મુંઝાઇ જઇશ હું, મને રસ્તા ના બતાવો,
રહી ગઇ છે હવે તો મને બસ એક દિશા યાદ.
સૈફ પાલનપુરી
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for November, 2011
November 30, 2011 at 11:54 PM by ધવલ · Filed under ગીત, નયન દેસાઈ
એવા ટહુકાવત્ બનતા બનાવ બનાવ
સૂરતમાં પોપટ બોલે
હવે સોનાનું પાંજરું ઘડાવ ઘડાવ
સૂરતમાં પોપટ બોલે
બાઈ! મારે લીલાં પીંછાંને ઝીણું આભ, આંખોથી ઝરમર ઝરે
મેં તો વાસંતી પગલાંને સૂંઘ્યાં ને કંકુની ખરખર ખરે
ફૂલ ફેંકીને ઝાકળ ઉઠાવ ઉટાવ
સૂરતમાં પોપટ બોલે
બાઈ! મેં તો કળીઓના પગરવને સાંભળ્યો ને પાંદડાઓ છાંયો કરે
આંગણે આવેલા અવસર આ કેવા કે,
પંખી ખુદ પારધીનો પીછો કરે
તારી આંખની કટારી લગાવ લગાવ
સૂરતમાં પોપટ બોલે
– નયન દેસાઈ
નયનને કલ્પનોનું વરદાન છે. સામાન્ય કવિ પોપટ-પાંજરું-ફૂલ-ઝાકળ-પંખી-પારધી એવા કલ્પનો વાપરે તો ચવાઈ ગયેલા લાગે પણ અહીં એના એ જ કલ્પનો મઝાના ખીલી ઊઠે છે. ગીત શું કહે છે એ સમજાય પહેલા જ આ ગીતની મીઠાશ, એનો માહોલ તમને અડકી લે છે.
Permalink
November 29, 2011 at 10:48 PM by ધવલ · Filed under અછાંદસ, કિશોર શાહ, સોદો
મારી દસ ફૂટની વાંસની ઝૂંપડીમાં
આ વસંત,
ત્યાં કશુંયે નથી;
ત્યાં બધું જ છે.
– સોદો
(અનુ. કિશોર શાહ)
આ ઝેન કવિતા સંતોષની કવિતા છે. જે છે એને જીવી જાણો તો જે નથી એની પાછળ દોડવાની જરૂર જ નથી. મન સંતોષી હોય તો એવું દુનિયામાં કશું નથી જે પોતાના ઘરમાં ન મળી આવે.
Permalink
November 28, 2011 at 1:57 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઉમાશંકર જોશી, રવીન્દ્રનાથ ઠાકુર
પ્રથમ દિનના સૂર્યે
પ્રશ્ન કર્યો હતો
સત્તાના નૂતન આવિર્ભાવે
કોણ તું ?
મળ્યો ના ઉત્તર.
વર્ષ વર્ષ વીતી ગયાં
દિવસના શેષ સૂર્યે
શેષ પ્રશ્ન કર્યો
પશ્ચિમ સાગર તીરે
નિસ્તબ્ધ સંધ્યાયે
કોણ તું ?
પામ્યો ના ઉત્તર.
maturity brings brevity. કોઈ સિદ્ધહસ્ત કવિ જ આટલા ટૂંકા કાવ્યમાં માનવજાતને નિરંતર મૂંઝવતા પ્રશ્નને અનોખી રીતે રજૂ કરી શકે.
Permalink
November 27, 2011 at 12:39 AM by તીર્થેશ · Filed under અછાંદસ, અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ, એન્તુનિન બાર્તૂશેક
કહો મને-
મને ખેંચીને તળિયે લઈ જતાં
નિદ્રાનાં અર્ધપારદર્શક પાણીથી
જેની રેતી તર થયેલી છે
એવા આ કિનારા પરના
આજના પ્રભાતની સાથે
ગઈકાલનું શું સામ્ય છે !
જ્યાંથી કૂદી શકાય અને શ્વસી શકાય
એવી સપાટી શોધતી
શબ્દોની માછલીઓ
પોતે ઉડવાને શક્તિમાન છે એવો ભ્રમ
ક્ષણાર્ધ માટે સેવીને
મારી પાસેથી મંથરતી તરતી સરકી જાય છે.
ત્વચાની સપાટી નીચે છે અંધકાર
યુગો ત્યાં કટાતા પડ્યા છે.
ઉપર તેજના રજતવરણાં ભીંગડાં-
અર્ધ કુમારી સુંદર, અને અર્ધ અશબ્દ મીન.
પ્રત્યેક પંક્તિ પાસે જરા અટકીને તેને સમજવા જેવી છે, વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ જુદા છે. કાવ્યસર્જનની પ્રક્રિયા અંગે વાત કરતા કરતા કવિ એક ગહન વાત છેડે છે…. – પ્રથમ પંક્તિ દર્શાવે છે કે કવિ જાણે કે એક કોયડો રજૂ કરે છે-કવિ પોતે જવાબ અંગે સ્પષ્ટ નથી. ‘પ્રભાત’ એટલે સભાનાવસ્થા. નિદ્રા એટલે પ્રભાત પહેલાંની અભાનાવસ્થા.
‘….ગઈકાલનું શું સામ્ય છે ! ‘ -સુધીની પંક્તિઓનો ભાવાર્થ કંઈક આમ બેસે છે- અભાનાવસ્થામાં અજ્ઞાન અસ્તિત્વના તળિયા તરફ જાતને ખેંચે છે. નિદ્રાના અગાધ જળમાંથી કવિ કિનારે આવે છે અને ત્યારે પ્રભાત થાય છે. પરંતુ કિનારાની રેતી પણ એ જ પાણીથી તર થયેલી છે [ કે જે ઊંડું હતું ત્યારે અર્ધપારદર્શક હતું,પરંતુ પાણી એનું એ જ છે. ] અર્થાત, સભાનાવસ્થામાં પણ અભાનાવસ્થાના અંશ રહેલા છે.
‘જ્યાંથી કૂદી શકાય….’ થી શરુ થતી પંક્તિઓમાં કવિ કહે છે કે એક વ્યક્ત શબ્દની આસપાસ અસંખ્ય અવ્યક્ત શબ્દો વીંટળાયેલા હોય છે. છેલ્લી ચાર પંક્તિઓ અદભૂત છે- ત્વચાની સપાટી નીચેનો અંધકાર એટલે અર્ધચેતન અને અચેતન મનસ. ત્યાં અનેક યુગો કટાતા પડ્યા છે-અર્થાત આપણે અસંખ્ય યુગોના વારસાથી જબરદસ્ત conditioned પ્રાણીઓ છીએ,આપણે spontaneous નથી રહ્યા. આપણી reactions માં અનેક યુગોની અસર જોવા મળે છે. મત્સ્યકન્યાને અરધી જોવાથી ભ્રમ પેદા થાય છે-સત્યદર્શન થતું નથી. વ્યક્ત અને અવ્યક્ત બંનેને જયારે જાણીએ ત્યારે જ પૂર્ણ ચિત્રનો રસાસ્વાદ શક્ય બને.
‘અર્ધપારદર્શક’ , ‘ અર્ધ કુમારી સુંદર ‘ , ‘ અર્ધ અશબ્દ મીન ‘ ……. આ શબ્દોથી એક સુંદર સળંગ ધ્વનિ નિષ્પન્ન થાય છે જે સમગ્ર કાવ્યને એકસૂત્રે બાંધે છે.
Permalink
November 26, 2011 at 12:30 AM by વિવેક · Filed under એ. કે. ડોડિયા, ગઝલ
કેટલો અંધાર મારા દેશમાં ?
સૂર્ય પણ લાચાર મારા દેશમાં
કાંધ પર લઈને ફરે છે માણસો
ભવ્યતાનો ભાર મારા દેશમાં
હાથમાં કોના મૂકું સૂરજમુખી ?
સૂર્ય અધ્યાહાર મારા દેશમાં
સુખ તેનું છીનવે છે અન્નકુટ
ભૂખ મૂંગી નાર મારા દેશમાં
મેં જ ઢાંક્યા નગ્ન સૌના વેશને
હું જ વસ્તી બહાર મારા દેશમાં
– એ. કે. ડોડિયા
‘ગુજરાતી દલિત કવિતા’ નામના સંપાદિત પુસ્તકમાંથી પસાર થતી વખતે અહેસાસ થયો કે જિંદગીનું આ એક પાસું કદી નજરે ચડ્યું જ નહીં. સામાજિક વિષમતા હજી પણ આટલી કારમી હદે પ્રવર્તતી હશે એ વિચારમાત્રથી અંદર-બહાર લખલખું પસાર થઈ જાય છે… પ્રસ્તુત ગઝલ આવી જ વરવી વાસ્તવિક્તાનો નગ્ન ચિતાર છે…
Permalink
November 25, 2011 at 1:30 AM by વિવેક · Filed under અછાંદસ, યશવંત વાઘેલા
છંદમાં નહીં કવિતા કરું હું
છંદ તો પ્રજ્ઞાચક્ષુઓએ પહેરેલાં ગોગલ્સ છે.
મને તો સગી આંખે બધું જ સંભળાય છે.
લયમાં પણ નહીં કવિતા કરું હું
મારી પાસે તો
પ્રલંબિત નિઃશ્વાસ છે, અમારા દુઃખોનો,
એટલે
મારે તો કંડારવી છે,
તારા અવમૂલ્યનની-વિલયની કથા.
ક્યાં છે સમાનતા ?
તે બેસાડું હું પ્રાસ શબ્દનો !
અને સુખનો અનુપ્રાસ તો હજી વાંઝીયો છે.
રૂપ અને આકારની
રચના અને સંરચનાની
વ્યાભિચારી ચર્ચામાં મને રસ નથી.
કારણ કે આ પેટ ખાલી છે.
મને ભૂખનો સાક્ષાત્કાર થયો છે.
લાગે છે
હું માણસ થઈ જઈશ
તો શેતાનોને મારા પુત્ર બનાવી દઈશ.
પછી મારે લખવી છે,
છેવાડાના માણસની આનંદની કવિતા.
– યશવંત વાઘેલા
‘દલિત કવિતા’ શીર્ષક સામે મને ગુસ્સો છે પણ આ કવિઓની કવિતામાંથી પસાર થતી વખતે એમની સંવેદના અને તકલીફ મને વધુ ગુસ્સે કરે છે. એકવીસમી સદીમાં પણ હજી આવી સામાજીક વિષમતા? શી રીતે સહી શકાય આવા હાડોહાડ અન્યાયને? હજી કેટલા ગાંધી અને આંબેડકરની આપણને જરૂર પડશે? આ સાચે જ એકવીસમી સદી છે કે એક વસમી સદી છે?
ભૂખનો સાક્ષાત્કાર થયો હોય ત્યારે છંદ-લય, પ્રાસ-અનુપ્રાસના શણગાર ક્યાં કરવા જવાના ભાવ સાથે આવતી આ કવિતા સંપ્રત સમાજની અવ્યવ્સ્થા પર જનોઈવઢ ઘા કરે છે…
Permalink
November 24, 2011 at 7:54 PM by ઊર્મિ · Filed under મૂકેશ જોષી
સોનેરી કિરણોની મબલક મિલકત જોઈ લોકો જોને સાચોજૂઠો વહેમ કરે છે,
રોજ મઝાની સાંજ નામનો ચેક લખીને સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.
સૂરજ પાસે નથી જ કાળુ નાણું, એની સાબિતીઓ કોણ જઈને લાવે ?
નથી નોકરી ધંધો તોય આટઆટલી મિલકત ક્યાંથી આવે ?
આવાં-તેવાં મ્હેણાં-ટોણે દરિયામાં ડૂબીને સૂરજ ચોમાસામાં ખૂબ ઝરે છે.
સૂરજ ગાંધીવાદી, પ્હેરે અજવાળાની ખાદી, એની રોજનીશીનું સત્ય જ કાફી !
મિલકત કરતાં બમણો વેરો ભરે છતાંય કરવેરામાં નહીં છૂટ કે માફી;
સૂરજને જો રિબેટ દેવા ધરતી, ચંદા, તારા એની આજુબાજુ ગોળ ફરે છે.
સૂરજ તો શું, આખેઆખા આભની બૅલેન્સશીટ થાય છે રોજેરોજની ટૅલી,
ટૅલી થાવામાં કારણમાં અંતરનો રાજીપો, અહીંયા નથી કોઈની મુરાદ મેલીઘેલી;
આભના પેલા મેહેતાજીને લઈ આવો કે અહીંના લોકો ગોટાળાને પ્રેમ કરે છે.
– મૂકેશ જોશી
વાંચતાવેંત ગમી ગયેલ મજાનું હળવું ગીત…
Permalink
November 23, 2011 at 12:00 PM by ધવલ · Filed under અછાંદસ, સરૂપ ધ્રુવ
આલબેલ ! આલબેલ !
નવટાંક સુખડી ઘાલમેલ ઘાલમેલ !
ઘંટાકર્ણના છેદાયેલા કાન
અને અલ્લલટપ્પુ, ભીમ જેવા કૂતરાના મોંમાથી
ટપકતા ગળપણ જેવું આ આપણું કંઈ –
કંઈ તે કંઈ ન્હૈં –
આપણું કહું તોય શું ?
છત્રી ઓઢ્યાથી કંઈ વરસાદ થંભી જવાનો છે ?
ને તોય ઈધરઉધર ને અધ્ધરપધ્ધર ઈચ્છાઓનો
પરદેશી ટિકિટસંગ્રહ – તો કે અધધધ એકવીસ મણ.
હાથમાં દસિયાનો બરફગોળો
અને પગમાં સ્વિટ્ઝરલેન્ડના સ્કેટિંગ શૂઝ !
ધન્ય છે મા ઈચ્છાકુંવરી, તમને !
મેં તો ક્યારનાંય ચુંદડીચોખા
ગાંઠે બાંધી રાખ્યાં છે.
મણિયારાની ઈકોતેર પેઢીને મૂલવી રાખી છે ને
ઘૂઘરિયું ઘડાવી રાખી છે.
છોડ નહિ, વાડ નહિ પણ ખેતરના ખેતર ખરીદીને
મેંદી સિંચી રાખી છે –
વ્હાણું વાતાંક્ને
ચપ ઉઠતાંક્ને
મેં તો કીડીને કણ ને હાથીને મણ નીરી રાખ્યાં છે.
પાંદડે પાણી પાઈને સૂકાં તોરણ લીલાં કરી રાખ્યાં છે
જાણીજોઈને મેં તો અણજાણ્યા ને અણમાગ્યા
આકારો પર લગાડી દીધાં છે નામનાં લેબલ –
અને પછી એ પોર્ટ્રેઈટ ગેલેરીને આપી દીધું છે
બાપદાદાનું નામ.
સામદામનું દંડકારણ્ય ભેદી નાખ્યું છે –
તેમ છતાંય જો હજીય મારાથી
સાવ પોતાના જેવું ન થવાય તો પછી,
બોલો શ્રી ઈચ્છામાત કી જે !
– સરૂપ ધ્રુવ
માનવને ઈચ્છાના ગુલામ રહેવાનું ચિર વારદાન છે. ઈચ્છાઓ આપણને ચોતરફ ઘસડે રાખે છે. બધું કરી છૂટો પણ છેલ્લે તો શ્રી ઈચ્છામાતની જે જ બોલવાની રહે છે.
Permalink
November 22, 2011 at 11:50 AM by ધવલ · Filed under ગીત, ચંદ્રકાન્ત શાહ
શબ્દને વાળો કે ચોળો કે બે પગની વચ્ચે રગદોળો
પણ ખબરદાર ! હાથ જો લગાડ્યો છે આંખ કે
અવાજ કે આકાશને તો –
શબ્દને પથ્થરની જેમ ભલે ભાંગો કે
પાંચીકાની જેમ છો ઉછાળો
પણ ખબરદાર ! ઊંચી કરીને આંખ જોયું છે
સાંજ કે સમુદ્ર કે સુવાસને તો –
શબ્દોના ખાતે ઉધાર કીધી કેટલી અનુભૂતિ,
કેટલી અભિવ્યક્તિ, કેટલા વિચારો !
રોકડામાં સિલ્લક છે જાત અને ‘કવિરાજ’
શબ્દ એક એકલોઅટૂલો બિચારો !
શબ્દોને દાઢીને જેમ ઉગાડો કે બુકાની બાંધવાને મોં પર વીંટાળો
પણ ખબરદાર ! બત્રીસી તોડી નાખીશ જો બતાવ્યા
છે બિંબપ્રતિબિંબને કે આસપાસને તો –
શબ્દોને ઠોકી ઠોકીને કીધા ગાભણા ને એમાંથી
કાઢ્યાં કૈં કોટિ કરોડ નવા શબ્દના ઈંડાઓ
શબ્દોને ચાવીને, ચૂંથીને, ધાવીને, ઝધ્ધીને ઝધ્ધીના
કવિઓએ ઠોક્યા છે ગુજરાતી શબ્દના ભીંડાઓ
દોસ્તો! આ શબ્દોને તોડો કે ફોડો કે આંગળી કરીને ઢંઢોળો
પણ ખબરદાર ! છેટા રહેજો બધાંય મૌનથી મકાનથી ને
પડશે તો અડશો ઉજાશને તો –
– ચંદ્રકાંત શાહ
કવિનો કવિઓને નામ જાસો અને એય ગીત રૂપે 🙂
Permalink
November 21, 2011 at 3:02 AM by તીર્થેશ · Filed under રૂમી, વસંત પરીખ
તે અપ્રતિમનાં કાર્યોને કોણ વર્ણવી શકે ?
હું તો એટલું જ કહી શકું,
જેટલું મારું મર્યાદિત મન પામી શકે.
છે તેની અકળ ગતિ.
ક્યારેક વર્તે એક રીતે તો
ક્યારેક તેનાથી સાવ વિપરીત.
તેનો તાગ ક્યાંથી લઈ શકે આપણી મતિ ?
ઈમાન કે મજહબનું સાચું રહસ્ય છે
સતત પ્રગટતું આશ્ચર્ય !
પણ એનો અર્થ એવો નથી
કે એ આશ્ચર્યમાં અંજાઈને
તમે તેનાથી ભાગો દૂર.
તેનો અર્થ તો એ છે કે
તે ચકાચોંધ આનંદમાં ચકનાચૂર
થઇ તમે ખુદમાં ડૂબી જાઓ
અને નશા-એ-ઇશ્કમાં ખોવાઈ જાઓ.
आश्चर्यवत पश्यति कश्चित् एनम
आश्चर्यवत वदति तथैव चान्य:
आश्चर्यवत च एनम अन्य: श्रुणोति
श्रुत्वा अपि एनम न चैव कश्चित् .
– ભગવદ ગીતા અધ્યાય ૨ શ્લોક ૨૯
કોઈ વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે તેમ જ બીજો કોઈ મહાપુરુષ જ આત્મતત્વને આશ્ચર્યની જેમ વર્ણવે છે તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ આને આશ્ચર્યની પેઠે સાંભળે છે કોઈ તો સાંભળીને પણ આને જાણતો નથી.
આથી વધુ શું પ્રમાણ હોઈ શકે કે તમામ ધર્મ,તમામ ફિલસુફી એક જ વાત કહે છે !
Permalink
November 20, 2011 at 12:30 AM by તીર્થેશ · Filed under કબીર, પિનાકિન ત્રિવેદી, રણધીર ઉપાધ્યાય
યહ તો ઘર હૈ પ્રેમકા ખાલાકા ઘર નાહિં,
સીસ ઉતારૈ ભુઇ ધરૈ તબ પૈઠે ઘર માહિં.
પ્રેમ પિયાલા જો પીયૈ સીસ દચ્છિના દેય,
લોભી સીસ ન દે સકે નામ પ્રેમ કા લેય.
છિનહિં ચઢૈ છિન ઉતરૈ સોં તો પ્રેમ ન હોય,
અઘટ પ્રેમ પિંજર બસૈ પ્રેમ કહાવૈ સોય.
જબ મૈં થા તબ ગુરુ નહીં અબ ગુરુ હૈં હમ નાહિં,
પ્રેમ ગલી અતિ સાંકરી તામેં દો ન સમાહિં.
જા ઘટ પ્રેમ ન સંચરે સો ઘટ જાન મસાન,
જૈસે ખાલ લોહારકી સાંસ લેત બીનું પ્રાન.
ઉઠા બગૂલા પ્રેમકા તિનકા ઉડા અકાસ,
તિનકા તિનકાસે મિલા તિનકા તિન કે પાસ.
કબિરા પ્યાલા પ્રેમકા અંતર લિયા લગાય,
રોમ રોમ મેં રમિ રહા ઔર અમલ ક્યા ખાય.
આ તો પ્રેમનું ઘર છે નહિ કે માસીનું ઘર. અહીં તો માથું ઉતારી ભોંયે ધરે તેને જ પ્રવેશ મળે.
પ્રેમનો પ્યાલો પીનાર દક્ષિણામાં મસ્તક ઉતારી દે છે. લોભી માત્ર પ્રેમનું નામ લઇ શકે છે-એ મસ્તક ક્યાંથી ઉતારી આપે ?
ઘડીમાં ચડે અને ઘડીમાં ઊતરી જાય તેને કંઈ પ્રેમ ન કહેવાય. પ્રેમ તો એ જ કહેવાય જે દેહ પિંજરમાં વસવા છતાંએ સ્થૂળના આધાર વિનાનો હોય છે.
જ્યાં સુધી ‘હું'[અહંકાર] હતો ત્યાં સુધી ગુરુ [પરમાત્મા] ન હતા અને હવે ગુરુ જ છે,’હું’ નથી. આ પ્રેમની ગલી તો અત્યંત સાંકડી છે,એમાં બે ન સમાય.
એ જીવન સ્મશાનવત છે જેમાં પ્રેમનો સંચાર નથી થયો. શ્વાસ તો લુહારની ધમણ પણ લે છે, પણ તેમાં પ્રાણ ક્યા છે ?
પ્રેમનો વંટોળ જાગ્યો. માનવમાં રહેલું પ્રેમરૂપી તરણું બ્રહ્માંડમાં ઉઠ્યું. તે પ્રભુપ્રેમ રૂપી તરણાને મળ્યું. આમ પ્રભુનો પ્રેમ જે માનવમાં રહ્યો હતો તે પાછો પ્રભુ પાસે પહોંચ્યો. [ અર્થાત, ઘણીવાર માનવ ઈશ્વરની લીલાને સમજી નથી શકતો અને વંટોળિયાને આફતરૂપ ગણે છે. હકીકતમાં તે ઈશ્વરની અસીમ કૃપા જ વેશ બદલીને કાર્ય કરતી હોય છે.]
કબીરના હૈયાએ પ્રેમનો પ્યાલો પીધો છે,તેને હવે બીજા નશાની શી જરૂર ?
Permalink
November 19, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રમેશ પારેખ
ઘર બંધ છે ને હાથ પડ્યા છે હવાથી દૂર,
લાગે છે આ જગા છે બધીયે જગાથી દૂર.
પ્રસરી છે એક ખીણ સકળ દરમિયાનમાં,
એક પાંદડું પડ્યું છે અહીં ઝાડવાથી દૂર.
થીજી ગયાં છે માનસરોવર અવાજનાં,
ને પંખીઓ વસે છે હવે કલ્પનાથી દૂર.
આવે છે દૃશ્ય આંખમાં ઝાંખું કે આંધળું,
દૃશ્યો ને શું થયું કે રહે સામનાથી દૂર.
વળગ્યું છે સ્તબ્ધ તાળું ભીંસોભીંસ બારણે,
ચાલ્યું ગયું બધું જ હવે શક્યતાથી દૂર.
કોને ખબર, રમેશ…..કયા માર્ગ પર થઈ,
આ આપણે પહોંચ્યા અહીં આપણાથી દૂર……
– રમેશ પારેખ
ગઝલકારોનો રાફડો ફાટી નીકળ્યો છે અને થોકબંધ ગઝલોનો ફાલ ઊતરી રહ્યો છે. છંદની આવડત અને રદીફ-કાફિયાની ટેકનિક હસ્તગત થઈ ગઈ હોવાના કારણે ચારેતરફ બધા જ સામયિકો, ફેસબુક, ઓર્કૂટ પર ગઝલ જ ગઝલ નજરે ચડે છે… ગઝલોના આ ઘુઘવાટા મારતા મહેરામણ વચ્ચે આ છે સાચી દીવાદાંડી !
(ટાઇપ સૌજન્ય: રીના બદિયાની માણેક)
Permalink
November 18, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
એકબીજામાં વાદળ ભળે એ રીતે
કોઈ નજદીક આવે, મળે એ રીતે !
એ અહીંથી જઈને અહીં આવશે
એક રસ્તો જ પાછો વળે એ રીતે !
હોય નહીં સાવ પાસે છતાં હોય તે
સાદ પાડો અને સાંભળે એ રીતે !
જાણે હમણાં જ કાંઠાઓ તૂટી જશે
જળ સમંદર મહીં ઊછળે એ રીતે !
હું બળું છું અને તેય અંદર ફકત
એક કમરામાં દીવો બળે એ રીતે !
– ભરત વિંઝુડા
પાંચેપાંચ શેર આસ્વાદ્ય… સરવાળે ‘ખરી’ ગઝલ !
Permalink
November 15, 2011 at 8:06 PM by ધવલ · Filed under ગઝલ, શોભિત દેસાઈ
બધાં સામ્રાજ્ય તૂટ્યાં અલ્પતાથી,
તિમિર ડરતું રહે છે આગિયાથી.
લઈ આવ્યા ચમક તારાઓ ત્યાંથી,
મળ્યું છે આભને અંધારું જ્યાંથી.
સુગંધોના, તમે જે મોકલ્યા એ,
લઈ લીધા મેં સંદેશા હવાથી.
અલગ ઊભો રહી જોયા કરું છું,
બધા કયાં જાય છે ? આવે છે ક્યાંથી ?
જનારો ક્યારનો ચાલ્યો ગયો છે,
હવે શો ફાયદો ભેગા થવાથી !
– શોભિત દેસાઈ
પહેલો જ શેર બહુ મઝાનો છે. અલ્પનો પ્રભાવ અલ્પ જ હોય જરૂરી નથી. ઈતિહાસના પાના આ સત્યના ગવાહ છે. ને વળી, અલગ ઊભો રહી… તો એનાથી ચડે એવો શેર છે. સમ્યક થયા સિવાય સર્જક થવું અશક્ય છે.
Permalink
November 14, 2011 at 12:30 AM by તીર્થેશ · Filed under અમૃત ઘાયલ, ગઝલ
તલ તિલક લટ તખત મુગટ શું છે !
જો નથી કૈં ગુપત, પ્રગટ શું છે !
હોય જે સિદ્ધ એ જ જાણે છે,
દૂર શું છે અને નિકટ શું છે !
તેં નથી કેશની તથા જોઈ,
આજ અંધાર શું છે – પટ શું છે !
લાટ કન્યાઓ જોવા આવે છે,
એક લાડી છે એની લટ શું છે !
ડૂબવાની ન છૂટ તરવાની,
તો પછી સિંધુ શું છે તટ શું છે !
જૂઠને પણ હું સાચ સમજું છું,
મારી જાણે બલા કપટ શું છે !
વ્હેલા મોડું જવું જ છે તો રામ,
શી ઉતાવળ છે એવી ઝટ શું છે !
કોઈ પણ વેશ ભજવે છે માનવ
એ નથી જો મહાન નટ શું છે !
અંત વેળા ખબર પડી ‘ઘાયલ’
તત્ત્વત: દીપ શું છે ઘટ શું છે !
– અમૃત ઘાયલ
ઘાયલસાહેબની એક લાક્ષણિક ગઝલ….
Permalink
November 13, 2011 at 2:00 AM by તીર્થેશ · Filed under ગઝલ, મકરન્દ દવે
મજેદાર કોઈ બહાનું મળે,
અને આંખમાં કાંક છાનું મળે !
કહું શું ? કદી તારે ચરણે નમી,
ખરેલું મને મારું પાનું મળે.
ખબર છે તને મારી ખાતાવહી,
છતાં જો તો, લેણું કશાનું મળે.
વધે છે તરસ તેમ રણ છો વધે,
કહીં ભીનું છલ તો સુહાનું મળે.
હવે થાય છે તારી પાંપણ મહીં,
દરદ ઘેરા દિલને બિછાનું મળે.
Permalink
November 12, 2011 at 12:12 AM by વિવેક · Filed under અંજની ગીત, કાન્ત
“આકાશે એની એ તારા :
એની એ જ્યોત્સ્નાની ધારા :
તરુણ નિશા એની એ : દારા –
. ક્યાં છે એની એ ?
“શું એ હાવાં નહિ જોવાની ?
આંખડલી શું નહિ લ્હોવાની ?
ત્યાંયે ત્યારે શું રોવાની –
. દારા એની એ ?”
* * *
“છે, જ્યાં છે સ્વામીની તારા !
સ્વર્ગોની જ્યોત્સ્નાની ધારા :
નહિ જ નિશા જ્યાં આવે, દારા –
. ત્યાં છે એની એ !
“છે ત્યારે એ ત્યાં જોવાની :
આંખડલી એ ત્યાં લ્હોવાની :
સ્વામી સાથે નહિ રોવાની –
. દારા એની એ !”
– કાન્ત
ગઈકાલે આપણે અંજની ગીત વિશે જાણ્યું. આજે આ કાવ્યના ગુજરાતીમાં પ્રણેતા ગણાતા કવિ કાન્તનું એક અંજની ગીત. અસલ અંજની ગીત માત્ર બે જ ચરણનું હતું જેમાં નિરવધિ વિયોગની નિરાશા પ્રગટ થાય છે. પાછળથી કવિ કાન્તે ધર્મપરિવર્તન કર્યું અને સ્વર્ગમાં ફરી મળવાની આશા પ્રગટ કરતા બીજા બે ફકરા એમાં ઊમેર્યા. જો કે વિદ્વાનોને પાછળથી ઉમેરેલા પદમાં કવિતા બગડી હોવાનું અનુભવાયું છે. (સૌજન્ય: શ્રી ચન્દ્રકાન્ત શેઠ સંપાદિત ‘કાન્તનો પૂર્વાલાપ’)
લયસ્તરોના વાચકો માટે ફૂદડી મૂકીને મૂળ અને નવા- એમ બંને પાઠ અહીં રજૂ કર્યા છે.
*
વિપ્રયોગ = સ્વજન કે પ્રિયજનનો સહવાસ નહિ તે; વિયોગ; વિખૂટા પડવું તે; વિપ્રલંભ
દારા = પત્ની
જ્યોત્સ્ના = ચાંદની, એ નામની ચંદ્રની એક કળા (અમૃતા, માનદા, પૃષા, તુષ્ટિ, પુષ્ટિ, રતિ, ધૃતિ, શશિની, ચંદ્રિકા, કાંતિ, જ્યોત્સ્ના, શ્રી, પ્રીતિ, અંગદા, પૂર્ણા ને પૂર્ણામૃતા એ ચંદ્રની સોળ કલા છે)
Permalink
November 11, 2011 at 12:35 AM by વિવેક · Filed under અંજની ગીત, મનોજ ખંડેરિયા
આ ઘરની ભીંતો ને ઝાંપો
એને એવો ધક્કો આપો
આઘે દૂર ક્ષિતિજે સ્થાપો
. ત્યાર પછી જુઓ !
ઘરની આ સંકડાશ ન રહેશે
ઓછો કૈં અજવાશ ન રહેશે
ગૂંગળામણના શ્વાસ ન રહેશે
. ત્યાર પછી જીવો !
-મનોજ ખંડેરિયા
*
ગુજરાતી ભાષામાં અંજનીગીતો બહુ ઓછા લખાય છે, પણ મનોજ ખંડેરિયાએ તો ‘અંજની’ નામે આખેઆખો સંગ્રહ આપણને આપ્યો છે. આધુનિક ગીતકાવ્યસ્વરૂપમાં રસ હોય એ મિત્રોને આ કાવ્યસ્વરૂપ ચોક્કસ પસંદ આવશે. પ્રચલિત ગીતની સરખામણીમાં અંજનીગીત અત્યંત લાઘવ ધરાવતું કાવ્યસ્વરૂપ હોવાથી ગાગરમાં સાગર ભરવાનું કવિકૌશલ્ય અનિવાર્ય બની રહે છે. શબ્દોની કરકસર વડે ઉત્કટ ભાવોર્મિનું બારીક નક્શીકામ અંજનીગીતની પૂર્વશરત બની રહે છે. પ્રસ્તુત અંજનીગીત દરેક મોરચે પાર ઉતરે છે. કવિ ઘરના ભીંટ-ઝાંપાને ધક્કો દઈને દૂર ક્ષિતિજે લઈ જઈ સ્થાપવાની વાત કરે છે. મતલબ સાફ છે. આ કંઈ માત્ર ઈંટ-સિમેન્ટના બનેલા આપણા ઘરની સંકડામણ દૂર કરવાની વાત નથી. આ વાત તો છે આપણા મનની, આપણા જીવનની, આપણા સંબંધોની અને આપણા હોવાપણાની ક્ષિતિજો વિસ્તારવાની. ઉમાશંકરનો ‘વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી’નો શંખનાદ પણ અહીં સંભળાય છે. સંકુચિતતાનો ત્યાગ કરીએ, ત્યારે જીવનમાં ન તો અજવાસની ઓછપ રહેશે, ન તો શ્વાસ લેવામાં કોઈ ગૂંગળામણ અનુભવાશે. રાજેન્દ્ર શાહનું લઘુકાવ્ય પણ આ તબક્કે યાદ આવ્યા વિના નહીં રહે: ‘ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા.’*
અંજની કાવ્ય વિશે શ્રી રામનારાયણ વિ. પાઠક ‘બૃહત્ પિંગળ’માં આપેલી જાણકારીના હિસાબે એમ કહી શકાય કે જેમ સૉનેટ, હાઈકુ, ગઝલ એમ અંજની ગીત પણ આપણે ત્યાં અન્ય સાહિત્ય (મરાઠી)માંથી આયાત થયેલો કાવ્યપ્રકાર છે. ગુજરાતી ભાષામાં સૌથી પહેલું અંજની ગીત કાન્તે લખ્યું જણાય છે… (જો કે એ પહેલાં કાન્તના મિત્ર રાજારામ રામશંકરના ગુજરાતી ભાષાંતરમાં પણ અંજની કાવ્ય કહી શકાય એવી એક રચના જડી આવે છે)
અંજની ગીતમાં પહેલી ત્રણ પંક્તિઓ સોળ સોળ માત્રાની અને એક જ પ્રાસ ધરાવે છે. એમાં ચાર ચતુષ્કલ (ગાગા) સંધિઓ આવે છે. ચોથી પંક્તિ ટૂંકી છે, દસ માત્રાની છે, ઉપરના પ્રાસથી વિખૂટી છે. આની ખાસ ખૂબી એ છે કે ત્રીજી પંક્તિ પ્રાસથી આગલી બે પંક્તિ સાથે સંધાયેલી હોય છે, છતાં પઠનમાં એ ચોથી સાથે વધારે ગાઢ રીતે સંધાયેલી હોવાથી એક સુંદર ભંગીનો અનુભવ થાય છે. છંદના જાણકાર માટે અંજની ગીતની ઉત્થાપનિકા આ પ્રમાણે થાય:
દાદા દાદા દાદા ગાગા
દાદા દાદા દાદા ગાગા
દાદા દાદા દાદા ગાગા
દાદા દાદા દા – —
Permalink
November 10, 2011 at 9:00 PM by ઊર્મિ · Filed under અછાંદસ, પન્ના નાયક
આપણે તો છીએ
પુસ્તકનાં સામસામાં બે પૃષ્ઠો –
સંપૃક્ત પણ અલગ અલગ
માત્ર સિવાઈ ગયેલાં
કોઈ ઋણાનુબંધના દોરાથી !
– પન્ના નાયક
અંત સુધી પહોંચતા સોય જેવું લાગતું આશ્ચર્યચિહ્ન જાણે ખુદ ભોંકાય છે અને વેદનાનો તીવ્ર અનુભવ કરાવી જાય છે… મધુસુદનભાઈ કાપડિયાનાં શબ્દોમાં કહું તો: ‘પુસ્તકનાં પૃષ્ઠો’ ના જોડાક્ષરો અને અઘોષ વર્ણોમાં કેવી કઠોરતા છે; ‘સિવાઈ ગયેલાં’ એ ક્રિયાપદ કોઈ જીવતેજીવત પડખાંને બખિયા ભરી લેતું હોય તેવી વેદનાનો અનુભવ કરાવે છે અને પતિપત્નીને પુસ્તકનાં પૃષ્ઠો સાથે સરખાવીને તથા ઋણાનુબંધના દોરાથી પેલાં પૃષ્ઠોની માફક સિવાઈ ગયેલાં નિરૂપાતાં રૂપક સાંગોપાંગ અને સંઘેડાઉતાર નીવડે છે.
Permalink
November 8, 2011 at 10:39 PM by ધવલ · Filed under મુક્તક, સંદીપ ભાટિયા
શ્વસ અનંતોમાં
ઊડ પતંગોમાં
પોઢ ગઝલોમાં
ઊઠ અભંગોમાં
– સંદીપ ભાટિયા
ગઈકાલે તુકારામની વાત નીકળી એના પરથી આ અભંગોને સાંકળી લેતું મુક્તક યાદ આવી ગયુ. મુક્તક નાનકડું છે, પણ છે ખરું મોતી.
Permalink
November 7, 2011 at 7:16 PM by ધવલ · Filed under અછાંદસ, અશ્વિની બાપટ, વિંદા કરંદીકર
તુકોબાને મળવા શેક્સપિયર આવ્યો,
તે થયો ઉત્સવ દુકાનમાં.
મિલન તે રૂડું હૈયેહૈયું મળ્યું
માંહ્યલાનું ઠેઠ માંહ્યલામાં
તુકા કહે, "વિલ્યા, તારું કામ છે મહાન
આખોયે સંસાર ઊભો કરી દીધો."
શેક્સપિયર કહે, "એક તોય બાકી
તેં જે જોયા, ઈંટ પરે."
તુકા કહે, "બાબા, એ તો થયું સારું
તેથી પડી તિરાડો સંસાર માંહે
વિઠ્ઠલ અટ્ટલ રીત એની ન્યારી
મારી પાટી કોરી લખીનેય."
શેક્સપિયર કહે, "તારા શબ્દ થકી
માટીમાં રમિયા શબ્દાતીત"
તુકા કહે, "સાંભળ ઘંટ તે મંદિર,
કર્કશા ઘરે જુએ છે વાટ"
બેઉ પડ્યા છુટ્ટા ગયા પોતાની વાટે
કૌતુક આકાશનું, ઉભરાય.
– વિંદા કરંદીકર
(અનુ. અશ્વિની બાપટ)
તુકારામ અને શેક્સપિયર મળે એ કલ્પના જ કેટલી રોમાંચક છે ! શબ્દ અને સત્યને નજીકથી ચકાસનાર બે મહાનુભવોનો સંવાદ માણો.
Permalink
November 6, 2011 at 12:38 AM by વિવેક · Filed under અછાંદસ, ઉશનસ્
(આવજો…. ….મારા કેમેરાની આંખે, સુરત, ૧૦-૦૧-૨૦૦૯)
*
કવિશ્રી નટવરલાલ કુબેરભાઈ પંડ્યા ‘ઉશનસ્’ નામનો એક યુગ આજે અસ્ત થયો. વડોદરાના સાવલી ખાતે ૨૮-૦૯-૧૯૨૦ના જન્મેલા કવિશ્રીએ વલસાડને એમની કર્મભૂમિ બનાવી. ત્યાંની આર્ટ્સ કોલેજમાં આચાર્ય રહ્યા. કવિતાને એમણે ચાહી કે કવિતાએ એમને ચાહ્યા એ કહેવું દોહ્યલું છે. વિપુલમાત્રામાં વિવિધતાસભર કાવ્યો એમણે આપ્યા. અન્ય યુગપુરુષ કવિઓની જેમ નવા યુગની કવિતા- ખાસ તો ગઝલ સામે નાકનું ટોચકું ચડાવવાને બદલે એમણે પોતાની સ્થિતિસ્થાપકતાનો સબળ પુરાવો આપીને આખો ગઝલ સંગ્રહ પણ આપ્યો… ગઈ કાલ અને આજની વચ્ચે આવું અદભુત સમતુલન જાળવી શકનાર ગુજરાતી કવિ ભાગ્યે જ બીજો કોઈ થયો હશે…
લયસ્તરો ટીમ તરફથી આ યુગપુરુષને સાદર શ્રદ્ધાંજલિ !
*
(કવિશ્રીના વલસાડના નિવાસ સ્થાને મારા સંગ્રહો સ્વીકારવાની ક્ષણે, ૦૬-૦૩-૨૦૧૧)
*
તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી !
ને ચરણ ક્યાં જતાકને અટકીને ઊભા રહ્યા !
ચરણો ચાલી ચાલીને પોતાનાં ઘરઆંગણે
પોતાની સામેસ્તો આવીને ઊભા રહ્યા !
છેવટે તો આ યાત્રા મુખ મુખની સુખયાત્રા હતી !
કેટકેટલાં મુખોને ચૂપચૂપ ચાહવાનું મળ્યું !
અને બધાં જ મુખોમાં તારી જ રેખાના
ઉઘાડની ઓળખ એ તો આ પ્રેમયાત્રાની ફલશ્રુતિ છે.
તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો, ને હે પૃથ્વી !
ક્યાં આવતોક ને ઊભો રહ્યો ! છેવટે મારી સામે જ !
તને સમજવા નીકળ્યો હતો
ને આવીને ઊભો છું પ્રેમના એક આંસુની આગળ !
– અહંકાર થોડોકે ઓગળ્યો હોય તો સારું.
તને સમજવા નીકળ્યો હતો મોટા ઉપાડે
એક દિવસ જ્ઞાનયાત્રાએ,
ને પ્રેમયાત્રાને અંતે છેવટ ઘેર આવીને ઊભો છું !
તને તો શું સમજી શક્વાનો હતો ?
હું મને થોડોકેય સમજી શક્યો હોઉં તો સારું.
– ઉશનસ્
(મારા સંગ્રહોમાંથી પસાર થઈ રહેલો ઇતિહાસ… વલસાડ, ૦૬-૦૩-૨૦૧૧)
Permalink
November 5, 2011 at 1:55 AM by વિવેક · Filed under ગઝલ, જ્યોતિ હિરાણી
આભથી આ પરબારું આવ્યું દીવો કરજો
લ્યો ગાઢું અંધારું આવ્યું દીવો કરજો
પીડા જેવું ઝાંખુ ધુમ્મસ ફેલાયું છે
આવ્યું તો અણધારું આવ્યું દીવો કરજો
ભીંતોને ભેટીને ઊભા છે પડછાયાઓ
કોણ અહીં નોંધારું આવ્યું દીવો કરજો
આખો’દી પગ વાળી બેઠું જે આંખોમાં
સૂરજ ડૂબ્યે બારું આવ્યું દીવો કરજો
શબ્દો ચગળીને ઊડતું આ મૌનનું પંખી
લ્યો પાછું ઘરબારું આવ્યું દીવો કરજો
– જ્યોતિ હિરાણી
આ પાંચમાંથી કયો શેર વધુ ગમી જાય એવો છે એ નક્કી કરવું દુષ્કર બની જાય એવી મજાની ગઝલ કવયિત્રી લઈ આવ્યા છે. દીવો કરીએ ત્યારે એનું અજવાળું સતત નવા રૂપ ધરતું આપણે અનુભવ્યું છે. એ જ રીતે ‘દીવો કરજો’ જેવી મજાની રદીફ પોતે જ અનેકાનેક અર્થચ્છાયાઓ ધરાવે છે… અને એ રદીફને સાંકળી લેતા બધા જ શેર ખૂબ સાચવીને ખોલવા જેવા થયા છે.. થોડી પણ ઉતાવળ આ ગઝલને અન્યાય કરી બેસે એમ છે…
Permalink
November 4, 2011 at 10:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, હરદ્વાર ગોસ્વામી
દોસ્ત, સૌના આભનો આવી રીતે થાતો મરો,
સૌને સૌના સૂર્યનો કરવો પડે છે ખરખરો.
આવી છે જ્યાં પર્વતાઈ આ સમંદરમાં જરા,
ચૂપ થયા ઝરણા બધા, જાણે ઉભા છે પથ્થરો.
આપણે ક્યારેય પણ જેને મળ્યા ના હોય, ને-
આપણામાં રાત-દિન એના વિશે મુશાયરો.
જિંદગીભર આપની શાહી વિશે અક્ષર બનું,
સાવ કોરા કાગળે જીવી બતાવો સાક્ષરો.
એ પછી સૌ ધારણામાં તું હશે ‘હરદ્વાર’ પણ,
સૌ પ્રથમ હોવા વિશેની ધારણા પૂરી કરો.
– હરદ્વાર ગોસ્વામી
ભીતરમાં થતો મુશાયરો અને કોરા કાગળે જીવી બતાવતા સાક્ષરો… મસ્ત-મજાની ગઝલ !
Permalink
November 3, 2011 at 10:00 PM by વિવેક · Filed under ગઝલ, વારિજ લુહાર
મારું નસીબ છે હજી મારા નસીબમાં,
તેથી જ રોજ હોય છે તુયં પણ નજીકમાં.
ત્યારે કદાચ આવશે પંખી નવાં-નવાં,
જળનું હશે ન એક પણ ટીપુંય ઠીબમાં.
મારો અવાજ શોધશે મારા અવાજને,
દરિયોય હાથ લાગશે ક્યારેક છીપમાં.
પળનો હિસાબ છેવટે પળમાં જ માગશે,
કંઈ પણ પછી ન ચાલશે દાવા-દલીલમાં.
ઊડી ગયેલ પાંખનો ઉકેલ શોધતાં,
મળશે ખરેલ એક-બી પીંછાં જ ઠીબમાં.
– વારિજ લુહાર
છીપમાં દરિયો મળી આવે એવી ઊંડી ગઝલ…
(ઠીબ = મોટું પહોળું અને ઊંડું ઠીકરું)
Permalink
November 2, 2011 at 11:34 PM by ધવલ · Filed under અછાંદસ, કિશોર શાહ
ધખધખતા રણમાં
એક અજાણ્યા કૂવામાંથી
હું તળિયા વગરની ડોલ વડે
કશુંક સીંચું છું
અને પછી
હવાથી મોઢું ધોઈને
આગળ આગળ જાઉં છું.
– કિશોર શાહ
મોઢું શેનાથી ધોયું એ કવિ કહે છે – હવાથી. પણ શું સીંચ્યું એ કવિ કહેતા નથી. તળિયા વગરની ડોલમાં શું હોય ? એનો જવાબ આપણને બધાને ખબર છે. તોય કવિ કહેતા નથી કે શું સીંચ્યું. આખી ઘટના એબ્સર્ડ છે. છતા કવિ એનું વર્ણન કરે છે. પણ આખી ઘટનામાં મુખ્ય વાતનો એટલે કે ‘પાણી’નો ઉલ્લેખ કવિ કરતા નથી.
તો પછી આ કવિતા કહે છે શું ?
આ આશા, શક્યતા અને વિશ્વાસની વાત છે. માણસ આ આખી ઘટનામાંથી પાણીની બાદબાકી કરીને એની જગ્યાએ આશા, શક્યતા અને વિશ્વાસ ભરી દે તો ? – શક્ય છે કે આટલી ક્રિયા માત્રથી પણ માણસને આગળ વધવાની હિંમત મળી જાય. શક્ય છે કે માણસની આટલી હિંમત જોઈને રણને પણ પસીનો પડી જાય 🙂
Permalink
November 1, 2011 at 10:08 PM by ધવલ · Filed under ગઝલ, સંદીપ ભાટિયા
બે’કત્રણ જીવ્યાની ક્ષણમાં કેટલા વ્રણ સંભવે ?
આંખ સામે ભીંત જેવા કેટલા જણ સંભવે ?
હાથ તો ડૂંડા સમા થઈ જાય ઊંચા પણ પછી
બંધ મુઠ્ઠીને કણસલે કેટલા કણ સંભવે ?
પગરવોની શક્યતા ડમરી બની ઊડ્યા કરે
પાંપણોના પાદરે ભીનાશનું ધણ સંભવે.
– સંદીપ ભાટિયા
આ લઘુ-ગઝલમાં દરેક શેર નાની વાર્તા સમો થયો છે. પહેલા શેર પરથી તો કેટલી ય કથાઓ આંખો સામે તરવરી જાય છે.
Permalink