ભીંજાવામાં નડતર જેવું લાગે છે :
શરીર સુદ્ધાં, બખ્તર જેવું લાગે છે.

મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ,
”ઊઘડી જઈએ : અવસર જેવું લાગે છે…”
ઉદયન ઠક્કર

ગઝલ – રમેશ પારેખ

ઘર બંધ છે ને હાથ પડ્યા છે હવાથી દૂર,
લાગે છે આ જગા છે બધીયે જગાથી દૂર.

પ્રસરી છે એક ખીણ સકળ દરમિયાનમાં,
એક પાંદડું પડ્યું છે અહીં ઝાડવાથી દૂર.

થીજી ગયાં છે માનસરોવર અવાજનાં,
ને પંખીઓ વસે છે હવે કલ્પનાથી દૂર.

આવે છે દૃશ્ય આંખમાં ઝાંખું કે આંધળું,
દૃશ્યો ને શું થયું કે રહે સામનાથી દૂર.

વળગ્યું છે સ્તબ્ધ તાળું ભીંસોભીંસ બારણે,
ચાલ્યું ગયું બધું જ હવે શક્યતાથી દૂર.

કોને ખબર, રમેશ…..કયા માર્ગ પર થઈ,
આ આપણે પહોંચ્યા અહીં આપણાથી દૂર……

– રમેશ પારેખ

ગઝલકારોનો રાફડો ફાટી નીકળ્યો છે અને થોકબંધ ગઝલોનો ફાલ ઊતરી રહ્યો છે. છંદની આવડત અને રદીફ-કાફિયાની ટેકનિક હસ્તગત થઈ ગઈ હોવાના કારણે ચારેતરફ બધા જ સામયિકો, ફેસબુક, ઓર્કૂટ પર ગઝલ જ ગઝલ નજરે ચડે છે… ગઝલોના આ ઘુઘવાટા મારતા મહેરામણ વચ્ચે આ છે સાચી દીવાદાંડી !

(ટાઇપ સૌજન્ય: રીના બદિયાની માણેક)

6 Comments »

  1. pragnaju said,

    November 19, 2011 @ 7:54 AM

    સર્વાંગ સુંદરનો આ શેર મનને ભાવી ગયો
    પ્રસરી છે એક ખીણ સકળ દરમિયાનમાં,
    એક પાંદડું પડ્યું છે અહીં ઝાડવાથી દૂર.
    યાદ્
    પાંદડું કહે કે, મારે અડવું આકાશને
    ને તું મને શા માટે બાંધતું ?
    ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
    જે સૌ સાથે આપણને સાંધતું

    તૂટવાનો અર્થ તને અડકે નહીં , એને હું કહું મારો પ્રેમ !

  2. vijay joshi said,

    November 19, 2011 @ 5:12 PM

    બ્રાવો!
    જયારે શબ્દો કલ્પનાની પાંખ પકડી આકાશમાં છલાંગ મારે
    ત્યારે આખું વિશ્વ એક રંગભૂમિ બની જાય છે.
    મારું રછેલું એક હાઇકુ યાદ આવે છે

    નજીક છે કે
    દુર છે એ તો ફક્ત
    સાપેક્ષતા છે!

    વિજય જોશેી

  3. praheladprajapatidbhai said,

    November 19, 2011 @ 10:15 PM

    કોને ખબર, રમેશ…..કયા માર્ગ પર થઈ,
    આ આપણે પહોંચ્યા અહીં આપણાથી દૂર……

    અતિ સુન્દર

  4. Lata Hirani said,

    November 20, 2011 @ 7:33 AM

    વળગ્યું છે સ્તબ્ધ તાળું ભીંસોભીંસ બારણે,
    ચાલ્યું ગયું બધું જ હવે શક્યતાથી દૂર.

    અદભૂત….

    લતા હિરાણી

  5. ડૉ.મહેશ રાવલ said,

    November 22, 2011 @ 9:19 AM

    ગઝલ અને ગઝલની સાથેની સ-રસ “એક્ષ્પર્ટબયાની” બન્ને ગ્રાહ્ય અને આસ્વાદ્ય રહ્યા……-ગમ્યું.

  6. Bharat Trivedi said,

    December 14, 2011 @ 11:16 AM

    કોને ખબર, રમેશ…..કયા માર્ગ પર થઈ,
    આ આપણે પહોંચ્યા અહીં આપણાથી દૂર……

    એકાદ પણ આવા શેરથી ન્યાલ થઈ જવા જેવી વાત છે! રમેશભાઈએ લોખો દિલ જીતી લીધાં તે થોડો જ અકસ્માત છે !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment