કબીર – અનુ. પિનાકિન ત્રિવેદી / રણધીર ઉપાધ્યાય
યહ તો ઘર હૈ પ્રેમકા ખાલાકા ઘર નાહિં,
સીસ ઉતારૈ ભુઇ ધરૈ તબ પૈઠે ઘર માહિં.
પ્રેમ પિયાલા જો પીયૈ સીસ દચ્છિના દેય,
લોભી સીસ ન દે સકે નામ પ્રેમ કા લેય.
છિનહિં ચઢૈ છિન ઉતરૈ સોં તો પ્રેમ ન હોય,
અઘટ પ્રેમ પિંજર બસૈ પ્રેમ કહાવૈ સોય.
જબ મૈં થા તબ ગુરુ નહીં અબ ગુરુ હૈં હમ નાહિં,
પ્રેમ ગલી અતિ સાંકરી તામેં દો ન સમાહિં.
જા ઘટ પ્રેમ ન સંચરે સો ઘટ જાન મસાન,
જૈસે ખાલ લોહારકી સાંસ લેત બીનું પ્રાન.
ઉઠા બગૂલા પ્રેમકા તિનકા ઉડા અકાસ,
તિનકા તિનકાસે મિલા તિનકા તિન કે પાસ.
કબિરા પ્યાલા પ્રેમકા અંતર લિયા લગાય,
રોમ રોમ મેં રમિ રહા ઔર અમલ ક્યા ખાય.
આ તો પ્રેમનું ઘર છે નહિ કે માસીનું ઘર. અહીં તો માથું ઉતારી ભોંયે ધરે તેને જ પ્રવેશ મળે.
પ્રેમનો પ્યાલો પીનાર દક્ષિણામાં મસ્તક ઉતારી દે છે. લોભી માત્ર પ્રેમનું નામ લઇ શકે છે-એ મસ્તક ક્યાંથી ઉતારી આપે ?
ઘડીમાં ચડે અને ઘડીમાં ઊતરી જાય તેને કંઈ પ્રેમ ન કહેવાય. પ્રેમ તો એ જ કહેવાય જે દેહ પિંજરમાં વસવા છતાંએ સ્થૂળના આધાર વિનાનો હોય છે.
જ્યાં સુધી ‘હું'[અહંકાર] હતો ત્યાં સુધી ગુરુ [પરમાત્મા] ન હતા અને હવે ગુરુ જ છે,’હું’ નથી. આ પ્રેમની ગલી તો અત્યંત સાંકડી છે,એમાં બે ન સમાય.
એ જીવન સ્મશાનવત છે જેમાં પ્રેમનો સંચાર નથી થયો. શ્વાસ તો લુહારની ધમણ પણ લે છે, પણ તેમાં પ્રાણ ક્યા છે ?
પ્રેમનો વંટોળ જાગ્યો. માનવમાં રહેલું પ્રેમરૂપી તરણું બ્રહ્માંડમાં ઉઠ્યું. તે પ્રભુપ્રેમ રૂપી તરણાને મળ્યું. આમ પ્રભુનો પ્રેમ જે માનવમાં રહ્યો હતો તે પાછો પ્રભુ પાસે પહોંચ્યો. [ અર્થાત, ઘણીવાર માનવ ઈશ્વરની લીલાને સમજી નથી શકતો અને વંટોળિયાને આફતરૂપ ગણે છે. હકીકતમાં તે ઈશ્વરની અસીમ કૃપા જ વેશ બદલીને કાર્ય કરતી હોય છે.]
કબીરના હૈયાએ પ્રેમનો પ્યાલો પીધો છે,તેને હવે બીજા નશાની શી જરૂર ?
pragnaju said,
November 20, 2011 @ 8:25 AM
.ખૂબ સુંદર કબીરના દોહા અને સરસ સમજુતી
યહ તો ઘર હૈ પ્રેમકા ખાલાકા ઘર નાહિં,
સીસ ઉતારૈ ભુઇ ધરૈ તબ પૈઠે ઘર માહિં.
અરબી ભાષામાં કબીરનો અર્થ ‘મહાન’ થાય છે. કબીરદાસ ભારતનાં ભક્તિ કાવ્ય પરંપરાનાં મહાનતમ કવિઓમાંના એક હતા.ભારતમાં ધર્મ, ભાષા કે સંસ્કૃતિ કોઇ પણની ચર્ચા કબીરની ચર્ચા વિના અધૂરીજ ગણાય. કબીરપંથી,એક ધાર્મિક સમુદાય જે કબીરનાં સિદ્ધાંતો અને ઉપદેશોને પોતાની જીવન શૈલીનો આધાર માને છે,
કબીરના રામ- તો અગમ છે અને સંસારના કણ-કણમાં વિરાજે છે. કબીરના રામ ઇસ્લામના એકેશ્વરવાદી, એકસત્તાવાદી ખુદા પણ નથી. ઇસ્લામમાં ખુદા કે અલ્લાહને સમસ્ત જગત તેમજ જીવોથી ભિન્ન તેમજ પરમ સમર્થ માનવામાં આવે છે. પણ કબીરના રામ પરમ સમર્થ ભલે હોય, પણ સમસ્ત જીવો અને જગતથી ભિન્ન તો કદાપિ નથી. અપિતુ આથી વિપરીત તેઓ તો બધામાં વ્યાપ્ત રહેવાવાળા રમતા રામ છે. તેઓ કહે છે:
વિવેક said,
November 21, 2011 @ 1:16 AM
ખૂબ જ સુંદર… મૂળ રચના અને અનુવાદ બંને મજાના… એક -એક વાક્ય હૈયે કંડારી રાખવા સમું…