મહાપ્રશ્ન – ધીરુબહેન પટેલ
ક્યાં ગઈ પિત્તળની ડોલ
તાંબાકૂંડી ઝગમગતી
લોટા ને બાજોઠ?
લોટ ચણાનો દૂધ ને હળદર
નીકળતાં નથી રસોડા બહાર
અરીઠાં આમળાં અને શિકાકઈ
સલામત વૈદોને ભંડાર!
ગીઝર શાવર સોપ શેમ્પૂ
બાથ સોલ્ટ ને ક્રિમ
પાઉડર લોશન સ્પ્રે સુગંધી
પસંદગી મુશ્કિલ
સુંદરતાની બારાખડીઓ
ઘડી ઘડી બદલાય
કિન્તુ
એક અજોડ અનન્ય અમૂલખ
શીતળ જળના સાથ વિના
શું સ્નાન કદીયે થાય?
કાળીનો એક્કો કુદરત પાસે
બાજી કેમ જિતાય?
– ધીરુબહેન પટેલ
કટાવ છંદની રવાની અને ડોલ-બાજોઠ, બહાર-ભંડાર, ક્રિમ-મુશ્કિલ, બદલાય-થાય જેવા અંત્યાનુપ્રાસોના કારણે રચનાનું પઠન કરતી વખતે ગીત ગણગણતાં હોવાનો આહલાદ અનુભવાય છે. પરિવર્તન સંસારનો નિયમ છે. Change is the only constant (Heraclitus, 500 BC)! સ્નાન માટેના ઉપાદાનની વાત કાવ્યના કેન્દ્રસ્થાને છે અને કાવ્યનાયિકાને મન આ ઉપાદાનોમાં સમય સાથે આવી ગયેલ પરિવર્તન સાથે સ્વયંનું અનુકૂલન સાધવું એ મહાપ્રશ્ન બની ગયો જણાય છે. આજની પેઢીને નહાવા માટેના મોટાભાગના સાધનો અપરિચિત હોય તો નવાઈ નહીં. પિત્તળની ડોલોનું સ્થાન પ્લાસ્ટિકે લઈ લીધું છે અને હવે તો ઘણાં ઘરોમાં નહાવા માટે ડોલ નહીં, કેવળ શાવર જ વપરાવા માંડ્યા છે. ગરમ પાણી કાઢવા માટે વપરાતી ઝગમગતી તાંબાકૂંડી તો ભાગ્યે જ આજની પેઢીએ જોઈ હશે. નહાવા માટેનો લોટો અને બેસવા માટેના બાજોઠ પણ ગઈકાલની વાત બનવા માંડ્યા છે. આખા બાથરૂમ પર પ્લાસ્ટિકનું એકહથ્થુ શાસન પ્રવર્તે છે આજકાલ. માથું ધોવા માટે વપરાતાં અરીઠં, આમળાં અને શિકાકાઈ વૈદોનો ઇજારો બની ગયો છે. બજારમાં હવે કેવળ એના ફોટાવાળા શેમ્પૂ જ જોવા મળે છે. કાવ્યનાયિકા ભૂતકાળની વિસરાઈ ગયેલી અસ્ક્યામતો પરથી હટીને ગીઝરથી સુગંધી સુધીના આધુનિક ઉપાદાનો તરફ વળે છે. નહાવા માટે કઈ વસ્તુ પસંદ કરવી અને કઈ નહીં એ નક્કી કરવું મુશ્કેલ થઈ પડ્યું છે. પણ છેલ્લે વાત પાણી તરફ આવે છે. બધું જ બદલાઈ શકે છે. કાલે હતું તે આજે નથી અને આજે છે એ કદાચ આવતીકાલે નહીં પણ હોય. સુંદરતાની બારાખડી તો ઘડીએ ઘડીએ બદલાતી જ રહેવાની, પણ શીતળ જળ વિના સ્નાન કદી સંભવ બનવાનું નથી. (કવિએ આ રચના લખી હશે ત્યારે વોટરલેસ શેમ્પૂ બજારમાં આવ્યાં નહીં હોય!)
જે કંઈ માનવસર્જિત છે એ બધું જ તકલાદી અને પરિવર્તનશીલ છે, પણ કુદરતની સંપદા શાશ્વત છે. કુદરત સામે કઈ રીતે જીતાય? ત્યાં તો હથિયાર હેઠાં જ મૂકી દેવા પડે ને!
બાબુ સંગાડા said,
May 18, 2024 @ 10:52 AM
ખૂબ સુંદર રચના
Mayur Koladiya said,
May 18, 2024 @ 10:58 AM
વાહ બહુ મસ્ત રચના અને આસ્વાદ….
હર્ષદ દવે said,
May 18, 2024 @ 1:40 PM
સરસ અને સરળ રચનાનો વિસ્તૃત આસ્વાદ આનંદ આપી ગયો. સમય અનુસાર સંસ્કૃતિમાં પરિવર્તનને સ્વીકારવું જ રહ્યું. અભિનંદન
Dr Sejal Desai said,
May 21, 2024 @ 3:39 PM
ખૂબ સરસ રચના અને કેવી અનોખી શૈલી …વાહ ..આસ્વાદ પણ ખૂબ સુંદર
Poonam said,
May 27, 2024 @ 9:19 AM
કાળીનો એક્કો કુદરત પાસે
બાજી કેમ જિતાય? Je baat !
– ધીરુબહેન પટેલ –
ત્યાં તો હથિયાર હેઠાં જ મૂકી દેવા પડે ને! Satya ! 😊