો કોઈ પ્રકારનો સંચાર એમને સ્પર્શી શકતો નથી. આમ તો કાન સાંભળવાનું કામ કરે, પણ કવિએ તો કર્ણમૂલ બંધ છે એમ કહેવાથી આગળ વધીને એને અવાચક પણ કહ્યાં છે. એમના કાન એ હદે બંધ છે કે એમની ચેતનાને લગરિક પણ ખલેલ પહોંચે એવી એકેય વાતને એ વાચા આપતા નથી. પણ આજે યુગોથી બંધ દ્વાર ખુલી રહ્યાં છે. જાહ્નવી મુક્તિનો આનંદ માણી રહી છે. કારણ? તો કે પાર્વતી શણગાર સજી રહ્યાં છે. અને આ શણગાર પણ જોવા જેવો છે. કપાળે તો સાક્ષાત્ સૂર્યનું તેજસ્વી તિલક કરે છે પણ સજે છે પુષ્પો વડે. ઓજસ્વિતા અને નાજુકાઈ, શાશ્વત અને નશ્વર –ઉભયનો સમન્વય એમના સૌંદર્યને વધુ ઓપ બક્ષે છે એમ નથી લાગતું?

એકએક શિલાઓના એકએક છિદ્ર સુવાસિત થયાં જણાય છે, ધરાના કણેકણ શ્વાસ લઈ રહ્યાં છે, અર્થાત્ સૃષ્ટિ સમસ્ત જીવંત થઈ ઊઠી છે. બારે મેઘ વરસી રહ્યાં છે અને રણમાં દેવતરુ ઊગી રહ્યાં છે. કવિએ અહીં તાંડવ અને લાસ્યની વાત કરી છે. લાસ્ય નૃત્ય એટલે પ્રેમક્રીડાઓ નિર્દેશતું લાવણ્યમય નૃત્ય, શિવે જે કર્યું એ તાંડવ પણ શિવને પામવા પાર્વતીએ જે નૃત્ય કર્યું એ લાસ્ય તરીકે ઓળખાયું.  અને આજે આ ઘડીએ પાર્વતીનું લાસ્યનૃત્ય ત્રિભુવન આખામાં શિવના તાંડવથીય ઘણું વધારે મનોહર ભાસે છે.

Comments (7)

આત્મદીપો ભવ – – ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’

તું તારા દિલનો દીવો થા ને, ઓ રે ઓ રે ઓ ભાયા! તું તારાo

રખે કદી તું ઉછીનાં લેતો, પારકાં તેજ ને છાયા;
એ રે ઉછીનાં ખૂટી જશે ને, ઊડી જશે પડછાયા… તું તારાo

કોડિયું તારું કાચી માટીનું, તેલ-દિવેલ છુપાયાં;
નાની-શી સળી અડી ન અડી, પરગટશે રંગમાયા… તું તારાo

આભમાં સૂરજ, ચંદ્ર ને તારા, મોટા મોટા તેજરાયા;
આતમનો તારો દીવો પેટાવવા, તું વિણ સર્વ પરાયાં.. તું તારાo

– ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’

લયસ્તરો તરફથી સર્વ કવિમિત્રો તેમજ વાચકમિત્રોને દિપોત્સવી પર્વનાં ખૂબ ખૂબ વધામણાં…

આપણી ભાષાની અજરામર રચના. ભાગ્યે જ કોઈ ગુજરાતી એવો હશે જેણે આ રચના ગાઈ-સાંભળી નહીં હોય. વિશ્વકવિતાની હરોળમાં અગ્રિમ સ્થાન પામી શકે એવી આ ગીતરચના સરળ પદાવલિ અને સહજ પ્રતીકોના વિનિયોગને લઈને જનમાનસમાં પ્રાર્થનાનું સ્થાન લઈ પ્રકાશી રહી છે.

Comments (4)

(ચાંદાનાં અજવાળાં) – ભરત ખેની

ચાંદાનાં અજવાળાં આંખ્યુંમાં આંજ્યાં ત્યાં શમણાંઓ ફાટફાટ જાગ્યાં,
.            ગોરમાની પાસે મેં રાત’ દિ એક કરી કેસરિયા પિયુજીને માગ્યા.

ખોવાણી રાત આખી એના અણસારમાં તો
.                              પાંપણ પ૨ ઊગ્યા ઉજાગરા
ચાખવા ને સૂંઘવામાં એવી તો અટવાણી કે
.                              રહ્યા ન શ્વાસો કહ્યાગરા.
અષાઢી નેવાંની જેમ જ એ ટપક્યા ને અલૂણા અપાહ મારા ભાંગ્યા
.            ગોરમાની પાસે મેં રાત’ દિ એક કરી કેસરિયા પિયુજીને માગ્યા.

સાતમથી સાત ધાન છાબડીમાં વાવ્યાં
.                              અને હૈયામાં ઊગ્યા જુવારા
આંગળીઓ પાંચ મારી કંકુમાં ઓળઘોળ
.                              અદકા આ ઓરતા કુંવારા.
ગુંજે શરણાઈ મારા મનડા મોઝાર અને જાંગીડા ઢોલ કાંઈ વાગ્યા
.            ગોરમાની પાસે મેં રાત’ દિ એક કરી કેસરિયા પિયુજીને માગ્યા.

– ભરત ખેની

મનનો માણીગર મેળવવા માટે કુંવારી કોડીલી કન્યાઓ અલૂણાનું વ્રત કરી ગોરમાને પૂજે છે. આંખોથી ટપકતાં ખારાં આંસુ હોઠે અડતાં અલૂણાનું વ્રત ભાંગવાની વાત સ્પર્શી જાય છે.

https://youtu.be/WipPr9XfkGM?si=3d98uu28fmrU1emy

 

Comments (6)

માનવીનાં રે જીવન – મનસુખલાલ ઝવેરી

માનવીનાં રે જીવન!
ઘડી અષાડ ને ઘડીક ફાગણ,
.                            એક સનાતન શ્રાવણ.

એક આંખે આંસુની ધારા,
બીજીએ સ્મિતના ઊડે ફુવારા,
તેજ-છાયાને તાણેવાણે
.                            ચીતરાયું ચિતરામણ.

એક અંધારાથી આવવું; બીજા
અંધારામાં જઈ સમાવું;
બિચમાં બાંધી આંખે પાટા
.                            ઓશિયાળી અથડામણ.

આવ્યો આવ્યો જ્યાં થાય, ઘડીમાં
જાય કરેથી મર્મ સરી ત્યાં;
ભલભલા માંહી ભૂલા પડે તોય
.                            કારમાં કેવાં કામણ?

ઘડી અષાડ ને ઘડીક ફાગણ,
.                            એક સનાતન શ્રાવણ.
.                            માનવીનાં રે જીવન!

– મનસુખલાલ ઝવેરી

મનુષ્યજીવનની તડકી-છાંયડી નિર્દેશતું ગીત. વાતમાં નાવીન્ય નથી, પણ રજૂઆતની સાદગી સ્પર્શી જાય એવી છે. નવ મહિનાનો અંધકાર સેવ્યા પછી જન્મ થય અને અંતે ફરી મૃત્યુના અંધારા ગર્ભમાં સૌએ સરી જવાનું રહે છે. વચ્ચેના સમયગાળાને આપણે જિંદગી કહીએ છીએ, પણ એય આંખે પાટા બાંધીને ઓશિયાળા થઈને અથડાતાં-કૂટાતાં જ જીવીએ છીએ ને! અંધારું કદી ઓછું થતું જ નથી. કવિએ મુખડા સાથે ત્રણેય પૂરક પંક્તિઓના પ્રાસ મેલવ્યા છે, પ્રથમ અંતરામાં પણ પ્રાસની જાળવણી કરી છે, પણ બીજા-ત્રીજા અંતરામાં પ્રાસને અવગણ્યા છે એ વાત જરા ખટકે છે. એ સિવાય આસ્વાદ્ય રચના.

Comments (3)

વાત અધૂરી- – હર્ષદ ત્રિવેદી

રહી છે વાત અધૂરી –
શબ્દ અર્થની વચ્ચે જાણે પડી ગઈ છે દૂરી –
.                                  રહી છે વાત અધૂરી –

એક પળે વરસાદ વરસતો, પળમાં બીજી ધૂપ,
આ તે કેવી મોસમ છે ને આ તે કેવું રૂપ?
અકળ મૌનની આવજાવમાં સળવળ કરે સબૂરી!
.                                  રહી છે વાત અધૂરી –

જળમાં મારગ, મારગમાં જળ, માટી જેવી જાત,
ઓગળતાં ઓગળતાં જીવે ઝીણી માંડી વાત;
આમ ઝુરાપો અડધે મારગ, આમ જાતરા પૂરી!
.                                  રહી છે વાત અધૂરી –

– હર્ષદ ત્રિવેદી

કવિશ્રી હર્ષદ ત્રિવેદીને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે બહુમતીથી વરણી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને સ્નેહકામનાઓ…

જીવતર અધૂરું જ મધુરું લાગે. ખરી મજા જ અધૂરપની છે. વાત તો કરવી છે પણ પૂરી કરી શકાતી ન હોવાની અવઢવનું આ ગીત છે. પોતે જે કહેવું છે એ કહેવા માટે યોગ્ય શબ્દો ન જડે ત્યારે શબ્દ અને અર્થની વચ્ચે બહુ અંતર પડી ગયું હોવાની વેદના અનુભવાય. એક પળમાં શબ્દનો વરસાદ વરસે છે એમ લાગે તો બીજી જ પળે તડકો નીકળી આવે એમ મૌન પથરાઈ વળે. અભિવ્યક્તિની મોસમનું આ રૂપ બંને માટે અજાણ્યું છે. મૌન કળી ન શકાય અને સબૂરી પણ ખૂટી રહી હોય, સળવળ કરતી હોય ત્યારે કેવો વલોપાત હૈયું અનુભવે! જળમાં મારગ, મારગમાં જળ – જે શબ્દ જ્યાં બોલાવા જોઈએ એ બોલી નથી શકાતા અને જે નથી કહેવા જેવું એ કહેવાઈ જાય ત્યારે માટી જેવી આ જાત ઓગળવા માંડે… હોવાપણું લુપ્ત થતું લાગે એ પળે ઝીણું ઝીણું માંડ કાંતી શકાય છે. થોડું કહી શકાયું છે, થોડું નથી કહી શકાતું, વાત અધૂરી જ રહી છે, પરિણામે એક તરફ તો ઝૂરાપો એમનો એમ અનુભવાય છે, બીજી તરફ જાતરા પૂરી થયાનો પરિતોષ પણ થઈ રહ્યો છે. કહ્યું ને, અધૂરપમાં જ મધુરપ છે… ખરું ને?

Comments (6)

દેવી! આવોને મારી દેરીએ – રમણીક અરાલવાળા

ઓઢી અષાઢનાં આભલાં
જંપી જગની જંજાળ,
જાગે એકલ મોરી ઝંખના
મધરાતને કાળ,
દેવી! આવોને મારી દેરીએ.

કાળી નિશા કેવળ કમકમે
નથી કંપતા વાય,
પગલાં તમારાં પોકારતી
પાંપણ ઊઘડે બિડાય,
દેવી! આવોને મારી દેરીએ.

પ્રેમે પખાળું પાવન પાવલાં
રેલી નયણાંની ધાર,
સમાધિનાં છે સિંહાસનો
મેલ્યાં મંથન થાળ.
દેવી! આવોને મારી દેરીએ.

વાધી-વાધીને વેદન વલવલે
ઊંડે કંઠમાં આગ,
રમતાં આવો હો ઋતંભરા!
મોરી રટણાને રાગ,
દેવી! આવોને મારી દેરીએ.

કલ્પનાનો છૂટો કનકવો
ઢૂંઢે વ્યોમની કોર,
આવો અંબા! એને બાંધવા
દિવ્ય દૃષ્ટિના દોર.
દેવી! આવોને મારી દેરીએ.

ધૂણી ધખે મારા ધૈર્યની
જલતું જીવન કાષ્ઠ,
આભની પારનાં આભલાં
જોવા આપો પ્રકાશ
દેવી! આવોને મારી દેરીએ.

પોકારતા કોટિ કેશથી,
બળતા ધરતીના બાગ,
કલ્યાણી, આપો કેડી બની,
ઝૂરતા ઝરણાને માગ.
દેવી! આવોને મારી દેરીએ.

– રમણીક અરાલવાળા
(૬-૯-૧૯૧૦ થી ૨૪-૪-૧૯૮૧)

‘અખંડઆનંદ’માં સંપાદકે આ રચના સાથે મૂકેલ નોંધ: “કવિશ્રી રમણીક બળદેવદાસ અરાલવાળાનો જન્મ ખેડા જિલ્લાના ગામ ખેડાલમાં. પ્રાથમિક શિક્ષણ વતન અરાલ પાસેના ગામ ઝીપડીમાં. આર્થિક કારણોસર અભ્યાસ છુટક-મુટક રહ્યો. મૅટ્રિક થયા ૧૯૪૪માં. દરમિયાનમાં ‘કુમાર’ની બુધસભામાં કાવ્યસર્જનની દિશા મળી. ૧૯૩૮માં ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકમાં તેમનું કાવ્ય પસંદ થયું ને કવિ પોતાનું કાવ્ય વિદ્યાર્થી તરીકે ભણ્યા ! ૧૯૪૮માં ગુજરાતી-સંસ્કૃત સાથે સ્નાતક થયા. કાવ્યસંગ્રહ ‘પ્રતીક્ષા’ (૧૯૪૧)ને ઉમાશંકરની પ્રસ્તાવના ને ટિપ્પણ સાંપડ્યાં. કવિશ્રી જયંત પાઠકના મતે ‘ભાષાનું લાલિત્ય, શૈલીની પ્રૌઢી, કવચિત ભવ્યતાનો સ્પર્શ કરાવતી ભાવની ગંભીરતા કવિની કવિતાનાં આકર્ષક લક્ષણો છે.’ અત્રે લીધેલ રચનામાં આ બધાં લક્ષણો ઉપરાંત ભક્ત હૃદયનો આર્જવનો ભાવ કૃતિને હૃદયસ્પર્શી બનાવે છે. આપણી ભાષાના આ એક મહત્ત્વના કવિ.”

Comments (2)

પગલું માંડું – દિનકરરાય ભટ્ટ ‘મીનપિયાસી’

હું પગલું માંડું એક,
પગલે પગલે શ્રદ્ધા પ્રગટી, પહોંચાડી દે છેક.
હું પગલું માંડું એક.

પગલું મારું પાકું હોજો, ધીરું છો મંડાય,
ડગલે ડગલે દિશા સૂઝે ને મારગ ના છંડાય,
પથ્થ૨ ને રેતીનો મનમાં સાબૂત રહે વિવેક.
હું પગલું માંડું એક.

કાદવનાં કળણોથી ચેતું, જાવું આગે આગે,
નક્કર ભોમે ચાલું, છોને કંટક-કંક૨ વાગે,
એવું પગલું માંડું જેથી આવે સાથ અનેક.
હું પગલું માંડું એક.

– દિનકરરાય ભટ્ટ ‘મીનપિયાસી’

A journey of thousand miles begins with a single step. આ જ વાતની માંડણી કવિએ કેવી સરસ રીતે કરી છે! શ્રદ્ધા વિના મંઝિલે પહોંચવું કપરું. કવિને જે મંઝિલ અભિપ્રેત છે એ જીવનના લક્ષ્ય છે કે પછી ઈશ્વરપ્રાપ્તિ એ વાત અધ્યાહાર છે, પણ અર્થના છેડા છૂટા છોડી દેવાય એ જ તો કવિતાની ખરી મજા છે. ભાવકે ગમતું તારવી લેવાનું. ગતિ ભલે ધીમી હોય પણ નિર્ધાર મક્કમ હોવો ઘટે. પ્રલોભનોના કળણથી બચીને, મુસીબતોના કાંટા-કાંકરા સહીને પણ વિવેક સાબૂત રાખીને આગળ વધવાનું છે. ગતિ અને પ્ર-ગતિ એવાં હોવાં જોઈએ કે मैं अकेला ही चला था जानिब-ए-मंज़िल मगर लोग साथ आते गए और कारवाँ बनता गया (મજરુહ સુલતાનપુરી) જીવનપ્રવાસની વાસ્તવિકતા બને.

Comments (2)

વાયરો અને વાત – ભૂપેશ અધ્વર્યુ

વાયરો તો વ્હૈ જાય રે વ્હાલમ, વાયરો તો વ્હૈ જાય,
.              આપણી ગોઠડ આપણી ગોઠે તોય રે કાં રૈ જાય, રે વ્હાલમ,
.                                                                      તોય રે કાં રહૈ જાય?

નાગરવેલે પાન કૈં ફૂટ્યાં લવિંગ છોડે ફૂલ
.              વાટ જોતાં તો જલમ વીતે તોય રે ના લેવાય, રે તંબોળ
.                                                                      તોય રે ના લેવાય.

પાંપણ નીચે પાન ખીલે ને કંચવા હેઠે ફૂલ
.              હોઠથી ખરી ગોઠને ઝીલી હોઠ ગુલાબી થાય, રે વ્હાલમ,
.                                                                      પાન ગુલાબી થાય.

પાન ગુલાબી થાય, રે વ્હાલમ, વાયરો શેં વ્હૈ જાય?
.              પાતળો આવો વાયરો આપણી ગોઠડ શેં વ્હૈ જાય ?
વાયરા ભેળું વ્હાલ આવે, ને વાયરા ભેળું જાય,
.              હાટમાં એનાં મૂલ ન ઝાઝાં, પાલવડે નહીં માય, રે વ્હાલમ.
.                                                                      પાલવડે છલકાય.

લઈ લે – પાણી-મૂલનો સોદો – સાવ રે સોંઘું જાય
.              કાનની તારી ઝૂકતી કડી સાંભળે રે નૈં કંઈયે જરી એમ
.                          પતાવટ થાય, જો વ્હાલમ એમ પતાવટ થાય.

વાયરો છો વ્હૈ જાય, રે વ્હાલમ, વાયરો છો વ્હૈ જાય, રે વ્હાલમ,
.              વાયરો છો લૈ જાય, રે આપણ બેયને છો વ્હૈ જાય, રે વ્હાલમ,
.                                                                      તોય નહીં રહૈ જાય.

– ભૂપેશ અધ્વર્યુ

(જન્મ: ૦૫ મે ૧૯૫૦, ગણદેવી, ચીખલી, જિ. વલસાડ; નિધન: ૨૧ મે ૧૯૮૨, ગણદેવી, જિ. વલસાડ) ગુજરાતી કવિ, વાર્તાકાર, વિવેચક. એમ.એ. થઈ મોડાસા આદિ કૉલેજોમાં ચારેક વર્ષ ગુજરાતીનું અધ્યાપન કર્યું, પણ શિક્ષણની ને આખા સમાજની વ્યવસ્થામાં વ્યક્તિના સ્વાતંત્ર્યને ખરીદી લેવાની ભ્રષ્ટતા જણાતાં ૧૯૭૬માં નોકરી છોડી સ્વતંત્ર સાહિત્ય-લેખન ને ફિલ્મ-દિગ્દર્શનની દિશામાં અભ્યાસ આરંભ્યો. છેલ્લે છેલ્લે તો કલા ને સાહિત્યની સાર્થકતા વિશે પણ શંકા જાગેલી. (લે.: રમણ સોની, સ્રોત: ગુજરાતી વિશ્વકોશ.)

માત્ર બત્રીસ વર્ષની નાની વયે આ આશાસ્પદ સાહિત્યકારનું ગણદેવીની નદીમાં ડૂબી જવાથી અકાળે અવસાન ન થયું હોત તો આપણું સાહિત્ય વધુ સમૃદ્ધ થઈ શક્યું હોત. એમના વિશે ચંદ્રકાન્ત ટોપીવાળા આમ લખે છે: ‘અર્થના વિષમ વ્યાપારો અને વિચિત્ર અધ્યાહારો આપતી એમની કવિતાની ઓળખ નાદથી જ થઈ શકે એવું બધી રચનાઓનું ક્લેવર છે. છતાં આ રચનાઓ નાદ આગળ નથી અટકતી; પોતાનામાં સંકેલાઈ જતી સ્વાયત્ત કવિતાની અંતર્મુખતા અને પ્રતિબદ્ધતા સાથે પરાવૃત્ત થતી કવિતાની બહિર્મુખતા વચ્ચે અહીં રચનાઓએ રસ્તો કર્યો છે.’ એમનાં ગીતોને શ્રી રમણ સોની ‘વિશિષ્ટ લિરિકલ ઝોક દેખાડતાં અરૂઢ ને નાદસૌંદર્યયુક્ત ગીતો’ તરીકે બિરદાવ્યાં છે.

ઉપરોક્ત રચનાનું ક્લેવર પણ સામાન્ય ગીતોથી સહેજે અલગ તરી આવે છે. વહેતો વાયરો કથક અને એની પ્રેયસી વચ્ચેની અંતરંગ વાતોંનું વહન કેમ નથી કરતો એ વિસ્મય સાથે ગીતનો ઉઘાડ થાય છે. નાગરવેલ ઉપર પાન ફૂટે ને લવિંગના છોડે ફૂલ ફૂટે એમ નાયિકાને યૌવન ખીલ્યું છે. પણ પ્રેમમાં મેળવવાની જનમોજનમ પ્રતીક્ષા કરવાની હોય, નહીં કે હાથ લંબાવીને ગમતું તોડી લેવાનું હોય. આંખોમાં કુમાશ ફૂટે છે અને કંચવામાં સ્તન વિકાસ પામ્યાં છે. ઉભય વચ્ચેની ગોઠડીને ઝીલતાં હોઠ પણ ગુલાબી થઈ ગયા છે. ગીતના પ્રારંભે વાયરો આપણી વાતને કેમ મહત્ત્વ નથી દેતો એ સવાલ હતો, હવે આ પાણીપાતળો પવન બે હૈયાંની વાતને જગજાહેર કરી રહ્યો છે એ સવાલ છે. જમાનાના બજારમાં પ્રેમની કંઈ ખાસ કિંમત નથી. પાણીના દામનો આ સોદો કરી લેવા કથક નાયિકાને આહ્વાન આપે છે. કાનની કડી સુદ્ધાં સાંભળી ન શકે એ તાકીદથી પતાવટ થાય તો ઉત્તમ… પ્રેમમાં ઉર્ધ્વગમનના તબક્કે હવે નાયક આવી ઊભો છે. વાયરો પોતાની વાતો જ નહીં, પોતાને બંનેને પણ સાથે લઈ જાય તોય હવે ફરક પડતો નથી. પ્રેમનો અંતિમ તબક્કો આંતર્વિકાસનો એ તબક્કો છે, જ્યાં જમાનો કે જમાનાની વાતોનું કોઈ મહત્ત્વ રહેતું નથી. ખરું ને?

Comments (6)