કબીર – અનુ.-પિનાકિન ત્રિવેદી-રણધીર ઉપાધ્યાય
લાલી મેરે લાલકી જિત દેખોં તિત લાલ,
લાલી દેખન મૈં ગઇ મૈ ભી હો ગઇ લાલ.
ઉલટિ સમાના આપ મેં પ્રગટી જોતિ અનંત,
સાહબ સેવક એક સંગ ખેલેં સદા બસંત.
જોગી હુઆ ઝલક લગી મિટિ ગયા એંચાતાન,
ઉલટિ સમાના આપ મેં હૂઆ બ્રહ્મ સમાન.
સુરતિ સમાની નિરતિ મેં અજપા માહી જાપ,
લેખ સમાના અલખમેં આપા માહીં આપ.
જો જન બિરહી નામ કે સદા મગન મનમાંહિં,
જ્યોં દરપન કી સુંદરી કિનહૂં પકડી નાહિં.
ચીંટી ચાવલ લૈ ચલી બિચમેં મિલ ગઈ દાર,
કહ કબીર દોઉં ના મિલૈ એક લે દૂજી ડાર.
-કબીર
૧- મારા પ્રભુની લીલા એવી છે કે હું જ્યાં જોઉં ત્યાં મને લાલ[ તેની લીલા જ ] જ દેખાય છે. આ લાલીને હું જોવા ગઇ તો હું પોતે લાલ થઈ ગઈ……
૨- બહાર ભટકતો એવો હું ઊલટો ફરીને-અંતર્મુખ થઈને સ્વ-રૂપમાં સમાઈ ગયો એટલે અનંતની દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ. પછી સ્વામી અને સેવક સદાયે સાથે જ વસંત ખેલતા થઈ ગયા.
૩- પરમ તત્વની ઝાંખી માત્રથી બધીય ખેંચતાણ ટળી ગઈ. મારું અસ્તિત્વ [ અહમ ] ઓગળી ગયું એટલે અહમ પણ બ્રહ્મરૂપ થઈ ગયું.
૪- સુરતિ [ આત્મા ] નિરતિમાં [ આનંદ-સ્વરૂપ પરમાત્મા ] સમાઈ ગઈ અને સ્થૂળ જાપ અંતરમાં ચાલ્યા કરતા અખંડ જપમાં વિલીન થઈ ગયા. લક્ષ્યમાં આવતું દ્રશ્ય અલખમાં સમાઈ ગયું અને દ્વૈતની ભ્રમણા તૂટી અને અદ્વૈત સિદ્ધ થઈ ગયું.
૫- પ્રભુ-વિયોગમાં તડપતા સર્વકોઈ સદાયે અંતર્મુખ થઈને મનમાં જ તલ્લીન રહે છે. દર્પણમાં દેખાતી સુંદરીને જેમ કોઈ પકડી નથી શકતું તેમ આવા વિરહીને કોઈ પામી નથી શકતું.
૬- કીડી [ જીવ ] ચોખાનો દાણો [ આત્મતત્ત્વ ] લઈને ચાલી નીકળી. રસ્તામાં એને દાળનો દાણો [ રંગીન સંસાર ] મળી ગયો. કબીર કહે છે કે બંનેને એક સાથે રખાય તેમ નથી. એટલે એક લેવું હોય તો બીજું મૂકી દેવું પડે.