આંખ હમારી ટપટપ ચૂઇ લૈ ઔર બાજી ઊઠે છે પાંપણ;
સાજ કરૈ કા ? સૂર ન અજહૂ સમ પર આવ્યા આયે ન બાલમ.
– નયન દેસાઈ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ધીરુબહેન પટેલ

ધીરુબહેન પટેલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મહાપ્રશ્ન – ધીરુબહેન પટેલ

ક્યાં ગઈ પિત્તળની ડોલ
તાંબાકૂંડી ઝગમગતી
લોટા ને બાજોઠ?
લોટ ચણાનો દૂધ ને હળદર
નીકળતાં નથી રસોડા બહાર
અરીઠાં આમળાં અને શિકાકઈ
સલામત વૈદોને ભંડાર!
ગીઝર શાવર સોપ શેમ્પૂ
બાથ સોલ્ટ ને ક્રિમ
પાઉડર લોશન સ્પ્રે સુગંધી
પસંદગી મુશ્કિલ
સુંદરતાની બારાખડીઓ
ઘડી ઘડી બદલાય
કિન્તુ
એક અજોડ અનન્ય અમૂલખ
શીતળ જળના સાથ વિના
શું સ્નાન કદીયે થાય?
કાળીનો એક્કો કુદરત પાસે
બાજી કેમ જિતાય?

– ધીરુબહેન પટેલ

કટાવ છંદની રવાની અને ડોલ-બાજોઠ, બહાર-ભંડાર, ક્રિમ-મુશ્કિલ, બદલાય-થાય જેવા અંત્યાનુપ્રાસોના કારણે રચનાનું પઠન કરતી વખતે ગીત ગણગણતાં હોવાનો આહલાદ અનુભવાય છે. પરિવર્તન સંસારનો નિયમ છે. Change is the only constant (Heraclitus, 500 BC)! સ્નાન માટેના ઉપાદાનની વાત કાવ્યના કેન્દ્રસ્થાને છે અને કાવ્યનાયિકાને મન આ ઉપાદાનોમાં સમય સાથે આવી ગયેલ પરિવર્તન સાથે સ્વયંનું અનુકૂલન સાધવું એ મહાપ્રશ્ન બની ગયો જણાય છે. આજની પેઢીને નહાવા માટેના મોટાભાગના સાધનો અપરિચિત હોય તો નવાઈ નહીં. પિત્તળની ડોલોનું સ્થાન પ્લાસ્ટિકે લઈ લીધું છે અને હવે તો ઘણાં ઘરોમાં નહાવા માટે ડોલ નહીં, કેવળ શાવર જ વપરાવા માંડ્યા છે. ગરમ પાણી કાઢવા માટે વપરાતી ઝગમગતી તાંબાકૂંડી તો ભાગ્યે જ આજની પેઢીએ જોઈ હશે. નહાવા માટેનો લોટો અને બેસવા માટેના બાજોઠ પણ ગઈકાલની વાત બનવા માંડ્યા છે. આખા બાથરૂમ પર પ્લાસ્ટિકનું એકહથ્થુ શાસન પ્રવર્તે છે આજકાલ. માથું ધોવા માટે વપરાતાં અરીઠં, આમળાં અને શિકાકાઈ વૈદોનો ઇજારો બની ગયો છે. બજારમાં હવે કેવળ એના ફોટાવાળા શેમ્પૂ જ જોવા મળે છે. કાવ્યનાયિકા ભૂતકાળની વિસરાઈ ગયેલી અસ્ક્યામતો પરથી હટીને ગીઝરથી સુગંધી સુધીના આધુનિક ઉપાદાનો તરફ વળે છે. નહાવા માટે કઈ વસ્તુ પસંદ કરવી અને કઈ નહીં એ નક્કી કરવું મુશ્કેલ થઈ પડ્યું છે. પણ છેલ્લે વાત પાણી તરફ આવે છે. બધું જ બદલાઈ શકે છે. કાલે હતું તે આજે નથી અને આજે છે એ કદાચ આવતીકાલે નહીં પણ હોય. સુંદરતાની બારાખડી તો ઘડીએ ઘડીએ બદલાતી જ રહેવાની, પણ શીતળ જળ વિના સ્નાન કદી સંભવ બનવાનું નથી. (કવિએ આ રચના લખી હશે ત્યારે વોટરલેસ શેમ્પૂ બજારમાં આવ્યાં નહીં હોય!)

જે કંઈ માનવસર્જિત છે એ બધું જ તકલાદી અને પરિવર્તનશીલ છે, પણ કુદરતની સંપદા શાશ્વત છે. કુદરત સામે કઈ રીતે જીતાય? ત્યાં તો હથિયાર હેઠાં જ મૂકી દેવા પડે ને!

Comments (5)

(મારો શાકવાળો) – ધીરુબહેન પટેલ

મારો શાકવાળો
ખરેખર બહુ સારો માણસ છે.
એ રોજ સવારે મને હસીને ‘જે શી ક્રષ્ણ’ કહે છે
મારો દિવસ સારો જાય એવી શુભેચ્છા પણ આપે છે.
પછી જ અમારી ભાવતાલની રકઝક શરૂ થાય.
ક્યારેક એના વટાણા સડેલા હોય
ને ટામેટાં વધારે પડતાં પાકી ગયેલાં –
એનાં ત્રાજવાંનાં કાટલાંનુંયે બહુ ઠેકાણું નથી હોતું.
પણ એ મને એના સંસારની વાતો કરે છે
અને મૃદુતાથી જાણી લે છે કે
મારું પણ બધું ઠીકઠાક ચાલે છે ને!
એના ચહેરામોહરા માટે કે
એની સુઘડ રીતભાત માટે જ
એ મને ગમે એવું નથી
એ મને ગમે છે કારણ કે
ભાવતાલની ભાંજગડમાં
હું હંમેશ એને હરાવી શકું છું
અને મારું પ્રત્યેક પ્રભાત
વિજયના સ્મિત સાથે શરૂ થાય છે.

– ધીરુબહેન પટેલ

ન બોલીને બોલે એ ખરી કવિતા. કવિતામાં કવિ ઘણીવાર જે લખ્યું હોય એ નહીં, પણ જે ન લખ્યું હોય એ કહેવા માંગતા હોય એમ બને. આપણને બે પંક્તિ વચ્ચેનો અવકાશ વાંચતા આવડવું જોઈએ. ‘કિચન પોએમ્સ’ ધીરુબહેનના દિવાનનો એક ખાસ હિસ્સો છે. પોતાના ઘરમાં દરેક મોરચે પરાજિત થતી કે પહેલા ક્રમ સિવાયના સ્થાનની જ હકદાર થતી ગૃહિણીને એનો રોજિંદો શાકવાળો શાકની ખરાબ ગુણવત્તા અને તોલમાપની બેઈમાની છતાં ગમે છે, કારણ કે એ એની સાથે સ્મિતથી વાતો પણ કરે છે અને ભાવતાલના યુદ્ધમાં હાર સ્વીકારવાનો દેખાવ પણ કરે છે. પોતાના પરિવારમાં બધું ઠીકઠાક જ ચાલે છે એવું કાછિયા સાથેની વાતચીતના સંદર્ભમાં કવયિત્રીએ કહ્યું તો છે, પણ શાકવાળા સાથેના સંબંધના નેપથ્યમાં બિટવીન ધ લાઇન્સ આપણને એનો ઘરસંસાર દીવા જેવો સાફ નજરે ચડે છે.

Comments (8)